Get The App

જિબલીનો જાદૂ, ગીબલીનું ગાંડપણ, ઘીબલીનું ઘેલું : જાપાની એનિમેશનની બની દુનિયા દીવાની!

Updated: Apr 6th, 2025


Google News
Google News
જિબલીનો જાદૂ, ગીબલીનું ગાંડપણ, ઘીબલીનું ઘેલું : જાપાની એનિમેશનની બની દુનિયા દીવાની! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- શા માટે મિયાઝાકીની ઓળખવાળી જિબલીસ્ટુડિયો આર્ટ આટલી ગમતીલી છે? એ.આઈ.ના આ વિશ્વવંટોળ બનેલા ક્રેઝના ગતકડાંનું સ્વાગત થવું જોઈએ કે વિરોધ? એ આર્ટ માટે અવરોધ છે કે અવસર? 

૧૯ ૯૭ની સાલ. હજુ હમણાં સુધી હોલીવુડની બહુ મોટી તોપ ગણાતો ટોપ પ્રોડયુસર ડિસ્ટ્રીબ્યુટર હાર્વી વેઇનસ્ટેઈન એની ઓફિસમાં બેઠેલો. થોડા સમય પહેલા જ એ પડછંદ કાયાની સેલિબ્રિટીને સેંકડો હીરોઈનો કે એ બનવા માંગતી યુવતીઓના સેક્સ્યુઅલ એસોલ્ટ માટે તગડી જેલ થઇ. પણ ત્યારે તો એનો દબદબો હતો. પણ એ ખીજમાં હાથ મસળતો ફૂંગરાઈને બેઠો હતો. કારણ કે એને એક મેસેજ મળ્યો હતો. 

વાત જાણે એમ હતી કે જાપાનીઝ એનિમેશન ફિલ્મોના માંધાતા હયાઓ મિયાઝાકીના સ્ટુડિયો જિબલિની ફિલ્મ 'પ્રિન્સેસ મોનોનોકે' એણે મિરામેક્સ ફિલ્મની માલિકી મેળવી હોઈને વિતરણ કરવાની હતી. એ ફિલ્મ ૧૩૫ મિનીટની હતી ને હાર્વીને હતું કે એને કાપીને ૯૦ મિનીટની અમેરિકન ઓડિયન્સ માટે કરવામાં આવે. પોતાની આર્ટ બાબતે એકદમ ચોકસાઈભર્યો અભિગમ રાખતા એનિમેટર ફિલ્મમેકર મિયાઝાકીની એમની ફિલ્મ સાથે પૈસા કમાવા થતી આવી છેડછાડ લગીરે પસંદ નહોતી. અમેરિકા જાપાન વચ્ચે જાણે આ સર્જકતાનું યુદ્ધ છેડાયેલું હતું ને બેઉમાંથી એકે પક્ષ મચક આપવા તૈયાર નહોતો. ફોન કોલની રકઝક બાદ હાર્વીને મિયાઝાકીએ એક પાર્સલ જાપાનથી મોકલ્યું. એમાં એક સમુરાઈ સ્વોર્ડ યાને જાપાની યોધ્ધાઓની ફિલ્મોમાં દેખાડે એવી તલવાર હતી અને જોડે એટલું જ લખેલું હતું : નો કટસ ! 

