અહંકાર .
- ઈશ્વર અંચેલીકર
- 'આન્ટી... ચિંતા નહીં કરો. આ રહસ્ય હવે હું, તમે, તમારા પતિ અને યુવીકા સિવાય ચોથી વ્યક્તિ ક્યારેય જાણશે નહીં...!'
ચા લાકી, ચતુરાઈ અને બેશરમીથી મિશ્રિત અવગુણ ધરાવનાર લોકો ભલે હોંશિયારીનું લેબલ લગાવી રૂઆબભેર ફરતા જોવા મળશે, પરંતુ તેઓ અંતે કબૂતરનાં ટોળાંમાં ફરતા કાગડાની માફક બહાર ફેંકાઈ જશે. માનિની પણ આવી જ એક સ્ત્રી છે, કે જે ભોળી યુવીકાની જેઠાણી અને પુરંજનની ધર્મપત્ની જેવાં મૂલ્યવાન સ્થાન ઉપર બીરાજી હતી, છતાં એની ભીતર હંમેશાં ઈર્ષાળુ અગ્નિનાં તણખા ઉડયા કરતા હતા ! શ્વસૂર રુદ્દવીરના પરિવારમાં માત્ર યુવીકા જ શિક્ષિત હતી. એ મુંબઈ જેવા શહેરમાં ઉછરી હતી, તેથી એ હંમેશ ફેશનેબલ વસ્ત્રો અને અલંકારો પહેરી, પતિ કૌતુકની અર્ધાંગીની બની શાનથી રહેતી હતી. કરિયાવરમાં લાખો રૂપિયાનું રાચરચીલું આપવામાં આવ્યું હતું, જેણે રુદ્રવીરનો આવાસ મહેલ જેવો શોભાવી દીધો હતો.
સંપત્તિવાન હોવા ઉપરાંત યુવીકાની વાણી મધુરતા વિખેરતી હતી. આખો દિવસ પરિવાર અને આડોશ પાડોશનાં બઘાં યુવીકાની આસપાસ ફર્યા કરતાં હતાં. માનિની ઘરની વડીલ હોવા છતાં, સૌ તેની સાથે ઓછી વાત કરતાં, કારણ કે સૌને ડ રહેતો હતો, કે એ ગમે ત્યારે કોઈપણનું અપમાન કરી બેસે છે.
રૂદ્રવીરની એક પ્રોવિઝન શોપ હતી. એ સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત રહેતો હતો, છતાં લંચ લેવા તો એ આવાસે જરૂર આવતો એનો મોટો દીકરો પુરંજન એક સરકારી કચેરીમાં સીનીયર પ્રોઝીસન ઉપર ફરજ બજાવતો હતો, જ્યારે એનો નાનો દીકરો કૌતંકુ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં વકીલાત કરતો હતો.
આમ જેઠાણી માનિની અને દેરાણી યુવીકા આખો દિવસ ઘરે એકલાં રહેતાં હતાં. નમ્ર અને ભોળી યુવીકાને જેઠાણી ઉપર ગાંડો વિશ્વાસ હતો. એના મન તો જેઠાણી અને મોટીબેન...! પરંતુ મોટીબેન તો વીંછીનો બંધ કરંડીયો હતો. એ ભોળી યુવીકાને કરડવાની કોઈ તક છોડતી ન હતી.
યુવીકાની નાની ભૂલને એ ડુંગર જેવું સ્વરૂપ આપતી હતી.
આજે પણ એવું જ થયું. યુવીકા રસોઈઘરમાં બપોરનું ભોજન બનાવતી હતી. માનિની સ્વગત બોલી, 'સસરા રૂદ્રવીર અને પતિ પુરંજન તો ખાવાના ખૂબ શોખીન જીવ છે. હંમેશ તો યુવીકા એની ગલતી છૂપાવી છટકી જાય છે, પરંતુ આજે એને છટકવા દેવી નથી ! એણે યુવીકા પાસે આવી કહ્યું, 'યુવીકા મને આજે પેટમાં દર્દ થાય છે. મારાથી બહાર નીકળી શકાય એમ મનથી. તું પપ્પાની દુકાને જઈ ત્યાંથી સોનમુખી ટેબ્લેટ લઈ આવે, તો મને આરામ થશે.'
