Get The App

શાંગહાઈમાં શાકાહાર! .

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
શાંગહાઈમાં શાકાહાર!                        . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- માંસાહાર જન્મજાત નથી. વ્યક્તિ એની ઈચ્છા સાથે જન્મતી નથી. વળી આવો માંસાહાર કરનાર એમની ભીતરમાં રહેલી અગાધ કરૂણાનો ઉચ્છેદ કરે છે

આ જે વિશ્વ શાકાહાર દિવસે થોડા વર્ષો પહેલાં કરેલા ચીનના પ્રવાસનું સ્મરણ થાય છે. ૧૯૯૨માં હોંગકોંગમાં પ્રવચનો પૂર્ણ કરીને ટ્રેન મારફતે ચીનના પ્રવાસે ગયો, ત્યારે મનમાં સૌથી મોટું મુંઝવણ એ ભોજનની હતી. બાળપણમાં ચીની પ્રજાનાં માંસાહારી ખાણાંની કેટલીયે સાંભળી હતી અને તેથી હોંગકોંગથી નીકળતી વખતે યજમાનને ત્યાંથી થોડાંક થેપલાં અને અથાણું લઈને નીકળ્યો હતો.

પ્રવાસ એક ઉત્સુકતા સાથે થયો હતો અને એ ખોજ હતી કે બૌદ્ધ ધર્મનું પાલન કરતા આ દેશમાં શાકાહાર કેમ પહોંચ્યો નહીં હોય ? પરંતુ ચીનની પ્રાચીન ધાર્મિક પરંપરાઓમાં શાકાહારનો ઘણો મહિમા જોવા મળ્યો. ચીનમાં હજારો વર્ષ એની બે મહત્વની ધર્મપરંપરાતાઓ તત્વજ્ઞાાન અને બૌદ્ધ ધર્મ બંનેએ માંસાહાર-ત્યાગનો મહિમા કર્યો છે. ઈ.સ. ૫૦૨ થી ૫૫૭ સુધી ચીન પર રાજ્ય કરનાર લિયાંગ વંશના સમ્રાટ હ્યુ એ પહેલા રાજવી હતી કે જેમણે ચીનના લોકોને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરીને માંસાહારી ભોજનનો ત્યાગ કરવાની હિમાયત કરી હતી.

ચીનના સમગ્ર ઈતિહાસને જોઈએ તો અન્નની અછત અને અત્યંત ગરીબાઈ હોવાથી આમેય માંસાહાર એ માત્ર સમૃદ્ધ માણસોનો ખોરાક બની રહ્યો. વળી ધાર્મિક ભાવનાઓને કારણે પણ શાકાહારનું મહત્વ ચીનની પ્રજાઓના જીવનમાં જોવા મળ્યું.

ચીનમાં શાકાહારને પ્રભુપ્રાર્થનાનું એક સ્વરૂપ માનવામાં આવ્યું છે. કોઈ સ્વજન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હોય, ત્યારે ઈશ્વરને એના સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને તેમાં વ્યક્તિ પ્રભુને પ્રાર્થે છે કે હવે હું જીવન પર્યંત શાકાહારી ભોજન લઈશ.

