Get The App

શિવ-શક્તિના સિદ્ધાંત સાથે સંકળાયેલું ભૌતિક વિજ્ઞાાન

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
શિવ-શક્તિના સિદ્ધાંત સાથે સંકળાયેલું ભૌતિક વિજ્ઞાાન 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- જગત બ્રહ્મરૂપી પુષ્પની સૌરભ છે. બ્રહ્મની સત્તા જ જગતની સત્તા છે અને જગત જ બ્રહ્મનું રૂપ છે. તે અત્ર-તત્ર-સર્વત્ર, સર્વની અંદર અને બહાર વ્યાપેલું છે

ભ ગવાન શિવ સ્વયં પાર્વતીને કહે છે- 'શક્તિ વિના મહેશાનિ સદાહં શવરૂપક : હે મહેશ્વરી ! શક્તિ વગર એટલે કે તમારા વિના હું શવ (મડદા) સમાન છું. હું જ્યારે શક્તિયુક્ત (તમારી સાથે જોડાયેલો હોઉં છું. ત્યારે જ બધી ઇચ્છા પૂર્ણ કરનાર શિવરૂપ રહું છું. શિવ શબ્દમાં પ્રથમ અક્ષરમાં જે 'શિ' છે તે 'શ' અને 'ઇ' થી બનેલો છે. શ સાથે જોડાયેલો હ્રસ્વ ઇ એ શક્તિ (પાર્વતી)નું સ્વરૂપ છે. શિવમાંથી ઇ નીકળી જાય એટલે 'શવ' થઈ જાય. પ્રાણીમાત્રના શરીરમાંથી ચેતના (ચૈતન્ય શક્તિ) નીકળી જાય એટલે એનું શરીર. શબ (મડદું) જ બની જાય છે.

શિવ-શક્તિ એક જ તત્ત્વનાં બે મહાસ્વરૂપ છે. શિવ પરમપ્રકાશ રૂપ ચિત્ત તત્ત્વ છે અને શક્તિ ચૈતન્ય છે. શિવ સુષુપ્ત અગ્નિ સ્વરૂપ છે અને શક્તિ એ અગ્નિની પ્રજવલિત પ્રગટ અને ક્રિયાશીલ અવસ્થાનો મહાવિસ્ફૂલિંગ છે. ચિત્ત વિના ચૈતન્ય નથી અને ચૈતન્ય વિના ચિત્ત અનુભવાતું નથી. ચિત્ત-પ્રકાશ એટલે કે પરમ જ્ઞાાન પ્રકાશ વિના કોઈ પદાર્થની પ્રતીતિ થતી નથી. ચિત્પ્રકાશ (ચિતિપ્રકાશ) વિના ચૈતન્ય પણ ક્રિયાશીલ અવસ્થામાં આવી શક્તું નથી. એનો અર્થ એ કે ચિત્ત વિના ચૈતન્ય નથી તેમ શિવ વિના શક્તિ નથી. એ રીતે ચેતના-ચૈતન્ય શક્તિ વિના શિવ નથી. એટલે ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા કહે છે- 'જાગીને જોઉં તો જગત દિસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત-ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.' આ રીતે વિશ્વ આખું ચિન્મય (ચિત્ત-શક્તિથી ભરેલું) છે. ચિત્તનું પ્રગટ સ્વરૂપ ચૈતન્ય છે. એટલે શક્તિથી જ બધું ચૈતન્ય, ચેતનામય, સજીવ અને ક્રિયાશીલ છે.

બ્રિટિશ ભૌતિકવિજ્ઞાાની અને ખગોળ વિજ્ઞાાની સર આર્થર એડિંગ્ટન કહે છે- - The Stuff of the universe is mind stuff-  આખું બ્રહ્માંડ મનસ શક્તિ (મન તત્ત્વ)ના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણોથી બનેલું છે. સબ-એટોમિક પાર્ટિકલ્સથી પણ વધારે સૂક્ષ્મ એવા એની ભીતરના ક્ષેત્રમાં નજર કરીએ તો ખ્યાલમાં આવે છે કે સ્થૂળ પદાર્થ જગતના તથા કથિત સર્વ સામાન્ય સાચા લાગતા નિયમો બદલાઇ જાય છે. એ વખતે પદાર્થ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. ત્યાં માત્ર શક્તિ/ઊર્જા  (Energy) ના અગોચર તત્ત્વની અવનવી પ્રક્રિયાઓ જોવા મળે છે. વિશ્વવિખ્યાત ભૌતિકવિજ્ઞાાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ કહે છે કે બ્રહ્માંડનાં પદાર્થોનું અંતિમ ઘટક છે શુદ્ધ ઊર્જા. સબ-એટોમિક પાર્ટિકલ્સ ઊર્જા સાથે કશું ભળવાથી બનેલા છે એવું નથી. તે કેવળ ઉર્જા (શક્તિ) જ છે. સબ-એટોમિક પાર્ટિકલ્સ (ઉપ-પારમાણ્વિક કણો)ની પારસ્પરિક ક્રિયા ( Interaction)  ઉર્જાની ઊર્જા સાથેની જ પરસ્પર ક્રિયા છે. જેને આપણે પદાર્થ કહીએ છીએ તે હકીકતમાં ઉર્જાના સતત સર્જાતા, નષ્ટ થતા, ફરી પાછા સર્જાતા રૂપો જ છે. આખું જગત ઊર્જા-નર્તન (Energy Dance)નું પરિણામ છે. શિવ અને શક્તિ નૃત્ય કરતાં દર્શાવાયા છે. શક્તિ ઉપાસનામાં નૃત્ય, ગરબાની પ્રક્રિયા એનું જ સૂચન કરે છે. કુદરતની અનંત વિવિધતા એટલે જ શિવ-શક્તિનું નૃત્ય.