'હા, હા મોટીબેન એમાં શું હું મારા ટુવ્હીલર ઉપર જઈ પાંચ મિનીટોમાં પાછી આવી જઈશ.' યુવીકા બોલી.
'યુવીકા, તે તારી કાર કૌતુકને શા માટે આપી દીધી ! ટુ વ્હીલર ઉપર આવતા જતાં રહેવું તે જોખમી તો છે...!' માનિની ઠાવડું મોં કરી બોલી.
'અરે મોટીબેન, આપણી બધી વસ્તુ ઉપર સૌનો અધિકાર છે. કૌતુક અને મોટાભાઈ મારી કારમાં જાય, કે હું જાઉં શું ફરક પડે છે !' અને યુવીકાએ મરક મરક હસી માનિનીનાં મોં ઉપર મીઠો તમાચો માર્યો.
'હા ભાઈ હા...! તું તો ઉદાર જીવડો છે. હજુ દસેક દિવસ પહેલાં જ તેં મને તારો મૂલ્યવાન હાર ક્યાં પહેરાવ્યો ન હતો. કમનસીબે તે પણ મારાથી ખોવાય ગયો હતો.' અને માનિનીએ મગર જેવા બનાવટી આસુ છલકાવ્યાં.
'અરે મોટીબેન, વસ્તુ ખોવાય જવાની હોય, તો એ કોઈ ચોક્કસ માણસ મારફતે જ થોડી ખોવાય જાય એ ગમે તેનાથી ખોવાય જાય...! ચાલો હવે મારે જવું જોઈએ. પપ્પા અને અન્ય સૌ આવે, તે પહેલાં કામ પતાવી આવું ને...' કહી સ્મિત વરતી યુવીકા સડસડાટ બહાર નીકળી ગઈ.
યુવીકા જતાં જ માનિની કીચનમાં આવી. એણે સર્વત્ર નજર કરી...! એક બરફની લાદી ઉપર રાખેલી એક પોટ એણે ખોલ્યો...! વાહ મહારાણીએ સસરાની વાહા વાહો. લૂંટવા તેમની મનપસંદ ખીર બનાવી છે. એણે ખાંડના બે ત્રણ વાઢકા ભરી ખીરમાં નાખી દીધા અને ચમચાથી હલાવી ચૂપચાપ ઓરડામાં આવી ગઈ.
ુપંદરેક મિનીટમાં યુવીકા આવી. એણે માનિનીને પેલી ગોળી ગળવા આપી અને પોતાના ઓરડામાં આવી.
યુવીકા પોતાની રૂમમાં આવી સોફા ઉપર બેઠી. એનું મન ક્યાંયે કેંદ્રીત થયું નહીં. વર્તમાનપત્ર, પુસ્તક બધું જ આજે એને શત્રુ સમાન લાગ્યાં. અભિનયનો કીડો આજે યુવીકાને એણે જોયેલા પેલા બેનર તરફ ખેંચી જતો હતો ! એ પોતાનાં ઓરડાની લોબીમાં આવી ઉભી રહી. દૂર દૂર વૃક્ષોની વનરાજી છવાઈ હતી. પક્ષીઓની કીલકીલા એને મધુર લાગ્યો. એ સ્વગત બોલી, 'પ્રભુ આવતા જન્મે તું મને પણ પંખી બનાવજે. એમને છે, કોઈ બંધન ? કેવાં મધુર ગીત રેલાવે છે. અને હું ? મારી ડાન્સ અને સંગીતની કળા. આ નાના શહેરમાં ધૂળની માફક અસ્તાચળમાં ફેલાય રહી છે. મેં આજે પેલું વિશાળ બેનર જોયું...! કેવી સુંદર તક લઈને એ આ શહેરમાં યુવાદિલોની ધડકન બનીને લટકી રહ્યું છે ! પણ શું કરું એ બોર્ડની જાહેરાતને...! પપ્પાજી તો પરિવારનાં પુરૂષોને પણ બહાર જવા દે નહીં, તો મારો મુંબઈ જવાની વાત સાંભળીને એમનો ગુસ્સો સાતમા આસમાન ઉપર પહોંચી જાય ને...! મારા પપ્પાને ત્યાં જવાનું બહાનું કાઢું, તો પણ માંડ પંદર વીસ દિવસ જવા દે... અને જો મારું સીલેકસન થાય તો મારે તો લાંબો સમય અન્ય સ્પર્ધકો સાથે હોટેલમાં જ રહેવું પડે...! ના... ના... મારે મારી કળાની આહુતી આપવી જ પડશે.' એના કમરાનું ડોર કોઈકે નોક કર્યું...
