Get The App

કેરી બજારમાં અસલી-નકલી આફૂસના ભેદભરમ

Updated: Apr 6th, 2025


Google News
Google News
કેરી બજારમાં અસલી-નકલી આફૂસના ભેદભરમ 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- આફૂસ અને સાઉથ કેરીના રંગમાં, સુગંધમાં અને શેપમાં ફરક હોય છે. આફૂસ કેરીનો રંગ કેસરી હોય છે. એનો નીચેથી શેપ ગોળ હોય છે

મું બઈકરો કેરીની સીઝનમાં કોંકણની કેરી એટલે કે રત્નાગિરિ અને દેવગડની આફૂસ કેરીને એના  રસિયા મન ભરીને આરોગે છે. જોકે આ વર્ષે કમોસમી વરસાદ અને ભયંકર ગરમી એમ બે પ્રકારના વાતાવરણને લીધે રત્નાગિરિ અને દેવગડની આફૂસ કેરીના ઉત્પાદનમાં  થોડો  ઘટાડો થયો છે, જેથી નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસીની હોલસેલ માર્કેટમાં કાચી આફૂસ કેરીનો ભાવ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા ડઝન ચાલી રહ્યો છે.  જોકે કેરીના રસિયાઓ આજે પણ રીટલમાં ૧૦૦૦થી લઈને ૧૨૦૦ રૂપિયામાં એક ડઝન કેરી ખરીદી રહ્યા છે. હોલસેલ માર્કેટના કેરીના વેપારીઓ કહે છે કે લોકોએ સમજવાની જરૂર છે કે પીળું હોય એ હંમેશા સોનું નથી હોતું. ગ્રાહકો જે કેરી આફૂસ સમજીને સસ્તા ભાવે ખરીદી રહ્યા છે એ કદાચ સાઉથની કેરી પણ હોઈ શકે છે, જે હોલસેલ માર્કેટમાં કિલોના ભાવે વેચાય છે.

અસલી આફૂસ કેરીની આવક માર્કેટમાં ઓછી હોવાથી કેરીના અમુક વેપારીઓ સાઉથની કેરીને ૧૦૦૦રૂપિયે   ડઝનના ભાવે વેચીને ગ્રાહકોને મિસગાઇડ કરી રહ્યા છે.

આફૂસ અને સાઉથ કેરીના રંગમાં, સુગંધમાં અને શેપમાં ફરક હોય છે. આફૂસ કેરીનો રંગ કેસરી હોય છે. એનો નીચેથી શેપ ગોળ હોય છે. એવી ઘણી વસ્તુઓ ગ્રાહકોએ સમજીને કેરી ખાવાની જરૂર છે. કેસર કેરી તો સાવ જ અલગ હોય છે જેને ગ્રાહકો સારી રીતે ઓળખી લે છે, પરંતુ સાઉથની કેરી સસ્તી હોવાથી ગ્રાહકો ભાવથી આકર્ષાઈને આફૂસને બદલે સાઉથની કેરી ખરીદીને ખાય છે.

આ વર્ષે આફૂસની સીઝન હવે  શરૂ થઈ  છે  પરંતુ  અસલ કોંકણી કે રત્નાગિરીની આફૂસના ભાવ જોઇએ એવા ઓછા થયા  નથી તેથી મધ્યમવર્ગીયો તેનેા પૂરતા પ્રમાણમાં રસાસ્વાદ લઇ શકયા નહિ. કોંકણમાં થતી આફૂસ કેરીને 'ફળોના રાજા' તરીકે ઓળખાય છે અને દેશ તથા વિદેશમાં તેની ભારે માગ હોય છે. જો કે છેલ્લા થોડા વર્ષોમાં પ્રકૃતિમાં આવેલા પરિવર્તનને કારણે આ રાજા વારંવાર બીમાર પડી જાય છે. વાસ્તવમાં તે 'રોકડપાક'નું વિશેષણ મેળવી શકયો નહિ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનની ખેડૂતોની ઇચ્છા પૂરી કરવામાં પણ આ રાજા નિષ્ફળ રહ્યો છે. આ સ્થિતિ માટે કુદરતનું મનસ્વીપણું અને હવામાનમાં આવેલા બદલાવને જવાબદાર ગણવામાં આવે છ.ે જો કે થોડા ઘણા અંશે આ વાત સાચી છે. મોડું શરૂ થતું ચોમાસુ,લંબાતો જતો શિયાળો અને કેરી આવવાના સમયે પડતા પ્રખર તાપને લીધે નાજુક પ્રકૃતિની કોંકણની આફૂસ પર જબરજસ્ત ફટકો પડયો છે.   

