જીવનનો હેતુ શું છે ? ધર્મને બદલે એક ફિલ્મ પાસેથી મળેલી સહજ સમજ!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- લાઈફમાં સતત જીત માટે બહુ સિરિયસ નથી થવાનું, બચ્ચાંની માફક પ્લેફુલ થવાનું છે. હારમાં પણ હસતા રહેવાનું છે ને સતત જીવવા માટે મથ્યા રહેવાનું છે. જીવનથી પલાયન કર્યા વિના એમાં સ્મિતસભર સ્નેહ અને સારપને શોધવાની છે.
मेरे बेटे
कभी इतने ऊँचे मत होना
कि कंधे पर सिर रखकर कोई रोना चाहे तो
उसे लगानी पड़े सीढ़ियाँ
न कभी इतने बुद्धिजीवी
कि मेहनतकशों के रंग से अलग हो जाए तुम्हारा रंग
इतने इज़्ज़तदार भी न होना
कि मुँह के बल गिरो तो आँखें चुराकर उठो
न इतने तमीज़दार ही
कि बड़े लोगों की नाफ़रमानी न कर सको कभी
इतने सभ्य भी मत होना
कि छत पर प्रेम करते कबूतरों का जोड़ा तुम्हें अश्लील लगने लगे
और कंकड़ मारकर उड़ा दो उन्हें बच्चों के सामने से
न इतने सुथरे ही होना
कि मेहनत से कमाए गए कॉलर का मैल छुपाते फिरो महफ़िल में
इतने धार्मिक मत होना
कि ईश्वर को बचाने के लिए इंसान पर उठ जाए तुम्हारा हाथ
न कभी इतने देशभक्त
कि किसी घायल को उठाने को झंडा ज़मीन पर न रख सको
कभी इतने स्थायी मत होना
कि कोई लड़खड़ाए तो अनजाने ही फूट पड़े हँसी
और न कभी इतने भरे-पूरे
कि किसी का प्रेम में बिलखना
और भूख से मर जाना लगने लगे कहानी।
- कविता कादबरी
એક ચક્રવર્તી સમ્રાટને ખબર પડી કે ઊંચા એક પહાડના શિખર પર વિશ્વના મહાન વિજેતાઓના નામ કોતરાયેલા હોય છે. સમ્રાટને થયું કે ત્યાં આપણું નામ તો હોવું જોઈએ. રાજકાજ છોડી એ મુસાફર બન્યો. ટાઢ તડકો વરસાદ ભૂખ તરસ બધું વેઠતો પહોંચ્યો અંતે મહિનાઓની રઝળપાટ બાદ એ પહાડના શિખરે. ઝોળીમાંથી પોતાનું નામ કોતરવા માટેના ઓજાર કાઢી હરખભેર ડગ માંડયા. પણ નજીક જતા એની આંખે અંધારા આવી ગયા. શિખર પરની વિરાટ શિલા તો નામોથી ખચાખચ ભરેલી હતી. નામ લખવું તો પણ ક્યાં લખવું ? ચોખાના એક દાણા જેટલી પણ જગ્યા બચી નહોતી.
સમ્રાટને થયું કોઈનું નામ ભૂંસી મારું નામ લખી નાખું. પણ એને તરત વિચાર આવ્યો કે જેમ હું ઓળખતો પણ નથી એવા કેટલા દિગ્વિજયીઓ અહીં નામ લખી ગયા છે, એમ આવતીકાલે કોઈ બીજો મહાન વિજેતા આવશે ને એને જગ્યા નહિ જડે તો મારું નામ છેકી પોતાનું લખશે ! પછી તો આગળ એને વિચાર આવ્યો કે અહીં નામો કોતરવાનું આટલું મહાત્મ્ય છતાં અહીં આવીને વાંચે છે કોણ ? યાદ કેટલા રાખશે આ નામો ? જગત જીતી લેવાની આખી કસરત એને નિરર્થક લાગે એવો જાણે કલિંગબોધ થયો.