આખરી વિજય મિયાઝાકીનો હતો  કારણ કે સમાધાનમાં એણે ફિલ્મને ટૂંકી કરાવનું સ્વીકાર્યું અને ૧૩૫ મિનિટમાંથી માત્ર એક મિનીટ ઓછી કરીને રિલીઝ માટે આપી ! જાપાનીઝ પ્રજામાં ગૌરવ કે અસ્મિતાનું અદકેરું મૂલ્ય છે ને પ્રાણ જાયે પર શાન ના જાયે કહીને પોતાની સંસ્કૃતિ સાથે આધુનિકતાની ચરમસીમા અપનાવીને પણ જોડાયેલા રહેવાની અજીબ તાકાત છે. એટલે વિનયની સાથે ચોક્સાઈમાં પણ એમનો જોટો ના જડે. નેચરલી, હવે ૮૪ વર્ષના થયેલા અને ૨૦૦૧ની એમની અદ્ભુત ફિલ્મ 'સ્પિરિટેડ અવે' માટે ૨૦૦૩માં મેળવ્યા પછી અત્યારે એમની છેલ્લી ગણાતી 'ધ બોય એન્ડ ધ હેરોન' માટે વધુ એક વખત બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો ઓસ્કાર ગયા વર્ષે ફરી જીતી ગયેલા મિયાઝાકીના વકીલોએ ઓપનએઆઈ પ્લેટફોર્મના ચેટજીપીટીને નોટિસ ફટકારી દીધી છે. ફ્રીમાં રેન્ડમ કોઈ પણ ફોટાને ચંદ સેકન્ડોમાં જીબલિ આર્ટસ્ટાઈલમાં ફેરવી દેતા કમાન્ડને ડેવલપ કરીને ચેટજીપીટીએ એના લોન્ચ વખતે સપાટો બોલાવેલો એમ લાખો નવા યુઝર માત્ર ૫ દિવસમાં મેળવી લીધા ને એના સર્વર હાંફી ગયા એવો તડાકો લોકોએ બોલાવ્યો ! ઈલોન મસ્કના ગ્રોકે પણ એ પ્રોમ્પ્ટ શરુ કર્યું. ચીનના ડીપસીકને સિક કરી નાખ્યું ફરીથી અમેરિકન આર્ટીફિશ્યલ ઇન્ટલીજ્ન્સે! 

બધાએ ભલે સ્ટુડિયો જિબલિની ફિલ્મો નહિ જોઈ હોય, પણ એ ખાસ્સી પોપ્યુલર તો છે જ. ટોકિયોની મુલાકાત વખતે સાકુરા યાને ચેરી બ્લોસમની ટુરિસ્ટ સિઝનમાં એના મ્યુઝિયમ કમ થીમ પાર્કની ટિકિટ નહોતી મળતી બે મહિના સુધી બુકિંગ ફૂલ હતું. જે ખુદ એનિમેશનમાં ધુરંધર છે એવા ડિઝની સ્ટુડિયો હવે તો ગ્લોબલ રાઈટ્સ લઇ લે છે જિબલિની ફિલ્મોના ! નેટફલિકસ પણ ચિક્કાર પૈસા ચૂકવી એને હિન્દી સહિત ડબ કરીને રાખે છે. જાપાનમાં એના મર્ચન્ડાઈઝ યાને સત્તાવાર રમકડાં, ટીશર્ટસ, કપ, બેગ વગેરેનો કરોડોનો કારોબાર છે. હા એક ઝાટકે જે રીતે આમજનતા સુધી આ ઘેલછા છવાઈ ગઈ એટલી હદે કોઈ ફિલ્મનો ક્રેઝ ના થઇ શકે.

આ શરુ થયું અમેરિકાના આઈટી ટાઉન ગણાતા સોહામણા સીએટલમાં રહેતા ગ્રાંટ સ્લેટને પોતાની પત્ની અને પાળેલા કૂતરા સાથેની જિબલિ ઈમેજ આવી એઆઈ જનરેટેડ ઈમેજ એક્સ યાને ટિવીટર પર શેર કરી જેને ૫ કરોડ વ્યુ મળ્યા ને પછી તો કોઈ પેન્ડેમિક વાઈરસ કરતા વધુ ઝડપે ક્રેઝ ફેલાયો. ભારતમાં વિવેક ચૌધરી નામના ડીજીટલ ક્રિએટરે જાણીતી હિન્દી ફિલ્મોની ઈમેજીઝ કન્વર્ટ કરી ટ્રેન્ડ બનાવ્યો. બરસી નામના પ્રોફાઈલે આઇકોનિક ફોટોઝ જેમકે પેલા તુર્કીના શૂટર કે ગર્લફ્રેન્ડ સાથે જતો હોવા છતાં પાછું ફરીને સુંદર યુવતી સામે જોતો પુરુષ વગેરે બનાવી ને દાવાનળ એવો ફાટી નીકળ્યો કે આવા કોઈ ટ્રેન્ડમાં કાયમ આગળ હોય એવા સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવી ઈમેજીઝ સરકારે શેર કરી ! કરણ જોહરથી વિદ્યા બાલન બધા એવા જોડાઈ ગયા કે રહી ગયાની ભાવનાથી આવું કશું વાપરતા ના હોય એ બીજા પાસે વિનંતી કરી આ મંગાવવા લાગ્યા ! 

