ઉપનિષદ્ પાસેથી પામીએ મૃત્યુંજય વિદ્યા!
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- 'પરમાત્માને જાણવો હોય તો તેને માટે તમારે પાર્થિવ પદાર્થો, લોભામણા વિષયો અને આ ભૌતિક જગતથી ઉપર ઉઠવું પડે. અંતરના શાંત, અગાધ ઊંડાણમાં અવગાહન કરો, ત્યારે જ એ મહામૌક્તિક મળી રહે.'
- જેમ આકાશને ચામડાંની જેમ વીંટાળવું કે પહેરવું શક્ય નથી, તે રીતે પરમાત્માને જાણ્યા વિના દુ:ખનો આત્યંતિક ઉચ્છેદ કરવો (નાશ કરવો) એ પણ શક્ય નથી...
આ જે આપણી સત્સંગ સભામાં પધારે છે ઉપનિષદ્ના દ્રષ્ટા એવા મહાન ઋષિઓ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે આત્મજ્ઞાન અને એથી જ આપણા મહાન ઉપનિષદો અને સહુને કહે છે કે, 'માનવી પાસે એક આત્મા છે અને આત્મજ્ઞાનથી જ મનુષ્ય સર્વજ્ઞા થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એણે કંઇ કરવાનું રહેતું નથી.' આથી વ્યક્તિ એક જ આત્માને જાણે તો એ સંસાર સમુદ્રને પાર નીકળી જાય છે. આ ઉપનિષદ્ના ગ્રંથોમાં પરાવિદ્યા અને અપરાવિદ્યાની વાત કરી છે અને દર્શાવ્યું છે કે, 'પરાવિદ્યાથી જ પરમાત્મતત્ત્વનો અનુભવ થાય છે.' આથી આત્માના અપરોક્ષ અનુભવ માટે માનવીએ પ્રયત્નશીલ રહેવું જોઇએ, કારણ કે આ જ એના જીવનનો પરમ પુરુષાર્થ છે.
આમ એકબાજુ અંધકારમયી અવિદ્યા છે, તો બીજી બાજુ પ્રકાશમયી વિદ્યા છે. આ બંને જીવનમાં જુદાં જુદાં ફળ આપે છે. વિદ્યાનું ફળ મોક્ષ છે અને અવિદ્યાનું ફળ સાંસારિક છે અને આથી 'કેનોપનિષદ્'માં તો કહેવાયું છે કે, જે માનવીને આ મનુષ્યજન્મમાં આત્મજ્ઞાન થયું હોય, તો એ માનવીનો નાશ થતો નથી, પણ જો આત્મજ્ઞાન ન થાય તો એને ઘણી મોટી હાનિ થાય છે. એનું કારણ એ કે એ પોતાના અવિનાશી સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્તો નથી અને તેને પરિણામે એ માનવી ફરીથી જન્મ-મરણરૂપ સંસારના પ્રવાહમાં ઘસડાતો રહે છે અને અનેક પ્રકારનાં સુખ-દુ:ખ ભોગવે છે.
જ્યારે બીજી બાજુ ઉપનિષદો કહે છે કે, જો માનવીને આ જન્મમાં આત્મજ્ઞાન થાય, તો એને પોતાના અવિનાશી સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે અને એ સાક્ષાત્કાર અ-મૃત બની જાય છે. આથી આવો માનવી એ જન્મ મરણરૂપ સંસારમાંથી મુક્તિ પામે છે અને પુનર્જન્મ પામતો નથી. આ સંદર્ભમાં 'શ્વેતાશ્વતર ઉપનિષદ્'માં એક માર્મિક વિધાન કરવામાં આવ્યું છે. જરા એ આપણી આ સત્સંગસભામાં જોઇએ.
આ ઉપનિષદ કહે છે કે, જેમ આકાશને ચામડાંની જેમ વીંટાળવું કે પહેરવું શક્ય નથી, તે રીતે પરમાત્માને જાણ્યા વિના દુ:ખનો આત્યંતિક ઉચ્છેદ કરવો (નાશ કરવો) એ પણ શક્ય નથી.
આ દ્રષ્ટિએ જોઇએ તો ઉપનિદ્નો સાર એ જ કે જે આત્માને જાણે છે એ દુ:ખના સાગરને તરી જાય છે. આત્મજ્ઞાનને સંપાદન કરવા આપણે 'કઠોપનિષદ્' પર નજર દોડાવવી જોઇએ. આ 'કઠોપનિષદ્મા' યમ દ્વારા નચિકેતાને અપાયેલા એ ઉપદેશનું અહીં સ્મરણ કરીએ.
