Get The App

ભગવાન રામ : સમાજ અને સંસ્કૃતિનો સેતુ

Updated: Apr 6th, 2025


Google News
Google News
ભગવાન રામ : સમાજ અને સંસ્કૃતિનો સેતુ 1 - image


- 'મરા મરા' નો મંત્ર બોલો તો પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બની જવાય ત્યારે રામ નામનો મંત્ર તો કઈ હદે આપણને તારી દે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- મીરા પણ કૃષ્ણની પ્રાપ્તિને પણ  'રામ રતન ધન પાયો' જેવી જ ઉપલબ્ધિ માને છે

- કહેવતો અને ભજનમાં રામ નામનો મહત્તમ મહિમા જોઈ શકાય છે : દશેરા અને દિવાળી જેવા સૌથી મોટા તહેવારના કેન્દ્રમાં ભગવાન રામ છે

આ જે ભગવાન રામનો જન્મ દિન. અયોધ્યામાં રામ મંદિર અને પ્રયાગમાં કુંભ મેળાનું આયોજન થયા પછી ફરી આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિ માટેની ચેતનાની જ્યોત પ્રજ્વલિત બની છે. આપણી નવી પેઢીને કદાચ ખબર નહીં હોય પણ ભગવાન રામ કે રામનું નામ ધાર્મિક જ નહીં બે વ્યક્તિને જોડતો સેતુ પણ  હતું.

ઓશોએ  વિચાર પ્રેરક વાત કહી છે કે ભગવાન રામ તો આપણા સમાજ અને સંસ્કૃતિમાં  અભિન્ન અંગ સમાન રહ્યા હતા. ભારતના ગ્રામજનો કે નાના શહેરોના રહીશો તો સવારે એકબીજાને મળતા જ 'એય ..  રામ રામ'નો ટહુકો કરતા. અવાજમાં જ વાત્સ્તલ્યનો રણકો સાંભળી શકાતો. પરિચિત જ નહીં એમ જ કોઈ ગામના પાદરે  પ્રવેશતી  અજાણી વ્યક્તિનું પણ ધ્યાન ખેંચીને 'રામ રામ' કહીને તેને આત્મીય બનાવી દેવાતો હતો. બળદ ગાડા પર પસાર થનાર, ગાય ચરાવવા જનાર  કે શાકભાજી ખરીદતા જ જે પણ મળે તેને 'રામ રામ'નો આવકાર તો મળે જ. કોઈ કથા કે તત્ત્વ જ્ઞાનની જરૂર નહોતી. એક વ્યક્તિ બીજી વ્યક્તિને 'રામ રામ' કહીને બોલાવે તેનો અર્થ કે તમારું સંસારી નામ જે પણ હોય ,તમારો પરિચય હોય કે ન હોય, તમે ચોર છો, લુંટારા છો, પાપી છો અમે કંઈ જાણતા નથી અમે તો બસ એટલું જાણીએ છીએ કે તમારા હૃદયમાં પણ  રામ વસે છે. અમારા અને આપણા સૌમાં રામ વસે છે. 

આવકાર 'રામ રામ ' અને વિદાય 'જય શ્રી કૃષ્ણ' હોઈ શકે. આપણે રામ નામને ભૂલ્યા અને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયા. 'રામ રામ'નું સ્થાન હવે શહેરોમાં, ગામોમાં 'હાઈ ', 'ગુડ મોર્નિંગ , ગુડ નાઈટ અને 'સી યુ' એ લીધું. તમે જુઓ આવકારની પદ્ધતિ પણ આપણા વર્તનમાં કેવું નકારાત્મક પરિણામ લાવી દે છે. આ આપણી પોતીકી સંસ્કૃતિ કે સભ્યતા જ નહોતી. હવે આપણો અંગ્રેજી  આવકાર યંત્રવત અને લુખ્ખો થઇ ગયો. આપણા ચહેરા પરની તે નિર્દોષતા અને આત્મીયતા  જ ચાલી ગઈ.

