Get The App

કોરા કાગળની કમાલ ! .

Updated: Apr 5th, 2025


Google News
Google News
કોરા કાગળની કમાલ !                                                 . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ઓસ્કાર એવોર્ડની જ્યુરીમાં સ્થાન પામવું એ નોબેલ પારિતોષિક જેવું સન્માન ગણાય. ઈ.સ. 1954માં આ સન્માન મેળવનારા એકમાત્ર ભારતીય ચંદ્રવદન મહેતા હતા

ગુ જરાતના સમર્થ સાહિત્યકાર શ્રી ચંદ્રવદન મહેતાની આજે જન્મજ્યંતી, પરંતુ કેટલાક સર્જનનું સ્મરણ શાશ્વત હોય છે, એમ હજી આજેય કવિ, નાટયકાર ચંદ્રવદન મહેતા આપણી વચ્ચે જીવંત છે એમની ભાવના, પુરુષાર્થ અને તપશ્ચર્યાથી.

ચંદ્રવદન મહેતા એ માત્ર ગુજરાતનું જ નહીં, બલ્કે આપણા દેશનું એક વિરલ રત્ન. પણ કોણ જાણે કેમ ગુજરાત દેશવાસીઓ સુધી એમની પ્રતિભાને પહોંચાડી શક્યું નહીં. ઓસ્કાર એવોર્ડની જ્યુરીમાં સ્થાન પામવું એ નોબેલ પારિતોષિક જેવું સન્માન ગણાય. ઈ.સ. ૧૯૫૪માં આ સન્માન મેળવનારા એકમાત્ર ભારતીય ચંદ્રવદન મહેતા હતા.

ચંદ્રવદનભાઈના જીવનકાર્ય અને સર્જનકાર્યનો વિચાર કરીએ તો એમના વ્યક્તિત્વનાં અનેક પરિણામો નજર સમક્ષ ઉપસે છે. કવિ, નાટયકાર, અચ્છા બ્રોડકાસ્ટર, નાટયશાસ્ત્રના અધ્યાપક, નિર્દંભ આત્મકથાકાર, સંસ્મરણકાર, વાર્તાકાર અને અનોખી નવલકથા 'શૂન્યનો સરવાળો' લખનારા - આમ વિવિધ રંગે ઊપસે છે. 'ઈલા કાવ્યો'નાં કાવ્યોની વત્સલતા ચન્દ્રવદનમાં સદાય રહી. ભગિની પ્રેમનાં આ કાવ્યો ગુજરાતી સાહિત્યની અનોખી મૂડી છે. નાટય વિવેચન હોય કે રેડિયોની કારકિર્દીનાં સ્મરણો હોય એ એમની લાક્ષણિક ઢબે જ વાત કરતા હોય. આથી જ કવિશ્રી ઉમાશંકર જોષીએ 'ચંદ્રવદન એક ચીજ' એવી એમની પ્રતિભાની અનોખી ઓળખ આપી હતી.

ચંદ્રવદન મહેતા એટલે મુક્ત હવા. તેમના વર્તન, વ્યવહાર અને વાતચીતમાં, તેમનાં નાટકોમાં અને ભજવણીમાં એક વિશિષ્ઠ પ્રકારની મુક્તતા હતી. એ મુક્તતાએ એમની પાસે રૂઢિભંજક નાટકો લખાવ્યાં. કિસમ કિસમનાં પચરંગી પાત્રોનું સર્જન કરાવ્યું. રૂઢિચુસ્ત સમાજને આઘાત આપે એવા દ્રશ્યો રજૂ કરાવ્યા અને વિભિન્ન નાટયશૈલીઓમાં પ્રયોગો કરાવ્યાં.

ચંદ્રવદન મહેતા વીસમી સદીના પૂરા નવા દાયકા જીવ્યા. સાંસ્કારિક અને સામાજિક પુનરુત્થાન (renaissance) નો એ યુગ હતો. તેમનો ઉછેર જુના-નવાના સંઘર્ષની વચ્ચે થયો હતો. તેમનો આત્મા વિદ્રોહી હતો. સામાજિક બંધનો ફગાવી દઈને સ્વતંત્ર મિજાજથી વર્તનાર એ જીવ. આઝાદીની લડતમાં ગુપ્તવાસ વેઠીને, તેમ પ્રગટ રીતે પણ તેમણે સક્રિય ભાગ લીધેલો. એ જુસ્સો સ્વરાજ આવ્યા પછી વિષાદમાં પલટાઈ ગયેલો. એ વિષાદ જગાવનારું એમના જીવનનું એક સ્મરણ આલેખીએ છીએ.

