કિલિમાંજારોના હિમાચ્છાદિત પર્વતો
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- હેરીએ વિચાર્યું, શ્રીમંતો સાથે રહીને હું વેડફાઈ ગયો, તેમની જિંદગી નીરસ હોય છે, તેમને વિશે શું લખવું?
અ ર્નેસ્ટ હેમિંગ્વે (૧૮૯૯-૧૯૬૧) અમેરિકાના નોબેલ પારિતોષિકપ્રાપ્ત વાર્તાકાર અને નવલકથાકાર છે. તેમની વાર્તા 'સ્નોઝ ઓફ કિલિમાંજારો' (૧૯૩૬) પરથી હોલિવુડ મૂવી પણ બન્યું હતું.
હેરી નામના લેખકે આયુષ્યનો પૂર્વકાળ આર્થિક કઠણાઈમાં વીતાવ્યો, પણ પછી ધનિક સ્ત્રીઓને પરણતા રહીને એશોઆરામ કર્યા. જોકે સુખસાહેબીની જિંદગી જીવવામાં તેની લેખન પ્રવૃત્તિ છૂટી ગઈ. હેરી અને તેની પત્ની હેલન આફ્રિકામાં સફારી પર નીકળ્યાં હતાં. હેરીને કાંટાળી વનસ્પતિ ભોંકાઈ અને એન્ટિસેપ્ટિક ન હોવાને કારણે ગેંગ્રીન વકર્યું. વધારામાં ટ્રક ખોટકાઈ પડી. મોત આંખ સામે દેખાવા માંડયું. હેરીને વસવસો થયો : મારાં સાહિત્યસર્જનનાં વર્ષો મેં વેડફી નાખ્યાં. હેલનને આશા છે કે તેમને ઉગારવા વિમાન જરૂર આવશે. હેરીને ભરોસો નથી. તે યાદ કરે છે પોતાના વિશ્વયુદ્ધના નાસભાગના દિવસો, પેરિસમાં બુદ્ધિજીવીઓ સાથે કાફેમાં વિતાવેલી સાંજો, ટેકરી પર આવેલું દાદાજીનું લાકડાનું ઘર. બોમ્બથી જેનાં આંતરડાં બહાર નીકળી આવ્યાં છે એવો વિલિયમસન સાથી સૈનિકોને કાકલૂદી કરતો હતો કે મને ગોળીથી વીંધી નાખો. એક બુદ્ધુ છોકરાને રખેવાળની નોકરી મળેલી, ચોરને તેણે ભડાકે માર્યો, પછી ઇનામની આશાએ પોલીસથાણે ગયો, પણ તેને તો હાથકડી પહેરાવી દેવાઈ... આવી આવી કંઈ કેટલીય વાર્તાઓ લખવા ધારી હતી, પણ હવે સમય ક્યાં? હેરીના ચિત્તમાં ચકરાતા વિચારો અને આફ્રિકન સફારીની વર્તમાન ઘટનાઓ સાથોસાથ ચાલે છે, સેળભેળ થઈને. હેરીએ વિચાર્યું, શ્રીમંતો સાથે રહીને હું વેડફાઈ ગયો, તેમની જિંદગી નીરસ હોય છે, તેમને વિશે શું લખવું?
આઘેથી હાઇનાનું ભસવું સંભળાયું. ખાટલાના પગ પાસે આવીને મૃત્યુ બેઠું. તેની ગંધ વરતાઈ. 'જતું રહે સાલા ગંધારા!' હેરી બોલી નથી શકતો એમ સમજાતાં મૃત્યુ નિકટ આવતું ચાલ્યું. હેરીની છાતી ભારથી દબાઈ ગઈ. હેલને હબસી નોકરોને કહ્યું, 'બ્વાના સૂઈ ગયા, ખાટલો તંબૂમાં લો.' તેમણે ખાટલો ઊંચક્યો. અચાનક છાતી હળવીફૂલ થઈ ગઈ.
