Get The App

નિરાશા સામે સૂર્યપ્રકાશ .

Updated: Aug 5th, 2023


Google NewsGoogle News
નિરાશા સામે સૂર્યપ્રકાશ                                            . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- જે કલાથી એની નિરાશા અને દુઃખ દૂર થયા તે કલા અન્યને શીખવવા માગે છે. આધુનિક એકલવ્યની ઇચ્છા એક વાર માઈકલ પાપાદાકિસને મળવાની છે.

આ જના સમયમાં આપણા રોજિંદા જીવનમાં દિનપ્રતિદિન સૌરઉર્જાનો વપરાશ વધી રહ્યો છે. તે પછી સોલર કૂકરમાં થતી રસોઈ હોય, સોલર ડ્રાયર દ્વારા સૂકવાતા ફ્રૂટ અને શાકભાજી હોય કે પછી સોલર પૅનલ દ્વારા મેળવાતી વીજળી હોય, પરંતુ આશ્ચર્ય ત્યારે થાય કે સૂર્યનાં કિરણોથી એક ખૂબસૂરત કલાકૃતિ બને. ન રંગ, ન પીંછી, ન કેન્વાસ ! તમિલનાડુના મયિલાડુતુરૈમાં જન્મેલા આર. વિગ્નેશ તેની કલાકૃતિ માટે બે વસ્તુનો જ ઉપયોગ કરે છે. સૂર્યની રોશની અને મેગ્નિફાઇંગ ગ્લાસ. બત્રીસ વર્ષનો વિગ્નેશ ભારતનો પ્રથમ સનલાઇટ આર્ટિસ્ટ છે. એક સામાન્ય કુટુંબમાં જન્મેલા વિગ્નેશના પિતા દરજીકામ કરતા હતા, જેમાંથી પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બનતું, પરંતુ અભ્યાસમાં તેજસ્વી વિગ્નેશને ગણિતમાં ખૂબ રસ હતો અને વર્ગમાં હંમેશા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતો હતો, તેથી માતા-પિતાએ મુશ્કેલીઓ વચ્ચે પણ અભ્યાસ ચાલુ રખાવ્યો.

૨૦૧૦માં તેણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી અને સાથોસાથ નોકરી પણ ! વિગ્નેશને આનંદ એ હતો કે હવે જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે. બ્રોડબેંડ કંપનીમાં નોકરી કરતા વિગ્નેશને ઘણી જગ્યાએ દૂર દૂર સુધી જવું પડતું અને દિવસના ઘણા કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. ઈ.સ. ૨૦૧૬માં એને કમરનો દુઃખાવો શરૂ થયો. મુશ્કેલી વધતી ગઈ અને તે સમય દરમિયાન એની માતાનું અવસાન થયું. એક સમય એવો આવ્યો કે તે થોડાં ડગલાં પણ માંડ ચાલી શકતો હતો. એક બાજુ માતાના મૃત્યુનું દુઃખ અને બીજી બાજુ પીઠનો દુઃખાવો તેમજ નોકરીની ચિંતા. થોડા દિવસ માસીને ત્યાં રહેવા જતો રહ્યો. ૨૦૧૭માં એના ડૉક્ટરે કહ્યું કે જ્યાં સુધી કમર બરાબર સારી ન થાય ત્યાં સુધી ચત્તા સૂઈ રહેવું.

આ સાંભળીને વિગ્નેશ આઘાતમાં સરી પડયો. નોકરી નહીં રહે, પથારીમાં સૂઈ રહેવું પડશે અને બીજાના ઘરમાં રહેવું પડશે. એનું મગજ નકારાત્મક વિચારોથી ઘેરાઈ ગયું. આમ સૂતા સૂતા એટલા બધા વિચારો આવવા લાગ્યા કે એક દિવસ એણે નક્કી કર્યું કે પહેલાં તો આ વિચારોને અટકાવીને તેના મનને બદલવાની જરૂર છે. એણે ચિત્ર દોરવાનું શરૂ કર્યું. તે સૂતા સૂતા યુટયૂબ પર વીડિયો જોવા લાગ્યો અને તેના દ્વારા શીખવા લાગ્યો. પેન્સિલ સ્કેચ, નાનાં ચિત્રો, થ્રીડી પેઇન્ટિંગ પાછળ કલાકો વિતાવવા લાગ્યો. યુટયૂબ પર આવતી આ સઘળી કલા તે શીખવા માગતો હતો. એને આવા વીડિયો જોવાની 'લત' લાગી ગઈ અને એ વિડીયોએ જ એને એની ગંભીર સમસ્યામાંથી બહાર નીકળવામાં મદદ કરી. એણે પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કર્યું અને એની નજર માઈકલ પાપાડાકિસ પર પડી. માઈકલ પાપાડાકિસ અમેરિકાનો ખ્યાતનામ સનલાઇટ આર્ટિસ્ટ છે. યુટયૂબ પરના તેના તમામ વીડિયો એણે દસ-દસ વખત જોયા. સનલાઇટ પેઇન્ટિંગની આ અનોખી કલાએ વિગ્નેશની અંદરના કલાકારને જગાડી દીધો. જાણે પોતાની નિરાશા સામે લડવાનું પ્રબળ શસ્ત્ર મળી ગયું !