ચંદ્રવદનભાઈ અને જ્યોતીન્દ્ર દવેની અનોખી જોડી. એકવાર રેડિયોને માટે ચંદ્રવદનભાઈ, જ્યોતીન્દ્ર દવે અને ભાનુશંકર વ્યાસે 'રેખા' સામયિકના અંકમાંથી એક નાની નાટિકા પસંદ કરી. આ ત્રણ પાત્રો ધરાવતી નાટિકા હતી અને બધા જ પુરુષ પાત્ર હતા એટલે આ ત્રણેયને બીજા કોઈની મદદ માગવાની જરૂર નહોતી.

ભાનુભાઈ વ્યાસ 'રેખા'ના બે અંકો લઈને આવ્યા હતા અને ત્રણેયે સાથે બેસીને બે-ત્રણ વાર નાટિકા સાદ્યંત વાંચી લીધી. નાટિકા રજૂ કરવાની હતી, તે દિવસે ત્રણે મિત્રો રેડિયો સ્ટેશન પર પહોંચ્યા. કાર્યક્રમના પ્રારંભને અર્ધો કલાકની વાર હતી, આથી નીચે જઈને એકાદ રેસ્ટોરાંને 'પાવન કરી' ચા-પાણી કરીને પાછા આવ્યા. રેડિયો સ્ટેશનમાં આવ્યા પછી ચંદ્રવદનભાઈએ કહ્યું, 'હાં, હવે કાઢો 'રેખા'ના અંકો, કાર્યક્રમ શરૂ થવાને બહુ વાર નથી. બને તો ફરી એક વાર વાંચી જઈએ.'

આ સાંભળીને ભાનુશંકર વ્યાસે જ્યોતીન્દ્ર દવે સામે જોઈને કહ્યું, 'ચાલો, તો હવે કાઢો અંકો.'

જ્યોતીન્દ્ર દવેએ સાશ્ચર્ય વળતો પ્રશ્ન કર્યો, 'અંકો ? મને તમે ક્યાં આપ્યા છે ? ચન્દ્રવદન પાસે હશે.'

જવાબમાં ચન્દ્રવદન મહેતાએ કહ્યું, 'મેં તો ભાનુભાઈને પાછા આપી દીધા હતા.'

આ પછી ત્રણે મિત્રોએ ઘણી તપાસ કરી, પણ કોઈની પાસે એકે નકલ હાજર નહોતી. હવે કરવું શું? કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો સમય થઈ ગયો હતો. ઘેર જઈને પાછા લઈ અવાય એટલો વખત પણ નહોતો. વળી અંકો કોને ત્યાં છે, તે પણ નક્કી નહોતું. તેથી તપાસ પણ કરવી કોને ત્યાં ?

એટલે ત્રણેય મિત્રોએ વિચાર્યું કે આ નાટિકા તો વાંચવાની છે. રેડિયોના શ્રોતાજનોએ તો માત્ર સાંભળવાનંર જ છે ને ! આપણને જોવાના તો નથી જ. એટલે ફિકર શી કરવી ?

એમાં વળી એક મુશ્કેલી એ આવી કે કોઈએ આ નાટિકાનો મુખપાઠ કર્યો નહોતો. એનું કથાવસ્તુ શું છે, એની પણ ખબર નહોતી. મોટી મુશ્કેલી ઊભી થઈ. કાર્યક્રમની પ્રસ્તુતિનો સમય નજીક આવી રહ્યો હતો. આવી કેટલીક મથામણને અંતે ચન્દ્રવદન મહેતાએ માર્ગ કાઢ્યો અને પટાવાળા પાસે એક કોરો ફૂલસ્કેપનો કાગળ મંગાવ્યો. એમણે કહ્યું, 'જુઓ, કોઈ આપણને જોવાનું તો છે નહીં, આ કાગળ આપણે આપણી પાસે રાખવાનો ને એમાં જોઈને વારાફરતી બોલવાનું.'

જ્યોતીન્દ્ર દવેએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, 'પણ શું બોલવાનું? આપણે  કંઈ  મોઢે કર્યું નથી.'

