Get The App

રામચરિતમાનસ : શ્રીરામને લોકહૃદયમાં સ્થાપિત કરનારા ગ્રંથનો પ્રાગટય દિવસ

Updated: Apr 6th, 2025


Google News
Google News
રામચરિતમાનસ : શ્રીરામને લોકહૃદયમાં સ્થાપિત કરનારા ગ્રંથનો પ્રાગટય દિવસ 1 - image


- તુલસીદાસજીએ રામનવમીના દિવસે જ રામચરિતમાનસના સર્જનની શરૂઆત કરી હતી

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- શેક્સપિયર નહીં, તુલસીદાસ દુનિયાના સૌથી પોપ્યુલર સર્જક. કોઈ કવિના સર્જનો ૫૦૦-૫૦૦ વર્ષથી ઘરે ઘરે ગવાતા હોય એવું બીજું ઉદાહરણ શોધવું દુર્લભ છે

વિ લિયમ શેક્સપિયર (૧૫૬૪-૧૬૧૬)ના સાહિત્ય માટે એમ કહેવાય છે કે દુનિયાની કોઈ અધિકૃત્ત ભાષા એવી નથી કે જેમાં એમના સર્જનોનો અનુવાદ થયો ન હતો. આખાય વેસ્ટર્ન વર્લ્ડમાં અને પછી દુનિયાભરમાં શેક્સપિયરના સર્જનોનો પ્રભાવ પડયો. તેમના સર્જનોથી અનેક પેઢીઓના સર્જકો પ્રેરિત થયા. અંગ્રેજો પોણી દુનિયા પર રાજ કરતા હતા એટલે તેમની રીત-ભાત, તેમની ભાષા, તેમના સાહિત્યનો જગતભરમાં પ્રભાવ પડયો. દરેક ભાષામાં શેક્સપિયરનું લેખન પહોંચ્યું એના પરિણામે ૧૬મી સદીમાં થયેલા શેક્સપિયર દુનિયાના સૌથી પોપ્યુલર, પ્રભાવશાળી, મહાન સર્જક ગણાયા. અંગ્રેજી ભાષા, નાટય લેખન અને યુરોપના સંદર્ભમાં જોઈએ તો શેક્સપિયર બેશક મહાન સર્જક છે, પરંતુ દુનિયાના સૌથી પોપ્યુલર સર્જકનું ટેગ શેક્સપિયરને ઉતાવળે આપી દેતા પહેલાં... રૂકો ઝરા, સબર કરો!

બરાબર એ જ ગાળામાં ભારતમાં ગોસ્વામી તુલસીદાસજી(૧૫૧૧-૧૬૨૩)એ એક ગ્રંથ રચ્યો - રામચરિતમાનસ. અવધી-હિન્દુસ્તાની ભાષામાં સર્જાયેલો એ ગ્રંથ માત્ર ગ્રંથ ન રહ્યો. સદીઓ વીતતી ગઈ એમ એ ગ્રંથ ભારતની સાંસ્કૃતિક ધરોહર બની જવાનો હતો. ભારતના લોકોને જે સદીઓમાં અક્ષરજ્ઞાન ન હતું એમનેય તુલસીની ચોપાઈઓ કંઠસ્થ હતી. અક્ષરજ્ઞાન ન હતું એ લોકોય તુલસીએ કરેલી શ્રીરામની વંદનાને પોતાની વંદના ગણીને ગાતા હતા. શ્રીરામ જન્મસ્થળ અયોધ્યા સહિત દેશનું એકેય રામ મંદિર એવું નહીં હોય જ્યાં તુલસીએ લખેલા આ ગ્રંથની ચોપાઈઓ, દોહા, સ્તુતિઓ ન ગવાતી હોય.

ગીતાપ્રેસે રામચરિતમાનસની એક ટીકાની પ્રસ્તાવનામાં લખ્યું છે : 'રામચરિતમાનસનું સ્થાન હિન્દી સાહિત્યમાં જ નહીં, જગતના સાહિત્યમાં નિરાળું છે. સાહિત્યના બધા જ લક્ષણો એમાં હાજર છે. કાવ્યકલાની દૃષ્ટિએ આ સર્વોચ્ચ ગ્રંથ છે. ધનવાન-ગરીબ, શિક્ષિત-અશિક્ષિત, ગૃહસ્થ-સન્યાસી, સ્ત્રી-પુરુષ, બાળક-વૃદ્ધ બધી શ્રેણીના લોકો આ ગ્રંથને પસંદ કરે છે. જેટલો સદાચાર આ ગ્રંથથી થયો છે એટલો બીજા કોઈ ગ્રંથથી થયો નથી. એના સેંકડો સંસ્કરણો, ટીકાઓ પ્રસિદ્ધ થઈ છે.'

