ઝિયાઓહે રાજકુમારીનું મમી : चिज बडी है मस्त मस्त
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
જો તમને એમ કહેવામાં આવે કે મૃત્યુ પછી પણ એક નવું જીવન છે. મૃત્યુ બાદ તમારે તમારા નવા જીવન માટે ચીજ વસ્તુઓ લઈ જવી હોય તો! તમે કઈ ચીજવસ્તુની પસંદગી કરશો? સામાન્ય રીતે લોકો ખાવા પીવાની વસ્તુઓ કે પુસ્તકો પસંદ કરતા હોય છે. કેટલીક વાર મૃત્યુ બાદ, તેઓ તેમના પાલતુ પ્રાણીઓને લઈ જવા માટે તત્પર હોય છે. જેમાંની કેટલીક ચીજ વસ્તુઓ પ્રાચીન રીતે સચવાયેલા મૃતદેહ એટલે કે મમી પાસેથી મળી આવે છે. ઘણા લોકોને માત્ર એટલી જ માહિતી છે કે 'મમી' એટલે માત્ર ઇજિપ્તનાં પિરામિડમાં ખજાનાઓ સાથે સાચવવામાં આવેલ માનવ શરીર છે.
વાસ્તવમાં દુનિયાના ઘણા ખરાં ભાગમાં પ્રાચીન મનુષ્યને મમી તરીકે સાચવવાની પ્રથા હતી. કેટલીક વાર મનુષ્ય મૃત્યુ પામે ત્યારબાદ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તેનું શરીર વિઘટન પામ્યા સિવાય કુદરતી રીતે જ મમી બનીને સચવાઈ રહેતું હોય છે. કેટલીક વાર મનુષ્ય પોતે, મૃતદેહમાં વિવિધ પ્રકારના રસાયણ ભરીને મમ્મી તરીકે સાચવી રાખતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનના કેટલાક પ્રાંતમાં પણ આ પ્રકારના મમી મળેલ છે.
આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં, ત્રણ ચાઈનીઝ મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા ત્યારે, તેમની પસંદગીની ખાવાની વસ્તુ એટલે કે 'ચીઝ'ને તેમની પાસે મૂકવામાં આવ્યું હતું. આ વાત આડકતરી રીતે સાબિત કરે છે કે 'આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં, દૂધ આધારિત દૂધની વિવિધ પેદાશ તૈયાર કરવામાં આવતી હતી. ૩.૫૦ હજાર વર્ષ પ્રાચીન નમૂના વિજ્ઞાાનીઓને શું નવીન માહિતી આપે છે?
રાજકુમારીનું અંતિમ સરનામું
તરીમ / તારીમ બેસિન સ્થાન ઉપરથી પ્રાચીન ચાઈનીઝ મમી મળી આવ્યા છે. તારિમ બેસિન શિનજિયાંગના ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં આવેલું છે. ઉંડી તાસક જેવો અથવા ચા પીવાની રકાબી જેવા ભૌગોલિક મેદાનને ગુજરાતીમાં તટપ્રદેશ અને અંગ્રેજીમાં બેઝિન તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉત્તરમાં તિયાન શાન અને દક્ષિણમાં કુનલુન પર્વતોથી ઘેરાયેલું છે. અહીં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. વિશ્વના સૌથી મોટા રણમાંનું એક ટકલામાકન રણ અહીં આવેલું છે. રણ વિસ્તારમાં કેટલાક રણદ્રીપ પણ આવેલા છે. આ પ્રદેશમાં ચીનની પ્રાચીન સંસ્કૃતિના આદિજાતિના લોકોનો વસવાટ હતો.અહીંથી તારીમ નામની નદી વહેતી હતી.આ વિસ્તાર એક સમયે હર્યો ભર્યો રહેતો હતો.
