XXL થી L: સ્થૂળને સ્લિમ કરતી જાદુઈ જડીબુટ્ટી આખરે જડી?
- એકનજરઆતરફ -હર્ષલપુષ્કર્ણા
- સ્થૂળથી સ્લિમ સુધીની સફર લાંબી, કઠિન, કષ્ટદાયક અને કંટાળાજનક છે. આ તમામનો (સાથે ચરબીનો) છેદ કાપી દેતી ઓઝેમ્પિક જેવી દવાઓ વજન ઉતારવાનો શોર્ટ-કટ શી રીતે છે?
- ઓઝેમ્પિક જેવી એકાદ ચમત્કારિક દવા મળી જાય અને ખોરાકમાં સંયમ તથા વ્યાયામમાં શિસ્ત રાખ્યા વિના શરીરમાંથી ચરબીનો ફટાફટ વ્યય થતો હોય તો બીજું શું જોઈએ? જવાબ બે શબ્દોનો જ છેઃ પૂરતી જાણકારી!
ઓઝેમ્પિક! નામ જરા પરિચિત લાગ્યું? સંભવ છે. કારણ કે, આજકાલ ભારતમાં એ દવાનો વપરાશ બહુ ઝડપથી વધી રહ્યો છે અને સોશ્યલ મીડિયામાં તેની ચમત્કારિક અસરોનાં ગુણગાન ગવાઈ રહ્યાં છે. સ્થૂળ શરીરમાં જમા થયેલી ચરબીનો ઉપવાસ યા વ્યાયામ વડે છુટકારો પામવાનો લાંબો અને ધીરજભર્યો માર્ગ ન લેવા માગતા લોકો ઓઝેમ્પિકનો ટૂંકો ને ત્વરિત પરિણામવાળો રસ્તો અપનાવી રહ્યા છે. આધુનિક તબીબી વિજ્ઞાન વડે બનેલી ઓઝેમ્પિક નામની તલવારથી શારીરિક ચરબીના ચક્કેચક્કા ‘ખરી પડતા’ જોઈ ઘણા લોકો એટલા મુગ્ધ બની જાય છે કે તલવારની બીજી ધાર તરફ તેમનું ધ્યાન જતું જ નથી. પ્રસ્તુત ચર્ચામાં ઓઝેમ્પિક જેવી દવાઓના જમા-ઉધાર પાસાં વિજ્ઞાનના ત્રાજવે મૂલવી બતાવ્યાં છે. ચર્ચામાં ફરી ફરીને વાત ચરબીની આવે છે, એટલે પહેલાં તેના અંગે થોડીક પ્રાથમિક જાણકારી મેળવી લેવી જરૂરી છે.
■■■
ચરબી વિશે અંગ્રેજીમાં એક સરસ મજાનું વાક્ય છેઃ I wish everything was as easy as getting fat!
ભાવાર્થઃ જીવનમાં બધું જ ચરબીની જેમ સાવ સહેલાઈથી મળી જતું હોત તો કેટલું સારું!
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः એ સંસ્કૃત ઉક્તિ મુજબ જીવનમાં સખત ઉદ્યમ વિના કશું સિદ્ધ થતું નથી, પણ ચરબી તો વગર ઉદ્યમે સહજતાથી મળે એ કેવી કોન્ટ્રાસ્ટની વાત છે. આ પાછી એવી જક્કી ને ચિપકુ જણસ છે, જે શરીરમાં ધામા નાખ્યા બાદ બહાર જવાનું નામ ન લે.
એવું નથી કે fat/ ચરબી શરીર માટે સાવ બિનજરૂરી બોજો છે. ખરું પૂછો તો ચરબી વિના શરીરની બાયોલોજિકલ ક્રિયાઓ ચાલી જ શકે નહિ. જેમ કે, A, D, E, અને K જેવાં વિટામિન્સ ચરબીમાં ભળે ત્યાર પછી જ શરીરમાં ગ્રહણ થઈ શકે છે. ત્વચાને ‘ઇસ્ત્રીટાઇટ’ રાખવા માટે ચરબી અત્યંત અનિવાર્ય છે. એસ્ટ્રોજેન, ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટિસોલ જેવાં હોર્મોન્સના ઉત્પાદનમાં ચરબીની ભૂમિકા ચાવીરૂપ છે. સાંધાઓને સ્નિગ્ધ રાખવામાં ચરબી વળી લુબ્રિકેટિંગ ઓઇલ તરીકે કામ આપે છે. માનવ શરીરને જો જૈવિક યંત્રની ઉપમા આપો, તો ચરબી તે મશીનને કાર્યરત રાખવા માટેનું બળતણ છે. એક ગ્રામ ચરબીમાંથી શરીરને ૯ કિલોકેલરી જેટલી ઊર્જા મળી રહે છે. ચરબીના આવા તો બીજા ઘણા સકારાત્મક ઉપયોગો છે—અને છતાં ચરબીને હંમેશાં નકારાત્મક નજરે જોવામાં આવે છે, કેમ કે શરીરને સ્થૂળકાય બનાવવામાં તેનો વિલનપાઠ હોવાનું આપણા મનમાં ઊંડે સુધી ઠસી ગયું છે.
