Get The App

સૃષ્ટિના લય, તાલમાં જોડાવાથી આનંદ મળે છે

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
સૃષ્ટિના લય, તાલમાં જોડાવાથી આનંદ મળે છે 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- દુ:ખને સંતાવું અને સંકોચાવું છે જ્યારે આનંદને વિસ્તરવું અને વહી જવું છે. જીવન તો પરમ બાદશાહની કરૂણાનો બેસુમાર વરસાદ છે

પ રમ જીવન મરમી ઓશોની એક નાનકડી પણ ચોટદાર કથા છે; એક વૃદ્ધ હતો. વિશ્વનો સૌથી અપ્રસન્ન માણસ હતો. તેનું મન સંદેહ, ફરિયાદો, કડવાશો  અને નકારોથી છલોછલ હતું. આખું ગામ તેનાથી થાકેલું અને હારેલું હતું. વૃદ્ધના એંસીમાં જન્મ દિવસે બધાયે તેને અત્યંત પ્રસન્ન જોયાં - સૌને આશ્ચર્ય થયું, કોઈએ તો વળી હિંમત કરીને પૂછી લીધું, 'આમ કેમ? આ શી રીતે બન્યું ?' ત્યારે વૃધ્ધે આવો જવાબ આપ્યો, 'આજીવન મેં પ્રસન્નતા પામવાનો પ્રયાસ કર્યો પણ ન મળી. આજે મેં નિર્ણય કર્યો કે બસ હવે, પ્રસન્નતા વિના ચલાવી લઈશ. જીવનમાં કોઈ ફરીયાદ નથી. અને તે પળથી પ્રસન્નતા ઉતરી આવી છે...' સાદી વાત તો આટલી જ છે કે : 

પ્રયાસ છૂટયો કે પ્રસાદ વરસ્યો, 

સંકલ્પ તૂટયો કે પ્રવાહ ચાલ્યો, 

સંદેહ ગયો કે આસ્થા ઉતરી આવી. 

ક્યારેક તો આપણો પ્રયત્ન જ અવરોધ હોય છે. આપણી ડિઝાઇનને અસ્તિત્વની  ડિઝાઇન સાથે મેળ નથી ખાતો. આખી સૃષ્ટિના લય, તાલ, ક્રમમાં જોડાયાં એટલે આનંદ વરસવા લાગે છે. દુ:ખને સંતાવું અને સંકોચાવું છે જ્યારે આનંદને વિસ્તરવું અને વહી જવું છે. જીવન કોઈ કંજૂસનો નફા-તોટાનો હિસાબ નથી એ તો પરમ બાદશાહની કરૂણાનો વરસાદ છે અને તે પણ બેહિસાબ, બેસુમાર અને બિનશરતી. આપણે જીવનની ઉદારતા જોઈએ. કરોળિયાની એક જોડને યોગ્ય સ્થળ-પળ મળે તો તે પણ ૪૨૭ હજાર  મિલિઅન મિલિઅનથી વધુ કરોળિયા પેદા કરી શકે છે. બ્રાઝીલના જંગલોમાં થોડાક ચોરસ કિલોમીટરમાં પતંગિયાની ૧૫૦૦થી વધારે જાતો થાય છે. સ્વીડનના લેપ્લેન્ડમાં  લીચન (ફૂલો વિનાની વનસ્પતિ)ની ૧૩૫૦૦ જેટલી સ્પીસીઝ થાય છે. વર્મોન્ટનો વિલ્સન બેન્ટલી નામનો  સંશોધક કહે છે કે બે સ્નોફલેક્સ પણ સરખા નથી હોતા. 

આપણું ભારતીય દર્શન તેથી જ 'એકોહમ બહુસ્યામ' કહે છે. જીવન એટલે આનંદની ભાગીદારી અને ઉત્સવની સાથીદારી. રસ અને રાસમાં એક પર્યાપ્ત નથી જીવનને એકમાં રાજીપો નથી. તેથી જ આપણે નવરસ અને નવરાત્રી છે જે  એક રંગ નહીં હોળી -ધુળેટીના હજારો રંગો, એક જ્યોત નહીં પણ દિવાળીના કરોડો  દીવડાઓ, બ્રહ્માંડમાં આકાશગંગા પણ અસંખ્ય.કવિવર ટાગોર તો કહે છે, 'માણસની સૌથી પ્રબળ  ઈચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહીં.' ઉપનિષદ પણ તે જ કહે છે, 'ભૂમૈવ સુખમ' અર્થાત સુખમાં સુખ નથી પણ મોટામાં-વિશાળમાં આનંદ છે. આપણે તેમાં જોડાવાનું છે, ઓગળવાનું છે. આપણા વ્યક્તિગત સંદેહો, પ્રયાસો, પીડા છોડીને આનંત્યમાં વહેવાનું છે. આપણા જીવનના નાનાં-મોટા પાનાંઓ છોડીને  જીવંત  જીવન ગ્રંથમાં જોડાવાનું છે.

એક વ્યક્તિ એ એકવખત એક પર્ણને પૂછયું, 'તને ક્યારેય પાનખરમાં ખરી પડવાનો ભય લાગે ?' તો પર્ણ આ જવાબ આપે છે, 'ના, સમગ્ર વસંત અને ગ્રીષ્મમાં  હું ભરપૂર જીવ્યું  છું. આ વૃક્ષને તાજું  રાખવામાં- પોષણ આપવામાં પણ મારી  ભૂમિકા ભજવી છે. આ વૃક્ષમાં હું ઘણું બધું લિપ્ત છું. પર્ણની સીમા મારી સીમા નથી. હું તો વૃક્ષની સમગ્રતામાં પણ  છું. હું ભૂમિમાં પાછું ફરીને પણ વૃક્ષને પોષણ અપીશ. વૃક્ષ પરથી ખરીશ ત્યારે પણ નર્તન કરતાં વૃક્ષને ખાતરી આપીશ, ચાલ ફરી મળીશું....' એક પર્ણને પણ જો ડર ન હોય તો આપણને શેનો?


Google NewsGoogle News