સૌથી મહત્વની વાત એ છેકે એશિયાથી યુરોપ સુધી પ્રાચીન કાળમાં જે 'સિલ્ક' એટલે કે રેશમ મોકલવામાં આવતું હતું. તેનો એક નિશ્ચિત માર્ગ હતો. આ માર્ગ 'સિલ્ક રૂટ' તરીકે ઓળખાય છે. આ રૂટ ઉપર આવેલું એક ઐતિહાસિક સ્થળ એટલે તારીમ બેસિન. આ વિસ્તારને સંસ્કૃતિનો ઉકળતો ચરુ (હોટ સ્પોટ) ગણવામાં આવે છે. જ્યાંથી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વેપાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું હતું. આ પ્રદેશમાં ટોચરિયનો અને અન્ય વિવિધ જૂથોનો વસવાટ હતો. જેઓ ઈન્ડો-યુરોપિયન મૂળ ધરાવતા હતા. અહીંથી પ્રાચીન 'મમીઝ' મળી આવ્યા છે. જે રણ પ્રદેશની સુકી હવાનાં કારણે સારી રીતે સચવાયેલા છે. જુનું કાપડ અને કલાકૃતિઓ પણ મળી આવી છે. ખોદકામમાં મળી આવેલ ચીજવસ્તુઓ, વેપાર, સ્થળાંતર અને સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાનો સમૃદ્ધ ઇતિહાસ દર્શાવે છે. આજે આ વિસ્તાર સાંસ્કૃતિક રીતે પણ વૈવિધ્યસભર છે. અહીં ઉઇગુર અને અન્ય વંશીય જૂથોની નોંધપાત્ર વસ્તી છે. ચાઇનીઝ હાન સમુદાયો પણ વસવાટ કરે છે. ૨૦૦૩માં અહીંથી વિશ્વપ્રસિદ્ધ અને સૌથી સારી રીતે સચવાયેલું '‘Princess of Xiaohe / ઝિયાઓહેની રાજકુમારી'નું મમી મળી આવ્યું હતું. સેલ' જર્નલમાં પ્રકાશિત સંશોધન લેખ Princess of Xiaohe / તારિમ બેસિનના મમી સાથે મળી આવેલ ચીજ વસ્તુઓ વિશે લખાયેલ છે.
ચીઝ અને કેફીર વચ્ચેની સામ્યતા
જો કે આ શોધ નવી નથી પરંતુ બે દાયકા પહેલા, થઈ હતી. જેનું પૃથ્થકરણ વિજ્ઞાાનીઓ હવે કરી રહ્યા છે. દૂધના નમૂનાની સાથે સાથે મનુષ્યના ડીએનએનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે. સ્ત્રીના નેકલેસમાં મળેલ ચીઝના ટુકડા એક દુર્લભ આર્ટિફેક્ટ છે. નેકલેસ ઉપરથી મળેલ ચીઝના કણોમાં, હાલમાં ઉપયોગમાં લેવાતું દૂધ આધારિત પીણું 'કેફિર'માં જોવા મળતા બેક્ટેરિયા અને ખમીર લાવનાર બે જીવાણુઓના સમૂહ સાથે મળતા આવે છે. ભારતમાં જેમ છાશ પીવાય છે, તેમ યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વ કેફિર પીણાનો ઉપયોગ થાય છે. કેફિર પણ છાશની માફક પ્રોબાયોટિક્સ છે. જે ખોરાકને પચવામાં અને રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત કરવામાં મદદરૂપ બને છે. સંશોધનમાં જાણવા મળ્યું છેકે નેકલેસ ઉપરથી બે પ્રકારનું ચીઝ મળી આવ્યું છે. જેમાં એક પ્રકારનું ચીઝ ગાયના દૂધમાંથી બનેલ છે. જ્યારે બીજા પ્રકારનું ચીઝ બકરીના દૂધમાંથી બનેલ છે. તામ્રયુગમાં યુરોપ અને એશિયામાં બકરીનો બહોળો ઉપયોગ થતો હતો. બકરીના દૂધમાંથી બનાવવામાં આવેલ ચીઝનું પૃથ્થકરણ કરતા જાણવા મળ્યું છેકે 'તેમાં રહેલા કણો, હાલમાં તિબેટમાં પાળવામાં આવતી બકરીઓના દૂધના કણો સાથે મળતાં આવે છે. તેમાં રહેલ બેક્ટેરિયાનો, પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં જોવા મળતી બેક્ટેરિયાની પ્રજાતિઓ સાથે મેળ બેસે છે. ચીઝમાં રહેલ 'કેફિર' સૂક્ષ્મ જીવાણુ'નું ભૌગોલિક સ્થાન શોધવાની કોશિશ વિજ્ઞાાનીઓ કરેલ છે. આ પ્રકારના કેફિરસૂક્ષ્મ જીવાણુની હાજરી, બે સ્થાન ઉપર જોવા મળી છે. એક શિનજિયાંગમાં અને એક કાકેશસમાં. કાકેશસ એ કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચે સ્થિત પર્વતીય પ્રદેશ છે. તે યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વના ત્રિભેટે આવેલ છે. વિજ્ઞાાનીઓ અનુમાન લગાવે છે કે વણઝારા અને ભરવાડ જેવી વિચરતી જાતિના લોકો દ્વારા કેફિર સૂક્ષ્મ જીવાણુઓ યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વ સુધી પહોંચ્યા છે. ઉજ્જડ મેદાનની એશિયન ઇકો સિસ્ટમમાં લોકો શા માટે ગયા? ત્યાં કેવી રીતે ટકી શક્યા? તેની માહિતી અહીંથી મળેલ મમી આપે છે.