ચાલો, માન્યું કે શરીરમાં ચરબીનો અનાવશ્યક બફર સ્ટોક આપણને XXL વસ્ત્રો ખરીદવા મજબૂર કરે છે. પરંતુ ખરેખર તો obesity/ ઓબિસિટી/ સ્થૂળતા માટે ચરબી કરતાં ક્યાંય વધુ મોટો વિલનપાઠ મુખગુહામાં રહેતી જીભનો છે, જેનાં સ્વાદાંકુરો ગળ્યા, તળેલા, મસાલેદાર તથા પુષ્કળ ચરબીયુક્ત વ્યંજનો પ્રત્યે તીવ્ર ચુંબકીય આકર્ષણ ધરાવે છે. જલેબી, ગુલાબજાંબુ, રબડી, રસગુલ્લા જેવાં મિષ્ઠાન્ન, સમોસા, કચોરી, ભજીયાં-પેટિસ જેવાં તળેલાં ફરસાણ અને પિત્ઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ જેવાં ફાસ્ટફૂડ પદાર્થો ખાતી વખતે જીભનાં સ્વાદાંકુરો આપણા મગજને wow! ની અનોખી ને અલૌકિક લાગણી કરાવે છે. જૈવિક પરિભાષામાં કહો તો મગજમાં ત્યારે ડોપામાઇન નામના રસાયણનો સ્રાવ છૂટે છે, જે આનંદ, સંતોષ, તૃપ્તિના અહેસાસનો કારક છે. આથી જેટલી વાર આવો wow! પ્રેરક આહાર લો એટલી વાર ये दिल मांगे मोर ની લાલચ તીવ્રતાનું એક પગથિયું ઊંચે ચડે છે. ક્રમશઃ તીવ્ર બનતી લાલચને અવનવાં વ્યંજનો આરોગી સંતોષવાને આપણે સગવડિયા શબ્દોમાં જલસો-ટેસડો ભલે કહીએ. પરંતુ શરીર વિજ્ઞાનમાં તેને માટે જુદો શબ્દ છેઃ ઓવર-ઇટિંગ! શરીરને Lથી XXL તરફ લઈ જવામાં એનો જ ખરો વિલનપાઠ છે.
■■■
શરીરતંત્રના તમામ જૈવિક પુરજાના સુખરૂપ સંચાલન માટે પુખ્ત વયની સરેરાશ વ્યક્તિને રોજની ૨,૦૦૦થી ૨,પ૦૦ કેલરીની જરૂર પડે. બે ટંક ભોજનમાંથી એટલો પુરવઠો તો સહેજે મળી રહે છે. આથી પૂરા શિસ્ત સાથે બે ટાઈમ માફકસરની કેલરીવાળું ભોજન લેવામાં આવે, તો શરીરમાં કેલરીની આવક સામે જાવકનો હિસાબ સામસામે ફિટ્ટૂસ થતાં સ્થૂળતાની સમસ્યા ઉદ્ભવે જ નહિ. પરંતુ ઘણાખરા કેસમાં એવું બનતું નથી. સવારે ઊઠો ત્યારથી રાત્રે સૂવા ભેગા થાવ ત્યાં સુધીમાં ભોજન ઉપરાંતની ઘણી બધી એક્સ્ટ્રા આઇટમ્સ પેટના હવનકુંડમાં સ્વાહા થતી રહે છે. આમાં વાંક પેલી જીભનો, જે અવનવા સ્વાદ (તથા અનાવશ્યક શબ્દો) બાબતે લપસવાની બૂરી ફિતરત ધરાવે છે.