***

ગીતા પ્રેસની હનુમાનપ્રસાદ પોદ્દાર લિખિત ટીકામાં કહેવાયું છે એ પ્રમાણે રામચરિતમાનસ મહાકાવ્યના સર્જનની શરૂઆત રામનવમીના પાવન દિવસે થઈ હતી. પ્રચલિત માન્યતા પ્રમાણે તુલસીદાસજીનો જન્મ ઈ.સ. ૧૫૧૧માં થયો હતો. વિક્રમ સંવત ૧૬૩૧ યાને ઈ.સ. ૧૫૭૪માં ૬૩-૬૩ વર્ષની વયે ચૈત્ર મહિનામાં શુક્લપક્ષની નવમી ને મંગળવારે યાને રામનવમીના દિવસે તુલસીદાસજીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરીને સવારના શુભ મૂહુર્તમાં રામચરિતમાનસના લેખનનો આરંભ કર્યો હતો.

એમ પણ કહેવાય છે કે રામાયણની રચના દરમિયાન ગોસ્વામીજી અયોધ્યા, ચિત્રકુટ, વારાણસી જેવા જુદા જુદા અઢારેક સ્થળોએ રહ્યા હતા. રામચરિતમાનસના સર્જનમાં બે વર્ષ, સાત મહિના અને ૨૬ દિવસનો સમય લાગ્યો હતો. સર્જનપ્રક્રિયા શરૂ થઈ એ દિવસે રામનવમી હતી. વિક્રમ સંવત ૧૬૩૩ (ઈ.સ. ૧૫૭૬)ના માગશર મહિનાની સુદ પાંચમે ગ્રંથનું લેખન પૂર્ણ થયું હતું. એ દિવસ રામાયણ પ્રમાણે રામસીતાજીના વિવાહનો દિવસ છે.

વાલ્મીકિ રામાયણમાં જે રામનું માનવીય સ્વરૂપ આલેખવામાં આવ્યું છે એ શ્રીરામ તુલસીકૃત રામાયણમાં ઈશ્વરીય તત્ત્વ બનીને ઉભરે છે. એક આદર્શ ચરિત્ર તરીકે ભગવાનના રૂપમાં રામનો મહિમા અનેક રામાયણોમાં થયો છે, પરંતુ એમાં તુલસીકૃત રામાયણ અદ્વિતીય, અભૂતપૂર્વ છે. તુલસીકૃત રામાયણના આદર્શવાદી રામ ભારતવર્ષના સાંસ્કૃતિક જ્યોતિર્ધર બની ગયા.

આ રામાયણમાં તુલસીદાસજીની વિરાટ સર્જકપ્રતિભાના દર્શન થાય છે. એમાં તેમણે વાલ્મીકિ રામાયણનો આધાર લીધો છે, પરંતુ ગ્રંથમાં ભારતીય તત્ત્વદર્શનનો નિચોડ રજૂ કરી દીધો છે. વેદવ્યાસ રચિત અઢારેય પુરાણોનો માનવીય મૂલ્યોના ઘડતર માટે જરૂરી અધ્યાત્મિક અર્ક એમાં આવી જાય છે. બાબાજીએ જ્યારે રામાયણની રચના કરી ત્યારે ચોપાઈનો ઉપયોગ મુખ્યધારાના સાહિત્યસર્જનોમાં થતો ન હતો. તેમણે ચોપાઈને સાહિત્યમાં પ્રતિષ્ઠા અપાવી. ચોપાઈ લોકબોલીમાં યાદ રાખવી સરળ બને છે. એ કારણે રામાયણની ચોપાઈઓ-દોહા તુરંત યાદ રહી જાય છે. લોકોને રામાયણ કંઠસ્થ કરવાનું સરળ લાગે છે.