'ભાભી હું, રાધા છું. પપ્પા આવી ગયા...! કીચનમાં આવી જાવ...' રાધા ધીમા સ્વરે બોલી...
યુવીકા રસોઈઘરમાં આવી, અને એક પછી એક પાંચ ડીશ તૈયાર કરી. સૌ ડાયનીંગ ટેબલ ઉપર ગોઠવાયાં યુવીકા પણ માનિની પાસે આવી બેઠી.
'બેટી માનિની, હવે સ્ટમક પ્રોબ્લેમ ઠીક થયો કે નહીં.' અને પછી સ્હેજ અટકી રૂદ્રવીર બોલ્યા... 'બેટી, યુવીકા તારી બહેન છે. તારે એને ટુવ્હીલર દુકાને મોકલવી જોઈતી ન હતી. મને ફોન કર્યો હોત, તો એ ટેબ્લેટ લઈને કોઈ માણસ આવી ગયો હોત... યુવીકાને અહીંના રસ્તા, ટ્રાફિક અંગે હજુ જ્ઞાન નથી. આઠ દસ મહિનાથી અહીં આવી છે, પરંતુ ! ખેર આગળ જતાં આ વાત યાદ રાખજે.'
માનિનીએ 'હાજી પપ્પા' કદી ત્રાંસી નજરે સૌ તરફ જોયું. એ સ્વગત બોલી, 'મહારાણીે માત્ર દશ મહિનામાં એવો તે શો જાદુ કર્યો છે કે શ્વસૂરજી હંમેશ યુવીકા નામની માળા ભજે છે. ખેર, ખીર ખાવા દે, સૌને...!' જોઉં છું, આટલી ગળી ખીર કોના ગળે ઉતરે છે... પાંચ સાત ચમચી ખાઈને બધાં જ ખીરનાં વાટકા છોડી ઉઠી જશે. આ તકનો આજે બરાબર ઉપયોગ કરવો છે. હું કહીશ, 'યુવીકાને બધાંએ મોં એ ચઢાવી છે. એનું ચિત ઠેકાણે જ ક્યાં છે ?'
મનમાં અવનવાં અહંકારના બીજની કુંપળી કાઢતી. એ વારંવાર બધાં તરફ નજર કરતી હતી. પણ એનાં અહંકારની કુંપળી પળવારમાં અકાળે મુરજાઈ ગઈ સૌ એ બે બે વાટકા ખીર આરોગી! એ તિરસ્કારભરી નજર કરી, ખીરની વાટકી છોડી ઉઠી ગઈ.
'અરે... બેટી, એબ્ડોમન પેઈન છે, તો પણ ખીર તો ખવાય ને...!' રૂદ્રવીર બોલ્યો.
'ના પપ્પા, મને ખીર ભાવી નહીં...! કદાચ તબિયત ઠીક નથી એટલે...' અને માનિની પોતાનાં ઓરડામાં આવી ગઈ...
લંચ નીપટાવી સૌ પોતપોતાનાં કામ ઉપર બહાર નીકળી ગયા. રાધા સાથે ડાઈનીંગ ટેબલ, કીચન સાફ કરી યુવીકા પોતાના કમરામાં આવી. ભૂલથી એ પોતાના ઓરડાનું બારણું બંધ કરવાનું ભૂલી ગઈ હતી. એણે પોતાનો મન પસંદ ચૂડીદાર પહેર્યું, ગળામાં સ્ટોનની માળા, કાનોમાં ઝૂમખા પહેર્યા...! એ દર્પણ પાસે આવી ઉભી રહી...! એણે મધુર સ્વરોમાં ગીત રેલાવ્યું.