હોલુ નામની બૌદ્ધધર્મી યુવતીના પિતા ગંભીર રીતે બીમાર થયા, ત્યારે એણે શાકાહાર અંગીકાર કરવાની પ્રતિજ્ઞાા લઈને પિતાને સ્વસ્થ કરવા પ્રભુ- પ્રાર્થના કરી હતી. માતા બીમાર પડી ત્યારે સેન્ડ નામના બૌદ્ધ ધર્મના અનુયાયીએ માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી. આ રીતે ચીનના પ્રજાજીવનનાં શાકાહારનું વલણ જોવા મળ્યું. આમ તો શાંગહાઈ શહેરમાં વીસ જેટલી વેજિટેરીયન હોટલો હતી અને એક તો બેજિંગની નજીક આવેલી વિગન આહારની હોટલ પણ હતી. જેનું નામ હતું 'ઈફ વિગન'. શાંગહાઈ શહેરની સૌથી જૂની રેસ્ટોરન્ટ ગોંગ ડી લિન શાકાહારી ભોજન માટે અને શાકાહારના પ્રચાર-પ્રસાર માટે પ્રસિદ્ધ ગણાતી હતી. આ રેસ્ટોરન્ટ માત્ર રેસ્ટોરન્ટ નહોતી, પરંતુ શાકાહારી વિચારધારા અને જીવનપદ્ધતિનો પ્રસાર-પ્રચાર કરતી હતી. પ્રતિવર્ષ ભગવાન બુદ્ધના જન્મદિનની ઉજવણીના દિવસે આ હોટેલના માલિક સારી એવી રકમ આપીને પક્ષીઓ અને પ્રાણીઓને પાંજરામાંથી મુક્ત કરે છે. 'જુજુબે ટ્રી' નામની શાંગહાઈના હુઈ હાઈ માર્ગ પર આવેલી આ રેસ્ટોરન્ટમાં બપોરે શાકાહારી ભોજન પસંદ કરનારાઓની ભારે ભીડ જામી હોય છે. એ રેસ્ટોરન્ટમાં પ્રવેશો ત્યારે તમારા હાથમાં માત્ર મૅન્યુ જ આપવામાં આવતું નથી, પરંતુ એની સાથોસાથ શાકાહારી બનવાથી થતા આરોગ્યલક્ષી લાભો દર્શાવતી વાચન-સામગ્રી તમને હાથોહાથ આપવામાં આવે છે. આપણે ત્યાં શાકાહારી હોટલોમાં આવું કોઈ આયોજન કોઈએ વિચાર્યું છે ખરું ? વળી 'જુજુબે ટ્રી' રેસ્ટોરન્ટ પોતાનું એક કાર્ડ આપે છે, જેમાં શાંગહાઈ શહેરની શાકાહારી રેસ્ટોરન્ટનાં નામ, સરનામાં અને ફોન નંબર પણ લખેલા હોય છે. વળી તમે એમાંથી કોઈ એક શાકાહારી ભોજન આપતી હોટેલમાં જઈને આવ્યા હો, તો તમને આ 'જુજુબે ટ્રી' વિના મૂલ્યે એક ભેટ આપે છે. થોડા સમય પૂર્વે પરિવર્તન આવ્યું છે.

એક સમયે શાંગહાઈ શહેરની 'જુજુબે ટ્રી' અને 'લારબ્રે દ પ્રોવિન્સ' એ બે શાકાહારી રેસ્ટોરન્ટ તો યુવક-યુવતીઓમાં ઘણી જાણીતી છે. આ રેસ્ટોરન્ટ બૌદ્ધ ધર્મને ચુસ્ત રીતે પાળનારા પોતાના ગ્રાહકોની ભાવનાને લક્ષમાં રાખે છે અને તેથી જ 'લારબ્રે દ પ્રોવિન્સ' રેસ્ટોરન્ટ એના બૌદ્ધધર્મી ગ્રાહકોને લસણ અને ડુંગળી સિવાયની શાકાહારી વાનગીઓ પીરસે છે. આ રેસ્ટોરન્ટમાં બે જુદાં રસોઈઘર છે. એક રસોડામાં બૌદ્ધ શાકાહારીઓ માટે ડુંગળી-લસણ વિનાની વાનગી તૈયાર થાય છે અને બીજા જુદા રસોડામાં પશ્ચિમના શાકાહારીઓ માટેની વાનગીઓ તૈયાર થાય છે. ચીનમાં ક્યારેક ઈંડાંને શાકાહારમાં ખપાવી દેવામાં આવે છે આને પરિણામે આ રેસ્ટોન્ટ એની વાનગીની યાદીમાં ઈંડાંની વપરાશ હોય તે વાનગીને જુદી દર્શાવે છે. વળી શાંગહાઈની આ હોટલમાં કોઈ પણ પ્રકારનો દારૂ પીરસવામાં આવતો નથી.

ચીનની શાંગહાઈ શહેરના શોપિંગ માટેના વિસ્તારમાં આવેલા લારબ્રે દ પ્રોવિન્સ નામની શાકાહારી રેસ્ટોરન્ટ તરત ધ્યાન ખેંચે છે. એની માલિક મહિલાનું નામ છે ઈવેલિન લી. અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી ઈવેલિન લી શહેરમાં વધુ ને વધુ શાકાહારી રેસ્ટોરન્ટ ખોલી રહી છે. એનો હેતુ એટલો જ છે કે શાકાહાર કરનાર લોકોને આસાનીથી એમનું મનપસંદ ભોજન મળે અને ચીનના લોકો વધુને વધુ પ્રમાણમાં શાકાહાર અપનાવતા થાય. ઈવેલિન લી સ્વયં શાકાહારી છે. એ કઈ રીતે શાકાહારી બની એનો રોમાંચક સ્વાનુભવ પણ વર્ણવ્યો.

