એક હતી ધન્યતા અને એક હતી ભવ્યતા .
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ''મમ્મી, આપની ખરી પુત્રી હું નહીં પણ ધન્યતાદીદી છે. દુનિયામાં મારા જેવી લાખ્ખો મળશે પણ ધન્યતા જેવી દેવકન્યા ભાગ્યે જ મળે.'' - ભવ્યતાનું હૃદય પરિવર્તન
વ રૂણાદેવી અને વૃંદાદેવી બન્ને અભિન્ન સખીઓ. લગ્ન પણ એક જ શહેરમાં થયેલાં. તેમની અતૂટ મૈત્રીને કારણે બન્ને પરિવાર વચ્ચે પણ સારો એવો સંબંધ બંધાઈ ગયો હતો.
એકવાર વરૂણાદેવીએ વૃંદાદેવી આગળ પોતાના હૃદયની વાત ઠાલવતાં કહ્યું : ''વૃંદા, મારો પરિવાર કરોડાધિપતિ છે, પણ મારી દીકરી ધન્યતા સાવ મૂંજી છે. નથી એને મોંઘાં વસ્ત્રો ગમતાં કે નથી એને મર્સિડિઝમાં બેસવાનું ગમતું. અમારા વારસદારને શોભે એવું વર્તન ધન્યતા ભવિષ્યમાં કરશે કેમ તેની મને શંકા છે. ક્યાં તારી ભવ્યતા અને ક્યાં મારી આ ધન્યતા! ભવ્યતા કેવા ઠાઠથી રહે છે !''
''એમ કર વરૂણા, તારી દીકરીને થોડા દિવસ માટે મારા ઘેર રહેવા મોકલી દે. તારી સમસ્યાથી ઊંધી સમસ્યા મારી છે. મારી દીકરી ભવ્યતામાં શૈશવ અવસ્થાથી જ અહંકારનાં બીજ વવાયાં છે. ભવ્યતા પર તેના પિતાનો ખૂબ પ્રભાવ છે. હરવા-ફરવાની શોખીન, ભૌતિક્તાવાદી, ફેશન પરશ્ત, અભિમાની, પોતાની જાતને નવાબજાદી માને છે. કોઈકનાં લગ્નમાં જવાનું હોય તો પચાસ હજારનો નવો ડ્રેસ લઈ આવે. પાંચ હજારના ગોગલ્સ અને દસ હજારનાં સેંડલ. એને ખબર છે કે એ અમીર બાપની બેટી છે. પણ પૈસા વપરાય એ યોગ્ય, પણ વેડફાય તો નહીં જ ને! અને તારી ધન્યતા સામે જોઈએ તો... એક નિષ્પાપ ચહેરો, આંખમાંથી અમી વરસી રહ્યાં હોય એમ લાગે. સાદગી, સરળતા, નમ્રતા જેમાં દંભનું નામોનિશાન નહીં. ઈમાનદારીની મહેક, જે આ કળિયુગી વાતાવરણમાં દુર્લભ છે. ધન્યતા મારા ઘરે રહેવા આવે અને એની સાદગી જોઈ કદાચ મારી દીકરી ભવ્યતા પોતાની રહેણી-કરણીમાં ફેરફાર ના પણ કરે, પણ એના પ્રભાવથી તારી દીકરી ધન્યતા જરા ફેશનેબલ અને ઠાઠમાઠથી રહેતાં શીખી જાય તો, તારે માટે કશુંક કર્યાનો આનંદ થાય.'' વૃંદાદેવીએ કહ્યું.
અને બીજે જ દિવસે વરૂણાદેવીએ ધન્યતાને વૃંદાદેવીના બંગલે વિદાય કરી. વૃંદાદેવીએ ધન્યતાને રહેવાની વ્યવસ્થા ભવ્યતાના રૂમમાં કરી હતી. સવારના દસ વાગ્યા છતાંય ભવ્યતા ઘસઘસાટ ઊંઘતી હતી. ડાન્સની ટેપ વાગતી હતી, ટી.વી. પણ ચાલુ હતું. એમ છતાં એ બધા અવાજની ભવ્યતા પર કશી જ અસર નહોતી.
ઘડિયાળ સામે જોઈ વૃંદાવેવીએ ભવ્યતાને જગાડવાની કોશિશ કરી. પણ ભવ્યતાએ આંખો ખોલ્લી અને ગુસ્સા સાથે કહ્યું : ''મમ્મી, તને ખબર તો છે કે રવિવારે હું બાર વાગ્યા પહેલાં ઊઠતી નથી ! તો પછી મને અત્યારે ડિસ્ટર્બ કરવાની જરૂર શી હતી? ''
વૃંદાદેવીએ નરમાશથી કહ્યું : ''ભવ્યતા, વાત એમ છે કે તારી સામેના સોફા પર બેઠેલી ધન્યતા મારી ખાસ સહેલી વરૂણાની પુત્રી છે. તું એને ઓળખે જ છે, તે આપણા ઘરે રહેવા આવી છે.''
