Get The App

ચીન-પાકિસ્તાનનાં નૌકાદળ સામે હવે એક-બે નહીં પૂરી ત્રણ ભારતીય અણુસબમરીન ટક્કર લેશે

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
ચીન-પાકિસ્તાનનાં નૌકાદળ સામે હવે એક-બે નહીં પૂરી ત્રણ ભારતીય અણુસબમરીન ટક્કર લેશે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- અરિહંત અને અરિઘાત સબમરીન પાકિસ્તાન અને ચીનમાં ઉંડે સુધી મિસાઇલ વાર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત આગામી છ મહિનામાં ત્રીજી  વધુ આધુનિક પરમાણુ સબમરીન અરિદમન પણ લોન્ચ કરશે.

ભા રતની એક કમનસીબી રહી છે કે પાડોશી દેશો સાથે મિત્રતા-શાંતિ સ્થાપવા સો કોશિશ કરી છતાં પાકિસ્તાન અને ચીન દુશ્મનાવટ વધારતા જાય છે. તેમાં હવે તો મિત્ર ગણાતું હતું એ બાંગ્લાદેશમાં પણ સત્તા પલટો થયા પછી શેખ હસીનાની જગ્યાએ ભારત વિરોધી સરકારે સત્તા સંભાળી છે. શ્રીલંકામાં નવી સામ્યવાદી સરકાર સત્તારૂઢ થતા તેની સાથે પણ સારો મનમેળ થવાની શક્યતા જણાતી નથી. ટુંકમાં ભારત ચારે તરફ દુશ્મન દેશોથી ઘેરાયેલું છે તેમ કહીયે તો ચાલે. આ સંજોગોમાં આપણે જાતે જ સર્વ બાબતોમાં આત્મનિર્ભર બન્યા વિના છૂટકો નથી.

સૌથી મોટો ખતરો ચીન અને પાકિસ્તાનનો છે. ચીન જાતે તો રોજ નવા પેંતરા રચી ભારતને  ગોદા મારવાની કોશિશ કરી રહ્યું છે. ભારતીય સંરક્ષણ તંત્ર આ બદલાતા સિનારીયોને ધ્યાનમાં રાખી ત્રણેય સેનાની શસ્ત્ર-શક્તિ વધારી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તાજેતરમાં કહ્યું તેમ ભારતીય ઉપખંડમાં બદલાતી સ્થિતિમાં ભારતીય નૌકાદળને બળાબળની કસોટીમાં નબળા રહેવાનું પાલવે નહીં.

જ્યારથી પાકિસ્તાને ફ્રેન્ચ બનાવટની ૯૦-બી અગોસ્તા સબમરીનો મેળવી ત્યારથી પાક-નૌસેનાને ભારતીય નૌકાદળ સામે વ્યૂહાત્મક લીડ મળી છે. સામાન્ય ડિઝલ સંચાલિત સબમરીન લગાતાર પાંચ દિવસ પાણીમાં રહી શકે છે ત્યારે અગોસ્તા ૨૦ દિવસ પાણીમાં રહી યુધ્ધના દાવપેચ ખેલી શકે છે. વધારામાં પાછું અગોસ્તા સબમરીનને ફ્રાન્સના જ એક્ઝોસેટ મિસાઇલથી સજ્જ કરવામાં આવી છે. એટલે અરબી સમુદ્રમાં પહેરો ભરતા ભારતીય નૌસેનાના જહાજોના પડખા ચીરી નાંખવાની ક્ષમતા પાકિસ્તાને હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં, આ સબમરીન પાણીની અંદર રહીને પણ જમીન પરના લક્ષ્યાંકને વીંધી શકે છે!

પાકિસ્તાન પર સરસાઇ મેળવવાના હેતુથી જ ભારતીય નૌકાદળના સેનાપતિઓ વારંવાર અણુશક્તિ સંચાલિત સબમરીનની માગણી દોહરાવી રહ્યા છે. 

હવે આશરે બે દાયકાના અંતરાલ પછી ભારત અણુશક્તિ સંચાલિત યુદ્ધ જહાજ કે સબમરીન ધરાવતા દેશોના જૂથમાં જોડાયું છે. આ પૂર્વે ભારતે ૧૯૮૮માં રશિયન બનાવટની ચાર્લી સબમરીન ભાડે મેળવી હતી.. નૌસૈનિકોને તાલીમ આપવા માટે આ સબમરીન મેળવાઈ હતી. હવે આપણા માટે ખુશીના સમાચાર એ  છે કે ભારતે દેશની પ્રથમ, સ્વદેશમાં બનેલી સબમરીન આઇએનએસ (ઇન્ડિયન નૅવલ  સર્વિસ) અરિહંત પછી આઇએનએસ અરિઘાતને પણ નૌકાદળમાં સામેલ કરી છે. 