થોડાં વર્ષો પહેલાં એ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં ઝંપલાવવા ચાહતી હતી, ત્યારે એનો મેળાપ ઝાખો ઝુ શુ હોટલના માલિક સેંગ સાથે થયો. આ સેંગે ઈવેલિન લીને પ્રાચીન ચીનની એક કથા કહી. એ કથા એવી હતી કે એક ચીની વિદ્વાને એના રસોઈયાને બામ માછલીની વાનગી બનાવવા કહ્યું. રસોઈયો વાનગી બનાવતો હતો, ત્યાં વિદ્વાનની નજર એના પર પડી અને એણે જોયું કે બામ માછલીને ઊકળતા ગરમ પાણીમાં નાખવામાં આવી હતી, પણ એ એનું પેટ ઊંચું કરતી હતી, ચીની વિદ્વાનને તત્કાળ તો આનું કારણ સમજાયું નહીં. એણે શોધ કરી તો જાણવા મળ્યું કે આ બામ માછલીના પેટમાં ઈંડા હતાં. બસ ! એ દિવસથી આ ચીની વિદ્વાને જીવન પર્યંત માંસાહારનો ત્યાગ કર્યો. ઇવેલિને કહ્યું કે ચીનમાં ભલે માંસાહારનો પ્રભાવ હોય, પરંતુ માંસત્યાગનો ઉપદેશ આપતી આવી ઘણી પ્રાચીન ચીની કથાઓ મળે છે.

ચીનના ઝેન ગુરૂ હાન-શૂ-ત્ઝુની એક કાવ્યરચના ચીનના ઝેન સંપ્રદાયમાં અત્યંત પ્રસિદ્ધ છે. એમાં એક વ્યક્તિ બજારમાં જઈને પોતાની પત્ની અને બાળકોનાં ભોજનને માટે માંસ અને માછલી લાવે છે. 

પછી એના મનમાં સવાલ જાગે છે કે અમારા જીવનને જાળવવા માટે અમારે શા માટે બીજાનું જીવન છીનવી લેવું ? આ તો તદ્દન અતાર્કિક અને અનીતિપૂર્ણ ગણાય. આમ કરવાથી સ્વર્ગની સમીપ જવાને બદલે નર્કના બાસીંદા બનીશું.

જુજુબે ટ્રી હોટલની એક શાખા હુઈ હાઈ માર્ગ પર આવેલી છે અને એના મેનેજરનું પદ ધરાવતી શાકાહારી લીલી વુ એ કહ્યું કે એની માતા એને વારંવાર માંસાહાર કરવાનો આગ્રહ કરતી હતી, આથી એ માંસાહારી બની. જો માતા-પિતા આવો આગ્રહ રાખે નહીં, તો બાળક શાકાહારી જ બને. ફ્રાંસના ક્રાંતિકારી વૉલ્તેર રૂસોએ કહ્યું છે કે માતા-પિતા શીખવે નહીં, તો બાળક માંસાહારી થાય નહીં.

આજે ચીનમાં ઝડપથી શાકાહારી રેસ્ટોરન્ટ ખુલી રહ્યાં છે અને એનું કારણ એ છે કે વૈશ્વિકીકરણને કારણે ચીનમાં શાકાહારનો આગ્રહ રાખનાર વિદેશીઓની આવનજાવન વધી છે. બીજી બાજુ બૌદ્ધ અને તાઓ ધર્મના મૂળ ધર્મગ્રંથોના અભ્યાસને કારણે પણ આવું વલણ વધતું રહ્યું છે.

