Get The App

ઈકોમાર્ક : ગ્રીન પ્રોડક્ટ્સની વિશ્વસનીયતા માટે ઉપયોગી પહેલ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
ઈકોમાર્ક : ગ્રીન પ્રોડક્ટ્સની વિશ્વસનીયતા માટે ઉપયોગી પહેલ 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ભારતમાં પણ ઈકોમાર્કના નવા નિયમો લાગુ થયા છે...

'ગ્રી ન પ્રોડક્ટ એટલે જેનો રંગ ગ્રીન છે એ નહીં, પરંતુ જેમાં પર્યાવરણને અનુરૂપ હરિયાળી છે એવી પ્રોડક્ટ.'

જર્મનીના એક પ્રોફેસર છે - ડૉ. ફ્રેન્ક માર્ટિન. સસ્ટેનેબલ પ્રોડક્ટ વિશે ઘણું રિસર્ચ કરનારા પ્રોફેસર માર્ટિને ગ્રીન પ્રોડક્ટની આ વ્યાખ્યા કરી છે.

આમ તો માણસ સદીઓ સુધી ઈકોફ્રેન્ડલી જીવન જ જીવતો હતો. રોજિંદા વપરાશની બધી ચીજવસ્તુઓ પર્યાવરણને અનુરૂપ હતી. સદીઓ પહેલાં માણસે બનાવેલી ભાગ્યે જ કોઈ ચીજવસ્તુથી પ્રકૃતિને નુકસાન થતું હતું. ઔદ્યોગિક ક્રાંતિ સુધી પર્યાવરણને નુકસાન થાય એવા ઉપકરણો પણ માનવજાત પાસે ન હતા. માનવજીવનના કારણે થોડો ઘણો કચરો વેરાય કે ગંદકી થતી તો પણ એનો થોડા સમયમાં કુદરતી રીતે જ નિકાલ થઈ જતો. જેમ જેમ વસતિ વધી, લોકોની જરૂરિયાતો વધી, પ્રોડક્શન વધ્યું, પ્લાસ્ટિક જેવા જોખમી પદાર્થોની શોધ થઈ, હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ વધ્યો તેમ તેમ પર્યાવરણ પર ગંભીર ખતરો આવી પડયો.

પાણી માથા ઉપરથી વહેવા માંડયું ત્યારે ફરીથી માણસને કોઈ એક દિવસે પ્રકૃતિને અનુરૂપ થઈને જીવવાનો વિચાર આવ્યો હશે અને એમાંથી ગ્રીન પ્રોડક્ટ્સનો કોન્સેપ્ટ આકાર પામ્યો.

ગ્રીન પ્રોડક્ટ, સસ્ટેનેબલ પ્રોડક્ટ કે ઈકો-પ્રોડક્ટ એટલે એના ઉત્પાદન વખતે પર્યાવરણને બિલકુલ નુકસાન થતું નથી એવી પ્રોડક્ટ. એના પ્રોડક્શનથી લઈને પેકેજિંગ સુધી બધું ઈકો-ફ્રેન્ડલી હોવું જોઈએ એ તેની પહેલી શરત છે.

***

...તો કઈ પ્રોડક્ટને સસ્ટેનેબલ કહેવાય અને દુનિયામાં ગ્રીન પ્રોડક્ટ્સ તરફ લોકો આકર્ષાય તે માટે શું કરવું જોઈએ એના થોડાં માપદંડો ડૉ. ફ્રેન્ક માર્ટિને આપ્યા છે. ગ્રીન પ્રોડક્ટ્સના નામે જે પ્રોડક્ટ માર્કેટમાં છે એનાથી ગ્રાહકને સંતોષ ન થાય અને કંઈક એડજસ્ટ કરતાં હોવાનું લાગે તો એ પ્રોડક્ટની ખામી છે એમ માનીને ડૉ. માર્ટિને પહેલો માપદંડ રાખ્યો છે - ગ્રાહકનો સંતોષ.

