પ્રકાશથી ભરેલી રાત .
- આજકાલ-પ્રીતિ શાહ
- નસીમા ખાતૂનનું માનવું છે કે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો બાળકો સાથે કામ કરવું જોઈએ
નસીમા ખાતૂન બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા ચતુર્ભુજ સ્થાનમાં જન્મી અને મોટી થઈ. ચતુર્ભુજ સ્થાન એ રેડ લાઈટ વિસ્તાર છે, જ્યાં તેના પિતા ચાની દુકાન ચલાવતા હતા. નસીમાને એક સેક્સ વર્કરે દત્તક લીધી અને એને ત્યાં મોટી થઈ, પરંતુ નસીબદાર એટલી કે તેને સેક્સ વર્કરના વ્યવસાયમાં ધકેલવામાં આવી નહીં. તેને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ પિતાએ એને કહેલું કે કોઈ તેને પૂછે કે તે કોણ છે અને ક્યાં રહે છે, તો કંઈ કહેવાનું નહીં. તેથી તે પોતાની ગલીમાં વળવાને બદલે લાંબો રસ્તો પસંદ કરીને ઘરે પહોંચતી હતી. નાનપણથી તેણે જોયેલું કે પોલીસ આવે એટલે છૂપાઈ જવાનું કે પછી ક્યાંક ભાગી જવાનું. આ વાતાવરણની તેના મન પર ઊંડી છાપ પડી.
૧૯૯૫માં મુઝફ્ફરપુરમાં આઈ.એ.એસ. અધિકારી રાજબાલા વર્માએ સેક્સ વર્કર અને તેમના પરિવારો માટે વૈકલ્પિક કાર્યક્રમો શરૂ કર્યા. તેમાંના એક 'બેટર લાઇફ ઓપ્સન' કાર્યક્રમમાં નસીમાએ ભાગ લીધો અને ભરતગૂંથણમાં નિપુણ બનીને મહિને પાંચસો રૂપિયા કમાવા લાગી. તેર વર્ષની ઉંમરે પિતાએ સ્કૂલનો અભ્યાસ છોડાવીને તેની નાની પાસે સીતામઢી મોકલી દીધી. અહીં એણે કિશોરીઓને સહાય કરતા એક સંગઠન વિશે સાંભળ્યું. નસીમાને લાગ્યું કે તે થોડો પ્રયત્ન કરશે તો જીવનમાં કંઈક શીખી શકશે. એણે બધાની સાથે વાત કરવાનું બંધ કરીને એક રૂમમાં રહેવા લાગી. તેના વર્તનને કારણે તેના પિતાએ એ સંગઠનમાં જવાનું કારણ પૂછયું. ત્યારે કહ્યું કે ત્યાં એક મિત્ર છે તેને મળવું છે. છેવટે એક દિવસ વંચિત મહિલાઓ માટે કામ કરતી અદિતિ નામની સંસ્થાના લોકો સાથે મુલાકાત થઈ.
૨૦૦૨ સુધી તેણે અદિતિ સંસ્થા સાથે કામ કર્યું અને તે સમયગાળામાં તેને કાયદો, બાળ અધિકારો અને બંધારણ દ્વારા દેશના પ્રત્યેક નાગરિકને પ્રદાન કરવામાં આવેલી સુરક્ષા વિશે જાણકારી મળી. ૨૦૦૨માં તે મુઝફ્ફરપુર પાછી આવી. એક દિવસ પિતાની ચાની દુકાન પર બેઠી હતી, ત્યારે તેણે જોયું કે બાજુના વિસ્તારમાં પોલીસ છાપો મારીને કેટલીક મહિલાઓની ધરપકડ કરીને લઈ ગઈ અને તે પણ મહિલા કોન્સ્ટેબલની હાજરી વિના! આને કારણે બાળકોને કેટલું સહન કરવું પડે છે તેનો ખ્યાલ નસીમાને હતો. તેના ઉકેલ માટે શું કરી શકાય તેના વિકલ્પ વિચારવા લાગી.