''આપણા ઘરે નહીં, તમારા ઘરે રહેવા આવી છે. મને ઘરમાં ફાલતુ માણસ ગમતાં નથી. મહેમાન હોય તો એને ગેસ્ટ રૂમમાં રાખો, મારા રૂમમાં નહીં સમજી ?'' ભવ્યતા એકદમ તાડૂકીને બોલી.
વૃંદાદેવીને એ વાતની ચિંતા હતી કે ભવ્યતાના આવા અપમાનજનક શબ્દો સાંભળી ધન્યતા રિસાઈને પોતાને ઘરે પાછી ચાલી જશે, પણ ધન્યતાએ પરિસ્થિતિ સંભાળી લીધી. અને કહ્યું : ''આન્ટી, ભવ્યતાની વાત સાચી છે. ભવ્યતાને પોતાની રીતે જીવવાનો અધિકાર છે.''
ભવ્યતાએ ત્રાંસી આંખે ધન્યતા તરફ જોયું અને કહ્યું : ''મમ્મી, આ નાની ઉંમરની તત્વજ્ઞાાનીને તમે મારી ટયૂટર તરીકે બોલાવી છે કે શું ? જવાન થવું અને જવાન રહેવું એ પણ એક કળા છે. જવાની એટલે મહેકતું ફુલ, ચાલમાં થનગનાટ, જીવનમાં ઉલ્લાસ અને આઝાદીથી અમીટ પ્યાસ. જોયું આ ફિલોસોફરને જોઈને હું પણ યૌવનનું રહસ્ય વર્ણવવામાં સરી પડી. મારી પંદર મિનિટ બગડી એટલે હવે હું સવા બાર વાગ્યે જ ઊઠીશ ''કહી ભવ્યતા પાસું બદલીને સૂઈ ગઈ.''
વૃંદાદેવીને લાગ્યું કે ભવ્યતા જેવી અદકજીભી છોકરી સાથે ધન્યતાને કેવી રીતે ફાવશે ? પણ ધન્યતાએ સામેથી જ વાત કાઢી : ''આન્ટી હું સમજું છું કે ભવ્યતા જેવી મોડર્ન બનવાની તાલીમ માટે મારી મમ્મીએ મને આપને ઘેર મોકલી છે. પણ મને એ વાતનો ખ્યાલ છે કે કોઈ કોઈને સુધારી શકતું નથી. દરેક યુવાનને પોતાનાં સપનાં જોવાનો અને સાકાર કરવાનો અધિકાર છે. પણ સપનાં બહેકાવનારાં નહીં, જીવનને મહેકાવનારાં હોવાં જોઈએ. જિંદગીમાં ઠોકરથી મોટો કોઈ શિક્ષક નથી. ઠોકર એ અભિશાપ નથી. પણ માણસને ઢંઢોળનારું વરદાન છે. હું ન તો ભવ્યતાને સુધારી શકું કે ન તો ભવ્યતાની જીવનશૈલી મને બગાડી શકે. હું આપના ઘરમાં ભવ્યતાની મિત્ર તરીકે થોડો સમય રહીશ. એના સ્વભાવની વક્રતા સાંખી લેવા જેટલું ધૈર્ય મારામાં છે.''
ધન્યતાની વાત સાંભળી વૃંદાદેવી ગદગદ થઈ ગયાં. મનોમન વિચારવા લાગ્યાં... ''વરૂણાને ખબર નથી કે એમના ઘરમાં ઈશ્વરે દેવકન્યા મોકલી છે. કેટકેટલાં પુણ્ય સંચિત થાય, ત્યારે ધન્યતા જેવું સંતાન પ્રાપ્ત થાય.''
બીજે દિવસે સવારે ૯ વાગે કોલેજ જવા ભવ્યતા તૈયાર થઈ. એ પહેલાં જ ધન્યતા બરાબર સાડા સાત વાગે કોલેજ પહોંચી ગઈ. ભવ્યતાએ મમ્મીને પૂછયું : ''મમ્મી, તમારા પેલા આદર્શ મહેમાન ક્યાં ગયાં ?''