જો સસ્ટેનબલ પ્રોડક્ટ્સમાં ગ્રાહકને મજા નહીં આવે તો ગમે તેટલી મહેનતથી એ બની હશે તોય માર્કેટમાં ચાલશે નહીં. લોકો ગ્રીન પ્રોડક્ટ તરફ વળે તે માટે કેમ્પેઈનિંગ જરૂરી છે, પરંતુ સામાન્ય લોકો આટલું ડીપ વિચારવાના નથી. એ પૈસા ખર્ચ કરશે તો પ્રોડક્ટ તેમને અનુકૂળ છે કે નહીં એ પહેલાં ચેક કરશે, પર્યાવરણને અનુરૂપ છે કે નહીં એ તેમના માટે તે વખતે મહત્ત્વનું નથી. ધારો કે કપડાં ધોવાના પાવડરના ગ્રાહક પાસે બે વિકલ્પો હશે. એમાંથી એક ગ્રીન પાવડર છે. એ બનાવતી વખતે પર્યાવરણને નુકસાન થયું નથી, પરંતુ એટલી જ રકમ ખર્ચીને સરખું પરિણામ ન મળે તો એક વખત કદાચેય ગ્રીન પ્રોડક્ટ ખરીદી લેનાર ગ્રાહક બીજી વખત એ તરફ નજર સુદ્ધાં નહીં નાખે.

પછી આવશે લાઈફ-સાઈકલ. દરેક પ્રોડક્ટને એક નિયત સમયગાળો હોય છે. એ પ્રોડક્ટ કેટલી ટકશે એ બહુ અગત્યનું છે. ઈકોફ્રેન્ડલી પ્રોડક્ટ નોન ઈકોફ્રેન્ડલી પ્રોડક્ટ જેટલી જ કિંમતમાં મળતી હોય ત્યારે એ બહુ લાંબો વખત ટકે નહીં તો ગ્રાહકો એના પર પસંદગી ઉતારશે નહીં. પાણી ભરવાની પ્લાસ્ટિકની બોટલ્સ છૂટથી વપરાય છે. એના બદલે માટીની બોટલ્સ પણ મળી રહે છે. એક વખત ગ્રાહક માટીની બોટલ ખરીદી લેશે, પણ એની લાઈફ-સાઈકલ જો પ્લાસ્ટિકની બોટલ જેટલી નહીં હોય તો બીજી વખત એ પ્રોડક્ટ ખરીદવાનું કસ્ટમર ક્યારેય વિચારશે નહીં, ભલે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે ને હેલ્થ પર પણ અસર પડે છે, છતાં એ પ્લાસ્ટિક મટિરિયલની બોટલ જ ખરીદશે.

ગ્રીન પ્રોડક્ટમાં સતત સુધારો-વધારો થવોય જરૂરી છે. આજે આપણે જેટલી પ્રોડક્ટ ખપમાં લઈએ છીએ એ બધી આજથી ૧૦ વર્ષ પહેલાં હતી એવી આજે નથી. એમાં ટેકનોલોજી બદલાઈ એમ પરિવર્તનો આવ્યા. એવા જ પરિવર્તનો ગ્રીન પ્રોડક્ટ્સમાં પણ અનિવાર્ય છે. નહીંતર ગ્રાહક ફરીથી નોન ગ્રીન પ્રોડક્ટ તરફ વળી જશે.

ગ્રીન પ્રોડક્ટથી લોકોના જીવનમાં કંઈક પરિવર્તન દેખાવું જોઈએ. થોડો વધારે ખર્ચ કરીને પણ જો લોકો ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ પસંદ કરવા માંડે પછી એમને એનો ફાયદો દેખાવો જોઈએ. ધારો કે સાધારણ હેર ઓઈલની સરખામણીએ સસ્ટેનેબલ હેરઓઈલનો વપરાશ કરનારા ગ્રાહકોને એમ લાગે તે એનાથી તેમના વાળ હતા એવા ને એવા રહ્યા છે કે ગ્રોથ વધ્યો છે તો પછી થોડું વધારે બજેટ ખર્ચીને પણ એ હેરઓઈલ બીજી વખત લેવાનું પસંદ કરશે.