સ્ત્રીના નેકલેસમાં મળેલું ચીઝ
હજારો વર્ષ પહેલાં ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગમાં એક પ્રાચીન ભૂમિદાહના સ્થાન ઉપર ઓછામાં ઓછા ત્રણ મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા. જેમની પાસેથી સારી રીતે સચવાયેલા ચીઝના પ્રાચીન નમૂનાઓ મળી આવ્યા છે. અંતિમવિધિ સમયે મૃતકને ચીઝ ધરાવવામાં આવ્યું લાગે છે. મમીના ગળામાં પહેરવામાં આવેલ નેકલેસમાં ચીઝના નાના નાના ટુકડા મળી આવ્યા છે. આ ટુકડાઓ માત્ર તે સમયની દૂધ ઉત્પાદનની માહિતી જ નથી આપતા, પરંતુ તે સમયની સભ્યતા અને સંસ્કૃતિ વિશે પણ પ્રકાશ પાડે છે. પ્રાચીન લોકો આથો લાવીને દૂધમાંથી વિવિધ ઉત્પાદન કઈ રીતે તૈયાર કરવા? તે વાત જાણતા હતા. આ શોધ ઉપરનો સંશોધન લેખ ૨૫ સપ્ટેમ્બરના રોજ જીવ વિજ્ઞાાનની જાણીતી વિજ્ઞાાન જર્નલ 'સેલ'માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
બાયોમોલેક્યુલર આર્કિયોલોજીસ્ટ અને સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ બેસલ ખાતે પ્રાચીન પ્રોટીન સંશોધનના નિષ્ણાત વિજ્ઞાાની શેવાન વિલ્કિન્સના નેતૃત્વમાં લેખ પ્રકાશિત થયો છે. તેઓ કહે છે કે 'વિશ્વમાં ક્યાંય પણ આ રીતે સારી રીતે સચવાયેલ ચીઝના નમુના મળી આવ્યા હોય! તેવી કોઈ માહિતી મારી જાણમાં નથી. વિશ્વના કેટલાક સ્થાન ઉપર સીરામીકના બનેલ વાસણોની સપાટી ઉપર વિજ્ઞાાનીઓને દૂધની અલગ અલગ ઉત્પાદનની હાજરી જોવા મળી છે. જે ખૂબ જ જૂજ માત્રામાં ઉપલબ્ધ છે. પરંતુ અહીં મળેલ ચીઝના ટુકડા એકદમ ઘન છે. જેને તમે દહીંની માફક હાથમાં પકડીને નિરીક્ષણ કરી શકો છો. ૨૦૧૪માં અહીંથી મળી આવેલ ચીઝના નમુનાનું પ્રોટીન એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેકનોલોજીના વિકાસ સાથે, એક દાયકા બાદ એટલે કે ૨૦૨૪માં ફરિવાર, અહીંથી મળેલ ચીઝનું પ્રોટીન એનાલિસિસ કરવામાં આવ્યું છે. ચીઝસેમ્પલમાં બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગના અન્ય જટિલ નમુના મળી આવ્યા છે. હાલમાં યુરોપમાં વપરાતા યોગાર્ટ જેવા પ્રવાહી ખાટ્ટા પીણાને મળતું આવે તેવું 'કેફીર' પીણું પણ ઉપયોગમાં લેવાય છે. દૂધમાં આથો લાવીને કેફિર તૈયાર કરવામાં આવે છે. મમી પાસેથી મળેલ ચીઝના નમૂનામાં, કેફિર પ્રકારનો બદલાવ જોવા મળે છે.