'એય ..રામ રામ' ક્યારેય  અવાજમાં ઊર્જા અને ઉમળકા ઉમેર્યા વગર બોલી જ ન શકાય.  હવે તો 'ગુડ મોર્નિંગ' પણ ભુલાતું જાય છે અને બે પાડોશી એક જ લીફ્ટમાં હોય તો ખાસ ભારપૂર્વક પ્રયત્ન કરે છે કે સામી વ્યક્તિ જોડે ભૂલથી આંખો ન મળી જાય. આપણને કોઈ જોડે પરિચય કેળવાય તે ડરાવે છે. પરિચિતો મળે ત્યારે એકબીજાથી આંખો ચોરવાની સંતાકુકડી રમાતી હોય છે.  કોણ પહેલા બોલાવે તેનો અહંકાર પાર્ટી પ્લોટમાં સૌથી પહેલા સ્થાન લઇ લેતો હોય છે. 'એય..રામ રામ' ગયું અને આપણી સામાજિક સીસ્ટમ અને સંસ્કૃતિ  ખોરવાઈ ગઈ. રામ નવમી નિમિત્તે એવો સંકલ્પ કરીએ કે   ફરી  'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત 'રામ  રામ'  અને 'જય શ્રી કૃષ્ણ'ના મીઠા આવકાર અને અભિવાદનની  અગાઉની દુનિયા પરત લાવીએ.

જરા વિચારો રામ ભગવાન કઈ હદે સદીઓથી આપણા સાથે વણાઈ ચુક્યા છે. વ્યક્તિનું મૃત્યુ થાય અને સ્મશાન સુધીની અંતિમ યાત્રામાં ડાઘુઓ 'રામ બોલો ભાઈ રામ' કે પછી  'રામ નામ સત્ય  હૈ' બોલતા આગળ ધપે છે. 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ધૂન પણ ખરી. 

'રામ નામે પથરા તરે' કહેવત જ પુરવાર કરે છે કે રામનું નામ લેવાથી પથ્થર પણ તરી જતો હોય તો આપણે તો ભવસાગર તરી જ જઈને.  રામ નામનો જાપ મોક્ષ નગરીના દ્વાર ખોલી દે છે. અરે રામની જગ્યાએ ભાવ સાથે 'મરા મરા'નો મંત્ર બોલો તો પણ વાલિયા લુંટારામાંથી વાલ્મિકીની કક્ષાએ પહોંચી જવાય. બુદ્ધિજીવીઓ કહેશે કે 'રામ રામ' તો કેટલાક અક્ષરો છે તેનો કઈ રીતે પ્રભાવ પડે. તો આ સમુદાયને જણાવી દઈએ કે માત્ર 'રામ' જ નહીં કોઈ પણ દેવ કે દેવીનો મંત્ર કે બીજ મંત્ર આપણા ઋષિ મુનિઓએ તપ સાધના કરીને  દેવોને રીઝવીને  જાણ્યો છે. આ નામ કે મંત્ર બોલતા  આપણી જીભ, હોઠ કે તાળવા પર ખાસ પ્રકારનું હલનચલન કે દબાણ આવે છે. મસ્તિષ્ક સુધીના તાર છેડાય છે પરિણામે સુક્ષ્મ ઉર્જા, થેરપી અને આભા આપણામાં સર્જાય છે. સંસ્કૃતને આથી જ દેવોની ભાષા કહેવાય છે. ઉચ્ચારનું વિજ્ઞાન છે. રામ અને કૃષ્ણ એક જ છે અને તે ભેદ મીટાવવા જ તો સ્વામી પ્રભુપાદે  ઇસ્કોનની સ્થાપના કરવા સાથે 'હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે' મંત્ર આપ્યો. વિદેશીઓને  રામ અને કૃષ્ણના  મંત્રનું ઘેલું લાગ્યું છે. રામાયણ અને ભગવદ્ ગીતાની લાખો કોપી વેચાય છે. કમનસીબે આપણે પશ્ચિમનું જે લેવાની જરૂર  નથી, જે આપણું નથી તે અપનાવ્યું છે. જો ભગવાન  રામને  આપણે ભારતનું,ભારતીય કે હિંદુ સંસ્કૃતિનું હાર્દ સમજતા હોઈએ તો આપણે ફરી આપણી સભ્યતા અને સંસ્કૃતિને ,સમાજ જીવનને 'બેક ટુ નેચર'ની જેમ પાછી લાવવી જોઈએ.

એક જમાનામાં વહેલી સવારે ગામના શ્રદ્ધાળુઓની પ્રભાત ફેરી નીકળતી જેમા ભજન, કિર્તન અને રામ અને કૃષ્ણની ધૂન બોલાતી. ગામના કોઈ નાગરિકોને ખલેલ ન પહોંચે તેટલા અવાજે તેઓ પ્રભાતિયા ગાતા.