સાજન મોરે... સજની કો ભૂલ ન જાના,
પીયા મોરે તું કાન ને હું છું, રાધા.
ગોકુળના રાસ રમનારો, ઓ મેરે સજના,
તેરી પ્રીતડી છે, મને બહુ પ્યારી પ્યારી.
માનિનીનાં કર્ણપટ ઉપર યુવીકાના ગીતના ધ્વની પડયા... એ ધીમા પગલે યુવતીના કમરાની અર્ધખુલ્લી ખીડકી પાસે આવી. એ સ્વગત બોલી, 'વાહ, તો મહારાણી સંગીતશાસ્ત્રી છે ! ડાન્સર પણ છે. એણે યુવીકાનો ડાન્સ મોબાઈલમાં વીડીઓ ક્લીક કર્યો અને ચૂપચાપ રૂમમાં આવી ગઈ.'
ડાન્સ પુર્ણ કરી યુવીકાએ કપડાં બદલી કાઢ્યાં. એ માનિનીના કમરામાં આવી... 'મોટીબેન, મને આજે ગમતું નથી.'
'શું થયું...? કૌતુકભાઈની યાદ સતાવે છે ?' માનિની બોલી...
'ના... મોટીબેન...! એક વાત કરું...! ગુપ્ત રાખજો...! પપ્પાની શૉપ પાસે મેં એક બેનર જોયું છે ! મુંબઈની એક કંપની નવશીખાયા કલાકારોની શોધમાં આ શહેરમાં આવી છે. મારું એ સ્પર્ધામાં ભાગ લેવા મન થનગને છે. પરંતુ પપ્પાનો ડર લાગે છે...' યુવીકા બોલી...
'વાત તો સાચી છે...! પરંતુ મારી પાસે એક યોજના છે...! મેં પણ એ હોર્ડીગ જોયું છે...! એ કોન્ટેસ્ટનો મુખ્ય આયોજક પરીક્ષિત મારો દૂરનો સ્નેહી છે. હું તો ત્યાં જઈ પણ આવી છું. પરીક્ષિતે મને ના પસંદ કરી છે, પણ કદાચ તને ! તું કોશીશ કરી જો...! હું અહીં સંભાળી લઈશ...! આમ પણ બધા સાંજે છ વાગ્યે આવશે. હું પરીક્ષિતને ફોન કરી. તારી ભલામણ કરી દઉં છું.' કહી માનિનીએ પરીક્ષિતને ફોન જોડયો...
'હા...! પરીક્ષિત...! જો ભયલા...! તારી દીદીનું એક કામ કરવાનું છે. મારી દેવરાણી યુવીકા...' પરંતુ માનિનીને અટકાવી સામેથી પરીક્ષિત બોલ્યો...
'દી...દી, તું એને હોટેલ અંબર ઉપર મોકલી આપ. હું અડધા કલાક પછી સ્પર્ધકોનો ટેસ્ટ લેવા જઈશ. ત્યાં ગીરદી છે. યુવીકાનો સ્ક્રીન ટેસ્ટ હું હોટેલ ઉપર લઈ લઈશ...!' કહી પરીક્ષિતે ફોન કાપ્યો...
યુવીકા તો માનિનીનો આભાર માનતી, સત્વરે અંબર હોટેલ તરફ હંકારી ગઈ. અહંકારી માનિનીએ આ તકને સોનાના સિક્કાની માફક વાપરવાની યોજના ઘડી કાઢી. એણે ફરીથી પરીક્ષિતને ફોન જોડયો અને પોતાની કપટી યોજના તેને કદી સંભળાવી... એ સાંભળી તે બોલ્યો...
