સરપ્રાઇઝ! આ જ્વાળામુખી રાતો નહિ, ભૂરો લાવારસ કાઢે છે
- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- ઇન્ડોનેશિયાનો કવાહ ઇજેન જ્વાળામુખી તેમાંથી નીકળતા ‘ભૂરા લાવારસ’ બદલ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ ટોપિક છે. લાવા, અને તેય ભૂરો? આખરે શું છે તેનું વૈજ્ઞાનિક રહસ્ય?
- દુનિયાભરમાં લગભગ 1,500 સક્રિય જ્વાળામુખો છે—અને તે દરેક ધગધગતી લાલ-કેસરી આગના લબકારા કાઢતા લાવારસનું ઉત્સર્જન કરે છે. ઇન્ડોનેશિયાનો કવાહ ઇજેન બધામાં અપવાદ છે, કેમ કે તે ભૂરી આગના કોગળા કરે છે.
કોઈ અજાણ્યા નૈસર્ગિક સ્થળને પહેલાં તો વિડીયો-તસવીરો વડે જગજાહેર કરી દેવું; ત્યાં અચૂક જવા માટે લોકોને સખત ભારપૂર્વક સૂચન કરવું; થોડા વખતમાં મુલાકાતીઓનો રાફડો ફાટવા લાગે ત્યારે એ જ સ્થળને overcrowded/ ભીડભાડિયું ઘોષિત કરવું; લોકોને એ ભીડમાં જવાનું માંડી વાળવાનું જણાવવું અને તેના બદલે કોઈ નવી, અજાણી નૈસર્ગિક જગ્યાની મુલાકાત લેવા આમંત્રણ આપવું...
...આ બધું સોશ્યલ મીડિયા પર પાછલાં કેટલાંક વર્ષથી ખૂબ ચાલી રહ્યું છે. આથી ભરવાડની પાછળ દોરવાયે જતાં ઘેટાંનાં ટોળાં સમો ગાડરિયો પ્રવાહ પર્યટન ક્ષેત્રે જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર અમુક તમુક સ્થળોની વિડીયો-તસવીરો દીઠા પછી અસંખ્ય લોકો બિલકુલ એ જ સ્થળે જવા માટે તલપાપડ બને છે. પ્રવાસનો હેતુ સ્થળને જાણવા-માણવા-સમજવાનો હોય તો સમજ્યા, પરંતુ એવું દરેકના કેસમાં હોતું નથી. બહુધા પ્રવાસી એવા હોય કે જેમને તે સ્થળે પહોંચી પોતાની તસવીરો ખેંચાવવી અને વિડીયો લેવી હોય છે. સોશ્યલ મીડિયા પર તે મૂકી લોકોની વાહવાહી બટોરવામાં તેમને વધુ આનંદ મળે છે.
આ પ્રકારના પ્રવાસોએ ઓવરટૂરિઝમની યાને વધુ પડતા પર્યટનની સમસ્યાને જન્મ દીધો છે. વેનિસ, પેરિસ, બાર્સેલોના, પ્રાગ, ડુબ્રોવ્નિક, સેન્ટોરિની, માચુ પિચુ જેવાં અનેક સ્થળો આજે ઓવરટૂરિઝમનો ભોગ બન્યાં છે. આવું એક સ્થળ ઇન્ડોનેશિયાનું બાલિ પણ ખરું, જે પણ સોશ્યલ મીડિયામાં પુષ્કળ પ્રસિદ્ધિ પામ્યા પછી કરોડો સહેલાણીઓના હિટ લિસ્ટ પર મુકાયું છે.
જો કે, તાજા કલમ તરીકે નોંધવું રહ્યું કે નજીકના ભવિષ્યમાં બાલિની ચમક દમકને સહેજ ઝાંખપ આવે તે સંભવ છે. કારણ કે સોશ્યલ મીડિયાએ હવે બાલિને ભીડભાડિયા સ્થળનો દરજ્જો આપવાનું શરૂ કરી દીધું છે. બલકે, એમ કહેવું જોઈએ કે બાલિ પરથી સોશ્યલ મીડિયાનું ફોકસ ખસીને હવે ઇન્ડોનેશિયાના જ જાવા ટાપુ પર કવાહ ઇજેન (KawahIjen) નામના સ્થળે મંડાયું છે. આજે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર બાલિ કરતાં કવાહ ઇજેન ક્યાંય વધારે trending/ ટ્રેન્ડિંગ/ પ્રચલનમાં છે. હજી થોડા વખત પહેલાં જગત માટે અજાણ્યા કવાહ ઇજેનમાં પર્યટકોનો જબરજસ્ત રાફડો ફાટ્યો છે.