આ નવું નથી. આવા હવાના ઝોંકા આવતા હોય છે કાયમ. ભૂલી ગયા ગંગનમ સ્ટાઇલ ? પોકેમોન ? કોલાવરી ડી? ભૂલી જ ગયા ને ! એમ આ રમકડું પણ બે ઘડીની નિર્દોષ મસ્તી પછી ભૂલાઈ જશે. આ કોઈ સિરિયસ સાઈબર ક્રાઈમ નથી. એમાં ના વાંધો પડે ને આમાં કટકટ કરી કકળાટ કરે એમને જીંદગીમાં મસ્તી ઓછી થઇ ને બુઢાપો આવી ગયો હોય એવું સમજવું. ઇટ્સ ઇનોસન્ટ ફન. કોઈને નુકસાન કર્યા વિના લોકો પરિવાર સાથે મજા લે એવું. રાજકારણ ને ધર્મની માથાકૂટ અને જીવનના બીજા પ્રોબ્લેમ્સ કે સ્ટ્રેસ ભૂલાવી દે તેવું. ભલે આવી લહેરખી આવે. સ્વાગત છે.

બાય ધ વે, મૂળ શબ્દ ઘી પીતા બાહુબલિ જેવો 'ઘીબલી' નથી. Ghibli શબ્દ લીબિયાના રણમાંથી જન્મેલો અરેબિક શબ્દ ઇટાલિયન ધરા પર પહોંચ્યો એમાંથી આવ્યો છે. અર્થ થાય 'રણનો ગરમ પવન'. અંગ્રેજીમાં 'ધ' કે 'ણ' કે 'ખ' કે 'ળ' જેવા ધ્વનિ કે અક્ષર નથી. ઇટાલીમાં એને 'ગિબલી' કહેવાય છે. પણ મૂળ જાપાનીઝમાં સાચો ઉચ્ચાર છે 'જિબલિ' કે 'જીબલી'. ઈટાલીનું એક વિમાન આ નામે બીજા વિશ્વયુદ્ધમાં પ્રસિદ્ધ થયેલું. જેમ આ મૂળ શબ્દ કલ્ચરની સરહદો ફરતો ફરતો આવ્યો, એવું જ આ સ્ટાઇલની આર્ટનું છે. ભલે એને ડેવલપ જિબલિ સ્ટુડિયોના પ્રણેતા હાયાઓ મિયાઝાકી, એના ભાગીદાર ને એની જોડે જ ફિલ્મો બનાવતા ઇસાઓ તાકાહાતાએ કરી, જેમાં ધંધો બારીકીથી જોતા તોશિયો સુઝુકી જોડાયા. પણ કરોડો માણસોએ જે ઈમેજ શેર કરી એમાં કોઈ ધંધો તોડી કમાઈ લેવાની ભાવના નથી. એટલે ઓપન એઆઇ સાથે ભલે જાપાનીઝ વકીલો લમણા લે. આવી ઈમેજ શેર કરવી એ કોઈ પાપ નથી.

