મહત્ત્વકાંક્ષા વિનાની બુદ્ધિ એટલે પાંખો વિનાનું પંખી!
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
ખરો કલાકાર એ નથી જે અન્યની પ્રેરણા મેળવે છે પણ અન્યની પ્રેરણા બને તે છે.
- સેલ્વડોર ડાલી
આવી અસામાન્ય વાતો કરનાર અને અફલાતુન સર્જન આપનાર સ્પેનીશ કલાકાર સેલ્વડોર ડાલી (ઈ.સ ૧૯૦૪ થી ૧૯૮૯)ની બસ્સો જેટલી દુર્લભ કૃતિઓનું પ્રદર્શન ફેબ્રુ-માર્ચ-૨૫માં દિલ્હીમાં યોજાઈ ગયું. અલબત્ત તેઓ સ્વયં ક્યારેય ભારત નથી આવ્યા પણ તેમને ભારતીય રહસ્યવાદમાં ભારે રસ હતો. કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં તેમના બે ચિત્રો ઘણાં સમયથી પ્રદર્શિત છે. ઈ.સ. ૧૯૬૭ માં તેમણે એર ઈન્ડિયાના ફર્સ્ટ ક્લાસ પેસેન્જરને ફ્રી આપવા માટે એશ ટ્રે ડિઝાઇન કરેલ તેના મહેનતાણા રૂપે તેમણે રૂપિયાને બદલે મદનીયું માંગેલું. જે ૧૯૭૧ થી ૨૦૧૮ સુધી સ્પેનમાં જીવેલું. સેલ્વડોરને તેના પર બેસીને આલ્પ્સ પર્વત ચડવો હતો પણ પત્નીએ ના પાડેલી. તે આવા અડપલા, તોફાનો, વિચિત્રતાઓ માટે જાણીતો હતો. તેને તમાશો કરી ને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાનો શોખ હતો. ક્યારેક પાર્ટીમાં કાચબો લઈ જતો. બર્મુડા અને સ્લીપર પહેરી ચિત્રો દોરવાની ટેવ હતી. તે આંખો સુધી પહોંચતી અણીદાર અને આક્રમક મૂછો રાખતા. અમેરિકાના એક ગેમ શોમાં આંખે પાટા બાંધેલ નિર્ણાયકોના બધા પ્રશ્નોમાં 'હા' પાડીને બધાને ખોટા પાડયા હતા. તેણે ખુરશી, સોફા, જ્વેલરી, મકાન, પરફ્યુમની બોટલ, થિયેટરના સેટ્સ, લોગો, સ્કેચીઝ, ઈચિંગ વગેરે સર્જ્યું હતું. તે કહેતો 'ક્યારેક મને થાય છે કે હું સંતોષના ઓવરડોઝથી મરી જઈશ.'
સર્જક તરીકે તે વિચિત્ર છે, વિસ્મય છે, કોયડો છે. તે સતત સ્વયંની અને અન્યની વ્યાખ્યાઓ અને સીમાઓને ભૂંસ્યા કરે છે. તે ક્યારેય સ્વયં ક્મ્ફર્ટ ઝોનમાં બેસતા નથી અને ભાવકને બેસવા દેતા નથી. તે અવિરત અને અથાક અભિવ્યક્તિની કેડીઓ બદલ્યા કરતો કલા-યાત્રી છે. સામાન્ય રીતે આપણા મિત્રો, શાળા, પરિવાર અને સમાજ આપણી ક્ષમતા નિશ્ચિત ખાનાં-ખોખામાં ગોઠવી દે છે. તેથી આપણી બુધ્ધિ, કલ્પના અંત:સ્ફુરણા અને સંભાવનાઓ મરી પરવારે છે. સેલ્વડોર ડાલીએ સફળતા-નિષ્ફળતાની પરવા વિના અનેક રીતે સર્જન કર્યું. આખરે સર્જન એ કોઈ લાઈટને ઉઘાડ-બંધ કરવાની સ્વીચ માત્ર નથી. તે કહેતો મહત્વકાંક્ષા વિનાની બુદ્ધિ એટલે પાંખો વિનાનું પંખી! તેની સરરીયલ (પરાવાસ્તવવાદી) ચિત્ર શૈલીમાં સ્વપ્નો, અવચેતન, ઈચ્છા, આકાંક્ષા, અંધકાર, અને ચિત્ત પણ વ્યક્ત થાય છે. તેના ચિત્રોમાં બુદ્ધિના નિયમન-સંયમન વિના વિચાર-ભાવ દોરવાનો પ્રયાસ છે. તેના ચિત્રોમાં માણસના માથામાંથી ફૂલો ખીલે છે, આંખની કિકિ નાચે છે, ઘડિયાળો અને સમય ઓગળે છે. તે સ્વયં તેના ચિત્રોને 'હાથો થકી દોરાયેલી સ્વપ્નની તસવીરો' કહે છે. કદાચ, પિકાસો, ચાર્લી ચેપ્લિન, હેમિંગ્વે, સેલ્વેડોર ડાલી વગેરે અંગત જીવનમાં વિચિત્ર હતા પણ સર્જકો તરીકે અફલાતુન હતા :... તે લખે છે,
'દરરોજ સવારે જ્યારે હું જાગું છું ત્યારે હું અતિ હર્ષાવેશ અનુભવું છું, સેલ્વેડોર ડાલી હોવાનો તે આનંદ- સમાધિમાં જ હું જાતને પૂછું છું, સેલ્વેડોર, આજે તમે કઈ અદ્દભૂત વસ્તુ સર્જવાના છો?