આખરે એવું તો શું છે કવાહ ઇજેનમાં, જેણે તેને ઓચિંતું લાઇમલાઇટમાં લાવી દીધું?
જવાબ માત્ર બે શબ્દોનો છે : ભૂરો લાવારસ!
દુનિયાભરમાં લગભગ ૧,પ૦૦ સક્રિય જ્વાળામુખો છે—અને તે દરેક ધગધગતી લાલ-કેસરી આગના લબકારા કાઢતા લાવારસનું ઉત્સર્જન કરે છે. ઇન્ડોનેશિયાનો કવાહ ઇજેન બધામાં અપવાદ છે, કેમ કે તે ભૂરી આગના કોગળા કરે છે. રાત્રિના અંધકારમાં આવા કુદરતી અજૂબાનાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે સહેલાણીઓની જબરજસ્ત ભીડ જામે છે. સેલ્ફી તસવીરો તથા વિડીયો લેવામાં મશગૂલ બની જતા મોટા ભાગના પ્રવાસી જે બાબત ચૂકી જાય છે; એ છે કથિત ભૂરા લાવારસ પાછળ રહેલું રસપ્રદ ભૂસ્તર વિજ્ઞાન!
■■■
પૃથ્વીનો આશરે ૧૦૦ કિલોમીટર જાડો crust/ બાહ્ય ભૂસ્તરીય પોપડો વન-પીસ નથી. દૂધની સપાટી પર જામેલી જાડી મલાઈમાં નાની મોટી ફાટ હોય તેમ પૃથ્વીના પડમાં તિરાડો છે. આને કારણે પોપડો ડઝનેક હિસ્સાઓમાં વહેંચાયો છે. જોવાની વાત એ કે પોપડાની રચના આજથી કરોડો વર્ષ પહેલાં થઈ ચૂકી હોવા છતાં આજની તારીખેય કોઈ પોપડાએ પૂરી સ્થિરતા ધારણ કરી નથી. પરસ્પર નજીકના બે પોપડા વર્ષે ૪થી પ સેન્ટિમીટરના હિસાબે એકબીજાથી દૂર ખસતા જાય છે. આવા બદલાવને કારણે તેમની વચ્ચે જે ભૂસ્તરીય ખાલીપો રચાય તેને પૂરી દેવા માટે ઊંડા પેટાળનો ધગધગતો લાવા ઊંચે ચડે છે.
ઘણી વાર એવું બને કે ઊંડા ભૂગર્ભમાંથી ઊંચે ચડતો લાવારસ વખતોવખત બહાર નીકળ્યા કરે. આ પ્રક્રિયા વખત જતાં ભૂસ્તરીય પોપડાની સપાટી પર જ્વાળામુખી પર્વત રચી દે છે. ઇન્ડોનેશિયા ટાપુસમૂહ એવો જ એક ભૂસ્તરીય પોપડો છે. આ દેશના પેટાળમાં વારંવાર મચતી ભૂસ્તરીય ઊથલપાથલોએ વિવિધ ટાપુઓ પર સેંકડો જ્વાળામુખી પર્વતો બનાવી દીધા છે, જેઓ સમયાંતરે નાના-મોટા વિસ્ફોટો સર્જીને લાવારસ ઓક્યા વિના રહેતા નથી.
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર કવાહ ઇજેન જ્વાળામુખીનું સર્જન આવી જ રીતે થયું છે. બહુ દૂરના ભૂતકાળમાં તે ભયંકર વિસ્ફોટ સાથે ફાટ્યો હતો, જેમાં પર્વતની ટોચના ભૂકા બોલી ગયા. ધૂળ-ઢેફાં-ખડકોનો કરોડો ટન ‘માલસામાન’ નાબૂદ થયા પછી પર્વતની ઉપલી સપાટી બુઠ્ઠી બની. વર્ષોવર્ષ તેમાં વરસાદી પાણીનો ભરાવો થતો ગયો, એટલે આખરે રકાબી આકારનું crater/ ક્રેટર યાને અગ્નિમુખ તળાવ રચાયું.