એમ તો ગયા વર્ષે જ બેંગ્લોરમાં બેન્ટો બેન્ટો નામથી રેસ્ટોરાં ચાલવતા શેફ અનુમિત્રા ઘોષ દસ્તીદારે ઓગસ્ટમાં બે દિવસ જિબલિ ફૂડ ફેસ્ટીવલ ચલાવેલો. જેમણે જિબલિ ફિલ્મ્સ જોઈ હોય એમને ખબર હશે કે એમાં જાપાનની ટ્રેડીશનલ વાનગીઓ પણ સજાવીને વાર્તા સાથે પરોવી દેવાય છે. તો એના ચિત્રો સાથે એ જ રીતે તૈયાર કરેલી વાનગીઓનો ફેસ્ટીવલ ઉજવાયો હતો. આવું તો થાય જ ને. આપણને ગમતા ગીત આપણે બાથરૂમમાં ગણગણીએ છીએ ને કોપીરાઈટેડ હોવા છતાં ! ડિઝની કેરેક્ટર્સની રંગોળી નથી કરતા દિવાળી ઉપર ? નોટબુક પર કોમિક્સ કે ફિલ્મોની ઈમેજ નથી છપાતી ?

મોટા પાયે કન્ટેન્ટની નકલ એ જરૂર ગુનો છે. આર્ટીસ્ટનું ઇન્સલ્ટ છે. પણ ફોર્મ કે સ્ટાઈલની નકલ તો લોકપ્રિયતાનું બેરોમીટર છે. આમ જ ચિત્રોમાં ચોક્કસ શૈલી મુઘલ કે પિછવાઈ કે રાજસ્થાની આવ્યા. આમ જ પટોળા કે બનારસી સાડીઓ વિખ્યાત થઇ. આમ જ બચ્ચન જેવા ગોગલ્સ, શાહરૂખ જેવું જેકેટ, રાજ કપૂર જેવી મૂછો, શ્રીદેવી જેવી સિફોન સાડી, ભાગ્યશ્રી જેવો ડ્રેસ, માધુરી જેવી ચોલી, સંજય દત્ત જેવા વાળ ટ્રેન્ડમાં આવ્યા. હમણાં અભિષેક શર્માએ ધોની જેવો હેલિકોપ્ટર શોટ નેટમાં માર્યો તો શું એના પર કેસ કરી નાખવાનો ? સંગીતમાં તો શબ્દ જ છે ઘરાના. 

બરાબર સમજજો. અર્થ એવો નથી કે કોઈની કૃતિ પોતાના નામે ચડાવી દેવાની. બોલીવુડની ધૂનો ઉઠાવી એમાં ભજન સેટ કરી પછી ધર્મગુરુઓ સિનેમાને ગાળો દે એ દંભના પોટલા છે. કોઈનો લેખ કે કવિતા પોતાના નામે ચડાવી દેવા એ અપરાધ છે. મોરલી એન્ડ લીગલી. પણ કોઈનો સંદર્ભ ટાંકી ક્વોટ કે કવિતા રજુ કરો એ અંજલિ છે. એમાં સર્જકને નુકસાન પહોચાડવાનો ઈરાદો નથી. કાયદામાં એને માટે આખો શબ્દ છે 'ફેર યુઝ' ફિલ્મ જોવા જાવને એક ફોટો પાડીને મુકો એ તો મફતમાં થતું પ્રમોશન કહેવાય, પાઈરસી નહિ ! એમાં તો મૂળ કૃતિને ફાયદો છે, એની ચર્ચા વધે. સલીમ ખાને વર્ષો પહેલા કહેલું કે 'સ્ટાર કોને કહેવાય ? જેની હેરસ્ટાઈલ કરવાનું હજામતની દુકાનોમાં પુછવા લાગે એને !' યસ. મિમિક્રી થાય તો એની જ થાય કે જે લોકપ્રિય હોય. અને એ થાય એ જ પુરાવો છે પબ્લિકની ચાહતનો. અત્યારે જિબલિને ધૂમ ગ્લોબલ પબ્લિસિટી ચેટજીપીટી થકી મળી છે, એક પણ પૈસો ખર્ચ્યા વિના !