આ વખતે કેરીની સીઝન શરૂ થતાની સાથે જ કોંકણની મોંઘી આફૂસ સામે કર્ણાટકની સસ્તી આફૂસે મેદાન માર્યું છે. કર્ણાટક અલફાન્સો (આફૂસ)નું ઉત્પાદન પણ વધુ થયું છે અને મુંબઈમાં વેચાણ પણ ધૂમ થાય છે.

સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં સરેરાશ એક કરોડ પેટી કેરીનું ઉત્પાદન થતું હોય છે.

માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે કોંકણની આફૂસ ૩૦૦થી ૪૦૦ રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. જ્યારે કર્ણાટકની આફૂસની કીમત ૮૦થી ૧૫૦ રૂપિયે કિલો છે. અત્યારે બજારમાં વધુમાં વધુ કર્ણાટકની આફૂસ કેરી જ ઠલવાય છે. કોંકણની આફૂસ કરતા સસ્તી હોવાને લીધે લોકો કર્ણાટકની આફૂસ ખરીદવાનું પસંદ કરે છે.

કર્ણાટકના હુબલી, ધારવાડ અને શિક્રાપુરથી આફૂસ કેરી આવે છે. ફળોદ્યાનના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે કોંકણની અને કર્ણાટકની આફૂસમાં સ્વાદ અને સોડમમાં બહુ જ તફાવત હોય છે. કોંકણની કેરીમાં વધુ મીઠાશ હોય છે, જ્યારે કર્ણાટકની આફૂસમાં ઓછી મીઠાશ હોય છે. કેરીની સીઝન શરૂઆતની સાથે જ સૌથી પહેલાં કેરળની કેરીઓ મુંબઈની માર્કેટમાં આવી ગઈ હતી. ત્યાર પછી કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશની કેરીઓ આવવા લાગે છે. ગુજરાતની કેરી એપ્રિલ પછી આવે છે. કોંકણની આફૂસ અને કર્ણાટકની આફૂસ ખરીદતી વખતે સાવધાન રહેવાનો ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે. નહીંતર કોંકણની આફૂસના ભાવે કોઈ કર્ણાટકની આફૂસ પધરાવી જશે તો ખબર નહીં પડે.