જહાજવાડામાં બની રહેલી ત્રીજી અણુ સબમરીન અરિદમન અરિહંત કરતા વધારે શક્તિશાળી અને વધારે આધુનિક છે. અરિ એટલે દુશ્મન અને તેનું દમન કરી શકે એવી આ સબમરિન એ રીતે તેને નામ અપાયું છે. જ્યારે ત્રીજી આઇએનએસ અરિદમન ૨૦૨૫ સુધીમાં તૈયાર કરવાનું આયોજન છે.

અહીં અગત્યની વાત એ છે કે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન પછી ભારત છઠ્ઠો દેશ છે, જેની પાસે પરમાણુ મિસાઈલ છોડી શકે એવી સબમરિન હોય. અરિહંતમાં ભારત ૧૨, કે-૧૫ અથવા ચાર કે-૪ મિસાઈલો ગોઠવી શકશે. આ મિસાઈલો પરમાણુશસ્ત્ર સજ્જ છે અને પાણીમાં રહીને જ તેને ફાયર કરી શકાય છે. કે-૧૫ મિસાઈલની રેન્જ સાડા સાતસો કિલોમીટર, જ્યારે કે-૪ની રેન્જ સાડા ત્રણ હજાર કિલોમીટર છે.   ભારતને પરમાણુ મિસાઈલમાં પગભર બનાવનારા ડો.અબ્દુલ કલામના નામે આ મિસાઈલોની સિરિઝને 'કે' નામ આપવામાં આવ્યુ છે.  કોઈ સંજોગોમાં ભારત પર પરમાણુ પ્રહાર થાય તો દરિયામાં મહિનાઓ સુધી છૂપાઈને રહી શકતી આ સબમરિન વળતો ન્યુક્લિયર એટેક કરી શકે છે.

ભારતની દ્વિતીય સ્વદેશમાં બનેલી આઈએનએસ અરિઘાત  ૮૩ મેગાવોટના પરમાણુ રિએક્ટર વડે ચાલશે. ભારત પાસે હાલ ૧૩ ડીઝલ સંચાલિત સબમરિનો છે, અરિહંત સાથે હવે સંખ્યાબળ ૧૪ થયું છે. ભારતે દાયકાઓ પહેલા જ એડવાન્સ ટેકનોલોજી વ્હિકલ પ્રોજેક્ટ હેઠળ ૬ સબમરિનો બનાવાનું આયોજન કર્યું હતુ. એ પ્રોજેક્ટ હેઠળ આ બીજી  સબમરિન છે.   વિશાખાપટ્ટનમના બારામાં જ આ સબમરિનો બની  છે.

આ પરમાણુ રિએક્ટર સંચાલિત સબમરીન સામાન્ય સબમરીન કરતાં વધુ ઝડપથી આગળ વધી શકે છે આઈએનએસ અરિઘાત પાણીની સપાટી પર ૧૨-૧૫ નોટ (દરિયાઈ માઈલ)થી વધુની ઝડપે એટલે કે ૨૨થી ૨૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. તે સમુદ્રની ઊંડાઈમાં ૨૪ નોટ એટલે કે ૪૪ ક્લિોમીટર પ્રતિ ક્લાકની ઝડપે આગળ વધી શકે છે. આઈએનએસ અરિઘાતની લંબાઈ ૧૧૧.૬ મીટર, પહોળાઈ ૧૧ મીટર અને ઊંચાઈ ૯.૫ મીટર છે.

 સબમરીનનું વજન ૬ હજાર ટન છે. સબમરીન મિસાઈલ હુમલા કરવામાં સક્ષમ છે. આઈએનએસ અરિઘાત સોનાર કોમ્યુનિકેશન સિસ્ટમ, મેરીટાઇમ મિસાઈલ અને એન્ટિ રેડિયેશન પ્રોટેક્શન સિસ્ટમથીસજ્જ છે. આઈએનએસ અરિઘાત ૧૨ કે-૧૫ સાગરિકા સબમરીન લોંચ્ડ બેલિસ્ટિક મિસાઇલો સાથે તહેનાત છે. સબમરીનમાંથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલની રેન્જ ૭૫૦ કિલોમીટર છે. કહેવાય છે કે આ સિવાય તે ૩૫૦૦ કિમીની રેન્જ સાથેની ચાર કે૪ મિસાઇલોથી પણ સજ્જ છે. વધુમાં, સબમરીનમાં છ ૨૧-ઇંચ ટોપડો પણ છે.