સવારે છ વાગ્યે રેડિયો પર પ્રભાતિયા, ભજન, લોક ગીતો ઘેર ઘેર વાગતા. ગામમાં વહેલી ખોલી દેવાતી દૂધની દુકાન અને વાળ કાપી આપતા સલૂનમાં ફિલ્મ ગીતો વાગે તે પહેલા રાહગીરો પસાર થતા સાંભળી શકે તેમ સવારના આ ભજનો સાંભળવાથી ઉર્જાસભર બની જવાતું. ઘર સુધી પાણી  આવે તેનો વહેલી  સવારે નિશ્ચિત  સમય રહેતો પછી પાણી આવવું બંધ થઈ જાય. પાણીની આવી તંગીને લીધે છેક હવે સમજાય છે તેવો ફાયદો એ રહેતો કે બધાની સવાર વહેલી પડતી હતી. કૂંડીમાં, પીપડામાં પાણી ભરવાનું કે થોડે દૂરથી ટેન્કરથી પાણી લાવવાનું. પાણી આવે ત્યાં સુધીમાં જ બધાએ સ્નાન સહિતની સવારની દિનચર્યા પૂરી કરી દેવાની રહેતી. આ જ કારણે સવારે મંદિરે જઈને જ કામ ધંધે સહજ રીતે ચડી શકાતું.

આમ સવારે પૂજા અને મંદિરનો ક્રમ જળવાઈ રહેતો. ભગવાન રામનો આદર્શની રીતે જનમાનસ પર ગજબનો પ્રભાવ રહેલી છે.

મહાત્મા ગાંધી આપણને તેમના માનસ પર ભગવાન રામનો પ્રભાવ હતો એટલે જ મળ્યા. ત્યાગ અને સમર્પણનો ગુણ ગાંધીજી રામ પાસેથી  શીખ્યા હતા. ગાંધીજી કહેતા કે રામ નામ મંત્રથી જીવનમાં  તરી જવાય છે  અને જીવનમાં ક્યારેય કોઈ પ્રશ્ન કે તનાવની સ્થિતિ સર્જાય તો ભગવદ્ ગીતામાંથી તેનો ઉકેલ મળી જ જાય આમ રામ અને કૃષ્ણ માનવ જગતની ધરોહર બની શકે છે. આપણે સુશાસન કે ગુણવત્તાસભર જીવનને રામ રાજ્ય તરીકે ઓળખીએ છીએ. બીજા કોઈ ભગવાનનું નામ સુખદ રાજ્ય વ્યવસ્થા માટે  નથી જોડતા. રામ રાજ્ય બનાવવાની જવાબદારી માત્ર રાજાની નથી નાગરિકોએ પણ તે રીતે જીવવું પડે.

ઘણી વખત એવો વિચાર પણ આવે કે ભગવાન રામનો આ હદે મહિમા છે પણ તે પ્રમાણે તેમના મંદિરો સમગ્ર ભારતમાં નથી. ભગવાનમાં કોઈ ભેદ નથી પણ ભગવાન શિવ, હનુમાન, ગણપતિ, માતાજી, શ્રીકૃષ્ણ અને રાધા, વિષ્ણુના મહત્તમ મંદિરો છે. સાઈ બાબાના મંદિર  તો સરસાઇ ધરાવતા હશે પણ ભગવાન રામની જે હદે મહત્તા છે તે પ્રમાણે તેમના મંદિરોની સંખ્યા ઓછી છે. તેમના મંદિરોનો વ્યાપ વધારવાની જરૂર છે. અહીં ગામેગામના નાના મંદિરોની વાત છે મોટા મંદિરો હજી પણ છે.

કહેવતોમાં પણ ભગવાન રામ જ છવાયેલા છે. આ વખતે પણ પ્રશ્ન તો થવો જ જોઈએ કે જન અને સમાજ જીવનમાં રામ જ જોડાયેલા છે. કોઈ ચમત્કારિક રીતે બચી જાય તો આપણે કહીશું કે 'રામ રાખે તેને કોણ ચાખે'. અહીં પણ બીજા કોઈ ભગવાન કરતા રામને જ કહેવતમાં સ્થાન અપાયું છે. કોઈનું મૃત્યુ થાય તો કહીશું કે 'તેના તો રામ રમી ગયા'. કોઈ ઢોંગી હોય તો કહીશું કે 'મુખ મેં રામ બગલમેં છૂરી'.