નસીમાએ 'પરચમ' નામનું એક સામુદાયિક સંગઠન શરૂ કર્યું. જેનો હિંદીમાં અર્થ થાય છે 'ઝંડા'. આ એક એન.જી.ઓ. નથી, પરંતુ સમુદાય દ્વારા અને સમુદાય માટેનું એક સંગઠન છે. અદિતિ સંસ્થા સાથે કામ કરતી હતી, ત્યારે 'ઈંજોરિયા' નામની એક પત્રિકા શરૂ કરવામાં નસીમાએ મદદ કરેલી. 'ઈંજોરિયા'નો અર્થ હતો 'પ્રકાશથી ભરેલી રાત'. આ કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ મહિલાઓને વાંચવા-લખવામાં મદદ કરવામાં આવતી. નસીમાએ વિચાર્યું કે સમુદાય દ્વારા એક એવી પત્રિકા કાઢવી કે જેમાં અમારી વાત હોય. કારણ કે અમારા વિશેનું સત્ય કોઈ લખશે નહીં. આ સમુદાયમાં ભલે બહુ લોકો વાંચી કે લખી શકતા નથી, પરંતુ જેવું આવડે તેવું તેમાં લખીશું અને એ રીતે ૨૦૦૪માં એમણે 'જુગનૂ' નામની પત્રિકા શરૂ કરી. જેમાં સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા હોય તેમનો અવાજ બુલંદ થશે.
'જુગનૂ'ના પ્રથમ સંસ્કરણમાં એક મુખ્ય કૉલમ હતી, 'અમારું સ્વપ્ન શું છે?' આ સમુદાયનાં બાળકોને ભાગ્યે જ કોઈ આવો પ્રશ્ન પૂછે છે. આ વાંચીને બાળકોએ પોતાના સ્વપ્નની વાત લખી. આજે એમ.ડી. બનેલા આરીફ સાત વર્ષના હતા, ત્યારે 'જુગનૂ' માટે ચિત્ર બનાવતા હતા. તેમણે સેક્સ વર્કરો વિશે અભ્યાસ કર્યો. તેમણે જોયું કે એ બધી વ્યક્તિની ઓળખ એની સાથે એટલી વણાઈ જાય છે કે પછી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ પોતાને સેક્સ વર્કર તરીકે ઓળખાવે છે. ૨૦૧૨ સુધીમાં પત્રિકા બંધ થઈ ગઈ અને તે રાજસ્થાન પરિવાર સાથે રહેતી હતી, પરંતુ હજી સ્વપ્ન અધૂરું હતું. ૨૦૨૧માં મુઝફ્ફરપુર આવી અને 'જુગનૂ' પત્રિકાને પુનર્જીવિત કરી. આજે આ પત્રિકા માત્ર રેડલાઇટ વિસ્તારની પત્રિકા નથી, તે મુંબઈ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે. દસ સક્રિય રિપોર્ટર છે અને છત્રીસ પાનાંની પત્રિકા બની ગઈ છે. રાજસ્થાનના બાડમેરમાં કાલબેલિયા સમુદાયના વીસ વર્ષના પ્રેમનાથ પોતાની વણજારા જાતિની વાત લખે છે અને કહે છે કે 'જુગનૂ'ના કારણે જ તેઓ કૉલેજ સુધીનું શિક્ષણ મેળવી શક્યા છે. ૨૦૨૩માં પોતાના વતનમાં ચતુર્ભુજ સ્થાનના બાળકો માટે પોલીસ પાઠશાળા શરૂ કરી છે. ખાલી પડેલા એક રૂમમાં પંદર બાળકોથી શરૂઆત કરી હતી ત્યાં આજે એકસો બાળકો આવે છે. અધિકારીઓ બાળકોને ભણાવે છે, તેમની સાથે રમે છે અને તેમને માટે કેક પણ લાવે છે. આ બાળકોને પોલીસ સાથે રમતા જોઈને ખૂબ આનંદ થાય છે. સામાજિક કલંકનો ડર રાખ્યા વિના તેઓ પોતાની ઓળખ 'પોલીસ પાઠશાળા કે બચ્ચે' તરીકે આપે છે. નસીમા ખાતૂનનું માનવું છે કે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો બાળકો સાથે કામ કરવું જોઈએ.
