Get The App

ગરબાની ગઇકાલ અને આજ .

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ગરબાની ગઇકાલ અને આજ                                 . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- દૈવી શક્તિ એ બ્રહ્મા વિદ્યા છે. ભગવાને આપેલી શક્તિ છે. તેમાં શિવત્વ, બ્રહ્મત્વ અને વિષ્ણુનું પાલનકત્વ ત્રણેય છે. આ શક્તિ બદલો લેવાનું કામ કરે છે

ત્યા રે મહિષાસુર નામના રાક્ષસનો ત્રાસ પૃથ્વી ઉપર વધી ગયો હતો. ઇન્દ્રદેવ, સૂર્યદેવ, અગ્નિદેવ, પવનદેવ, યમદેવ અને વરુણદેવ પણ ત્રાહિમામ પોકારતા હતા, સ્વર્ગના દેવો પણ પૃથ્વી ઉપર આવેલા તેમને પણ ત્રાસ અપાતો હતો. દેવો સાથે મળીને પરમાત્મા પાસે ગયા અને મહિષાસુરના ત્રાસ અંગેની સર્વ વિગતો પહોંચાડી. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ત્રણેય ભગવાન આ વાત સાંભળી ચકિત થઇ ગયા. મહિષાસુરનો પૃથ્વી ઉપર આટલો બધો ત્રાસ! ત્રણેય ગુસ્સે થયા અને મહિષાસુરનો નાશ કરવા એક દૈવી શક્તિને પૃથ્વી ઉપર મોકલી. બધા દેવોએ એ દૈવી શક્તિનું ઉલટભેર સ્વાગત કર્યું પોત પોતાનાં આયુધોથી તેની પૂજા કરી પછી પૃથ્વી ઉપર મહિષાસુર અને દૈવીશક્તિ વચ્ચે યુદ્ધ થયું એ યુદ્ધ કેટલું ચાલ્યું હશે તેની ખબર નથી, પણ મહિષાસુર સામે દૈવી શક્તિનો જે વિજય થયો એ દિવસને દશેરા કહેવામાં આવે છે. એ પરંપરા આજે પણ ચાલુ છે. આપણે પણ આપણી અંદર રહેલા મહિષાસુરના અંશની ઉપર વિજય મેળવી સાત્વિક બનીએ.

દૈવી શક્તિ એ બ્રહ્મા વિદ્યા છે. ભગવાને આપેલી શક્તિ છે. તેમાં શિવત્વ, બ્રહ્મત્વ અને વિષ્ણુનું પાલનકત્વ ત્રણેય છે. આ શક્તિ બદલો લેવાનું કામ કરે છે. દુરાચાર સામે લડવાનું કામ તેનું છે. વેરી પ્રત્યે વ્હાલ, દયાભાવ પ્રગટ કરે છે. દુરિતને દૂર કરી શુભત્વની સ્થાપના કરવામાં આવે છે. દૈવી શક્તિને મહિષાસુર અને અસુર ઓળખી ના શક્યા મુંઝવણ અનુભવવા લાગ્યા, આખરે અસુરોનો રાજા મહિષાસુર પોતે લડાઈમાં ઊતર્યો, તેણે રોજ રોજ પોતાનાં રૂપો બદલ્યાં. વિવિધ રૂપો ધારણ કરી ત્રાસ આપવા લાગ્યો. આખરે વિજય તો સત્યનો જ થયો. અસુરો હાર્યા. શક્તિ જીતી. વરસાદ થયો. વિજય થયો. દિશાઓ ખુશ થઇ. ભક્તો ખુશ થાય. પ્રજાને દૈવી શક્તિમાં શ્રદ્ધા બેઠી. દેવીએ ભક્તોને આશ્વાસન આપ્યું આસુરી તાકાત સામે હું તમને સહાયરૂપ થઇશ અને પૃથ્વી ઉપર રહેલી દુષ્ટતા અને દુરિતતાનો નાશ કરીશ. આપણા સૌના હૃદયમાં દૈવી શક્તિ છે પણ હજુ ક્યાંક ઊંડે મહિષાસુરનાં તત્ત્વો પણ રહ્યાં છે. તે સાવ નિર્મૂળ થયો નથી. એ તત્ત્વોને નિર્મૂળ કરવાનું પર્વ એટલે નવરાત્રિ.

આસો મહિનાના શુક્લ પક્ષના પ્રથમ નવ દિવસ નવરાત્રિ અને દસમો દિવસ વિજયા દસમી. આ દિવસોને નવ એટલે નવા દિવસો કહે છે. માતાજીના દિવસો પણ કહે છે. કેટલાક તેને 'માનાં નોરતાં' એમ પણ કહે છે. નવરાત્રિના નવ દિવસની વૈજ્ઞાાનિક મનોભૂમિકા પણ સમજવા જેવી છે. 'નવ' શબ્દનો અર્થ સંખ્યાવાચક નવ (શૈહી) તો ખરો જ, પણ શીુ નાવીન્ય સૂચક પણ છે. સંખ્યા સૂચકમાં નવ ચાર અંત:કરણ, પંચમહાભૂત ભેગાં થાય એટલે નવ બને એ નવતત્ત્વોની શુદ્ધિ કરવાનો સંકેત છે. એની વિશુદ્ધિ થાય પછી આત્મા વિશુદ્ધ થાય છે. એ નવ તત્ત્વો સમગ્ર વિશ્વના કેન્દ્રમાં છે. શુભતત્ત્વના સુચાલક તત્ત્વો છે તેમનામાં અશુદ્ધિ પ્રવેશી જાય તો દુરિતતાનો માર્ગ મોકળો બની જતો હોય છે. દુર્ગાનાં નવ રૂપો અને તેની પૂજાનો આ સંદ્રભે વિચાર થઇ શકે. પૂજા-અર્ચનાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. તમસ સામે સત્ત્વનો સંઘર્ષ છે.