'તત્ત્વદર્શી ગુરુદ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન જ મોક્ષનું સાધન બને છે.' આમ ગુરુની અહીં મહત્તા કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો મુક્તાત્માની મહત્તાને અહીં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
પણમુક્તાત્મા બની શકાય કેમ ? આપણું મન જડ હોવા છતાં કોની મદદથી વિષયોનું ચિંતન-મનન કરે છે ? પ્રાણને શરીરમાં સંચરવાનું સામર્થ્ય કોણ પ્રદાન કરે છે ? વાણી કેવી રીતે બોલે છે, ને આંખ, કાન કેવી રીતે કોની શક્તિ દ્વારા જુએ છે તથા સાંભળે છે ? કોને લીધે જડ શરીર સજીવ જેવું લાગે છે ? કોને લીધે જીવન બને છે ને કોની અનુપસ્થિતિમાં શરીર અને ઇંદ્રિયોના સમસ્ત વ્યાપારો બંધ થવાથી, મરણ થાય છે ?
આ સંદર્ભમાં ઉપનિષદ્માંથી આપણે ઉત્તર ખોળીએ. પહેલી વાત તો એ છે કે વ્યક્તિના દેહમાં એક જીવાત્મા હોય છે અને બીજો આત્મા હોય છે. આ જીવાત્મા એ આ સંસારનો ભોગ ભોગવે છે, એનો ભાર ઉપાડે છે, એ અજ્ઞાની છે અને એ પોતાને ભોક્તા માને છે અને ભોગવવામાં જ એનું મન ડૂબેલું હોવાથી ઇંદ્રિયના વિષયને ભોગવવાનું સાધન માને છે.
જ્યારે જે આત્માને જાણે છે, તે જ્ઞાનીની દ્રષ્ટિમાં ભોગ એ કોઈ કૃત્ય નહીં, પણ ક્રિડા છે. આથી એ ક્રિડાને જ્ઞાની જીવનની હાર-જીત, નફા-નુકસાન કે સુખ-દુ:ખ સાથે સાંકળતો નથી, પરંતુ એક નિર્દોષ બાળકની માફક એ એની સાથે રમત ખેલતો હોય છે.
બીજા અર્થમાં કહીએ તો જીવાત્મા ભોગોની અંદર ડૂબેલો હોય છે, જ્યારે જ્ઞાની એ ભોગમાં લિપ્ત થવાને બદલે એને ભોગવવાનો માત્ર અનુભવ કરે છે. આ સંદર્ભમાં બે સોનેરી પાંખવાળા પક્ષીની માર્મિક કલ્પના મળે છે. આ બે પાંખવાળા પક્ષીઓ એક જ વૃક્ષનો આશ્રય લે છે અર્થાત્ જીવાત્મા અને આત્મા એ એક જ શરીરના આશ્રયે રહેલા હોય છે. બેમાંથી એક એ શરીર રૂપી પીપળના કર્મ ફળનો આસ્વાદ લે છે. અર્થાત્ શરીરનાં ભોગો ભોગવે છે, ઇંદ્રિયોનો આનંદ માણે છે એ સંસારમાં રત રહે છે. જ્યારે બીજું સોનેરી પાંખવાળું પક્ષી એનો ઉપભોગ કરવાને બદલે માત્ર સાક્ષી રૂપે એને જોયા કરે છે. આ ભાવને પ્રગટાવતી ચાર પંક્તિઓ જોઇએ.
મિત્રભાવનાં બે પક્ષી એક વૃક્ષ પર વાસ કરે,
એક સ્વાદ લે છે ફૂલનો ને બીજું માત્ર જોયા કરે.
જીવાત્મા અને પરમાત્મા આ શરીરમાં તેવાં રે' છે.
જીવ કર્મ ભોગ કરે, પરમાત્મા જોઇ રે' છે.
આ પંક્તિઓ કહે છે કે એક વૃક્ષ પર વસતા બે પક્ષીઓમાંથી એક એ ફૂલનો સ્વાદ લે છે અને બીજું પક્ષી માત્ર એને દૂરથી નિરખ્યા કરે છે. એક સંસારના ભોગમાં લિપ્ત થાય છે, તો બીજું અલિપ્ત રહે છે. હવે જે લિપ્ત થાય છે તે જીવાત્મા છે, તે અજ્ઞાની અને મૂઢ છે અને પોતે કર્તા અને ભોક્તાનો ભાવ રાખીને કર્મફળનો આસ્વાદ લે છે અને તેને પરિણામે એ જીવનમાં સુખી કે દુ:ખી થાય છે. આવો જીવ મોહગ્રસ્ત રહે છે, શોકગ્રસ્ત બને છે અને જુદા જુદા પ્રકારના રાગમાં ડૂબેલો હોય છે.