સદીઓ વીતી. તળાવની સપાટી નીચે ચાલતી ભૂસ્તરીય ગતિવિધિના પગલે લાવારસ બનતો રહ્યો અને તેમાંથી ઉત્સર્જન પામતા સલ્ફર તથા અન્ય ખનિજો તળાવના પાણીમાં આસ્તે આસ્તે ભળતા રહ્યા.
■■■
આજે કવાહ ઇજેનની ઊડતી ને ઉપરછલી મુલાકાતે આવનારા ઘણાખરા પ્રવાસી તળાવના પાણીનો નીલો-ભૂરો રંગ જોઈને અવાચક બની જાય છે. આવો રંગ પાણીમાં ભળેલા ખનિજોને કારણે બન્યો હોવાનું તેઓ ધારી બેસે છે. આ માન્યતા ભૂલભરેલી છે. વાસ્તવમાં કવાહ ઇજેન જ્વાળામુખીના તળાવના પાણીનો રંગ તેમાં ભળેલા હાઇડ્રોક્લોરિક એસિડ તથા સલ્ફ્યુરિક એસિડને આભારી ખરો, પણ રંગનું વૈજ્ઞાનિક રહસ્ય જુદું છે.
હાઇડ્રોક્લોરિક એસિડ તથા સલ્ફ્યુરિક એસિડ પોતે તો દેખાવે રંગરહિત છે, માટે પાણીને કોઈ ચોક્કસ રંગ પ્રદાન કરી શકતા નથી. અલબત્ત, બન્ને એસિડ સ્વભાવે અત્યંત એસિડિક (અમ્લ) પ્રકૃતિના છે. પાણીમાં તે વિપુલ માત્રામાં ભળે ત્યાર પછી લીલ, શેવાળ, બારીક સજીવો કે બેક્ટીરિઆ સુધ્ધાં એવા પાણીમાં પાંગરી શકતા નથી. કોઈ જાતની અશુદ્ધિઓ રહિત આવું પાણી પ્રકાશનાં તીવ્ર તરંગલંબાઈનાં તમામ કિરણોને શોષી લે છે. સ્પેક્ટ્રમ અર્થાત્ રંગપટલ પર સૌથી વધુ તરંગલંબાઈ રાતા કિરણોની છે; ત્યાર બાદ નારંગી અને પીળા કિરણો પણ તેમની વધુ વેવલેન્થને લીધે કવાહ ઇજેન તળાવના પાણીમાં શોષાઈ જાય છે. સ્પેક્ટ્રમ પર ઓછામાં ઓછી તરંગલંબાઈ નીલા-ભૂરા રંગોનાં પ્રકાશ કિરણોની છે, જેમને કવાહ ઇજેન ક્રેટર તળાવની સપાટી બખૂબી પરાવર્તિત કરી દે છે. આથી જ જોનારને પાણીનો રંગ નીલો-ભૂરો જણાય છે.
■■■
હવે વાત કવાહ ઇજેનના કથિત ભૂરા લાવારસની! વાક્ય ફરીથી વાંચજો. કથિત શબ્દ તેમાં વાપર્યો છે, જેનો સૂચિતાર્થ એ કે જ્વાળામુખી સાચેસાચ ભૂરા લાવારસનું ઉત્સર્જન કરતો નથી. ખરું પૂછો તો જ્વાળામુખી પર્વતના પેટાળમાંથી ભૂરી અગ્નિશિખાઓ નીકળે છે, જેને કેટલાક વખત પહેલાં પ્રતિષ્ઠિત નેશનલ જિઓગ્રાફિક સામયિકે આલંકારિક રીતે ‘Blue Lava’ તરીકે ઓળખાવી ત્યારથી એ શબ્દનો સિક્કો જામી ગયો છે. સિક્કાની સાચી પરખ વિજ્ઞાનના ત્રાજવે કરીએ.