ભારતમાં થયેલા સાંખ્યમુનિ બુદ્ધનાં વચનોને ચીનમાં સર્વત્ર આદરભર્યું સ્થાન મળે છે. એમણે અહિંસાનો ઉપદેશ આપતાં કહ્યું કે કોઈ પણ જીવંત પ્રાણીને ઈજા પહોંચાડવી નહીં. માંસાહારીથી અળગા રહેવું. આ સાંખ્યમુનિ બુદ્ધે કહ્યું કે માંસાહાર જન્મજાત નથી. વ્યક્તિ એની ઈચ્છા સાથે જન્મતી નથી. વળી આવો માંસાહાર કરનાર એમની ભીતરમાં રહેલી અગાધ કરૂણાનો ઉચ્છેદ કરે છે. એક બીજા સ્થળે સાંખ્યમુનિ બુદ્ધે લખ્યું છે કે માંસાહારીઓ એકબીજાની હત્યા કરે છે અને એકબીજાને ખાય છે. એક અન્ય સ્થળે કર્મસિદ્ધાંત લક્ષમાં રાખીને કહ્યું છે ા જીવનમાં હું તમારી હત્યા કરીને તમારું ભોજન કરીશ. આવતા ભવમાં તમે મારી હત્યા કરીને મારું ભોજન કરશો. આમ કર્મનું ચક્ર અવિરામ ગતિએ ચાલ્યા કરશે. એમાંથી મુક્તિ નહીં મળે. 'વાવશો તેવું લણશો' એ સિદ્ધાંત દર્શાવીને એમ કહે છે કે તમારી માંસાહારની ઈચ્છાને કારણે તમે દુષ્કર્મો કરો છો અને આવાં દુષ્કર્મોનું વળતર તમારે ચુકવવું પડે છે. આથી ચીનના કેટલાક વિચારકો એમ માને છે કે શાકાહારી ભોજન લઈને તમે સ્વયં જાતને એક સુંદર ભેટ આપી શકો છે.

પશ્ચિમની દુનિયામાં શાકાહાર આરોગ્ય માટે અવશ્યક કહેવાય છે, પણ હજી એ વિચાર ચીનમાં બહુ પ્રચાર પામ્યો નથી. આજે તો જુજુબે ટ્રીના માલિક સેંગ અને એના સાથીઓ ચીનમાં શાકાહારીનું આંદોલન કરી રહ્યા છે. શાંગહાઈમાં કોઈ પણ સાહસિક વેપારી શાકાહારી રેસ્ટોરન્ટ ખોલવા ઈચ્છે તો એને મદદ કરવા દોડી જાય છે. શ્રીમાન સેંગ કરતાં શ્રીમતી સેંગ એક જુદી રીતે શાકાહારનો પ્રચાર કરવા માગે છે. તેઓ ચીનના મહાનગરોને બદલે એનાં જુદા જુદા નગરોમાં આવી રેસ્ટોરન્ટ સ્થાપીને શાકાહારનો વધુ વ્યાપક પ્રચાર કરવા માગે છે.

ચીનના શાંગહાઈ શહેરમાં શાકાહારી ભોજન પીરસતી હોટલ જોવા મળે એ આશ્ચર્ય ગણાય. પરંતુ એ આશ્ચર્યમાં ત્યારે પલટાયું કે ચીનના શાંગહાઈ શહેરમાં એક-બે નહીં, પણ વીસ જેટલી શાકાહારી રેસ્ટોરન્ટ છે

મનઝરૂખો

કારમી ગરીબીને કારણે અમેરિકાની ડોરોથી ડિક્સને હંમેશા કાળી મજૂરી કરવી પડી. વખતોવખત માંદગીની ઘેરાઈ જતી હોવાને કારણે શરીર બીમાર હોય તો પણ જાત ઘસીને નહીં બલ્કે તોડીને કામ કરવું પડયું. આને કારણે એ યુવાનીમાં જ વૃદ્ધ બની ગઈ. વળી જીવનમાં એવી કેટલીય અણધારી આપત્તિઓ આવી કે જેનો હિસાબ નહીં.

એ પોતાની જિંદગીનું વિહંગાવલોકન કરતી ત્યારે એને એમ લાગતું કે જીવન એ એક યુદ્ધક્ષેત્ર જેવું છે કે જેમાં તૂટેલાં સ્વપ્નો, ભસ્મીભૂત થયેલી આશાઓ અને અણધાર્યા આઘાત ચોપાસ વિખરાયેલાં પડયાં છે. આકસ્મિક આફતોને કારણે એ શરીરથી નિર્બળ બની ગઈ અને સમય જતાં દિવ્યાંગ પણ થઈ ગઈ.

આમ છતાં ડોરોથી ડિક્સ હંમેશા વિચારતી રહી કે ગઈ કાલે આવેલી અઢળક મુસીબતોનો મેં સામનો કર્યો છે. આજે પણ હિંમતભેર એ મુસીબતો સામે લડી રહી છું. તો પછી આવતીકાલે આવનારી ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા શા માટે કરવી ? મનમાં એવો વિચાર પણ શા માટે લાવવો ? ડોરોથી ડિક્સે આજના આનંદમાં જીવતાં ને રહેતાં શીખી લીધું અને તેને પરિણામે આવતીકાલની ચિંતામાંથી ઊગરી ગઈ.