મારા આત્માનો અંશ
'પરસ્પરના સદ્ભાવ અને ઉત્સાહથી આગળ વધવાની પ્રેરણા મળે છે. આ પરિયોજના મારા આત્માનો જ એક ભાગ છે.'
મ હારાષ્ટ્રના ધામણગાંવમાં ખેડૂત પિતા અને શિક્ષક માતાના ઘરે ઉજ્જ્વલ કુમારનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રના મરાઠાવાડ અને ખાનદેશમાં વારંવાર દુષ્કાળ પડે છે. માત્ર ખેતરો જ નહીં, પણ તેમનાં સ્વપ્ના પણ સૂકાઈ જાય છે. આવા વાતાવરણમાં મોટા થયેલાં ઉજ્જ્વલ કુમારની ઇચ્છા અધિકારી બનવાની હતી. એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યા પછી ૨૦૧૦માં યુપીએસસીની પરીક્ષા આપી અને મુંબઈમાં ઇન્કમટેક્ષ વિભાગમાં જોઇન્ટ કમિશનર તરીકે જોડાયા. આટલી સફળ કારકિર્દી અને સુખી જીવન વચ્ચે ૨૦૧૬માં એક દિવસ તેમને સમાચાર મળ્યા કે તેમના ગામનો ખેડૂત કે જેની પાસે ચાળીસ એકર જમીન હતી, તેને દુષ્કાળ અને દેવું વધી જવાને કારણે આત્મહત્યા કરી છે. આ ગામમાં ખેડૂતની પહેલી આત્મહત્યા હતી. આ સાંભળીને તેણે પોતાના ગામ માટે, કંઈક કરવું એવો સંકલ્પ કર્યો.
ધામણગાંવ પહોંચીને પાણીની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને જળ સંરક્ષણ યોજના શરૂ કરી. ૨૦૧૭માં ભૂગર્ભ જળ વધે અને નદીઓમાં વર્ષના વધુ મહિના પાણી રહે તેવું આયોજન કર્યું. દસ કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવા જળાશયનું નિર્માણ કર્યું. ચેક ડેમ બાંધ્યાં. જળાશયમાં ૧૪ કરોડ લીટર પાણી સંગ્રહિત થયું, જેણે ગામલોકોમાં શક્તિનો સંચાર કર્યો. આ સફળતા મળતાં તેણે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. પાડોશી ગામો જોડાયાં અને જળ સંરક્ષણના પ્રયાસોનું નેટવર્ક વિસ્તાર્યું. ડૉ. ઉજ્જ્વલ કુમાર ચવ્હાણ કહે છે કે પ્રથમ વાર સામૂહિક સફળતાના આનંદની અનુભૂતિ થઈ. ૨૦૧૮ સુધીમાં તેમનું કામ બીજા છ ગામો સુધી વિસ્તર્યું અને લોકોએ નાના-મોટા સાઠ ચેક ડેમોનું નિર્માણ કર્યું. જુલાઈ ૨૦૧૮ સુધીમાં તમામ જળાશયો ભરાઈ ગયા હતા.
ઉજ્જ્વલ કુમારે ૨૦૧૯માં 'પંચ પાટિલ' નામનું સમર્પિત સ્વયંસેવકનું ગ્રૂપ બનાવ્યું, તેમાં ૧૪ લોકોને નેતૃત્વ વિકાસ કૌશલની તાલીમ આપવામાં આવે છે અને દરેકને પાંચ ગામોની જવાબદારી સોંપવામાં આવે છે. તેઓ ગામલોકો સાથે બેઠક અને ફેરી કરીને ગામલોકોને જાગૃત કરવામાં આવે છે. ગામના પ્રમુખની પસંદગી કરીને તેની સાથે યોજના બનાવવામાં આવે છે અને તે અમલમાં મૂકે છે. પાણી સમિતિઓ બનાવવામાં આવે છે. તે ખેડૂતોને સિંચાઈની સુવિધા મેળવવામાં મદદરૂપ થાય છે. પહેલાં ખેડૂતો, કપાસ, મકાઈ અને જુવારનો પાક લેતા હતા, પરંતુ પાણીની અછતનો સામનો કરવો પડતો હતો, કારણ કે ચોમાસામાં નદીમાં આવેલું પાણી આક્ટોબર-નવેમ્બર સુધીમાં સુકાઈ જતું હતું. હવે પાણી માર્ચ મહિના સુધી રહે છે, તેથી ખેડૂતો વર્ષમાં બે વાર પાક લઈ શકે છે. આને કારણે ખેડૂતોની આવક બમણી થઈ છે અને તેમનું જીવનધોરણ સુધર્યું છે.