આવી જ બીજી કહેવત છે 'રામનામ જપના, પરાયા માલ અપના'. શ્રદ્ધાથી જ બધા કાર્ય પાર પડે તે માટે 'રામ નામે પથરા તરે' કહેવત હાજર છે. સંજોગ પ્રમાણે રહેવાની શીખ આપતી કહેવત 'રામ જેમ રાખે તેમ રહીએ' પણ છે જ ને. 'જાહિ વિધિ રાખે રામ તાહિ વિધિ રહીએ' ભજન પણ આ જ ઉપદેશ આપે છે. આ ભજનની એક પંકિતમાં કહેવાયું છે કે 'કામ રસ ત્યાગ પ્યારે રામ રસ પીજીયે, આશા એક રામજી સે , દુજી આશા છોડ દે નાતા એક રામજી સે દૂજે નાતા તોડ દે' કેટલી મજાની પંક્તિઓ છે. મીરા પણ કૃષ્ણની ભક્તિ અને તેમની પ્રાપ્તિને આખરે તો રામને મેળવવા સમાન ગણે છે એટલે જ તો ભજન છે કે 'પાયોજી મૈંને રામ રતન ધન પાયો'.

એક પ્રાચીન ભજનમાં રામ અને કૃષ્ણની સમાનતા પણ બતાવાઈ છે તે રસપ્રદ છે. ભજનિક અનુપ જલોટાએ તેને મશહૂર બનાવ્યું છે.

ભજનમાં કહેવાયું છે કે જગતમાં બે જ નામ  કૃષ્ણ અને રામ સુંદર છે.એક વ્રજમાં માખણ ચોરીને ભક્તોને ખુશ કરે છે અને બીજા શબરીના એંઠા બોર ખાઈને તેને ભીંજવી દે છે.એકનું સ્મરણ હૃદયમાં ેપ્રેમ પ્રગટાવે બીજા આપણું દુ:ખ,તાપ અને સંતાપ મિટાવે છે. બન્ને સુખના સાગર છે. એક પાપી કંસનો તો બીજા દુષ્ટ રાવણનો અંત લાવે છે.બંને આખરે તો પ્રજાને જુલ્મીઓથી છુટકારો અપાવે છે. એક રાધિકા સાથે નાચે છે અને બીજા જાનકી સાથે રહે છે. આથી જ રાધે શ્યામ કહો કે સીતા રામ બંને એક જ મંત્ર છે.

હરીઓમ શરણના કંઠે ગવાયેલું 'તેરા રામજી કરેંગે બેડા પાર , ઉદાસી મન કાહે કો કરે.. નૈયા તેરી રામ હવાલે,લહર લહર હરિ આપ સંભાલે' ભજન પણ ભાવવિભોર કરી દેનારું છે.

હિન્દી ફિલ્મોના શીર્ષકમાં રામનું રાજ છે.રામ રાજ્ય, રામાયણ, રામ ઓર શ્યામ, રામ તેરી ગંગા મૈલી, રામકસમ, હે રામ, રામલીલા, રામ સેતુ, રામ રતન, રામ લખન, રામ જાને, રામ ભરોસે,રામ અવતાર,રામ બલરામ,સિયા કે રામ,રામ શાસ્ત્ર, રામ કે નામ, ઘર મેં રામ ગલી મેં શ્યામ આવી તો બીજી ડઝનથી વધુ ફિલ્મો હશે.

રામાયણ ગ્રંથ, રામ કથા અને રામાયણ ટીવીનો શ્રેણીનો જાદુ અમર રહેશે.

રામનો જન્મ બાપરે બાર અને કૃષ્ણનો મધરાતે તે પણ સૂચક છે. ભારત વર્ષમાં સૌથી મોટા તહેવાર દશેરા અને દિવાળીના કેન્દ્ર સ્થાને ભગવાન રામ છે. 

જ્ઞાન પોસ્ટ : રાવણને તેના સલાહકારે પૂછયું કે 'હે રાજન મને એક સવાલ થાય છે કે તમે તો કોઈપણ માયાવી સ્વરૂપ ધારણ કરી શકો છો તો પછી સીતાનું હરણ કરવા સોનેરી મૃગનું રૂપ ધારણ કરવા કરતા રામનું જ રૂપ ધારણ કરીને સીતાનું હરણ કર્યું હોત તો આસાન ન બન્યું હોત?

રાવણે ઘમંડ અને શરમ મિશ્રિત અવાજમાં ઉત્તર આપ્યો કે, 'તું મને મૂર્ખ સમજે છે કે આવો વિચાર મને ન આવે? હા, પહેલા મેં તેમ જ કર્યું હતું પણ જેવું મેં રામનું રૂપ ધારણ કર્યું તે સાથે જ મારામાં પરસ્ત્રીનું હરણ ન કરાય તેવા સંસ્કાર. આરોપિત થઈ જતા જતા. રામના વેશમાં હું સીતાનું અપહરણ કરી જ ન શક્યો હોત આથી મેં હરણનો સ્વાંગ ધર્યો હતો.' 

Tags :