'દીદી...! યુવીકા પ્રત્યે એવું તે કયું ઝેર તમારા મગજમાં છે, તે તમે એ બિચારીને તમારા અહંકારની કપટી જાળમાં ફસાવવા માંગો છો...! ખેર... તમારા પરિવારનાં મારા ઉપર ઉપકાર ઘણાં છે, તમારું કામ કરીશ, પરંતુ દીદી, આવી અહંકાર પોષી, તમે તમારી નજરોથી નીચે પડશો, એ નિર્વિવાદ છે. પાપીનાં પાપ ભલે રૂ જેવા હલકાં લાગે, પરંતુ એનો બોજો પથ્થર જેવો વજનદાર હોય છે.' કહી પરીક્ષિતે ફોન કાપ્યો...
'જો...યો... મોટો સંત...! પોતાનાં પાપ ઓછા લાગે છે, એને પરંતુ મને શીખામણ.....મારા મહોલ્લાની છોકરીને ભગાડી ગયો હતો, ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું હતું. એ તો મારા પિતાએ પોલીસને હાથમાં લઈ એને બચાવ્યો હતો. નહીં તો જેલમાં સડતો હોત ? માનિની ગુસ્સો કરી સ્વગત બોલી.
એકાદ કલાક વીતી ગયો...! માનિની હવે યુવીકાની રાહ જોવા લાગી. એ સ્વગત બોલી, 'ફરીથી બીમારીનું બહાનું કરી સૂઈ
જવા દે...'
અચાનક એને ઢંઢોળી યુવીકા બોલી... 'મોટીબેન ધન્ય છે, તમને અને તમારી પહેચાનને...! મોટીબેન, આઈ એમ સીલેકટેડ...! જુઓ આ ગોલ્ડન માઈક-આઈ,એમ સ્ટ્રેટ ગોન ઓન ટોપ ટ્વેન્ટી...! પણ મારે તો આવતીકાલે સાંજ સુધીમાં મુંબઈ પહોંચવું પડશે. શું હું જઈ શકીશ...? શું પપ્પા પરવાનગી આપશે...? અને યુવીકા રડી પડી...
ગાંડી છે, તું...! જો સાંભળ...! અહીં કોઈ તારી કળાનું કદરદાન નથી. તું છાની માની મુંબઈ ભાગી જા...! સવારે પાંચ વાગ્યે મુંબઈની ફ્લાઈટ છે. હું અહીં બધું સંભાળી લઈશ...' માનિની બોલી.
'મોટીબેન..., ફાઈનલ એવોર્ડ વીનરને બે ફીલ્મમાં ગીત ગાવાની તક પણ મળશે...' યુવીકા બોલી...
'અને... આ તારી માનિની મોટીબેન સૌને ગર્વપૂર્વક કહેશે. જુઓ મારી દેવરાણીનું ગીત આવે છે...!' માનિની બોલી અને બંને હવાઈ કીલ્લાનાં ઝરૂખે બેસી ખડખડાટ હસી પડયાં.
યુવીકા તો માનિની પ્રપંચજાળ સમજ્યા વિના મુંબઈ ચાલી ગઈ હતી. પરિવારમાં માનિનીએ શ્વસૂર, પતિ, દેવર સૌને કહ્યું હતું કે યુવીકાની માતા બીમાર છે, એટલે એના પિતાએ એને મુંબઈ બોલાવી હતી. મોડી રાત્રે ફોન આવ્યો હતો, એટલે એ મને જણાવી ચાલી ગઈ હતી.
ંપંદર દિવસ વીત્યા પછી રૂદ્રવીરે એક દિવસ કહ્યું, 'યુવીકાને આટલો લાંબો સમય એના પિતાએ રોકવી નહી જોઈતી હતી.'
'પપ્પા, તમે ત્યાં વાત તો કરી હતી. ભલે રહેતી દશ મહિના પછી માતાની સેવા કરવા ગઈ છે.' પુરંજને કહ્યું અને ત્યાં જ એ વાત અટકી હતી.
***
એક દિવસ પુરંજને પત્ની માનિનીને કહ્યું, 'માનિની, મારું રોલેક્ષ ઘડીયાળ તારા જ્વેલરી બોક્ષમાં હતું. મને એ કાઢી આપને...'