શરીરને સંતુલિત ભોજન ઉપરાંત વધારાનો જે કંઈ ખોરાક મળે તે છેવટે એક્સ્ટ્રા ચરબી તરીકે શરીરના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં જમા થાય છે. આ વોલ્ટ એટલે ત્વચા અને સ્નાયુ વચ્ચેનો ગેપ કે જ્યાં ચરબીના કોષો આવેલા છે. નોર્મલ કદ-કાઠી ધરાવતા અને સંતુલિત આહાર લેતા વ્યક્તિના શરીરમાં ચરબીના ૪૦થી ૫૦ અબજ જેટલા સંગ્રાહક કોષો હોય છે. પરંતુ એ વ્યક્તિ ઓવર-ઇટિંગ પર ચડી જાય ત્યારે વધારાના ખોરાક વડે મળતી એક્સ્ટ્રા ચરબી નવા સંગ્રાહક કોષોમાં ફેરવાય છે. આવા કોષોની સંખ્યા ઘણી વાર ૧૦૦ અબજના આંકડે પહોંચે એટલું જ નહિ, વધુ ચરબીને સમાવવા માટે દરેક કોષ તેના મૂળ કદથી ક્યાંય વધારે ફૂલે છે.
અહીંથી ખરી સમસ્યા શરૂ થાય છે. ચરબીનો બફર (અને બમ્પર) સ્ટોક એક વાર શરીરમાં ઘર કરી જાય ત્યાર બાદ તેને તડીપાર કરવો માથાનો એવો દુખાવો બને છે કે જેનો લાંબા વખત સુધી અંત જ આવતો નથી. શરીર એક્સ્ટ્રા ચરબીનું દહન કરી શકે એ માટે કાં તો જીભના સ્વાદાંકુરો પર લગામ નાખી ડાયેટિંગ કરવું પડે અથવા તો જિમ્નેશિયમમાં રોજના બે કલાકનો તીવ્ર વ્યાયામ કરવાનો થાય. દુર્ભાગ્યે બેઉ ઉપાયો પુષ્કળ સમય તેમજ માનસિક કસોટી લેનારાં છે. એકમાં જીભ પર સંયમનો ખપ પડે છે, તો બીજામાં કડક શિસ્તની આવશ્યકતા રહે છે. ઘણા ખરા કેસમાં બે-અઢી મહિના પશ્ચાત્ સંયમ-શિસ્ત દમ તોડી દેતાં સ્થૂળતાની સમસ્યા જૈસે થે રહી જવા પામે છે.
આવા વખતે ઓઝેમ્પિક જેવી એકાદ ચમત્કારિક દવા મળી જાય અને ખોરાકમાં સંયમ તથા વ્યાયામમાં શિસ્ત રાખ્યા વિના શરીરમાંથી ચરબીનો ફટાફટ વ્યય થતો હોય તો બીજું શું જોઈએ? જવાબ બે શબ્દોનો જ છેઃ પૂરતી જાણકારી!
■■■
આજે ભારત સહિત જગતના ઘણા દેશોમાં છૂટથી વેચાતી અને છૂટથી ખવાતી Ozempic/ ઓઝેમ્પિક વાસ્તવમાં દવાનું ફક્ત બ્રાન્ડ-નેમ છે. બાકી ખરો કમાલ તેમાં રહેલા રાસાયણિક ઘટક semaglutide/ સેમાગ્લુટાઇડનો છે. મૂળભૂત રીતે એ ઘટક Type-2 ડાયાબિટીસ (મધુપ્રમેહ) પેશન્ટના શરીરમાં ઇન્સ્યુલિન પેદા કરવા માટેનું છે.
ચરબીની જેમ શર્કરા યાને ગ્લુકોઝ પણ શરીર માટે ઊર્જાનો સ્રોત છે. ગ્લુકોઝ સૌ પ્રથમ લોહીમાં ભળે છે, જ્યાંથી તેને કોષો સુધી પહોંચાડવાનું કામ પેન્ક્રિઆસમાં (સ્વાદુપિંડમાં) પેદા થતા ઇન્સ્યુલિનનું છે. ડાયાબિટીક વ્યક્તિનું પેન્ક્રિઆસ ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી. પરિણામે લોહીનું ગ્લુકોઝ કોષોને ટ્રાન્સફર ન થતાં છેવટે બ્લડ શુગર વધી જાય છે. પેશાબ વાટે ગ્લુકોઝ બહાર નીકળી જાય એવું પણ બને.