ઘડાનું સ્થાપન, જવારા વાવવા, દીવા કરવા અગરબત્તી કરવી, અગરબત્તી કરવી, ઉપવાસ કરવા, પવિત્ર વાતાવરણ બનાવવું અને શક્તિનાં ગુણગાન કરવાં. આ મુખ્ય પ્રવૃત્તિ છે. આઠમ અને નોમના દિવસે તેની પરાકાષ્ઠા આવે, નૈવેદ્યનું મહાત્મ્ય પણ તેમાં ત્યારથી ઉમેરાયું છે. પોતપોતાની માન્યતા પ્રમાણે પરંપરા મુજબ પ્રજા એની પૂજા અર્ચના કરે છે. ગરબા પણ પરંપરા મુજબ તાળીથી ગવાય. માથે ઘડૂલિયો હોય - કુંભારે ઘડેલો. એને ફરતે કાણાં હોય. કોરાવેલો ઘડૂલિયો કહેવાય. અંદર દીવો હોય. તે કાણામાંથી પ્રકાશ આવે. એ પ્રકાશને અજવાળે ગરબા ગવાય. ત્યારે વીજળી ન્હોતી. આછા અંધારાં અને આછાં અજવાળાં વચ્ચે સંઘર્ષ રચાય! મહિષાસુર અને દૈવીશક્તિ જેવો! 'ગર્ભદીપ'માંથી 'ગરબો' શબ્દ થયાનું વિદ્વાનો સ્વીકારે છે. આબાલ વૃદ્ધ ભાવનાથી જોડાયેલાં રહેતાં. પ્રાચીન ગરબામાં 'માઁ પાવા તે ગઢથી' નો ઢાળ આધુનિક ગરબામાં દેખાતો નથી. જૂના ગરબાના શબ્દો તાલીઓનો તાલ, સંઘનૃત્યનો સંવાદ આજે છે ક્યાં? આજે નવરાત્રિનો મિજાજ બદલાયો છે. યુવાનોમાં ઉત્સાહ વધ્યો છે. આધુનિક ગરબામાં દર્શનનું પ્રદર્શનમાં રૂપાંતરણ થયું છે. ગરબો ગામની એ ભાગોળ, શેરી પુરતો રહ્યો નથી. પાર્ટી પ્લોટમાં પરિવર્તિત થયો છે. 'ગરબા'નું પણ વેપારીકરણ થવા માંડયું છે. ફિલ્મીકરણ વિદ્યુત ઉપકરણોે તેને બહેકાવ્યો છે. અવાજનાં પ્રદૂષણે એને અભડાવ્યો છે. કેન્દ્રો બદલાયાં છે તેથી પરિઘ પણ પરિવર્તન પામે છે. બહેનો અને ભાઈઓ તેમાં ઉત્સાહપૂર્વક જોડાય છે એટલે 'ગરબો' 'ગરબી'નું સ્વરૂપ બનતો જાય છે. શક્તિપૂજાનો મહિમા વધ્યો છે ખરો, પણ વિકૃતિઓનો પ્રવેશ પણ ગરબામાં થતો રહ્યો છે. ગરબો મૂળ નૃત્ય પ્રધાન છે, સંગીતનું તત્ત્વ તેમાં ગૌણત્વ છે. નૃત્ય, તાલ તેમાં અભિજાત ભાવે ઉમેરાય છે. આજનો ગરબો વરણાગિયો અને ઘોંઘાટિયો થઇ ગયો છે. એના મૂળ આત્માને હાનિ પહોંચી છે. ડિસ્કોપણું એમાં ઉમેરાયું છે. અંતરિયાળ ગામડાનો અસલ ગરબાને લાઉડ સ્પીકરે ધાક જમાવી બહેરો કરી દીધો છે. ફેશન-પરેડ, મનમોજપણું, ખાણીપીણી પાર્ટી, વગેરેનું એમાં આકર્ષણ વધ્યું છે. સંયમી શૃંગારે ઉઘાડો થઇ ગયો છે. લજ્જા શરમ રહ્યાં નથી ત્યારે મને કહેવાનું મન થાય છે. ઝાક ઝમાળ ્જવાળાં તથા ફિલ્મી રીતભાત વચ્ચે આપણા અસલ ગરબાનું અજવાળું કોણે હોલવી નાખ્યું ? આજનાં અજવાળાંએ આપણાં અસલ અજવાળાંને રાણાં કેમ કર્યાં ? તાલીઓના તાલે ગવાતો ગરબો કેમ ક્ષીણ થતો જાય છે ?


Google NewsGoogle News