ધીમે ધીમે એની તબિયત સારી થવા લાગી તો મેગ્નિફાઇંગ ગ્લાસ લઈને કંઈક બનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સૂર્યની રોશનીમાં પેઇન્ટિંગ બનાવવું કંઈ સહેલું નહોતું. ઘરમાં આરામદાયક જગ્યામાં બેસીને ચિત્ર બનાવવું એ એક વાત હતી, પરંતુ ધોમધખતા તાપમાં બહાર જઈને મેગ્નિફાઇંગ ગ્લાસથી લાકડા પર કલાકૃતિ બનાવવી એ બીજી વાત છે. આ રીતે સૌ પ્રથમ જ પેઇન્ટિંગ બનાવ્યું, તે એના હસ્તાક્ષર હતા. કોવિડ મહામારી સમયે તેની કલા વાયરલ થઈ. તે કહે છે કે એની કારકિર્દીની મહત્ત્વની ક્ષણ એ એણે ટેસ્લાનો લોગો બનાવ્યો તે બની રહી. એણે લાકડા પર સૂર્યકિરણોથી આ લોગો બનાવ્યો અને ટ્વીટર પર મૂક્યો હતો. કાગળ પર પેન્સિલથી ચિત્ર કરતી વખતે તેના બિંદુઓની અને કાગળની ગુણવત્તાની ખબર હોય છે. જ્યારે અહીં ગ્લાસ અને લાકડા વચ્ચે કેટલું અંતર રાખવું તે અંગે અત્યંત સાવધાન રહેવું પડે છે. શરૂઆતમાં મુશ્કેલ લાગતી કલામાં ધીમે ધીમે નિપુણતા હાંસલ કરી લીધી. આજે એના નામે પચીસથી વધુ કલાકૃતિઓ છે.

તે કહે છે કે સૌથી પહેલા તે લાકડાનું બોર્ડ અને મેગ્નિફાઇંગ ગ્લાસ લે છે. હવામાનને ચકાસે છે જો સૂર્યની રોશની બરાબર હોય તો ચશ્મા અને ગ્લૉવ્ઝ પહેરીને બહાર નીકળે છે. લાકડા પર રૂપરેખા બનાવે છે અને પછી ગ્લાસનો ઉપયોગ કરીને સૂર્યનાં કિરણોને લાકડા પર એકત્રિત કરે છે. તે સમયે તેનો ખૂણો બરાબર જુએ છે અને દર થોડી મિનિટમાં સ્થિતિ બદલવી પડે છે. આ ચિત્ર બનાવવા માટે એને સતત આગળ-પાછળ થવું પડે છે અને ગ્લાસને પણ પાસે અને દૂર લઈ જવો પડે છે. જો ચિત્ર સાદુ હોય તો ત્રણ દિવસમાં પૂરું થઈ જાય છે, પરંતુ હવામાન બરાબર ન હોય તો અઠવાડિયું થઈ જાય છે. કોઈ જટિલ કલાકૃતિ હોય તો લાંબા સમયે પૂર્ણ થાય છે. હાથી અને બળદની એક કલાકૃતિ પૂરી કરતાં તેને એક મહિનો થયો હતો. એક નાનકડી ભૂલ થાય તો તેને ત્યજી દેવી પડે છે. એણે બનાવેલું વિરાટ કોહલીનું પોેટ્રેટ ખૂબ ખ્યાતિ પામ્યું હતું. એ પોતાની કૃતિઓ કેનેડા અને સિંગાપુર પણ મોકલે છે. એક પેઇન્ટિંગ બનાવવાના પાસઠ હજારથી એક લાખ રૂપિયા લે છે. તે પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન યોજવા માગે છે. જે કલાથી એની નિરાશા અને દુઃખ દૂર થયા તે કલા અન્યને શીખવવા માગે છે. આધુનિક એકલવ્યની ઇચ્છા એક વાર માઈકલ પાપાદાકિસને મળવાની છે.