 અતીતમાં ડોકિયું કરતાં જાણ થશે કે આશરે ૪૦-૫૦ વર્ષ અગાઉ આફૂસ કેરીનો પાક મુખ્યત્વે રાયવળ જાતિના આંબાના ઝાડ પર ખુંટી અથવા કલમ કરીને લેવામાં આવતો હતો. આમાં મૂળ ઝાડ એકદમ ઘટાદાર રહેતું અને તેના પર કરવામાં આવેલી કલમને કારણે થોડા વર્ષોમાં તેના પર મોટી રસાળ કેરી આવતી હતી. આ ઝાડ મોટા વૃક્ષ જેવું રહેતું અને  સેન્દ્રિય પધ્ધતિથી તેનો વિકાસ થયો હોવાથી આંબામાં પણ અદ્ભૂત મીઠાશ રહેતી હતી.૧૯૮૫ બાદ આમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. સૌથી પહેલાં તો ઝાડ પર કલમ બાંધવાને બદલે પતરાના ડબામાં કલમ કરવાનો આરંભ થયો. પતરાના ડબામાં એક થી ત્રણ વર્ષ સુધી કલમ તૈયાર કરીને તે ઝાડને જમીનમાં રોપવામાં આવે છે. હા, આ ઝાડની ખાસ કાળજી લેવી પડે છે તે ખરું પણ મર્યાદિત વિસ્તાર અને અલ્પકાળમાં શરૂ થતાં ઉત્પન્નને કારણેઆ 'ડબા કલમ' ઝડપથી લોકપ્રિય થવા લાગી અને ઝાડ પર કલમ કરવાને જુનવાણી પધ્ધતિ ઠરાવવામાં આવી. આની સાથે રાસાયણિક ખાતર અને કીટાણુનાશકોનો પણ અહીં પગપેસારો થયો. ૧૯૮૫થી લઇને ૨૦૦૦ સુધીના ૧૫ વર્ષમાં કૃત્રિમ પાયરોથ્રાઇટસ પ્રકારના સાયફરમેથ્રિન ,ડેલ્ટમેથ્રિન ,ઇમિડાકક્લોપ્રીડ અને પાક સંજીવક ગણાતા પેક્લોબ્યુટ્રેજોલનો મારો અહીંના કલમના આંબાવાડિયામાં થવા લાગ્યો હતો. આના બે દુષ્પરિણામ જોવા મળ્યા.એક તો ઝાડ પર ઉગતાં નવા પાનને આ સંજીવક મારી નાખતા અને બીજું ફળની સંખ્યા ભરપૂર દેખાતી તો પણ આકાર અને વજનમાં ઘટાડો થયાનું દેખાતું હતું. આ સદીના આરંભમાં શરૂ થયેલા ઓપિયમ કમ્પાઉન્ડના ભરપૂર વપરાશને કારણે અહીંની લાલ માટીના ગુણધર્મો જ બદલાઇ ગયા.થોડી સદી અગાઉ પોર્ટુગીઝોએ આલ્ફાન્સો નામના રોપેલા અને બાદમાં અહીંના જ બની ગયેલા આ ફળોના રાજાનો મૂળ સ્વાદ જ જાણે ગુમાઇ ગયો.

આંબાની અન્ય તમામ જાતિ દર વર્ષે ફળ આપે છે પરંતુ આફૂસનું એક વૈશિષ્ટય એ છે કે તે દર આંતરે વર્ષે ફળ આપે છે. હવે વેપારીઓને આ મંજૂર ન હોય તે સમજવાની વાત છે. આથી આ ઝાડ પાસેથી દર વર્ષે ઉત્પન્ન મેળવવા માટે રસાયણોનો ડોઝ આપવાનું પ્રમાણ વધારવામાં આવ્યું. જો કે કેટલાક ખેડૂતોની આંખ હવે ઉઘડી છે. તેઓ કહે છે કે અમે નિસર્ગનો સાથ છોડીને પાશ્ચાત્ય પધ્ધતિનું આંધળું અનુકરણ કર્યું.આના માઠા ફળ હવે અમે ભોગવી રહ્યા છીએ. 

૧૯૯૮-૯૯થી  શરૂ થયેલા સિન્થેટિક પાયરોથ્રાઇડના  અતિરેકથી તેની અકરકારકતા ઓછી થવા લાગી હતી. આંબા પર જીવાત ન લાગે તે માટે પાંચ મિ.લી. આ દવાને ૧૫ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાનો હોય છે. પણ તેનો ડોઝ પાંચ ને બદલે સાત થી ૧૧ મિ.લી.નો કરવામાં આવ્યો .આથી તેટલા પ્રમાણમાં દવા ન છાંટવામાં આવે તો જીવાત મરતી નહોતી એવી સ્થિતિ સર્જાઇ હતી. તે સાથે જ આ દવાનો વારંવાર છંટકાવ કરવામાં આવતો હોવાથી અગાઉ જે ૨૧ દિવસ સુધી તેની અસર ટકતી હતી તે માંડ ૧૦ દિવસ સુધી જોવા મળતી હતી. ડાયકલોરોવ્હૉસ તથા વિવાદાસ્પદ ઠરેલી ઇન્ડોસલ્પાન જેવી દવાઆની અસર તો માત્ર બે દિવસ જેટલી જ રહેતી અને થ્રિપ્સ જેવી જીવાતને તો તેનાથી આમંત્રણ મળ્યા જેવો ઘાટ થયો.  