''ધન્યતા તો સવારે સાડા સાત વાગે કોલેજ પહોંચી ગઈ.'' વૃંદાદેવીએ કહ્યું, ''એને મારી ગાડીમાં બેસાડીને તો કોલેજ નથી મોકલીને. મારી ગાડીને કોઈ હાથ પણ અડાડે તે મને પસંદ નથી.'' ભવ્યતાએ છણકા સાથે કહ્યું.
''ભવ્યતા, ધન્યતા તો પોતાના પપ્પાની ગાડીનો પણ ઉપયોગ કરતી નથી. એ ચાલતી કોલેજ ગઈ છે.'' વૃંદાદેવીએ કહ્યું.
ધન્યતાએ જોયું કે ભવ્યતા કોલેજથી છૂટયા પછી બપોરે ૨ વાગ્યે ઘેર આવતી, રેસ્ટોરન્ટમાં જમીને. જ્યારે પોતે કોલેજથી છૂટીને સીધી બાર વાગે ઘરે આવી જતી. ધન્યતાની નમ્રતા અને વિનયશીલતા જોઈ વૃંદાદેવીને પણ તેના પ્રત્યે વાત્સલ્ય ઊભરાતું. આગ્રહ કરીને ધન્યતાને જમાડવામાં તેમને આનંદ આવતો હતો.
ભવ્યતા ધન્યતાને સૂચના આપતી કે 'તારે પુસ્તકોનો કીડો બનવું હોય તો, મમ્મીના રૂમમાં ચાલી જજે. હું ઊંઘમાં વિક્ષેપ સહન કરી શકતી નથી.'
ભવ્યતા ધન્યતાને ટોણો મારવાનો કે અપમાનિત કરવાની એક પણ તક જતી કરતી નહોતી. ધન્યતા હાયર સેકંડરીમાં નેવું ટકા માર્કસ મેળવી સાયંસ સ્ટ્રીમમાં સ્કુલમાં પ્રથમ આવી અને ભવ્યતા નાપાસ થઈ. વૃંદાદેવીએ ઠપકો આપ્યો ત્યારે ભવ્યતાએ કહ્યું : ''આ કમનસીબ છોકરીના અપશુકનિયાળ પડછાયાને કારણે જ હું નાપાસ થઈ. એને વહેલી તકે આપણા ઘરમાંથી કાઢો. નહીં તો હું હોસ્ટેલમાં રહેવા ચાલી જઈશ.''
ધન્યતાએ સમજીને પોતે જ મેડિકલ હોસ્ટેલમાં એડમીશન લઈ લીધું એ વાતને મહિનો થઈ ગયો. ધન્યતાએ મેડિકલ ફેકલ્ટીમાં અભ્યાસ શરૂ કરી દીધો હતો. એવામાં એકાએક ધન્યતાના પિતા અક્ષતકુમારને કાળનું તેડું આવ્યું અને પોતાની ફેકટરીમાં જ તેઓ ટેબલ પર ઢળી પડયા હતા. વરૂણાદેવી પર આભ તૂટી પડયું. તેમણે ધન્યતાને અભ્યાસ છોડીને પપ્પાની ફેકટરી સંભાળી લેવાની વિનંતી કરી. ત્યારે ધન્યતાએ કહ્યું : ''મમ્મી, પપ્પાની ફેકટરી ભવ્યતાના પપ્પા નિશાંતઅંકલ સંભાળી લેશે. મારી ડોકટર બનવાની ઈચ્છા છે. દર્દથી કણસતા દર્દીઓની સેવા કરવાની ઈચ્છા છે. મને ધનનો મોહ નથી.''
ધન્યતાએ વૃંદાદેવી અને નિશાંતઅંકલની સલાહ લેવાનું નક્કી કર્યું. નિશાંતઅંકલે તેને આશ્વાસન આપતાં કહ્યું : ''બેટા, હું મારી પુત્રીને તો સુધારી ન શક્યો. પણ તારાં સ્વપ્ન રોળાય એ મને મંજૂર નથી. આજથી તું મારી ધર્મપુત્રી. હું મારા મિત્ર અક્ષતકુમાર વતી તારા તરફની તમામ જવાબદારીઓ અદા કરીશ. ફેકટરીનો વહીવટ પણ હું સંભાળી લઈશ અને વરૂણાદેવીને એકલતા ન લાગે એ માટે અમારી સાથે જ રાખીશ, ખરું ને વૃંદા ?''