ડાયાબિટીસની વ્યાધિ આંખોની ખરાબી, હૃદયરોગ, મૂત્રપિંડનો રોગ, મગજના જ્ઞાનકોષોનો વ્યય, જખમના રુઝાવામાં વિલંબ, અંગ વિચ્છેદન વગેરે જેવી સમસ્યાઓ સર્જી શકે છે. આથી તેમની રોકથામ માટે તબીબી વિજ્ઞાને કેટલીક એવી દવાઓ (જેમ કે, ઓઝેમ્પિક) શોધી છે, જે પેન્ક્રિઆસને ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવા પ્રેરે છે. પ્રેરણા આપતું રાસાયણિક ઘટક સેમાગ્લુટાઇડ વળી લીવરમાં ગ્લુકોઝનું ઉત્પાદન ઘટાડવામાં અને કોષોને ગ્લુકોઝ ગ્રહણ કરવામાં પણ સહાયભૂત બને છે. આમ, ડાયાબિટીસના પેશન્ટ માટે સેમાગ્લુટાઇડ આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
—તો પછી સવાલ એ કે ડાયાબિટીસના પેશન્ટ માટે બનેલી ઓઝેમ્પિક જેવી દવા આખરે જેમને મધુપ્રમેહની તકલીફ નથી એવા સ્થૂળકાય લોકોને ચરબીના થર ઉતારવા માટે શી રીતે કામ લાગે છે? આગામી ફકરામાં આનો જવાબ આવે છે.
■■■
મોઢામાં ખોરાકનો કોળિયો ચાવવાનું શરૂ કરતાં જ મુખગુહામાં રહેલી અનેક લાળગ્રંથિઓ મારફત ઝરતા લાળરસ માંહ્યલા એમાઇલેઝ નામના એન્ઝાઇમ્સ ખોરાકના સ્ટાર્ચને શર્કરામાં ફેરવે છે. લાળ વડે એકરસ અને લીસ્સો થયેલો કોળિયો અન્નનળી વાટે જઠરમાં પહોંચે ત્યારે વિવિધ પ્રકારના રસાયણો તથા હોર્મોન્સ પાચનક્રિયામાં પોતપોતાના કામે લાગી જાય છે. એક મહત્ત્વનું હોર્મોન Glucagon-like peptide-1 (ટૂંકમાં, GLP-1) છે, જેનું એક કાર્ય પેન્ક્રિઆસ પાસે ઇન્સ્યુલિન પેદા કરાવવાનું છે, તો લોહીમાં ગ્લુકોઝની વધુ-ઓછી માત્રા વિશે બીજું મગજને જાણકારી દેવાનું છે. આ જાણકારીના આધારે મગજના હાઇપોથેલામસ વિભાગમાં ફીડિંગ સેન્ટર અને સટાયટિ સેન્ટર અનુક્રમે ભૂખની તથા સંતૃપ્તિની લાગણી જન્માવે છે.
દાખલા તરીકે, GLP-1 હોર્મોન લોહીમાં ગ્લુકોઝની માત્રા સાવ ઘટી ગયાનું સિગ્નલ પાઠવે ત્યારે મગજનું ફીડિંગ સેન્ટર અટેન્શનમાં આવી ભૂખનાં સિગ્નલ વહેતાં કરે છે. આ સિગ્નલ આપણને કશુંક ખાવાની ઇચ્છા જન્માવે છે. આનાથી વિપરિત ઘટના GLP-1 હોર્મોન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયાની માહિતી મોકલે ત્યારે બને છે. મગજના હાઇપોથેલસમાં ત્યારે સટાયિટી (સંતૃપ્તિ) કેંદ્ર સક્રિય બની ભૂખની લાગણી ભાંગી નાખે છે. નતીજા?... ‘બસ, હવે એક કોળિયો પણ નહિ ખવાય!’, ‘પેટ ભરાઈ ગયું.’, ‘ભૂખ જ નથી.’, ‘કશું ખાવાની રુચિ નથી’ વગેરે વગેરે જેવા ઉદ્ગારો!
ઓઝેમ્પિક જેવી દવાઓમાં રહેલું સેમાગ્લુટાઇડ ઘટક કુદરતી GLP-1 હોર્મોનની હૂબહૂ કૃત્રિમ પ્રતિકૃતિ છે. આથી દવા લેનાર નોન-ડાયાબિટીક સ્થૂળકાય વ્યક્તિના પાચનતંત્રમાં ઉદ્ભવતો સેમાગ્લુટાઇડનો સ્રાવ મગજના સટાયિટી સેન્ટરને લાંબો વખત સક્રિય રાખે છે. કલાકોના કલાકો સુધી પેટમાં કશું પધરાવવાની ઇચ્છા જ થતી નથી. આ અનુભૂતિ તેને વધારાના આચરકૂચર ખોરાકથી વિમુખ રાખે છે. એક તરફ ઉપવાસના કલાકો વધે, બીજી બાજુ ભોજનની માત્રામાં સારો એવો ઘટાડો થાય અને ત્રીજી તરફ વળી ગ્રહણ કરેલા ખોરાકનું પાચન સ્લો પડે છે.