વિશ્વસનીયતા આ ક્રમમાં છેલ્લો માપદંડ છે. કોઈ પ્રોડક્ટ ગ્રીન છે એવો પ્રચાર થતો હોય, પણ પછી ખબર પડે કે એમાં ઘણી બાંધછોડ થાય છે. પર્યાવરણને અનુરૂપ પ્રોડક્ટ બનાવવા માટે જે માપદંડો નિયત થયા છે એ પ્રમાણે પ્રોડક્ટ બનતી નથી એવું એક્સપોઝ થાય તો ગ્રાહકો ગ્રીન પ્રોડક્ટના વિચારને જ ધુપ્પલ માનવા લાગશે.

ને એવી વિશ્વસનીયતા માટે જરૂરી છે સ્ટાન્ડર્ડ વેરિફિકેશન. ગ્રીન પ્રોડક્ટ્સની અહીં ચર્ચા કરવા પાછળનું કારણ છે આ સર્ટિફિકેટ વેરિફિકેશન માર્કે.

***

ભારત સરકારે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ માટે જુદા જુદા સર્ટિફિકેટની વ્યવસ્થા કરી છે. એમાંના એકનું નામ છે - ઈકોમાર્ક. આમ તો છેક ૧૯૯૧થી દેશમાં આ સર્ટિફિકેશન માર્કની વ્યવસ્થા હતી, પરંતુ એની એવી જરૂરિયાત અને અવેરનેસ પણ ન હતી. ગયા વર્ષે સરકારે ઈકોમાર્ક માટે નવેસરથી ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને નોટિફિકેશન પણ બહાર પાડયું હતું. હવે આ સપ્તાહથી ઈકોમાર્ક રૂલ્સ-૨૦૨૪ નામથી એના અમલનો નિર્દેશ કર્યો છે. ચા-કોફી, કલર્સ, સૌંદર્ય પ્રસાધનો સહિત ૧૭ કેટેગરીની પ્રોડક્ટ્સ માટે ઈકોમાર્ક લેવો પડશે.

અત્યારે ઈકો-ફ્રેન્ડલી કે ગ્રીન પ્રોડક્ટ્સના નામે સેંકડો ચીજવસ્તુઓ માર્કેટમાં અવેલેબલ છે. એમાંથી ખરેખર ગ્રીન પ્રોડક્ટ કોને ગણવી એ અલગ તારવવું કપરું બન્યું છે. એવા સંજોગોમાં સરકારે આમ તો આ સમયસરનું પગલું ભર્યું છે, પણ એના અમલમાં ઢીલાશ થશે કે પછી સખ્તાઈથી પાલન કરાવાશે એ મુદ્દો હજુ અગત્યનો છે. ભારતમાં ગ્રીન પ્રોડક્ટના પ્રચાર માટે સરકારી અને ખાનગી રાહે પણ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. બધા પ્રકારની ગ્રીન પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધે તે માટે માહોલ બનાવાઈ રહ્યો છે. લોકોમાં અવેરનેસ માટેય કામ થઈ રહ્યું છે, પરંતુ એવી પ્રોડક્ટની વિશ્વસનીયતા હોય એ ખૂબ જ જરૂરી છે.

ડો. માર્ટિને કહેલા માપદંડોમાં વિશ્વસનીયતા છેલ્લો માપદંડ ભલે હોય, પણ એના વગર એકેય ક્રાંતિ શક્ય નથી. ભારતમાં ગ્રીન પ્રોડક્ટ્સના રિવોલ્યુશન પાછળ ઈકોમાર્ક ચાવીરૂપ ભૂમિકા ભજવશે કે પછી બીજા બધા સર્ટિફિકેટ એક નહીં તો બીજી રીતે મેનેજ થઈ જાય છે એમ આ પણ મેનેજ થઈ જશે - એનો જવાબ મેળવવા માટે થોડી રાહ જોવી પડશે!   