સવાર પડી. ઘરઘરાટ સંભળાયો. એક વિમાન ચકરાવા લેતું ઊતર્યુ. ઊનનો કોટ અને મટિયાળી ટોપી પહેરેલો કોમ્ટન બહાર નીકળ્યો, 'શું થ્યું લ્યા?' 'પગની તકલીફ' હેરીએ કહ્યું. 'પ્લેનમાં એક જ જગા છે, મેમસાહેબનું પછી જોઈશું.' કોમ્ટન બોલ્યો. હબસીઓએ હેરીને ઊંચકીને પાઇલટની સીટની બાજુમાં ગોઠવ્યો. તેનો પગ બાજુમાં લટકી પડયો. વિમાન ઊપડયું, હેરીએ પત્ની તરફ હાથ ફરકાવ્યો, મેદાનો દૂર સુધી દેખાયાં, જનાવરોના અવરજવરના માર્ગો તળાવ સુધી લંબાયા. ઝીબ્રાનાં કાળાંધોળાં ટપકાં, ડુંગર ઉપર ચડતાં વિલ્ડરબીસ્ટ, વાંસવન, ત્યાં અંધકાર છવાયો, તેઓ હતા વાવાઝોડાની વચોવચ, જાણે ધોધમાંથી પસાર થતા હોય, એકાએક અજવાળું, કોમ્ટને આંગળી ચીંધી : સૂર્યપ્રકાશમાં ધવલ ઝગારા મારતું કિલિમાંજારોનું મહાન અને ઉત્તુંગ શિખર! ત્યારે હેરીને સમજાયું કે પોતે ત્યાં જ જઈ રહ્યો છે.
હાઇનાએ રોવું ચાલુ કર્યું. હેલન જાગી ગઈ. તેણે ટોર્ચનું અજવાળું ફેંક્યું. હેરીનો પગ મચ્છરદાનીની બહાર લટકતો હતો. પાટો છૂટી ગયો હતો. હેલન દ્રશ્ય જોઈ ન શકી. 'હેરી,' તેણે ઊંચા સાદે કહ્યું, 'પ્લીઝ, ઓ હેરી!' જવાબ ન મળ્યો. શ્વાસોચ્છ્વાસ વરતાતા નહોતા. હેલનનું હૈયું જોરથી ધડકતું હતું એટલે તેણે હાઇનાનું રોવું સાંભળ્યું નહિ.
વાર્તામાં આરંભથી અંત સુધી મૃત્યુનો ઓછાયો છવાયેલો છે. ગેંગ્રીનથી ગ્રસ્ત પગની બદબૂમાં અને હાઇનાના રોવામાં તેના અણસાર છે. ન લખાયેલી વાર્તાઓ- વિલિયમસનની જીવલેણ ઇજા કે રખેવાળે ઠાર મારેલો ચોર- માં પણ મૃત્યુના ભણકારા છે. વાર્તાનાયક પરિસ્થિતિનો સામનો મર્દાનગીથી કરે છે. મનુષ્યે જેને માટે જન્મ લીધો, તે કાર્ય વેળાસર સંપન્ન કરવું જ રહ્યું. હેરીને અપરાધભાવ પીડે છે : વાર્તાઓ લખવાનું હું કેમ ચૂકી ગયો? લેખકની માન્યતા છે કે સાચું સાહિત્ય અભાવ અને અગવડો વચ્ચે સર્જાય છે. લેખક ટૂંકા અને અસરકારક વાક્યો રચે છે. દાયકાઓ સુધી હેમિંગ્વે પત્રકાર હતા, આવી વાક્યરચના તેમને માટે સ્વાભાવિક ગણાય. શૈલીમાં આલંકારિક શણગારો વરતાતા નથી. વાસ્તવિક ઘટનાઓ સાથે વાર્તાનાયકના વિચારો ભળી જાય છે, જેને 'સ્ટ્રીમ ઓફ કોન્સિયસનેસ' કહે છે. અંતે હેરીને લેવા વિમાન આવે છે, વાચકને છેલ્લે સમજાય છે કે એ હેરીની કલ્પના માત્ર હતી. મૃત્યુનું તેડું હેલનને નહોતું આવ્યું માટે વિમાનમાં એક જ યાત્રાળુ માટે જગા છે.
હેરી એક શુભ્ર, ઉન્નતલોક પ્રતિ ગતિ કરે છે.