કવાહ ઇજેનના પેટાળમાં ખદખદતો લાવારસ પુષ્કળ પ્રમાણમાં સલ્ફર વાયુનું ઉત્સર્જન કરે છે. ઊંચે ચડતો વાયુ જમીનની તિરાડો વાટે બહાર નીકળી વાતાવરણના ઓક્સિજન જોડે સંપર્કમાં આવે કે તરત ભૂરી જ્વાળાનું સ્વરૂપ ધારણ કરે છે. આનું વૈજ્ઞાનિક રહસ્ય ઇલેક્ટ્રોન એક્સાઇટેશન કહેવાતી પ્રક્રિયામાં રહેલું છે. આ પ્રક્રિયા દરમ્યાન બને એવું કે ઓક્સિજનના સંપર્કમાં આવતો સલ્ફર વાયુ જેવો દહન પામે કે તરત પુષ્કળ ગરમી હેઠળ સલ્ફરના પ્રત્યેક અણુનો ઇલેક્ટ્રોન વધારાની ઊર્જાથી ઉત્તેજિત (એક્સાઇટ) થાય છે. ફરી પાછા નોર્મલ અવસ્થામાં આવવા માટે તે પોતાની એક્સ્ટ્રા ઊર્જા પ્રકાશના ફોટોન તરીકે ખંખેરી નાખે—અને ત્યારે જાંબલી ભૂરા રંગનો પ્રકાશ પેદા થાય.
આ રીતે ઉદ્ભવતી તેજસ્વી ભૂરી જ્વાળાનું તાપમાન ૬૦૦ અંશ સેલ્શિઅસથી ઓછું હોતું નથી. આગના ભડકા નીકળે ત્યારે તેના સંપર્કમાં આવતો જમીન પરનો પીળા રંગનો ઘન સલ્ફર પીગળે છે. અગ્નિ પણ ધારણ કરે છે. ઢોળાવ પરથી તેનો રેલો નીચે તરફ વહેતો જુઓ તો એમ જ લાગે કે જાણે ભૂરા કલરનો લાવારસ વહી રહ્યો છે.
બસ, આવું દૃશ્ય જોનારને ભ્રમિત કરી દે છે. જ્વાળામુખી સાચે જ ભૂરા લાવા કાઢતો હોય એવું તે ધારી બેસે છે. આ ધારણાએ જ કવાહ ઇજેનને ‘Blue Lava’ જ્વાળામુખીની આગવી પિછાણ આપીને સોશ્યલ મીડિયા પર trending/ ટ્રેન્ડિંગ/ પ્રચલનમાં લાવી દીધો છે. આજે જગતના વિવિધ ખૂણેથી દરરોજ હજારો પર્યટકો ‘ભૂરો લાવા’ જોવા માટે જાવા ટાપુના બાન્યુવાની નગરે આવે છે. અહીંથી સફર ખેડીને કવાહ ઇજેન જ્વાળામુખીના તળ સુધી પહોંચે છે, જ્યાંથી તેમણે બે કલાકનો ટ્રેક કરવો પડે છે.
કથિત ભૂરો લાવારસ જોવાનો ખરો આનંદ રાતના અંધકારમાં આવે, માટે ટ્રેકનો આરંભ મધરાત પછી દોઢેક વાગ્યે થાય છે. સ્થાનિક ટ્રેક ગાઇડના સથવારે નીકળતો પ્રવાસીઓનો સંઘ ક્રેટર તળાવ પાસે પહોંચે ત્યારે ગાઇડ સૌને ગેસ માસ્ક પહેરી લેવાની સૂચના આપે છે. કારણ કે તળાવથી શરૂ કરીને ‘ભૂરા લાવારસ’ની કોતરો સુધીના આખા પટ્ટામાં ઠેકઠેકાણે સલ્ફરયુક્ત ગેસના ધુમાડા જમીનની તિરાડોમાંથી નીકળ્યા કરે છે. જલદ પ્રકૃતિનો ધુમાડો શ્વાસનળીની તેમજ ફેફસાંની આંતરત્વચાને નુકસાન પહોંચાડી શકે, પણ ગેસ માસ્કના બારીક ચાળણાં સલ્ફરને રોકી દે.
કવાહ ઇજેન સુધીની ટ્રેકિંગ સફર મજાની છે અને તેનાથી પણ વધારે મજા ‘ભૂરા લાવારસ’ને ઉત્કંઠાની નજરે જોવાની તેમજ વિજ્ઞાની દૃષ્ટિએ સમજવાની છે. આજે સોશ્યલ મીડિયાના વાદે કવાહ ઇજેન દોડી આવતા કેટલા પ્રવાસી કુદરતના અજૂબાને સમજવાનો પ્રયાસ કરતા હશે તે કોને ખબર!■