આ બધુ ધ્યાનમાં લેતાં સમજાશે કે માત્ર કુદરત જ નહિ પણ માનવ નિર્મિત કારણોએ પણ કોંકણના આફૂસનો ભોગ લીધો છે. માનવીના  અર્ધ જ્ઞાન તથા  લાલચુપણાએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો કે હજુ એટલું નુકસાન નથી થયું કે માથે હાથ દઇને રડયા સિવાય કોઇ વિકલ્પ જ ન હોય .જો સેન્દ્રિય ખાતર તરફ વળવામાં આવે તો ભૂલ સુધારી શકાશે. હા, આ ભૂલ એટલી ગંભીર છે કે તે સુધારવામાં ર્થોડા વષો અવશ્ય નીકળી જાય. 

ખેર,અસલી આફૂસ કેરી પકવતા ખેડૂતોને સંરક્ષણ પુરું પાડવા સરકાર સક્રિય થઈ ગઈ છે.

 પાંચ વર્ષ પૂર્વે પૂરતીય પેટન્ટ વિભાગે દેશની સૌથી મોંઘી અને સ્વાદિષ્ટ ભ ગણાતી કેરીમાંની એક આફૂસના પેટન્ટ વિવાદ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરથી સિંધુદુર્ગ સુધી કોંકણના કોઈ પણ વિસ્તારમાં પાકતી કેરી આફૂસ ગણાશે. આ કારણે ગુજરાતની વલસાડી આફૂસ, કર્ણાટક અને ચેન્નાઈના કેરી ઉત્પાદકો પોતાની કેરીને આફૂસ તરીકે બજારમાં વેચી શકશે નહીં. વલસાડ જિલ્લામાં રાજાપુરી, કેસર, દશેરી, લંગડા, દેશી, મકારામ જેવી વિવિધ જાતની કેરીનું કુલ  ઉત્પાદન ૪૫ લાખ ટન જેટલું થાય છે. તેમાં આસનો હિસ્સો ૨૫ ટકાનો હોય છે.

જીઆઈ એક ભૌગોલિક કૃષિ ઉત્પાદન અને કુદરતી વસ્તુ . દર્શાવતું પ્રમાણપત્ર છે. તે જે-તે વિસ્તારની ભૌતિક સંપત્તિ ગણાય છે. હવે ખૂબીની વાત એ છે કે વલસાડમાં જે આફૂસ પાકે છે તેની ક્લમ વર્ષો અગાઉ રત્નાગિરિથી જ લાવવામાં આવી હતી. વલસાડનું હવામાન તેને માફક આવતાં વલસાડ ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ આફૂસની કલમનું વાવેતર કરાતાં ઉત્પાદન વધ્યું છે. વલસાડી આફૂસ ૧૫૦થી ૨૦૦ વર્ષ જૂની જાતિ છે. તેનો ઈતિહાસ જૂનો છે. પેટન્ટ નિયામકના નિર્ણયથી વલસાડી આફૂસને અગાઉ કિંમત મળતી હતી તે હવે મળી શકશે નહીં એવો ભય ઊભો થયો છે. વાસ્તવમાં આ અગાઉ રસગુલ્લાની પેટન્ટને લઈ પશ્ચિમ બંગાળ અને ઓરિસા વચ્ચે વિવાદ હતો અને છેવટે પેટન્ટ બંગાળને ગઈ ત્યારે ઓરિસાએ તે ચુકાદાને શિરોમાન્ય રાખી ખેલદિલી દાખવી હતી એવી ખેલદિલી હવે આફૂસના કિસ્સામાં દર્શાવવાની આવશ્યકતા છે.