આ સાંભળી જરાક માથું ખંજવાળી ચન્દ્રવદનભાઈ બોલ્યા, 'એક કામ કરીએ. ભાનુભાઈ બને છગનલાલ. જ્યોતીન્દ્ર થાય ભગવાનદાસ ને હું બનું મંગળદાસ. છગનલાલે શેરબજારમાં ઝુકાવ્યું છે ને ખુવાર થઈ ગયા છે. જ્યોતીન્દ્રે સારી કમાણી કરી લીધી છે. હું તમારા બંનેની દલાલી કરું છું, ને સાથે સાથે વેપલો પણ ખેડું છું. બસ, એ પરથી વાર્તાલાપ ચલાવીશું. '

સમય થઈ ગયો. સ્ટુડિયોમાં લાલ લાઈટ થઈ અને વાર્તાલાપ શરૂ કર્યો. બન્યું એવું કે ત્રણેય મિત્રો એમનાં નવાં નામ ભૂલી ગયાં ને પરસ્પરનાં સંબોધનમાં નામનો ગોટાળો થવા લાગ્યો, પરંતુ આ કપરે સમયે ચન્દ્રવદનભાઈએ બાજી સંભાળી લીધી. જ્યોતીન્દ્ર દવે નામ બોલવામાં ભૂલ કરતાં તો ચંદ્રવદન કહે, 'બહુ કમાયા એટલે દોસ્તના નામમાં પણ ગોટાળા કરવા લાગ્યા! કમાણીનો કેફ ચડયો લાગે છે.'

ભાનુશંકરભાઈ ભૂલ કરતા, તો ચંદ્રવદનભાઈ કહેતા, 'અરે ! પૈસા ગયા તેમાં ભાન પણ ગુમાવવાનું ? રોજ સાથે ફરનારા મિત્રનું નામ પણ ભૂલી જવાનું?'

આમ છતાં આ મુશ્કેલીઓના નિવારણ અર્થે ચંદ્રવદનભાઈએ એક કાગળની ચબરખી પર લખીને વંચાવ્યું, 'હવે કોઈએ કોઈને નામ દઈને બોલાવવા નહીં' આ રીતે કોઈપણ સ્ક્રીપ્ટ વિના ચાળીસ મિનિટનો કાર્યક્રમ ત્રણેય મિત્રોએ સાંગોપાંગ પાર ઉતાર્યો.

એમના ચહેરા પર થોડી શાંતિ થઈ અને ખંડની બહાર આવ્યા, ત્યાં તો રેડિયો સ્ટેશનના નિયામક બુખારી સાહેબ ઊભા હતા. એમણે નજીક આવીને કહ્યું,  'Hand over your script'  (તમારું લખાણ આપી દો) ત્રણેય એકબીજા સામે જોતા રહ્યાં. કરવું શું ? સ્ક્રીપ્ટ તો હતી નહીં માત્ર એક કાગળ હતો. ભાનુશંકર વ્યાસના હાથમાં એક જ ફુલસ્કેપનો એકમાત્ર કોરો કાગળ હતો. તે આપી દે તો ભાંડો ફૂટી જાય. આથી ત્રણે મિત્રો વિમાસણમાં હતા. 

પરંતુ બુખારીસાહેબે ઝપટ મારીને ભાનુશંકરભાઈના હાથમાંથી કાગળ ઝૂંટવી લીધો. હાથમાં લઈને ઉપર, નીચે, ચારે બાજુ નજર ફેરવી. એ પછી ફૂલસ્કેપ કાગળને ઉલટાવી બીજી બાજુ નજર કરી. ફરી ઉલટાવી ફરી નજર કરી. આંખો પહોળી કરી, ભવાં સંકોચ્યાં ને પછી ચન્દ્રવદનભાઈને કાગળ પાછો સોંપીને એમને ભેટી પડયા.

I love you, my boys !  (મને તમારા પર હેત ઊભરાઈ આવે છે) એમ કહીને બુખારીસાહેબ પોતાના ખંડમાં ત્રણેય વક્તાઓને ચાપાણી માટે લઈ ગયા. બધા ત્યાં બેઠા, નિરાંતે ચાપાણી થયા. એ પછી બુખારીસાહેબ બોલ્યા, 'તમે આટલી બધી હોશિયારી કરી, જાણે કાગળમાંથી જ વાંચતા હો એવો દેખાવ કર્યો, તે બધું હું કાચની બારીમાંથી જોતો હતો. તમારી ચાલાકીથી હું મુગ્ધ થઈ ગયો, પણ તમારી મુર્ખાઈ -'

'મૂર્ખાઈ ? શી મૂર્ખાઈ કરી અમે?' ચન્દ્રવદનભાઈએ પૂછી નાખ્યું.