એ કહેતી હતી, 'જો હું કાલે એના પર વિજય મેળવી શકું, તો આજે કેમ નહીં ?' અને આ વિચારને કારણે એણે ક્યારેય પોતાનીજાત માટે લાચારી અનુભવી નહીં કે અણધારી આફતોની કલ્પના કરીને ક્યારેય ભયભીત થઈ નહીં.

એણે જોયું કે જિંદગીમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેક હસવું આવે છે તો ક્યારેક રડવું આવે છે. ડૉરોથી ડિક્સે નક્કી કર્યું કે ગમે તેટલા સંકટોથી ઘેરાયેલી હોઈશ તો પણ અને ચિંતામાં ડૂબેલી હોઈશ તેમ છતાં એ સઘળી વાતો પ્રત્યે હું હસીશ. સંકટોને કારણે દુ:ખી નહીં થાઉં, કારણ કે આ સંકટો જ મને જીવનનો અખિલાઈથી પરિચય આપે છે અને સંઘર્ષો મને શીખવી ગયા છે કે જેના જીવનમાં સંઘર્ષ નથી, એ કશું પ્રાપ્ત કરી શકતા નથી.

ક્ષણનો સાક્ષાત્કાર

જીવનમાં આવતી આપત્તિનાં ચારેક લક્ષણો જાણી લઈએ. એક તો આપણે કલ્પના પણ કરી ન હોય, તે રસ્તેથી મુશ્કેલી ત્રાટકતી હોય છે. બીજું એ કે આપણે એ આપત્તિનો સામનો કરવા માટે ઓછામાં ઓછાં સજ્જ હોઈએ છીએ. ત્રીજું એ કે આપણા જીવન પર એ સીધેસીધો આઘાત આઘાત કરે છે અને ચોથી બાબત એ કે આપણી સઘળી વર્તમાન અને ભાવિ જીવનવ્યવસ્થાને તદ્દન ખોરવી નાખે છે. આવી આપત્તિમાંથી બહાર આવવાની ચાવી છે પૉઝિટીવ વિચાર.

૨૦૨૨ના ડિસેમ્બરમાં ૨૫ વર્ષનો ભારતીય વિકેટ કિપર ઋષભ પંત દિલ્હીથી એના વતન રુરકીમાં જઈ રહ્યો, ત્યારે એને મોટર ચલાવતા એક ઝોકું આવી ગયું અને મોટર બાજુના રોડ ડિવાઈડર સાથે જોરથી અથડાઈ અને આખી મોટર સળગી ગઈ. આ ઘટના સમયે સહુએ માન્યું કે ઋષભ પંત હવે વિકેટ કીપર - બેટ્સમેન તરીકે કદી પાછો નહીં. આ કારમાં અકસ્માત સમયે એનો જમણો પગ ડિસલોકેટ થઈ ગયો હતો. સાંધામાંથી ખસી ગયેલા પગને એણે જાતે બરાબર ગોઠવ્યો. બીજા બધા વસવસો કરતા હતા ત્યો પંત ઈશ્વરનો આભાર માનતો હતો કે આવી ગંભીર ઈજા થવા છતાં એના સ્નાયુઓને નુકસાન થયું નથી, નહીં તો એને એ પગ કપાવવો પડયો હોત. આમ એ જ મોટી આપત્તિમાંથી ઉગરી ગયો તેને વારંવાર યાદ કરીને ફરી પાછા ક્રિકેટના મેદાન પર આવીને ખેલવાના સ્વપ્નો સેવ્યા અને આજે એને ભવ્ય રીતે સિદ્ધ કર્યાં છે.

આનો અર્થ જ એ કે ટ્રેજેડમાંથી વ્યક્તિએ સકારાત્મક વિચાર કરીને ભવિષ્યને ઘડવું જોઈએ. આવી આપત્તિ નવો અવસર અને ભીતરમાં નવી ઉર્જા આપે છે. આપણી આપત્તિને કોઈ આભારના ભાવ સાથે જોડી દઈએ અને પૉઝિટીવ રીતે પીડાનો સામનો કરીએ, તો ધાર્યો ઉદ્દેશ સિદ્ધ થશે અને આપોઆપ જીવનમાં ખુશી મળશે.


Google NewsGoogle News