ભારતમાં અલગ અલગ પ્રોડક્ટ માટે સર્ટિફિકેશન માર્ક્સ

દેશમાં એગ્રીકલ્ચરલ ચીજવસ્તુઓ માટે એગમાર્ક આપવામાં આવે છે. આમ તો બ્રિટિશરાજ વખતે ૧૯૩૭માં એની શરૂઆત થઈ હતી, પરંતુ ૧૯૮૬માં ભારત સરકારે એગમાર્કમાં સુધારા-વધારા કર્યા હતા. શુદ્ધ સોના માટે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ હોલમાર્ક માપદંડ ગણાય છે. હોલમાર્કના ટૂંકા નામથી જાણીતા આ માર્ક્સ ગોલ્ડ ખરીદવાથી કોઈ વિવાદ થાય તો કાયદાકીય રક્ષણ મળે છે. ફ્રૂટ્સ માટે ભારતમાં છેક ૧૯૫૫થી એફપીઓ માર્ક છે, પણ ૨૦૦૬ સુધી એ ફરજિયાત ન હતો. હવે ફ્રૂટ્સનું પેકેજિંગ થાય તો આ માર્ક અનિવાર્ય છે.

ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ માટે ૧૯૫૦થી આઈએસઆઈ માર્કની વ્યવસ્થા છે. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટયૂટ નામની કેન્દ્રીય કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય હેઠળ આવતી આ સરકારી સ્ટાન્ડર્ડ બોડી તેમના નામથી જ આ સર્ટિફિકેટ આપતી હતી. ૧૯૮૬માં એનું નામ બદલીને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) કરવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રિકથી લઈને કિચન, ટાયરથી લઈને એલપીજી સિલિન્ડર સુધીની ૯૦ પ્રકારની પ્રોડક્ટ્સ માટે આ સર્ટિફિકેટ માર્ક ફરજિયાત છે.

ખાદ્ય સામગ્રી માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)ની વ્યવસ્થા છે. એની પરવાનગી વગર કોઈ પણ ખાદ્ય સામગ્રી વેચવી એ ગુનો ગણાય છે. ૨૦૦૬માં ફૂડ સેફ્ટી એક્ટ લાગુ થયો ત્યારથી આ સરકારી બોડી અસ્તિત્વમાં આવી હતી.

તે સિવાય જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ માર્ક્સ કે જે કોઈ ચોક્કસ પ્રદેશને તેમની ઓળખ સમાન પ્રોડક્ટ્સ માટે આપવામાં આવે છે. જેમ કે રસગુલ્લા માટે પશ્વિમ બંગાળ પાસે જીઆઈ માર્ક છે. વિશ્વ વ્યાપાર સંગઠન તેને માન્ય ગણે છે એટલે જીઆઈ માર્ક હોય એ પ્રોડક્ટની નિકાસ કરવાનું પણ સરળ બને છે. તે સિવાય વેજ માર્ક, જંતુનાશક માટે ટીએલ, સિલ્કના કપડાં માટે સિલ્ક માર્ક, આયુર્વેદિક પ્રોડક્ટ્સ માટે આયુષ માર્ક વગેરે જુદી જુદી એજન્સી મારફતે આપવામાં આવે છે, પરંતુ આમાંથી ઘણાં માર્ક્સ ફરજિયાત નથી ને એનો ભંગ થાય તો દંડનીય અપરાધ ગણાતો નથી.

16 અબજ ડોલરનું ગ્લોબલ ગ્રીન પ્રોડક્ટ માર્કેટ

ગ્લોબલ ગ્રીન પ્રોડક્ટ્સ માર્કેટ અત્યારે ૧૬.૪૮ અબજ ડોલરે પહોંચ્યું છે, પરંતુ દુનિયામાં જે ઝડપે લોકોમાં પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીની જાગૃકતા આવે છે એ જોતાં ૨૦૩૨ સુધીમાં આ માર્કેટ ૯૦ અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. ભારતમાં ગ્રીન પ્રોડક્ટનું માર્કેટ માંડ ૧૧૭ કરોડ રૂપિયાનું છે, પણ એમાં ૩૩ ટકાના માતબર દરે વૃદ્ધિ થવાની શક્યતા જોવાઈ રહી છે.


Google NewsGoogle News