પ્રાણીઓ સાથે સહઅસ્તિત્વ

ભારતમાં આશરે સાડા સાત હજાર સ્કવૅર કિમી. જેટલી જંગલની જમીન પર માનવીઓએ અતિક્રમણ કર્યું છે. પ્રાણીઓના પ્રાકૃતિક આવાસો ખતમ થતા જાય છે...

નિરાશા સામે સૂર્યપ્રકાશ                                            . 2 - imageક ર્ણાટકના કોડગુ જિલ્લામાં જન્મેલી મેઘના પમ્મૈયાને નાનપણથી જ પ્રાણીઓ પ્રત્યે આકર્ષણ રહેતું. તેના પિતા પોલીસ ઑફિસર હતા, તેથી વારંવાર બદલીઓ થતી હતી, પરંતુ પ્રાણીપ્રેમી પરિવાર હોવાથી તેની આસપાસ કોઈ ને કોઈ પ્રાણીઓ રહેતા અને તેની સાથે જ તેનો ઉછેર થયો. ધીમે ધીમે મોટી થતાં મેઘનાએ વિચાર્યું કે મારું ભવિષ્ય પ્રાણીઓ સાથે જ જોડાયેલું રહેશે, જોકે ત્યારે એને ખ્યાલ નહોતો કે તે વેટરનરી ડૉક્ટર બનશે. બંગાલુરુના હેબલમાં વેટરનરી કૉલેજમાં તેણે અભ્યાસ કર્યો અને તે ડૉક્ટર બની. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ સાયન્સમાં તેણે માસ્ટર્સ કર્યું. અભ્યાસકાળ દરમિયાન તે નેશનલ જ્યોગ્રાફિક ચૅનલ પર ઘણીવાર જંગલી પ્રાણીઓના બચાવકાર્ય વિશે જોતી હતી અને ખૂબ રોમાંચ અનુભવતી હતી. ડૉ. મેઘના કહે છે કે ગુવાહાટીમાં આવેલી કૉલેજ આફ વેટરનરી સાયન્સ દ્વારા ૨૦૨૧માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ મુજબ ભારતના વિશાળ પશુધનની સંભાળ લેવા માટે બોંતેર હજાર વેટરનરી ડાક્ટરોની જરૂર છે, પરંતુ એની સામે માત્ર તેંતાળીસ હજાર ડૉક્ટરો જ છે. જોકે હવે આ ક્ષેત્રે સ્ત્રીઓ કારકિર્દી બનાવી રહી છે, પરંતુ જંગલી પ્રાણીઓના ક્ષેત્રે સ્ત્રીઓ ઓછી જોવા મળે છે, કારણ કે આવી કારકિર્દીને ભયજનક અને અસુવિધાજનક માનવામાં આવે છે. સમાજમાં એવી માન્યતા છે કે જંગલી પ્રાણીઓના ડૉક્ટર પુરુષો જ હોય. ડૉ. મેઘના પમ્મૈયા કહે છે કે જંગલી જાનવર સાથે તે ચાલતી હોય. ડૉક્ટરનાં કપડાં પહેર્યાં હોય તોપણ લોકો તેને નર્સ કહીને બોલાવે અને ડૉક્ટર વિશે પૂછપરછ કરે. હસતાં હસતાં મેઘના કહે છે કે હવે તે ટેવાઈ ગઈ છે, પરંતુ ફેબુ્રઆરી માસમાં નિડોડી ગામમાં એક ચિત્તાને બચાવવાનું કાર્ય કર્યું તેથી તેને ખૂબ ખ્યાતિ મળી.