જ્યારે બીજું પક્ષી તે આત્મા છે. જે જ્ઞાની છે તે આત્મા છે, જે ન કર્મ કરે છે કે ન કર્મફળ ભોગવે છે. પરિણામે એ એના જીવનમાં સુખી કે દુ:ખી થતો નથી, કારણ કે એ સઘળું સાક્ષીભાવે જોયા કરે છે. શરીર કે ઇંદ્રિય જે ભોગ ભોગવે છે એને એ જોયા કરે છે અને તેને પરિણામે એ જીવનમાં શોકરહિત થાય છે. આ ઉપનિષદ્ એક સુંદર વાત કરે છે. જરા એને પણ અહીં સમજીએ.
ઉપનિષદ્ કહે છે કે, આપણે એમ માનીએ છીએ કે આપણે ચર્મચક્ષુથી સઘળું જોઇએ છીએ, પણ ખરેખર ચર્મચક્ષુથી અર્થાત્ આંખથી સઘળું જોતા હોત તો મૃત્યુ પછી પણ આપણે જોઈ શક્તા હોત. એનો અર્થ જ એ કે એની પાછળ રહેલી પરમાત્માની પરમ ચેતના જ આંખને જોવાની ક્ષમતા પૂરી પાડે છે. એવી જ રીતે બહારના સ્થૂળ કાન પણ એવી રીતે સાંભળી શક્તા નથી. વાણી બોલી શક્તી નથી, ને પ્રાણ સંચાર પણ નથી કરી શક્તો. એ સૌની પાછળ પરમાત્માની પરમચેતના જ એમને સક્રિય બનાવે છે. એ પરમચેતનાને ઇન્દ્રિયો ઓળખી શક્તી નથી. આંખો અવલોકી શક્તી નથી. કાન સાંભળી શક્તા નથી. પરમાત્માની એ પરમચેતનાને ઓળખવા માટે સ્થૂળ આંખ, સાંભળતા કાન અને અન્ય ઇન્દ્રિયોથી અતીત બનવું પડે છે. મન તથા બુદ્ધિની પારના પ્રદેશમાં પહોંચવું રહે છે.
આવા એના સ્વરૂપને નિશ્ચિત રૂપે અને સર્વગ્રાહી રીતે કોણ કહી શકે ? એને માપવાનું, જાણવાનું કે જણાવવાનું અશક્ય છે. આપણે પ્રયત્ન કરીએ તો પણ એમાં આપણને આંશિક સફળતા મળે છે, પૂર્ણ નહીં. તો સવાલ એ જાગે છે કે પરમાત્માને કઇ રીતે પામી શકાય ? આ સંદર્ભમાં ઉપનિષદ્ કહે છે કે,
'પરમાત્માને જાણવો હોય તો તેને માટે તમારે પાર્થિવ પદાર્થો, લોભામણા વિષયો અને આ ભૌતિક જગતથી ઉપર ઉઠવું પડે. અંતરના શાંત, અગાધ ઊંડાણમાં અવગાહન કરો, ત્યારે જ એ મહામૌક્તિક મળી રહે.' આથી મહત્ત્વની બાબત એ છે કે આપણા મન, પ્રાણ અને ઇન્દ્રિયો એ પરમાત્માની પરમ સત્તાને લીધે જ પોતપોતાના વ્યાપારમાં પ્રવૃત્ત હોય છે. આ પરમ સત્તા કે પરમાત્મા એ સર્વોપરી છે. જો માનવીએ મુક્ત થવું હોય, પૂર્ણતા પામવી હોય કે અમૃતમય બનવું હોય તો એણે પરમાત્માને ઓળખવા જોઇએ. પોતાના જીવનમાં આવા પરમાત્માની ઓળખ થાય, ત્યારે શું થાય ? ત્યારે માનવી અવિદ્યા અને મોહ વગેરેથી મુક્તિ મેળવે છે અને શરીર છોડયા પછી એ અવિનાશી પરમાત્મામાં મળી જાય છે અર્થાત્ એ મૃત્યુંજય બને છે.