યોગવશિષ્ઠ રામાયણમાં પરમ તત્ત્વ બ્રહ્મની સુંદર સમજૂતી આપવામાં આવી છે. એમાં બ્રહ્મની વિવિધ રૂપે પ્રગટ થવાની પ્રક્રિયાને બૃંહણ તરીકે ઓળખાવામાં આવી છે. એને સમજાવતા કહેવાયું છે કે જગતના આ બે સ્વરૂપો શિવ અને શક્તિ જ છે. પરમ તત્ત્વ શિવ છે અને વિવિધ અભિવ્યક્ત સ્વરૂપ જગત એની ક્રિયા શક્તિના અનંત રૂપે થતા નૃત્ય છે. શિવ અને શક્તિ સદા- સંપૃક્ત (જોડાયેલા) છે. તે ક્યારેય એકબીજાથી અલગ થઈ શકતા નથી. બન્ને એક જ છે. આ બધા પ્રાણીઓ અને પદાર્થો બ્રહ્માંથી એ રીતે પ્રકટ થાય છે જે રીતે ઉછળતા સમુદ્રમાંથી લહેરો ઉત્પન્ન થાય છે. બ્રહ્મ વિવિધ રૂપ જગતના રૂપમાં રહેલું છે. આખું જગત એક અખંડિત પિણ્ડ રૂપ બ્રહ્મ છે.

જગત બ્રહ્મરૂપી પુષ્પની સૌરભ છે. તે બ્રહ્મરૂપી લતાનું મધુર ફળ છે. બ્રહ્મની સત્તા જ જગતની સત્તા છે અને જગત જ બ્રહ્મનું રૂપ છે. તે અત્ર-તત્ર-સર્વત્ર, સર્વની અંદર અને બહાર વ્યાપેલું છે. 'સમસ્ત શક્તિ ખચિતં બ્રહ્મ સર્વેશ્વરં સદા ! યયૈવ શકત્યા સ્ફુરતિ પ્રાપ્તાં તામેવ પશ્યતિ ।। ચિન્મય: પરકમાકાશો ય એવ કથિતો મયા । એષોડસૌ શિવ ઇત્યુક્તો ભવત્યેષ સનાતન : ।। અનન્યાં તસ્ય તાં વિદ્વિ સ્પન્દનશક્તિ મનોમયીમ્ । સ્પન્દન શક્તિ સ્તદિચ્છેયં દ્રૃશ્યાભાસો તનોતિ સા ।। સા રામ પ્રકૃતિ : પ્રોક્તા શિવેચ્છા પરમેશ્વરી । જગન્નાથેતિ વિખ્યાતા સ્પન્દશક્તિરકૃત્રિમ ।।' સર્વશક્તિ યુક્તબ્રહ્મ બધાનું ઇશ્વર છે જે શક્તિ દ્વારા પ્રગટ થવા માંગે છે. તે જ દ્રૃષ્ટિ ગોચર થઈ જાય છે. તે પરમ આકાશ (અનંત તત્વ) જેને મેં બ્રહ્મ ચેતન સ્વરૂપ જણાવ્યું છે તે 'શિવ' પણ કહેવાય છે. તે સનાતન છે. એની મનોમયી સ્પન્દ શક્તિ (ક્રિયા શક્તિ)ને એની સાથે સદા જોડાયેલી જ સમજો. એ એનાથી સહેજ પણ પર નથી. તે સ્પન્દ શક્તિ રૂપી ઇચ્છા દ્રશ્યમાન પદાર્થોનો વિસ્તાર કરે છે. હે રામ ! તે પરમેશ્વરી શિવેચ્છા જે અનાદિ સ્પંદન શક્તિ છે તેને પ્રકૃતિ અને જગન્માયા પણ કહેવાય છે. જગતના બધા પદાર્થ શિવ-શક્તિના કોશમાં રહેલા છે.

ભૌતિક વિજ્ઞાાનીઓ પણ આ જ વાત રજૂ કરે છે - Tiny Vibrating Strings of Energy make up every particle in the universe.   ક્વોન્ટમ ગ્રેવિટી, ક્વોન્ટમ ફિલ્ડ થિયરી અને કોસ્મોલોજીના વિવિધ અભિગમો પર સંશોધન કરનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાાની સેરા ક્રેમોનિની (Sera Cremonini) એ સ્ટ્રિપ્ડ સુપર કન્ડકટરના હોલોગ્રાફિક મોડેલની સમજૂતી આપતા વાઈબ્રેટિન્ગ સ્ટ્રિન્ગસ ઓફ એનર્જીનો સિધ્ધાંત રજૂ કર્યો છે. તે આપણા શાસ્ત્રોએ રજુ કરેલા શિવ-શક્તિ સિદ્ધાંતનું જ સમર્થન કરે છે.


Google NewsGoogle News