'વૉટરમેન ઑફ ઇન્ડિયા'નું બિરુદ મેળવનાર રાજેન્દ્રસિંહે રાજસ્થાનમાં જોહડ પદ્ધતિનો સફળ પ્રયોગ કર્યો તે પદ્ધતિ ઉજ્જ્વલ કુમાર અને તેમની ટીમે જળસંરક્ષણ માટે અપનાવી છે. તેમાં વરસાદનું પાણી એકત્ર કરીને તેનું સંરક્ષણ કરવા માટે નાના નાના માટીના ચેક ડેમ બનાવવામાં આવે છે અને તેના કારણે ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું આવે છે. આ પદ્ધતિથી ૨૦૪ ગામોમાં પાંચસો કરોડ લીટર જળ સંરક્ષણ કર્યું છે. જેનાથી દુષ્કાળ અને પૂર બંને પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. નાના તળાવો અને ચેક ડેમને કારણે જળસંરક્ષણની ક્ષમતા ઘણી વધી છે. પાણી મળવાને કારણે પશુઓ માટે ચારાની ખરીદી ઓછી કરવી પડે છે અને ડેરી ફાર્મિંગ જેવાં ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. નદીઓમાં જૈવ વિવિધતા વધી છે. આ બધાનો લોકોના સામાજિક જીવન પર પ્રભાવ જોવા મળે છે. તે લોકો સારું સ્વાસ્થ્ય અને શિક્ષણ મેળવી રહ્યા છે.
કેટલાય પરિવારોના કૂવાઓમાં પાણી આવ્યું છે અને તેઓ પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકે છે. પશુપાલન, ડેરી અને મત્સ્યપાલનમાં વૃદ્ધિ થઈ છે. જમીનમાં આર્દ્રતા આવવાથી ઘાસ, ઝાડી અને વૃક્ષો ઊગવાથી અને ટકી રહેવાથી ઈકોલોજી જળવાય રહે છે. તેમણે ચાર જિલ્લામાં ૩૪ ગામોમાં ૨૦૮ કરોડ લીટરના જળાશયો બનાવ્યા છે. પિસ્તાળીસ હજાર વૃક્ષો વાવ્યા છે. જે લોકો ગામ છોડીને ગયા હતા તે હવે પોતાના ગામમાં પરત ફરી રહ્યા છે. સહાનુભૂતિ અને અતૂટ દ્રઢ સંકલ્પ સાથે સામૂહિક કાર્યવાહી કરવામાં આવે તો જીવનમાં શું હાંસલ કરી શકાય છે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત ઉજ્જ્વલ કુમાર ચવ્હાણના જીવનમાં જોવા મળે છે. તેમણે માત્ર મહારાષ્ટ્રના કેટલાક ગામોની કિસ્મત નથી બદલી, પરંતુ એક એવો વારસો આપ્યો છે કે જે વર્ષો સુધી ચાલશે. તેઓ અત્યારે સરકારમાં કામ નથી કરતા, પણ કાનૂન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમની વ્યસ્તતા વચ્ચે પણ તેમના આ કામ પ્રત્યે સમર્પિત છે. દર અઠવાડિયે આ ગામોમાં જાય છે, ગ્રામીણો સાથે વાતચીત કરે છે, કારણ કે તેઓ માને છે કે, 'પરસ્પરના સદ્ભાવ અને ઉત્સાહથી આગળ વધવાની પ્રેરણા મળે છે. આ પરિયોજના મારા આત્માનો જ એક ભાગ છે.'