વૃંદાદેવી પણ નિશાંત અંકલના નિર્ણયથી ખુશખુશાલ થઈ ગયાં. ધન્યતાએ કહ્યું : ''હું જન્મજન્માંતરના લેણદેણમાં માનતો નથી. પણ આપે જે અમારા પરિવાર પર ઉપકાર કર્યો છે તેનો બદલો આ જ જન્મમાં ચૂકવી દઈશ. આપ મારી છત્રછાયા બનશો, તો મારા દિવંગત પપ્પાના આત્માને પણ શાંતિ મળશે.'' ભવ્યતાની સ્વચ્છંદતા અને બેફામ ખર્ચાની કુટેવથી વૃંદાદેવી કંટાળી ગયાં હતાં. એટલે એમણે પોતાની તમામ મિલકતમાંથી ભવ્યતાને બાકાત કરી પોતાને બિનવારસદાર જાહેર કરી દીધા હતા.
ભવ્યતાને લાગ્યું કે પોતાના મમ્મી-પપ્પાને ગેરમાર્ગે દોરવા માટે ધન્યતા જ જવાબદાર છે. એણે એકવાર રસ્તે જતી ધન્યતા પર હુમલો કરાવ્યો હતો અને હાથે-પગે ઈજા પહોંચાડી હતી. ધન્યતાને હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. વૃંદાદેવી અને નિશાંત અંકલે ધન્યતાને ઘણું સમજાવી કે તે ભવ્યતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવે. પણ ધન્યતાએ પોલીસ કેસ કરવાની ના પાડી.
ભવ્યતાના ક્રેડિટ કાર્ડ, બેંક અકાઉન્ટ બધું ફ્રીઝ થઈ ગયું. તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. ઘર છોડીને પોતાની સહેલીને ત્યાં રહેતી હતી, પણ પૈસા વગર તેનું જીવન હરામ થઈ ગયું. મોજશોખમાં ઉછરેલી ભવ્યતાએ લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હોવાથી દેવું બહુ થઈ ગયું હતું.
ધન્યતાએ વૃંદાદેવીને કહ્યા વગર પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી ભવ્યતાનું બધું દેવું ચૂકવી દીધું હતું. ધન્યતાની ઉદારતા જોઈને ભવ્યતાએ તેના પગમાં પડી માફી માગી હતી. ત્યારે ધન્યતાએ કહ્યું : ''ભવ્યતા, મારા પગમાં પડવાની જરૂર નથી. તને ભૂલ કરવાનો અધિકાર છે, તેમ પશ્ચાતાપ કરવાનો પણ અધિકાર છે. હું તને તારા મમ્મી-પપ્પા દયાની ભિખારી જોવા નથી ઈચ્છતી. પણ એક સ્વાવલંબી યુવતી તરીકે જોવા ઈચ્છું છું. તું સાદગીથી રહેતાં શીખી જા. તું નોકરી કર. તારા ઘરમાં તને માનભેર તારા મમ્મી-પપ્પા આવકારે તેવું વાતાવરણ ઊભું કરી, તારી મિલકતનો તારો હક તને પાછો અપાવીશ.'' અને ભવ્યતાને ધન્યતાની હોસ્ટેલમાં જ એક હાઉસ-મેનેજરની નોકરી સ્વીકારી લીધી હતી. ભવ્યતામાં આવેલ ફેરફારથી વૃંદાદેવી ખૂબ જ ખુશ હતાં. ધન્યતાને પૂછીને તેઓ ભવ્યતાને પોતાને ઘેર પાછી લઈ જવા તેડવા ગયા હતા. ત્યારે વૃંદાદેવીને ભવ્યતા પગે લાગી અને રડતાં-રડતાં કહ્યું : ''મમ્મી, મેં જેને દુશ્મન માની હતી. એણે મારી જિંદગીની કાયાપલટ કરીને આપની ધર્મપુત્રીનું કર્તવ્ય અદા કર્યું છે. આપની ખરી પુત્રી હું નહીં પણ ધન્યતાદીદી છે. હું તેની સાથે આપની પણ હૃદયપૂર્વક માફી માંગુ છું. દુનિયામાં મારા જેવી લાખ્ખો મળશે પણ ધન્યતા જેવી દેવકન્યા ભાગ્યે જ મળે !'' અને ભવ્યતામાં આવેલા પરિવર્તનથી પ્રભાવિત થઈ વૃંદાદેવીએ એના નામે ફરી બધી મિલ્કતના અધિકારો કરી આપ્યા હતા. અને ભવ્ય બંગલો પણ તેને નામે કરી દીધો હતો.
પણ બીજે દિવસે સવારે ઉઠીને એમણે જોયું કે બંગલા પર એક બોર્ડ લટકતું હતું, ''ધન્યતા નિવાસ''. વૃંદાદેવીએ દરરોજ કરતાં વધુ સમય ભગવાનની પૂજા કરી પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.