આને કારણે બને એવું કે શરીરને દૈનિક કામકાજ માટે આવશ્યક કેલરી કરતાં ઓછી કેલરી મળે છે—અને ત્યારે આપૂર્તિ માટે ચરબીનો પેલો બફર (અને બમ્પર) સ્ટોક કામમાં આવે છે. આર્થિક કટોકટી વખતે આપણે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીએ તેમ શરીરનું ચયાપચય તંત્ર સ્નાયુ અને ત્વચા નીચે જમા થયેલી ચરબીની થાપણ વાપરવાનું શરૂ કરી દે છે. ચરબીની આવક સામે જાવક વધતાં XXLથી L તરફની સફર શરૂ થાય છે.
સફરની રફતાર કેટલી વધુ કે ઓછી તેનો આધાર ઓઝેમ્પિક જેવી દવાના ડોઝ તથા અવધિ ઉપરાંત વ્યક્તિની શારીરિક પ્રકૃતિ પર રહેલો છે. પરંતુ તબીબી પરીક્ષણોમાં દવાના ઉપયોગ કે અતિરેકની કેટલીક આડઅસરો સામે આવી છે તે પણ નોંધવું રહ્યું. ચરબીનું સટાસટ વિચ્છેદન કરતી સેમાગ્લુટાઇડની સામુરાઇ તલવારની એ બીજી ધાર વિશે અંતમાં વાત કરીએ.
ચરબીનો ઝડપભેર નિકાલ થવા લાગે ત્યારે તેની પહેલી અસર ચહેરા પર જોવા મળે છે. ગાલ, હડપચી, તેની નીચે ગરદનનો ભાગ જાણે ‘બેસી’ પડે છે. અગાઉ સતત તંગ રહેતી ત્વચા નીચેથી ચરબીનું ‘કુશનિંગ’ હટી જતાં તે લચી પડે છે. અગાઉ ઇસ્ત્રીટાઇટ દેખાતા ચહેરા પર ઠેકઠેકાણે કરચલીઓ ઊપસી આવે છે. ઉંમર કેટલાંક વર્ષ વધી ગઈ હોય તેવું જણાય છે. ડો. પોલ ફ્રેન્ક નામના ત્વચા વિશેષજ્ઞને એવા બેસી ગયેલા ને બોદા ચહેરા માટે ‘ઓઝેમ્પિક ફેસ’ શબ્દ પ્રયોગ યોજ્યો છે. ચહેરાની માફક હાથ, છાતી, પેટ, થાપાની ત્વચા પર ચરબીનું કુશનિંગ ગયા પછી લચી પડે છે. આના સેંકડો પૈકી એક ઉદાહરણ માટે ગૂગલ પર હોલિવૂડના કલાકાર Scott Disickની તસવીરો જોઈ શકાશે કે જેણે સ્થૂળ શરીરને સ્લિમ બનાવવા સેમાગ્લુટાઇડ દવાનું સેવન કર્યાનું કહેવાય છે.
પેટની ગરબડ, પેન્ક્રિઆસ પર સોજો ચડવો, નિર્જલીકરણને (ડિહાઇડ્રેશનને) લીધે મૂત્રપિંડની સમસ્યા, લોહીમાં ગ્લુકોઝનું નીચું પ્રમાણ (હાઇપોગ્લિસેમિયા) જેવી સાઇડ ઇફેક્ટસ સેમાગ્લુટાઇડ વર્ગની દવાઓ પેદા કરી શકે છે. આમ છતાં એવી દવાઓ મોંઘીદાટ હોવા છતાં વ્યાપક પ્રમાણમાં લેવાઈ રહી છે.
કારણ દેખીતું છે. શરીરમાં જામેલા ચરબીના થરને વગર ડાયેટિંગ તથા વિના વ્યાયામે ખેરવી કાઢવામાં સેમાગ્લુટાઇડની જાદુઈ ઇફેક્ટે સાઇડ ઇફેક્ટસને હાંસિયામાં ધકેલી મૂકી છે. ■