આપણે નથી જોયા મ્યુઝિયમમાં કેટલાય ખંડિત પૂતળાઓ, કૈંક મહાન વિભૂતિઓના તૈલચિત્રો કે જેની નજીક જઈને વાંચવા પડે છે એમના નામો. ગૂગલ કરવું પડે છે એમના માટે. ઘણી વાર તો ય પુરી વિગતો નથી મળતી. એમના સમયના, એમની આસપાસના લોકોમાં એ સુપરસેલિબ્રિટી કાળમાં ધૂળમાં મળી જતા હોય છે. અમુક નામો યાદ રહે છે, એમની ભાષા કે કે એમના દેશના લોકો વચ્ચે. બીજે જાવ તો એ જાણીતાને બદલે અજાણ્યા લાગે. એમની સિદ્ધિ ઓછી નથી હોતી, પણ માત્ર એમની ભાષા સમજનારા કે એમના કલ્ચરના લોકો જ એમને ઓળખે છે. કોઈક જ વિરલા હોય ગાંધી કે માઈકલ જેક્સન જેવા કે જેમને દુનિયા આખી ઓળખે . પણ એમાં ય એમના ટીકાકારો ઓછા ના હોય. કીર્તિ કેરાં કોટડા પણ ખરી પડે છે ને નાણાની જેમ એક સમયે નામ પણ ઘસાઈ જાય છે, કોઈ બીજા આવીને એ જગ્યા પર ગોઠવાઈ જાય છે.
***
દૂરદર્શનમાં સુવર્ણયુગ જેવા જમાનામાં એક સિરિયલ આવતી : મુંગેરીલાલ કે હસીન સપને. જેનાથી રઘુવીર યાદવ જાણીતો થયેલો અભિનેતા તરીકે. પ્રકાશ ઝાનું દિગ્દર્શન હતું. સામાન્ય કારકુન જેની જિંદગી સાવ બ્લેક ૅઍન્ડ વ્હાઈટ છે, પણ સપના કલરફૂલ છે. પોતે અલગ અલગ સિચ્યુએશનમાં હીરો હોય એવા સપનામાં બેઠા બેઠા એ ખોવાઈ જાય. અલબત્ત, આ કોન્સેપ્ટ મૌલિક નહોતો. મૂળ ન્યુ યોર્કર નામના આજે પણ સુખ્યાત મેગેઝીનમાં ૧૯૩૯માં છપાયેલી જેમ્સ થર્બરની કથા 'સિક્રેટ લાઇફ ઓફ વોલ્ટર મિટ્ટી'નો પ્લોટ છે. જેનો નાયક વોલ્ટર મિટ્ટી સાધારણ અને જીવનમાં ખાસ કશું કરી ના શકેલો યુવાની ઢળતી હોય એ ઉંમરનો યુવાન છે. પણ લાઇફનો ખાલીપો પૂરવા ડે ડ્રીમિંગમાં સરકી પડે છે. યાને દીવાસ્વપ્ન. ઊંઘમાં નહી પણ જાગતા કલ્પનાઓના ફૅન્ટેસીલેન્ડમાં સરકી પડવું તે.
આ મૂળ ટુંકી વાર્તા પરથી એ જ નામે ૧૯૪૭માં એક ફિલ્મ બની. પણ માત્ર પાત્રાલેખન એ જ રાખી વાર્તા આખી બદલાવી ને ૨૦૧૩માં ફરી ફિલ્મ બની. નામ તો એ જ 'સિક્રેટ લાઇફ ઓફ વોલ્ટર મિટ્ટી'. વાત આજે એની કરવી છે. હોલીવુડનો જાણીતો કોમેડિયન બેન સ્ટીલર કે ઓસ્કારમાં પણ હોસ્ટ ઘણી વાર હોય છે, એણે મુખ્ય ભૂમિકા ભજવેલી. ડાયરેકટર પણ એ પોતે હતો. એક કોમેડી જોવાની અપેક્ષાએ જાવ ને સરપ્રાઇઝમાં આખી એક લાઇફ ફિલોસોફી મળે એવી સુંદર ફિલ્મ હતી આ. ૧૧ વર્ષે પણ ભૂલાઈ નથી. એના જોઈએ એટલા વખાણ નથી થયા પણ લાઇફ ઇઝ બ્યુટીફૂલ કે ઇટ્સ વન્ડરફૂલ લાઇફ જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મો કરતા લગીરે ઉતરતી નહોતી, એવું વ્યક્તિગત માનવું છે. એટલે જ આજે ૫૧ નો ચાંદલો કરતા જન્મદિને એની યાદ આવી ગઈ. આમ તો ફિલ્મ વાર્તા થોડીક જે અહીં વાંચ્યા પછી પણ જોવા જેવી છે, તો જ એની અસર બરાબર સમજાશે.