આ બેઉ પરમાણુ મિસાઈલ સબમરીન અરિહંત તથા  અરિઘાત  સ્ટ્રેટેજિક ફોર્સ ક્રમાન્ડમાં સામેલ થઈ ગઈ છે. તમામ પરમાણુ હથિયારો સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ આવે છે, જે સીધો વડાપ્રધાન કાર્યાલયને રિપોર્ટ કરે છે. 

પરમાણુ સબમરિન કાર્યરત થયા પછી ભારત જળ (યુદ્ધ જહાજો અને સબમરીન દ્વારા), જમીન (અગ્નિ સહિતના અનેક મિસાઇલો દ્વારા) અને વાયુ (સુખોઈ, તેજસ વગેરે વિમાનોમાંથી) પરમાણુ પ્રહાર કરી શકે છે. આ પ્રકારની ત્રિપાંખી ક્ષમતા ધરાવતા દેશો બહુ ઓછા છે.

અરિહંત અને અરિઘાત સબમરીન પાકિસ્તાન અને ચીનમાં ઉંડે સુધી મિસાઇલ વાર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત આગામી છ મહિનામાં ત્રીજી  વધુ આધુનિક પરમાણુ સબમરીન અરિદમન પણ લોન્ચ કરશે.

અરિદમન સબમરીન ૧૨૫ મીટર લાંબી હશે અને તે વધારે સંખ્યામાં કે-૪ મિસાઇલ્સ લઇ જવાની ક્ષમતા ધરાવતી હશે. તેમાં ૧૯૦ મેગાવોટનું રિએક્ટર હશે. હાલ કે-૫ અને કે-૬ મિસાઇલ્સ વિકસાવવાનું કામ પણ ચાલુ છે. આ મિસાઇલ્સની રેન્જ અનુક્રમે ૫,૦૦૦ અને ૬,૦૦૦ કિલોમીટરની હશે.

  આમ હવે ભારતના વિશાળ સાગર કિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ સબમરીન નૌકાદળના કાફલામાં જોડાઈ ગઇ છે.

સંરક્ષણ બાબતોના નિષ્ણાતો એવું માને છે કે હિન્દી મહાસાગરમાં ચીનની દાદાગીરીને દબાવવા ભારતીય નૌકાદળે તેની તાકાત વધારવી જ પડશે.

નૌકાદળમાંથી નિવૃત્ત થયેલાં રિયર એડમિરલ રાજા મેનને તો એવી ટિપ્પણી પણ કરી છે કે આપણે ચીનનો પડકાર ઝીલવા ચક્ર, અરિહંત  અને અરિઘાત જેવી આઠ સબમરીનો વસાવવી જોઇએ. એકાદ-બે અણુસબમરીનથી કામ નહીં થાય. હાલ ચીન પાસે ૬૦ સાદી અને ૫  અણુસબમરીન છે. જ્યારે ભારત પાસે ફક્ત ૧૩ સાદી અને  માત્ર ત્રણ અણુસબમરીન છે. ચીન પાસેના યુદ્ધ જહાજોની સંખ્યા ૭૮ છે જ્યારે ભારત પાસે ફક્ત ૨૧ યુદ્ધ જહાજો (મનવારો અને વિનાશીકાઓ) છે.  પાકિસ્તાન પાસે પાંચ ડિઝલ સબમરીન છે અને બીજી આઠ સબમરીન ચીન પાસેથી ખરીદવાની  વાત ચાલે છે.  આ તબક્કે એ પણ જણાવી દઈએ કે અમેરિકા પાસે ૭૨ અણુસબમરીન છે જ્યારે રશિયા પાસે ૪૦ અણુસબમરીન છે.  બ્રિટન અને ફ્રાન્સ પાસે આશરે ૧૦થી ૧૨ સબમરીન છે.