તુલસીએ અવધી ભાષામાં, ચોપાઈ-દોહાના બંધારણમાં રામાયણની રચના કરી ત્યારે સંસ્કૃતના પ્રકાંડ પંડિતો-વિદ્વાનોએ ટીકા કરી હતી. એ સમયે મહત્ત્વના સર્જનો, ટીકાઓ સંસ્કૃતમાં લખાતી હતી. ઈનફેક્ટ, સંસ્કૃતમાં લખાય તેને જ પ્રતિષ્ઠા મળતી હતી. વિદ્વાનો માન્ય રાખતા હતા. એનાથી વિપરીત બાબાજીએ સામાન્ય લોકો રામાયણની કથાને જાણે, રામના પાવન ચરિત્રને સમજે અને એમાંથી તેમના ચારિત્ર્યનું ઘડતર થાય તે માટે લોકબોલીમાં રામાયણને સાત ખંડોમાં ઉતારી, પરંતુ એવું ન હતું કે તેઓ સંસ્કૃતના વિદ્વાન ન હતા. જાણે એ સમયના સંસ્કૃત વિદ્વાનોને જવાબ આપ્યો હોય  એમ રામાયણની શરૂઆતમાં, પ્રથમ એવા બાલકાંડનો પ્રારંભ જ સાત સંસ્કૃત શ્લોકથી થયો છે. એટલું જ નહીં, સાતેય કાંડની શરૂઆત સંસ્કૃત શ્લોકોથી કરી. દરેક કાંડની શરૂઆતમાં હરિવંદનાના અદ્ભુત શ્લોકોમાં તુલસીની સંસ્કૃત ભાષાની વિદ્વતા છતી થાય છે.

તુલસીની સંસ્કૃત ભાષા અભ્યાસનો જુદો વિષય છે. એ સમયના સંસ્કૃત સર્જનોની સરખામણીએ તુલસી સરળ સંસ્કૃત લખે છે. તેમના શ્લોકોમાં ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો જાળવીને અલંકારો, ઉપમાઓ, વર્ણનો - એ બધું જ છે, છતાં એમાં સરળતાનો ગુણ નોંધપાત્ર છે. શ્લોકોનો અર્થ લખ્યો ન હોય ને માત્ર સ્કૂલમાં એક ભાષાના વિકલ્પમાં સંસ્કૃત શીખ્યા હોય તેમનેય એક-બે વખત વાંચવાથી એનો અર્થ સમજાય જાય છે. તેમના સંસ્કૃતમાં પણ આખા રામચરિતમાનસની સરળતા સ્પષ્ટ નજરે ચડે છે.

***

રામચરિતમાનસ નામના આ અદ્ભુત ગ્રંથમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ એમ સાત કાંડ છે. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં વિભાગ કે ખંડને સ્કંધ કહેવાતો. એનું લોકબોલીનું સ્વરૂપ અહીં કાંડ કહેવાયું છે. વિભાગ-ખંડના નામમાંય લોકભોગ્યતાનો પૂરતો ખ્યાલ રખાયો છે.

રામાયણમાં છંદોની ગણતરી પ્રમાણે બાલકાંડ સૌથી મોટો છે અને કિષ્કિંધાકાંડ સૌથી નાનો. સુંદરકાંડ ગાવાની દૃષ્ટિએ હનુમાન ચાલીસાની જેમ સૌથી સરળ છે એટલે વધુ લોકભોગ્ય છે. શનિવાર અને મંગળવારે દેશમાં અસંખ્ય સ્થળોએ સુંદરકાંડના પાઠ થાય છે.

રામચરિતમાનસના નામ પ્રમાણે એમાં ભગવાન શ્રીરામની કથા છે એ તો ખરું જ, પરંતુ એમાં રચનાકારનો મૂળ હેતુ માત્ર રામકથાનો નથી. રામની કથાની સમાંતરે લોકોમાં સદાચાર, નૈતિકતાના મૂલ્યોનું ઘડતર થાય એ પણ ઉદેશ હતો ને એ ઉદેશ્યમાં તુલસીનું આ મહાકાવ્ય બરાબર પાર ઉતર્યું છે.

બિલકુલ અતિશ્યોક્તિ વગર કહેવું જોઈએ કે ભારતમાં વિદેશી આક્રમણો, ગુલામીની અંધારપટ્ટ સદીઓમાં તુલસીકૃત રામાયણે દેશવાસીઓના હૃદયમાં રામની આસ્થાનો દીવડો પ્રજ્વલિત રાખ્યો. આજે દેશમાં જે સનાનત ધર્મનો, રામનો પ્રભાવ છે એમાંથી તુલસી, રામચરિતમાનસ બાદ કરી દઈએ તો ગ્રાફ સડસડાટ ગગડી જાય!