તો અહીં પણ નાયક વોલ્ટર મિટ્ટી એ છે જે આમ જુઓ તો કોઈ રીતે હીરો નથી. લાઈફ મેગેઝીનની ઓફિસમાં ફોટો લાયબ્રેરી સંભાળતા ડેસ્કનો આસિસ્ટન્ટ છે. સારો માણસ છે, દિલનો ભલો. હોશિયાર પણ ખરો. કામમાં એકદમ ચીવટવાળો ને ઝટ ભરોસો મૂકી છેતરાઈ પણ જાય એવો ભોળો. પણ ઓર્ડિનરી લાઈફ જીવે છે. ઝાઝી કમાણી નથી. આધેડ વય છતાં આમ એકલો છે. લગ્ન નથી કર્યા. કારણ કે બીમાર વૃદ્ધ માની સેવા કરી છે ઘેર એમને રાખીને. બહેન એની કરિઅર બનાવે એ માટે સપોર્ટ કર્યો છે. ઓફિસની એક ખૂબસુરત યુવતી ગમે છે, પણ વાત કરવામાં ખચકાય કારણ કે એને એ પહોંચ બહાર લાગે છે. અને વોલ્ટર એટલે જ કદાચ કાયમ કોઈને કોઈ સપનામાં ઉભા ઉભા કે બેઠા બેઠા કે ચાલતા ચાલતા સરકી પડે છે. રિયલ લાઈફને વિસારે પાડવા કદાચ. એમાં એ પાયલોટ થઇ પ્લેન ઉડાડતો હોય કે યુદ્ધમાં યોદ્ધા તરીકે લડતો હોય કે સ્પોર્ટ્સમાં ફટકાબાજી કરતો હોય કે રોમેન્ટિક જગ્યાએ કોઈ પરી સાથે વિહરતો હોય. ઈમેજીનેશનમાં સરી પડવાને લીધે એ રિયાલીટીથી દૂર ભાગે છે.
આવામાં કંપનીનું મેનેજમેન્ટ ફરે છે. નવા બોસને માત્ર પ્રોફિટમાં જ રસ છે. બધા સાથે જોહૂક્મી ને તુમાખી કરે છે, સાહેબગીરીનો રોફ જમાવતી તોછડાઈ કરે છે. પ્રિન્ટ ડિવીઝન એને બંધ કરવું છે. છેલ્લો ઐતિહાસિક અંક બહાર પાડવો છે. બાકી કમાણી કરતુ ડીજીટલ. પણ લાસ્ટ ઈસ્યુના ટાઈટલ પર એક સેલિબ્રિટી ફોટોગ્રાફરનો ફોટો મુકવાનો છે. એ ફોટોગ્રાફર ઘુરિયલ સ્વભાવનો છે. મોબાઈલ વાપરે નહિ. કોઈની સાથે સંપર્ક રાખે નહિ. ડિજીટલ ને બદલે નેગેટીવ સાથે જ કામ લે. એની પાસે એ ફોટાની નેગેટીવ લેવા માટેનું કામ એ જેને કાયમ આપતો એ વોલ્ટર. એટલે એને જવાબદારી સોંપાય છે કે જ્યાં હોય ત્યાંથી ગમે તેમ કરી ડેડલાઈન પહેલા ફોટોગ્રાફરને મળીને ફોટો નેગેટીવ મોકલો. વોલ્ટરને જેમ્સ બોન્ડની જેમ સગડ શોધતા શોધતા દેશો ફરવા પડે છે. જાતભાતના સાહસિક અનુભવ થાય છે, અવનવા પંચરંગી લોકો મળે છે. શાર્કના જડબામાં ફસાય છે અને આકરી ઠંડીમાં પ્લેન ગોથા ખાય છે. વોલ્ટરના ડે ડ્રીમ્સ રોમાંચક સફરમાં ઘટતા જાય છે.