અસલી આફૂસ કેવી રીતે ઓળખશો?

આફૂસ કેરીની વાડી ધરાવતા કોંકણના વિજય પવારે જણાવ્યું હતું કે અસલી આફૂસમાં ડીંટિયા પાસે સહેજ ખાડો હોય છે જ્યારે નકલી  આફૂસ કેરીમાં ડીંટિયાવાળો ભાગ સપાટ હોય છે. અસલી આફૂસનો નીચલો ભાગ ગોળાકાર હોય છે જ્યારે નકલી આફૂસનો ભાગ અણીયાળો હોય છે. અસલી આફૂસ બરાબર પાકી જાય ત્યારે સોનેરી રંગની થઇ જાય છે જ્યારે, નકલી આફૂસ પાકી ગયા બાદ પણ અનેક જગ્યાએથી લીલી હોય છે.

અસલી આફૂસની છાલ અત્યંત પાતળી અને મુલાયમ જ્યારે નક્લીની છાલ જાડી અને થોડી સખત હોય છે. અસલી આફૂસની છાલ અને ગર રેશા વગરના હોય છે તથા ગોટલી પાતળી અને નાની હોય છે જ્યારે નક્કી આફૂસની છાલ અને ગર રેષાયુક્ત અને ગોટલી મોટી અને જાડી હોય છે.

આપણે જોયું તેમ મહારાષ્ટ્રની લોકપ્રિય દેવગડ આફુસનાં નામે   બજારમાં કેરીની અન્ય   વેરાયટીઓ પધરાવી દેવામાં આવે છે તેના પર નિયંત્રણ લાવવા ખેડૂતોએ એક અનોખું સીલ તૈયાર કર્યું છે. દેવગડ આફૂસના ખેડૂતોની એક સહકારી સોસાયટીએ ટેમ્પર પ્રૂફ (છેડછાડ નહીં કરી શ કાય તેવું) સીલ તૈયાર કરાવ્યું છે.

જ્યોગ્રોફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) રજીસ્ટ્રેશન ધરાવતો દેવગડનો દરેક ખેડૂતને સીલ આપવામાં આવશે. દરેક કેરી પર સ્ટીકર લગાવી ખેડૂતો માર્કટમાં મોકલશે  દરેક સ્ટીકર પર આલ્ફાન્યૂમેરિક કોડ રાખવામાં આવશે. જેમાંથી અડધો નંબર જોઈ શકાશે અને બીજો સ્ટીકરની નીચેના ભાગમાં (જોઈ નહીં શકાશે) રાખવામાં આવશે એક ફોન નંબરના વોટસ એપ પર કેરીના સ્ટીકરનો ફોટો મોકલાવી કેરી દેવગડની છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકશે.

કેરીનો ગ્રાહક જ્યારે સ્ટીકર ઉખાડશે તો તેને બીજો છુપાવેલો કોડ નંબર જોવા મળશે અને બન્નેને મેચ કર્યા પછી ખેડૂત અથવા વિક્રેતાનું નામ, ગામ અને જીઆઈ રજિસ્ટ્રેશન નંબર જોઈ શકાશે.

દેવગડ આફૂસ કેરીના નામે બજારમાં મળતી કેરીની સંખ્યામાંથી  આઠ  ટકાથી વધુ અન્ય સ્થળની હોય છે આથી વાસ્તવિક ખેડૂતોને તેમના હકની આવક મળતી નથી.

એક સદીથી વધુ સમયથી સિંધુદુર્ગના દેવગડ તાલુકાની દેવગડ આફૂસ કેરી અનોખી  સુગંધ અને સ્વાદ માટે પ્રતિષ્ઠા ધરાવે છે. દેવગડના નકલી વેરાયટીના વેચાણથી ગ્રાહકોને દેવગડના નામે ઊતરતી ગુણવત્તાની કેરી લેવી પડે છે.

Tags :