'તમે એટલો પણ વિચાર ન કર્યો કે એક જ ફૂલસ્કેપના કાગળમાં ચાળીસ મિનિટ ચાલે એટલું લખાણ શી રીતે સમાવી શકાય ?'

ત્રણેય મિત્રો હસતા હસતા વિદાય થયા. વિચારવા લાગ્યા કે આ ઘટનાને કામયાબી કહેવાય કે મૂર્ખાઈ ?

ક્ષણનો સાક્ષાત્કાર

આજે રામનવમીના ઉમંગભર્યા દિવસે રામના જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ, ત્યારે ખરેખર તો આપણા વર્તમાન જીવનમાં કેટલી રામદ્રષ્ટિ જોવા મળે છે, તેની આત્મપરીક્ષા કરવી જોઈએ. રામના જીવનની મધુર કથાની સાથોસાથ આપણા વાસ્તવજીવનમાં એની કરણી આવી છે ખરી ? માત્ર ઘટનાઓનું રસપાન કર્યું કે પછી વાસ્તવજીવનમાં એનું આચરણ કર્યું છે ખરું ?

રામાયણમાં વિશ્વાસ અને ત્યાગની ભાવનાથી રચાયેલાં કુટુંબપ્રેમની કથા છે. રામને લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત એમ ત્રણ ભાઈઓ હતા, તેમ છતાં તેમની વચ્ચે કોઈ વિખવાદ નહોતો. સત્તાને બદલે સ્નેહનો મહિમા હતો. ભરતને અયોધ્યાની રાજગાદી સોંપીને રામ ચાલી નીકળ્યા તો વળી ભરત પણ કર્તવ્યરૂપે સિંહાસન પર રામની પાદુકા મૂકીને ચૌદ વર્ષ સુધી રાજ્યધૂરાનું વહન કરે છે. પોતાના હક્કની હોળી કરીને સ્નેહનાં કોડિયાથી કર્તવ્યની જ્યોત જલતી રાખે છે અને જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં વિખવાદ અને વૈમનસ્ય ક્યાંથી પ્રવેશી શકે ?

રામાયણની આ કુટુંબકથાએ આપણા દેશના આજના કુટુંબોમાંથી વિદાય લીધી છે. આજે સંયુક્ત કુટુંબ વિખરાવવા લાગ્યા છે. વડીલો પ્રત્યેનાં આદર-સન્માનની ભાવના ઓગળી રહી છે અને કેટલાય ગૃહસ્થાનશ્રમ કલહ અને કંકાસથી ધુ્રજી રહ્યા છે. ચોપાસ ધનસંપત્તિ અને ભોગ-વિલાસનું આકર્ષણ જોવા મળે છે, ત્યારે યાદ કરવું જોઈએ કે સોનાની લંકા જોઈને પણ રામનું મન મોહિત થતું નથી. એમને તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી ય મહાન લાગે છે. આનું કારણ એ કે વસુંધરાનો વૈભવ પોતાનાં ચરણોમાં આવી પડવાની આશા કે વનવાસમાં જવાની પિતાની આજ્ઞા બંને બાબતનું મૂલ્ય રામની દ્રષ્ટિએ સમાન છે. બે પરસ્પર વિરોધી પરિસ્થિતિ વચ્ચે રામનાં ચહેરાની એક રેખા પણ બદલાતી નથી. વિપરીત પરિસ્થિતિ વચ્ચે પ્રસન્નતા જાળવવાની ક્ષમતા હોય તો જ પરિવારનો પ્રેમ ટકે. આજે ભારતીય સંસ્કૃતિની ગૌરવભરી કુટુંબભાવના રોજેરોજ ક્ષીણ થતી રહી છે, ત્યારે રામનવમીએ પ્રત્યેક ઉપાસક એ કુટુંબસ્નેહને માટે અંગત સમર્પણ આપવા તૈયાર થશે ખરો ? તો જ સાચી ઉજવણી કહેવાય.

Tags :