અંતે છેક ગ્રીનલેન્ડથી અફઘાનિસ્તાનની સફર ખેડતા છેક હિમાલયમાં સ્નો લેપર્ડના ફોટા પાડવા માટે એક ગુફામાં બેઠેલા પેલો ફોટોગ્રાફરની ભાળ મળે છે. મહામુસીબતે ટ્રેકિંગ કરી ત્યાં જઈને વોલ્ટર જાય ત્યારે એને એ કહે છે શાંત રહેજે. ફોટો પાડીને કહે છે : 'જો આ તસ્વીર બધા જોશે પણ એની પાછળની સાધના બધાને નહિ સમજાય. પણ આ ક્ષણ જે કાયમી થઇ એ અગત્યની છે. ક્યારેક મને કોઈ પળ ખૂબ સ્પર્શી જાય ત્યારે હું એનો ફોટો નથી લેતો. બસ, એ મોમેન્ટ જીવી લઉં છું. કેમેરા પણ એમાં આડખીલી નથી બનવા દેતો. જીવન જીવ્યા છે એ જેની પાસે જાત ભૂલી જાય એવી મોમેન્ટસ છે. એન્ડ બ્યુટીફૂલ થિંગ્સ ડોન્ટ આસ્ક ફોર એટેન્શન.'
મતલબ, જે ખરેખર અદ્ભુત છે એનું એક પોતીકું ખેંચાણ હોય છે. ધ્યાન ખેંચવું એ તો માર્કેટિંગની તરકીબો છે. કોઈ માણસ ના હોય ફોટા પાડવા કે વખાણ કરવાવાળું તો પણ સુરજ ઉગે છે, સિતારા ચમકે છે, પવન લહેરાય છે, રંગીન ફૂલો ખીલે છે અને પતંગિયા પાંખો ફફડાવે છે. એમનું સૌંદર્ય ઘટતું નથી. કોઈ સ્ત્રી કે પુરુષ કે બાળક પણ જેન્યુઈનલી બ્યુટીફૂલ છે તો એ શણગાર વિના પણ આપોઆપ મોહિત કરી શકે છે. નખરાં કરવા નથી પડતા ! એની વે, ફોટોગ્રાફર વોલ્ટરને કહે છે કે છેલ્લા અંકના કવર માટેનો બેસ્ટ ફોટો તો એક વાર તારા ડેસ્ક પર તું નહોતો ત્યારે નેગેટીવ તારા વોલેટમાં મેં સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે રાખેલો એ છે.
બોલો, જે ઘેર હતું, એ શોધવા માટે યાત્રા કરી આટલી ! પણ મહત્વ એ રિઝલ્ટનું નહોતું. મહત્વ હતું એ જર્ની, એ અનુભવોનું. વોલ્ટરને હતું કે પાકિટ ફેંકાઈ ગયું છે, પણ એના માએ એ સાચવી રાખેલું. હાંફતા શ્વાસે એ અમેરિકા પાછો ફરી ઓફિસે ફોટો પહોંચાડે છે. પેલી એને ગમતી સ્ત્રી એની નિષ્ઠા ને નિખાલસતાથી ઈમ્પ્રેસ થાય છે. વોલ્ટરને અચાનક અહેસાસ થાય છે કે પોતે આ સફર પર નીકળ્યો ત્યારથી ધીમે ધીમે એના પેલા સપના ઘટતા જાય છે, અને બંધ જ થઇ જાય છે. કારણ કે, લાઈફ જ એટલી દિલચસ્પ થઇ ગઈ છે કે નવરા બેઠાં કારણ વગરની કલ્પનાઓમાં સારી પડવાનો સમય નથી. પ્રવાસ ને સાહસને લીધે એડવેન્ચર ને થ્રિલ જીવન જીવવામાં આવી ગઈ છે.