આ તબક્કે    અણુ  સબમરીન વસાવીને આપણને લાભ એ થશે કે ભવિષ્યમાં જ્યારે આપણી સ્વદેશી અણુસબમરીનો નૌકા કાફલામાં ઊમેરાય ત્યારે ચક્ર પર તાલીમ લઇ ચૂકેલા માણસો ૬૦૦૦ ટનની દેશી અરીહંત કે અરિઘાત અણુસબમરીનનું સંચાલન કરવામાં માહેર બની ગયા હશે. બીજો લાભ એ થશે કે ત્રણ સબમરીન વડે હવે આપણે અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર તથા બંગાળના ઉપસાગરમાં શત્રુના જહાજને આસાનીથી પડકારી શકીશુ. કારણ કે આ સબમરીન દ્વારા આપણે ક્રુઝ મિસાઇલ તથા અને ટોર્પિડોનો હુમલો કરી શકીશું.

ભારતે બીજા દેશો પર નિર્ભર રહેવું ન પડે અને સબમરીન તેમ જ યુદ્ધજહાજોના નિર્માણમાં આત્મનિર્ભરતા કેળવાય એ માટે પ્રોજેક્ટ ૭૫ હેઠળ સબમરીનો બનાવવાની શરૂઆત થઇ છે. આ સાથે વિનાશિકા (ડિસ્ટ્રોયર) બનાવવાની કામગીરી પણ આગળ વધી રહી છે. પ્રોજેક્ટ ૭૫ હેઠળ ડૉક્યાર્ડમાં એકંદર છ સબમરીન બનીને તૈયાર થઇ ગયા પછી દેશની નૌકાદળની તાકાતમાં ખૂબ જ વધારો થશે.  મઝગાંવ  ડૉક્યાર્ડનું ૮૦૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ પૂરું થયું.   કુલ મળીને ૨૦૩૦ની સાલ સુધીમાં ૨૪ નવી સબમરીન નૌસેનામાં  બેડામાં સામેલ થશે. આ  સિવાય રશિયા ૧૩૪૦ કરોડ રૂપિયા(બે અબજ ડોલર)માં વધુ એક પરમાણુ સબમરિન ભારતને લીઝ ૫૨ આપવા સંમત થયું છે. 

રશિયન નેવીમાંથી મલ્ટીપરપઝ  પ્રોજેક્ટ ૯૭૧ ન્યૂકિલઅર સબમરિન ભારતને લીઝ પર આપવા માટે બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. 

 ભાભા અણુશક્તિ કેન્દ્ર (બીએઆરસી)ના અણુશક્તિ વિભાગ દ્વારા આ અણુ સબમરીન માટેના ન્યુક્લિયર રિએક્ટરની રચના થઇ   છે.  આ અણુભઠ્ઠીનું ચેન્નઇ નજીક કલ્પક્કમ અણુ કેન્દ્રમાં પરીક્ષણો થયા હતા. યોજના એવી છે કે સંરક્ષણ વિજ્ઞાાનીઓ દ્વારા વિકસાવાઇ રહેલી 'સાગરિકા' મિસાઇલ આ નવી અણુ સબમરીનમાં ગોઠવાશે.

પાકિસ્તાનની અગોસ્તા-૯૦બી પ્રકારની સબમરીનોને જડબાતોડ જવાબ આપવા સાગરિકા મિસાઇલને પ્લેટફોર્મ પૂરું પાડનાર અણુ સબમરીન સારી કામમાં આવે.

નૌકાદળના પશ્ચિમી કમાન્ડ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યા મુજબ આ સબમરીન પ્રોજેક્ટ રશિયાની સી-ક્લાસ ન્યુક્લિયર સબમરીન પર આધારિત છે. જો કે ભારતીય વિજ્ઞાાનીઓ અને ઇજનેરો આ સબમરીનની મૂળભૂત ડિઝાઇનમાં પુષ્કળ ફેરફાર કરી તેને ખૂબ જ અદ્યતન બનાવશે, તેનો પાવરપંચ (પ્રહારશક્તિ) પણ વધારશે. આ દેશી સબમરીનમાં વપરાનારા ઘણાં ખરાં હિસ્સા- પૂર્જા પણ ભારતીય બનાવટના છે જેથી ભવિષ્યમાં સ્પેરપાર્ટસ મેળવવામાં તકલીફ ન પડે.