ઘણા કહે છે કે કેટલી મહેનત કરી હોય આ શૈલી વિકસાવવામાં કલાકારે ને સીધું એઆઈ એની નકલ કરે એ ખોટું ના કહેવાય ? એમ તો જિબલિએ પણ સેંકડો એનીમેટરને નીકરીએ રાખી એમની પાસે ક્રિએશન કરાવ્યું હોય. અને એઆઈ પણ કોઈ જાદૂ નથી. કેટલાય દિવસો ને કેટલાય ટેકનોક્રેટસની જહેમત પછી આવો એક કમાન્ડ ડેવલપ થાય. હા, જાણીતી બાબતોને એમાં મુકો ત્યારે અગાઉથી એના મૂળ સર્જકને વિશ્વાસમાં લો એ જરૂરી છે. પણ એ તો જાણી જોઇને ના કરાયું હોય કે પાછળથી સેટલ કરશું રકમ તેલ ને તેલની ધાર જોઇને. કે આવું પાગલપન છવાઈ જશે એનો અંદાજ પણ ના હોય. અગાઉ ફૂટપાથ પર બેસેલા પણ આવા કાર્ટૂન બનાવી દેતા જ ને છૂટક !  

માન્યું કે આર્ટિસ્ટે તો ફિલ્મો બનાવવા વર્ષો મહેનત કરી છે. એ કોઈ લઈ ગયું નથી. એની સ્ટાઇલ મુજબ ચિત્રો બને એ એની મહેનતની અમરત્વ આપતી કદર થઈ. મિકી ડોનાલ્ડના સ્ટીકરથી શું ડિઝનીની ફિલ્મો પર બુલડોઝર ફરી ગયું ? ડિઝની ગુજરી ગયા પછી ઓટીટી આવ્યા તો ત્યાં એની ફિલ્મો નથી ? ડાલી કે હુસેનની સ્ટાઇલમાં ચિત્રો નથી બનતા ? પેઈન્ટર પોસ્ટર જેવા ચિત્રો નથી બનાવતા? માઇકલ જેક્સન ના મૂનવોકના સ્ટેપ ઝૂંપડામાં લોકો નથી કરતા ? વિડિયો જોઈને કોઈના ઘડેલા યોગાસનના પોઝ નથી કરતા ? બાકી સફળ હો તો વહેલી મોડી શૈલીની નકલ થાય જ. કોઈ રોકી ન શકે ને એ ચોરી કે પાપ નથી. 

આ માટે દુખી થવું  ઘેલી સેન્ટિમેન્ટલ ચાંપલાઇ છે. કોઈ પણ ટેક્નોલોજિકલ ચેન્જ આવી કાગારોળ લઈ આવે. ગાડાવાળા બસ કે રીક્ષા સામે આમ પાપ ગણીને પોચકા મૂકતા હતા. એમાં નયા દૌર ફિલ્મ બની. ગિરનાર રોપવે ડોલીવાળાને પાપ લાગતો હતો. મોબાઈલ વખતે એસટીડીવાળા રાડો પાડતા હતા. હાથે લખવાવાળાને પ્રિન્ટિંગ પ્રેસનું આગમન નહોતું ગમ્યું ને ટપાલવાળાને ઈમેઈલ સામે હજુ વાંધો છે. બોગસ વિચારધારા છે આ. કલાકારને ક્રેડિટ મળવી જોઈએ, જે મળે છે. બાકી નું કોઈએ ચોરી નથી લીધું. એમની ફિલ્મો થોડી મફત આપી દીધી છે ? માત્ર એની શૈલી ઉપરથી એનિમેશન ક્રિએટ થાય છે. એવું તો સંગીતમાં, ચિત્રમાં, ડાન્સમાં, ફેશનમાં વર્ષોથી થાય છે. કન્ટેન્ટ ઉઠાવવો ગુનો છે. પણ ટ્રિબ્યુટ તરીકે નામ આપી શૈલી અપનાવવી એમાં અનૈતિક પણ કશું નથી. જિબલિનો તો બેડો પર થઇ ગયો. 