પેલા બોસને પણ વોલ્ટર કામ પૂરું કરીને કંપની છોડતા કહે છે કે 'બરાબર છે કે તમે ઉપરી છો, પૈસાદાર છો અને તમારે કંપનીમાં બધાને છુટા કરી યુનિટ બંધ કરવાનું ને નવા સ્ટાફ રાખી બધું શિફ્ટ કરવાનું અણખામણું કામ કરવાનું છે. પણ એના માટે તોછડા થવાની ને સતત ગરમ થવાની જરૂર નથી. આવા વાયડા થયા વિના આ કામ કર્યું હોય તો વ્હાલ ને વિશ્વાસને લીધે લોકો યાદ રાખત.'
બહાર નીકળતા વોલ્ટરને લાઈફ મેગેઝીનના લાસ્ટ ઇસ્યુના કવર પરનો પેલો ફોટો જોવા મળે છે. જેની નેગેટીવ એણે આપેલી. એ ફોટો કામમાં ખૂંપીને બેધ્યાન થઇ ગયેલા વોલ્ટરનો જ છે. કોઈ પણ સંસ્થા ને ટકાવી રાખે છે આવા જેના ફોટા નકલી ના છપાય એવા લોકોની પ્રામાણિક મહેનત.
અને વોલ્ટર એના બોસને જે સમજવાની શીખ આપે છે ને પોતે જીવનમાં ઉતારી સફળ ભલે ઓછો હોય પણ ખુશ વધુ છે એવો લાઈફ મેગેઝીનનો મોટ્ટો (મુદ્રાલેખ) આપણને યાદ કરાવે છે : ટુ સી ધ વર્લ્ડ, થિંગ્સ ડેન્જરસ ટુ કમ ટુ, ટુ સી બિહાઇન્ડ ધ વોલ્સ, ડ્રો ક્લોઝર, ટુ ફાઈન્ડ ઈચ અધર એન્ડ ટુ ફીલ. ધેટ ઈઝ પર્પઝ ઓફ લાઈફ.
વાહ કયા બાત. ભલે ફિલ્મ જોઈ ત્યારે શબ્દો મળ્યા પણ આપણું ય આ જ લાઈફ લેસન છે : એકના એક સંકુચિત કમ્ફર્ટ ઝોનમાં રહી ખાબોચિયાંમાં ના રહો. બહાર નીકળો. કોઈને છેતર્યા વિના જાતમહેનતે કમાઈ લો અને પોસાય એટલી દુનિયા જોઈ લો જીવન મળ્યું છે ને શરીર ચાલે છે તો. જજમેન્ટલ થયા વિના બધું મુગ્ધ વિસ્મયથી માણવાનો ઉત્સાહ રાખો. એમાં બેશક જોખમો આવશે, પડકારો આવશે, અરે જખ્મો પણ થશે, પીડા આવશે. પણ એ જ બધું તમને ઘડશે અને મજબૂત બનાવશે.
કશુંક નવું શીખવશે. માટે ડર્યા વિના પડકારો સામે પરાક્રમ બતાવો. જગત તરત ખુલશે નહિ તમારી સામે. દરેક વ્યક્તિ પણ હૈયું એમ નથી ખોલતી. બધા જેવી દેખાડે કે બોલે એવું જ જીવતા નથી, વિચારતા નથી. એ દીવાલોની આરપાર જોવાની કોઠાસૂઝ તમારામાં હોવી જોઈએ. કોઈની નારાજગી કે રાજીપો કહ્યા વગર સમજાઈ જાય અને અને ના બોલાયેલું વર્તન કે વાતાવરણ જોઈને પરખાય એવી આંખોનું મૌન ઉકેલતી અક્કલ કેળવો. એનો ઉપયોગ કોઈને પછાડી કે પાડી દેવા માટે નહિ પણ કોઈની નિકટ આવવા માટે કરો. ઈન્ટેલીજન્સ કમાણી ને સુરક્ષા પુરતી રાખો. પણ જીવવા માટે ફીલિંગ રાખો. કોઈ દોસ્ત, કોઈ બાળક, કોઈ શિષ્ય, કોઈ પ્રિયજન શોધો એમાં સથવારો કરે એવા. કોઈના દિલમાં જઈને વસો ને ખુદના દિલને ઘાયલ થયા છતાં ખુલ્લું રાખીને મુસ્કુરાતા રહો. બસ, જીવનનો આ મકસદ છે.