કલ્ચરલ ટાઈમ કેપ્સ્યુલ
ચાર હજાર વર્ષ પહેલા ભટકતી જાતિના લોકો જાણતા પણ ન હતા કે, સૂક્ષ્મ જીવાણુ જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે! આમ છતાં તેઓ સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરતા આવ્યા હતા. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના પેલેઓન્ટોલોજિસ્ટ, પેલિયોએનથ્રોપોલોજીસ્ટ અને અભ્યાસના સહ-લેખક કિયાઓમી ફુ કહે છે કે '૨૦મી સદીમાં દૂધ ઉત્પાદનનું વ્યાપારીકરણ કે ઉદ્યોગીકરણ થયું ન હતું ત્યારે, વિચારતી પ્રજાતિના લોકો, દૂધમાં આથો લાવવા માટે વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરતા હતા. હાલમાં આપણે દૂધમાં આથો લાવવા માટે પાંચ છ પ્રકારના જ જીવાણુઓનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે ચીઝનો સાચો સ્વાદ અને તાંતણા જેવા સૂક્ષ્મ જીવાણુઓની જૈવિક વિવિધતા ખતમ થઈ ગઈ છે.'
હાર્વર્ડ યુનિવર્સિટીના બાયોમોલેક્યુલર પુરાતત્વવિદ્ ક્રિસ્ટીના વોરીનર જણાવે છેકે '૩.૫૦ હજાર વર્ષ પ્રાચીન ચીઝના નમુનાનું પ્રોટીન એનાલિસિસ અને તેમજ જોવા મળતા સૂક્ષ્મ જીવાણુનું ડીએનએ એનાલિસિસ આજનો અંતિમ ચુકાદો નથી. સમય જતા ડીએનના નમુનામાં નુકસાન પહોંચે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રાચીનકાલીન ચીઝમાંથી મળેલ ડેટા એકદમ નૈસગક નથી. છતાં ઇતિહાસના કેટલાક રહસ્ય તે ઉકેલી આપે છે. વિશ્વભરમાં માનવ સમાજના વિકાસમાં દૂધ ઉત્પાદનોએ કેવી નિર્ણાયક ભૂમિકા ભજવી હતી? આ સંશોધન તેના ઉપર ભાર મૂકે છે. ક્રિસ્ટીના વોરીનર એક ડગલું આગળ ચાલીને કહે છે કે 'મારા મત પ્રમાણે માનવી માટીના વાસણો બનાવવાની શોધ કરી, તે પહેલાથી જ દૂધના ઉત્પાદનો જેવાકે પનીર ચીઝ વાપરતા આવ્યા છે.' એશિયામાં વપરાતી ડેરી પ્રોડક્ટમાં સૌથી વધારે લેક્ટિક એસિડ જોવા મળે છે. ઝિયાઓહેની રાજકુમારીના ગળામાં રહેલ નેકલેસ ઉપરથી મળી આવેલ ચીઝના નમુના, માત્ર સાડા ત્રણ હજાર વર્ષ પ્રાચીન સેમ્પલ નથી. મનુષ્યના ઇતિહાસને સમજવા માટે અને સૂક્ષ્મ જીવાણુઓની દુનિયાનો તાગ મેળવવાની, એક પ્રકારની માઈક્રોબિયલ અને કલ્ચરલ ટાઈમ કેપ્સ્યુલ છે. આટલું વાંચ્યા પછી એક વાચકે વિજ્ઞાાનીને સવાલ કર્યો હતો કે આ પ્રાચીન ચીઝનો ટેસ્ટ કેવો હશે ? ક્રિસ્ટીના વોરીનર કહે છે કે 'અત્યંત ખાટો'.