લખી રાખજો, એની ફિલ્મો વધુ જોવાશે. જે જોવાવી જ જોઈએ !

આ ટ્રેન્ડ તો હમણાં હસન જહાંગીરના હવા હવાની માફક હવા થઈને ભૂલાઈ જશે. પણ યાદગાર જ નહીં, અમર તો છે મિયાઝાકીના સ્ટુડિયો જીબલીની ટોપ ક્લાસ જાપાનીઝ એનિમેશન ફિલ્મો. લાજવાબ હોય છે એનો અનુભવ. મિયાઝાકી કહે છે એમ એ અલગ અનોખું વિશ્વ સર્જે છે. આપની આસપાસની પ્રકૃતિ સાથે આપણને જોડે છે. એક્ટર નિકોલસ કે જે હમણાં કહેલું કે મારે એવી દુનિયામાં નથી જીવવું જ્યાં રોબોટ મારી માટે સપના જોતા હોય ! આ ઈમેજીનેશન હજુ એઆઈ એક બાળકની આંખ જેટલું પણ કરી શકે એમ નથી ! એમાં એ બચ્ચું પણ નથી ! 

સ્ટુડિયો જિબલિની ફિલ્મો જોવાની ભલામણ અગાઉ પણ વેકેશન આર્ટીકલમાં કરેલી છે. એ ફિલ્મો કોઈ સાધના શિબિરના આધ્યાત્મિક અનુભવથી કમ નથી. પ્રકૃતિના તત્વો સાથે આપણને જોડી દે છે. અંદરના મેલની સફાઈ કરીને દિલ સ્વચ્છ બનાવે છે. એના પાત્રો માણસ જેવા છે. પરફેક્ટ નથી. અધૂરા એટલે મધુરા છે. એનો મૂળ સંદેશ જ છે કે જગત જીવવા જેવું કેમ બનાવવું. પણ એમાં ક્લાસરૂમ જેવો ઉપદેશ નથી. એના એનિમેશન આટલા વહાલા એટલે લાગે છે કે એ અતિશય રૂડાં નથી. એકદમ સ્લિક નથી. રિયલ છે, હ્યુમન છે. એની પાછળ જાપાનની આખી શિન્તો વિચારધારા છે. જેમાં જીવ પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ છે. જેમાં સાહસ, પ્રેમ અને ઉલ્લાસનો સંગમ છે. જેમાં લાંબુ જીવવાની ઇકેગાઈ છે. સતત મથતા રહેવાનું કૈઝન છે. આપની આસપાસના જગતને અને આપણી ભીતરના વિશ્વને સતત બેહતર બનાવવાનો સાત્વિક સંઘર્ષ છે. અને ખુલ્લા મનની બાળસુલભ મસ્તી છે. જિબલિની ફિલ્મો જ મેન્ટલ વેકેશન છે ! એ શીખવાડે છે કે સુંદરતા જેમ કુદરતમાં છે, એમ માણસના મનમાં પણ છે. એની કદર થવી જોઈએ. 

થોડું આ બાબતે અનાવૃત કરીશું આવતા બુધવારે !

ફાસ્ટ ફોરવર્ડ 

'આશા શું છે ? હજુ જગત જીવવા જેવું લાગે તે. તમામ તકલીફોમાં કશુંક સરસ, બ્યુટીફૂલ હોય એને પકડી રાખવું તે. આપણને અગત્યના લાગે એવા ગમતા લોકો સાથે મળીને કામ કરવું ને સદાય સંઘર્ષ કરવો એ બાબત જ આશાને ટકાવી રાખે છે. કદાચ આને જ જીવન કહેવાય !' (હયાઓ મિયાઝાકી )

Tags :