લગ્ન કરીને મેંગાલુરુમાં રહેતી મેઘના પર એક દિવસ સવારે સાડા નવ વાગ્યે ફોન આવ્યો કે નિડોડી ગામના કૂવામાં એક ચિત્તો(માદા) પડી ગયો છે.  બે કલાકમાં મેઘના એની ટીમ સાથે નિડોડી પહોંચી ગઈ. ગામલોકો કૂવાને ટોળે વળીને ઊભા હતા, પરંતુ કોઈ કંઈ કરી શકે તેમ નહોતું, કારણ કે તે કૂવામાં આવેલી મોટી બખોલમાં સંતાઈને બેઠો હતો. કૂવો આશરે પચીસ ફૂટ ઊંડો હતો અને ચિત્તો પણ પંદર-વીસ ફૂટ ઊંડાઈએ સંતાઈને બેઠો હતો તેથી તેને બચાવવા માટે કૂવામાં ઉતરવું પડે તેમ હતું. ડૉ. મેઘનાએ એક ક્ષણનો પણ વિચાર કર્ર્યા વિના પાંજરાને કૂવામાં ઉતારવાનું નક્કી કર્યું અને બધી તૈયારી સાથે એ પાંજરામાં પોતે જ બેઠી. દસથી પંદર ફૂટની વચ્ચે બખોલમાં ચિત્તો જોવા મળ્યો. જંગલી પ્રાણીઓનું બચાવકાર્ય કરવાનું હોય, ત્યારે તેના વિશે સઘળી જાણકારી હોય છે. પરંતુ અહીં કશી માહિતી નહોતી કે તેનો આકાર કેવો છે, વજન, ઉંમર અને આરોગ્ય કેવું છે. તેથી ડૉ. મેઘનાએ એનેસ્થેશિયાના કે એને બેભાન કરવાની દવાના જુદા જુદા ડોઝની ત્રણ-ચાર સીરીંજ તૈયાર કરી હતી. જીવનું જોખમ ઘણું હતું, કારણ કે બે દિવસથી પાણી અને ખોરાક વિના રહેલો આ ચિત્તો કેવી પ્રતિક્રિયા કરશે તેની ખબર નહોતી, પરંતુ મેઘના બધી તૈયારી સાથે પાંજરામાં કૂવામાં ઉતરી. તેને જોઈને ચિત્તાએ અવાજ કર્યો, પરંતુ પ્રથમ પ્રયાસે જ મેઘના દવા આપવામાં સફળ રહી. પંદરેક મિનિટમાં તે બેભાન થતાં તેને પાંજરામાં લેવા માટે ટીમના સભ્યોની મદદ લીધી, કારણ કે તેનું વજન પચીસ કિલો હતું. મેઘના અને ચિત્તો પાંજરામાં ઉપર આવ્યા. એ ચિત્તાને તપાસીને જોયું કે બીજે ક્યાંય ઈજા નહોતી થઈ અને બધી રીતે સ્વસ્થ હતો, તેથી તેને જંગલમાં છોડી મૂક્યો. આમ આ સમગ્ર અભિયાન મેઘનાની હિંમત અને સાહસથી પાર પડયું.

સાત-આઠ વર્ષની કારકિર્દી દરમિયાન એણે અનેક પક્ષીઓ, શિયાળ, નોળિયા અને સાપોની સારવાર કરી છે. અત્યાર સુધીમાં આઠ ચિત્તાને તેણે કૂવા અને જાળમાંથી બચાવ્યા છે. પ્રાણીઓને બચાવવા માટે ઘણી વાર જાળનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે ઘાતક નીવડે છે. તેની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે જો પ્રાણી તેમાં હલનચલન કરે તો ફસાઈ જાય અને તેની છાતી, પેટ, પંજા કે ગરદન પર ઘા પડે છે. જંગલી સુવરો માટે પાથરેલી જાળમાં એક ચિત્તો ફસાઈ ગયો હતો તેને બચાવ્યો. તો એક કોબરા પ્લાસ્ટિક કેન ગળી ગયો હતો અને શરીર પર અનેક ઘા પડેલા હતા, તેની સારવાર કરી. બત્રીસ વર્ષની મેઘનાને જંગલી પ્રાણીઓના બચાવ અભિયાન એટલા પરેશાન નથી કરતા જેટલી વ્યક્તિઓની ઉદાસીનતા ! ભારતમાં આશરે સાડા સાત હજાર સ્કવૅર કિમી. જેટલી જંગલની જમીન પર માનવીઓએ અતિક્રમણ કર્યું છે. પ્રાણીઓના પ્રાકૃતિક આવાસો ખતમ થતા જાય છે, તેથી તેઓ ઘરોમાં અને ખેતરોમાં ધસી આવે છે, તો તેને નુકસાન પહોંચાડવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે. લોકોએ એને મારવાને બદલે એને બચાવવા માટે મદદ માંગવી જોઈએ. જંગલોમાંથી પસાર થતી વખતે વાહનોને સાવધાનીથી ચલાવવા જોઈએ. સરકાર પણ કોઈ યોજના બનાવે, ત્યારે જંગલી પ્રાણીઓ વર્ષોથી જ્યાં વસે છે તે જગ્યા અને માર્ગો અંગે વનસમુદાયો અને વન્યજીવ સંરક્ષણવાદીઓ સાથે મળીને પરામર્શન કરવું જોઈએ. મેઘનાને સૌથી મુશ્કેલ માનવ-પ્રાણીના સંઘર્ષ સાથે કામ કરવાનું લાગે છે. પ્રાણીઓ તો જીવવાની કોશિશ કરી રહ્યા છે જે એક કુદરતી પ્રવૃત્તિ છે. માનવી અને પશુઓના સહ-અસ્તિત્વ માટે આપણે જે કંઈ કરવું પડે તે બધું જ કરી છૂટવું જોઈએ.


Google NewsGoogle News