રામચરિતમાનસથી તુલસીએ દેશમાં સાંસ્કૃતિક ક્રાંતિ કરી, અધ્યાત્મિક ઉન્નતિ કરી ને સાહિત્યિક ઉત્કર્ષનો માર્ગ કંડાર્યો. કોઈ સર્જકનું સર્જન ૫૦૦-૫૦૦ વર્ષથી ઘરે ઘરે ગવાતું હોય એવો બીજો દાખલો દુનિયામાં શોધવો મુશ્કેલ છે. 

હરિ અનંત હરિકથા અનંતા

ઋષિ વાલ્મીકિ રચિત સંસ્કૃતભાષાના રામાયણમાં દશરથ નંદન રામની કથા રામના સમયગાળામાં જ લખાઈ હતી એમ કહેવાય છે. ગોસ્વામી તુલસીદાસકૃત રામકથા તો એક રાષ્ટ્રીય ક્રાંતિ છે જ. તે સિવાય અનેક વિદ્વાનોએ-લેખકોએ રામાયણની રચના કરી છે. એ.વી. રામાનુજ નામના વિદ્વાને એક સંશોધનપત્રમાં દુનિયાભરમાં ૩૦૦ રામકથા હોવાનું કહ્યું હતું. તેમનો શોધનિબંધ દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતો હતો. ભારતના જુદા જુદા રાજ્યોમાં અને એશિયન દેશોમાં અસંખ્ય રામકથા ગવાય-સંભળાય-ભજવાય છે. બર્મા, ઈન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, ફિલિપાઈન્સ, શ્રીલંકા, નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા, જાપાન, મોંગોલિયા, વિએટનામ, ચીન જેવા દેશોમાં રામકથાનો વ્યાપ જોવા મળ્યો છે. 

વેદવ્યાસ રચિત મહાભારતમાં પણ શાસક તરીકે રામ અને રામના વનવાસનું વર્ણન થયું છે. બૌદ્ધધર્મમાં જાતક કથાઓમાં રામકથાને વણી લેવાઈ છે. જૈન સાહિત્યમાં અલાયદા રામાયણો છે, જેમાં જૈનાચાર્યોએ જૈનમત પ્રમાણે રામાયણનું મૂલ્યાંકન કર્યું છે. છતાં મૂળ કથા રામને ધ્યાનમાં રાખીને જ સર્જાઈ છે. સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ ઉપરાંત વાલ્મીકિ રચિત યોગ વશિષ્ઠ રામાયણ, અદ્વુત રામાયણ, અગત્ય રામાયણ છે. આદિ કવિ વાલ્મીકિથી લઈને મહાકવિ કાલિદાસ, ભાસ, ભવભૂતિ, સોમદેવ અને છેક હિન્દી સાહિત્યકાર મૈથિલીચરણ ગુપ્ત સુધીના કવિઓએ રામાયણની કથાના આધારે એક યા બીજા સ્વરૂપે સાહિત્ય સર્જન કર્યું છે. એક અભ્યાસ તો ત્યાં સુધી કહે છે કે દેશ-વિદેશમાં ૪૦૦થી વધુ કવિઓએ નોંધ લેવી પડે એવી રામકથાનું સર્જન કર્યું છે. 

અસંખ્ય ભાષામાં અગણિત રામકથા સર્જાઈ છે. વિસ્તૃત પાત્રાલેખન, વિગતવાર વર્ણનોથી લઈને એક શ્લોકમાં આખીય કથા આવી જતી હોય એવુંય સર્જન થયું છે. સંસ્કૃતનો એક શ્લોક એવો છે, જેમાં રામાયણની મુખ્ય ઘટનાઓને આવરી લેવાય છે. એ એક શ્લોકી રામાયણમાં આખી રામકથાનો સાર આવી જાય છે: 

આદૌ રામ તપોવનાદિ ગમનં, હત્વા મૃગં કાંચનં,

વૈદેહી હરણં જટાયુ મરણં, સુગ્રીવ સંભાષણં

બાલી નિર્દલં સમૃદ્ર તરણં, લંકાપુરી દાહનં,

પશ્વાત રાવણ-કુંભકર્ણ હરણં, એતદ શ્રી રામાયણં.

Tags :