કોઈ ફિલોસોફીના થોથા કરતા કે ધર્મગુરુઓની આશ્રમ શિબિરો કરતા સહજતાથી એક ફિલ્મ શીખવી જાય છે જિંદગી જીવવાની કળા. જીવવાની કળા. જીતવાની નહિ ! કદાચ હારી જશો, પણ જીવી જશો. જીતવું કોઈ પાપ નથી. એની ક્ષમતા કેળવો. પણ જીતવાની હોડમાં જો પાગલ થઇ જશો, તો જીવવાનું ગુમાવી દેશો.
વોલ્ટર મિટ્ટી ભલે ભૂલો કરતો ગૂફી કહેવાય એવો જીવ છે, પણ કોઈની સામે ખટપટ નથી કરતો. ઇન્સિકયોર્ડ બનીને કોઈની ઈર્ષા નથી કરતો. એના કામમાં એ ગુલતાન છે, એની જે છે એવી ટેલન્ટ પર મુસ્તાક છે. બીજાઓને એ બિરદાવી શકે છે, પ્રોત્સાહન આપે ને મેળવે છે. એનાથી જલન નથી અનુભવતો. બસ, એમ ખોટા સામે અડગ થઈને અને પ્રેમ સામે વિનમ્ર થઈને જલસાથી અસલામતી વિના જીવી શકીએ એ પણ એક જીત છે. આફટરઓલ, જીવનમાં ઉભા થતા સંજોગોથી તમારી ઓળખ નથી બનતી, તમે એનો કેવી રીતે પ્રતિસાદ આપો છો એનાથી બને છે !
***
લેખના આરંભે જાણે એક માએ સંતાનનું સંસ્કારઘડતર કરવા લખી હોય એવી સંવેદનશીલ કવિતા ફરીથી વાંચો. અઘરી જરાય નથી. પણ એ યાદી કરાવે છે કે જીવનમાં સાચી પ્રાયોરિટી શું હોવી જોઈએ ? કર્ટસીના નામે અન્યાય કે અસત્ય સહન નહિ કરવાનું અને સ્ટેટ્સના નામે કોઈ ગરીબ કે સામાન્ય માણસ સાથે ભેદભાવ નહિ કરવાનો. બુદ્ધિના નામે લાગણીનું અપમાન નહિ કરવાનું અને કનેક્ટ રહેવાનું બીજાની પીડા સાથે, પ્રસન્નતા સાથે. ધર્મ કે દેશભક્તિના નામે માનવતા ભૂલીને જડસુ ઝનૂની નહિ થવાનું. સાહજિક સેક્સ ને પ્રેમના વિરોધી નહિ થવાનું અને શ્રમજીવીને શરમજનક સ્થિતિમાં મુકવા જેટલા અભિમાની નહિ થવાનું. કોઈના પતનનો જશ્ન નહિ મનાવવાનો, ને ને બહુ ઊંચા હોવાના વહેમમાં નહિ ફરવાનું ! પ્રેમથી ભીના રહેવું, ઈશ્ક કરતા આવડે એને જ ઈશ્વર જડે ! આપણા પહેલા પણ કૈંક હતા ને આપણા પછી પણ હશે. એટલે મુખ્ય કામ મહાન બનવાનું નથી. મસ્ત જીવવાનું છે.
બસ, લાઈફ ઈઝ સેલિબ્રેશન જો આ કળા આવડે તો જન્મદિને વર્ષો ગણવા નહી પડે, વર્ષોમાં જીવન જુવાન બનાવીને ઝગમગશે.
ફાસ્ટ ફોરવર્ડ
'ગીતાનો એક સાર એ પણ છે કે ફળ કરતા રસનું મહત્વ છે. ફળ તો એક ઘટના છે, રસ એ નિત્ય જીવન છે. કોઈ ઉત્તમ કાર્યમાં રસ એ જ એનું કાયમી મધુર ફળ ! માટે રસથી જીવવું.' ( મોરારિબાપુ )