પરંતુ બીજી નોંધપાત્ર વાત એ પણ છે કે ભારતીય ઉપખંડમાં આપણો દેશ સૌથી મોટી સત્તા ગણાય. હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં માલદ્ીવ, શ્રીલંકા, પાકિસ્તાન કે બર્મા કરતાં આપણો દરિયા કિનારો સૌથી લાંબો છે. આ ત્રણ સમુદ્રમાં પારકા દેશો ચંચુપાત કરે એ આપણને પોસાય નહીં. વળી દક્ષિણ ચાયના સમુદ્રમાં ચીન જે રીતે પોતાનું આધિપત્ય જમાવતું જાય છે તેનાથી ભવિષ્યમાં ઊભા થનારા ખતરાને ધ્યાનમાં રાખીને પણ સબમરીન તાકાત વધારવી જરૂરી છે. બીજા દેશોની આ દરમિયાનગીરી સામેના આપણી નાપસંદગી ભૂતકાળમાં રશિયાની અણુસબમરીન મેળવીને આપણે જાહેર કરી હતી. ઉપરાંત ભારતીય નૌકાદળ સામે પોતાના ૨૦ લાખ ચોરસ કિલોમીટરના વ્યાપમાં પથરાયેલા આર્થિક ઝોનની રક્ષા કરવાનો સૌથી મોટો પડકાર છે. એ માટેય આપણે શસ્ત્રસજ્જ રહેવું જોઇએ. ૧૯૮૮માં ભાડેથી લીધેલી રશિયન અણુસબમરીન ચક્ર તો આપણે ૧૯૯૧માં પાછી આપી દીધી. ત્યારબાદ જુની અણુસબમરીન 'ચક્ર'ને બદલે ભારતે નવી ન્યુક્લિયર સબમરીન ચક્ર રશિયા પાસેથી મેળવી હતી.

એક જ અણુસબમરીન નૌકાસૈન્ય માટે એકે હજાર જેવી છે. અણુસબ એક  અ દ્રશ્ય, નીરવ અને ખતરનાક શસ્ત્ર છે. પાણીની અંદર ચૂપચાપ ફરતી આ સબમરીનનો નાશ કરી શકે કે એના હુમલાનો સફળ પ્રતિકાર કરી શકે એવાં કોઇ અસરકારક શસ્ત્રો કે કોઇ આક્રમણ પધ્ધતિ હજી સુધી વિકસાવી શકાઇ નથી. કહેવાય છે કે અણુવિગ્રહ ફાટી નીકળે અને આખા વિશ્વનો સંહાર થઇ જાય તો પણ દરિયાના ઊંડા પેટાળમાં ફરતી અણુસબમરીનનું એક અંગ સુધ્ધાં ઇજા નહીં પામે! બીજી બાજુ અણુશસ્ત્રોથી સજ્જ આવી એક અણુસબમરીન રશિયા- અમેરિકા સહિત વિશ્વના કોઇ પણ દેશનો નાશ કરવા માટે સમર્થ ગણાય. ભારત તેની નવી અણુસબમરીનમાં 'સાગરિકા' તેમજ બ્રહ્મોસ મિસાઇલ ગોઠવવા ધારે છે. આ મિસાઇલ ઊંડા પાણીમાંથી જમીન પરના કોઇ એક લક્ષ્યાંક પર ત્રાટકી શકે. ભવિષ્યમાં અણુ મિસાઇલનો ઉપયોગ સુધ્ધાં થઇ શકે.

ભારતની અરિઘાત સબમરીનને કારણે ચીન ટેન્શનમાં છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું કે આ સબમરીન પછી ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વધી છે, પરંતુ તેની સાથે ભારતની જવાબદારી પણ વધી ગઈ છે. 

ભારત  પોતાના નૌકા દળમાં અણુ સબમરીન ઊમેરીને  પૂર્વમાં ચીન તથા પશ્ચિમે પાકિસ્તાન દરિયાઇ માર્ગે કોઇ ઘૂસણખોરી કરવાના હોય તો તેને નાથી શકે છે. માત્ર બે અણુસબમરીન આ કામ માટે પૂરતી છે. જાપાન અને બ્રાઝિલ પણ અણુસબમરીન બનાવી રહ્યાં છે. ભવિષ્યમાં ભારતીય નૌકાદળ રશિયન કે  અમેરિકન નૌકાદળની સાથે સંયુક્ત કવાયત કરશે ત્યારે હિન્દી મહાસાગરમાં સરકતી ભારતીય અણુ સબમરીનો આપણાં નૌકાદળ અધિકારીઓ માટે ગર્વ લેવાનો મોકો પૂરો પાડશે.


Google NewsGoogle News