'પુરંજન, આ રહી કબાટની ચાવી. હું પપ્પાનું ટમેટો જ્યુસ બનાવું છું. ટમેટોની છીણથી મારા હાથ ગંદા થઈ ગયા છે.' માનિની બોલી.
પુરંજને માનિનીનો જ્વેલરીબોક્ષ ખોલ્યો. એની નજર એક હાર ઉપર પડી. એ સ્વગત બોલ્યો, 'આ હાર તો યુવીકાનો છે. યુવીકાના મમ્મી સૌ પ્રથમ અહીં આવ્યાં હતાં, ત્યારે તો તે
એને આપી ગયા હતા. તો શું તે દિવસે માનિની લગ્નમાં પહેરી ગઈ હતી, અને હાર ખોવાયાનું નાટક કર્યું હતું! શું યુવીકાને મુંબઈ રવાના કરવા પાછળ પણ આ માનિનીનું જ કોઈ તરકટ તો નથીને...!' એણે માનિનીને કમરામાં બોલાવી. એણે માનિનીની ઉલટ તપાસ લીધી, પરંતુ તેનો સૂર બદલાયો નહીં...! પુરંજનને પત્ની ઉપર વિશ્વાસ ઓછો હતો. પુરંજને કચેરીમાં આવી, ત્રણ દિવસની રજા લીધી...! એ સીધો મુંબઈ આવી ગયો. યુવીકાની માતાને જોઈને એ આશ્ચર્ય બોલ્યો...
'આન્ટી, તમે તો બીમાર હતાં ને...!' અને... આન્ટી તો ડઘાઈ ગયાં. એ ગલ્લાંતલ્લાં- અડધાએક કલાકમાં આન્ટી ભાંગી પડયાં. એ બોલી ભાઈ, અમને માફ કરો. નાદાન યુવીકા અને માનિની એ મોટી ભૂલ કરી છે. કોઈક પરીક્ષિત નામનો ફીલ્મ મેકર છે...! યુવીકા એની ચુંગલમાં ફસાઈ છે. ગઈકાલે બપોરે એ ઘરે આવી ન હતી. તે પહેલાં તો એ ઘરેથી ઑનલાઈન ટેસ્ટ આપ્યા કરતી હતી, પરંતુ ગઈકાલે સવારે અને સ્ક્રીન ટેસ્ટ માટે રૂબરૂ બોલાવી હતી...! સાંજે ચાર વાગ્યે એનો ફોન આવ્યો હતો. એ બોલી હતી, 'મમ્મી, મારી સાથે પ્રપંચ થયું છે. સીલેક્ટેડ કેન્ડીડેટોની નામાવલીમાં મારું નામ જ ન હતું. પેલું ગોલ્ડન માઈક તો ફર્જી છે. પરીક્ષિત એક સાધારણ એન્કર છે. એનું અહીં જરા પણ વજન નથી પડતું... મારાં જેઠાણી માનિનીએ મને એમની પાસે મોકલી, મોટી ભૂલ કરી હતી... હું ગમે એમ કરી છટકી બહાર તો નીકળી છું, પરંતુ મારી પાછળ ગુંડા પડયા છે. એ કોના કહેવાથી મારી પાછળ પડયા છે, ખબર નથી ! હું કલામંદિર સ્ટોરમાં છું. પપ્પાને જણાવી તું એકાદ પોલીસ સાથે પપ્પાને આવવા જણાવ... મારી ચિંતા નહીં કરતી તું.' ભાઈ આ વાત છે. તમે આવ્યા, એટલે...! પણ સાંભળી લેજો... મને ચિંતા થાય છે. રૂદ્રવીરજીનાં તીખા સ્વાભાવની...' કહી તે રડી પડયાં... 'મારી યુવીકાની જીંદગી તમારા હાથમાં છે.'
'આન્ટી... ચિંતા નહીં કરો. આ રહસ્ય હવે હું, તમે, તમારા પતિ અને યુવીકા સિવાય ચોથી વ્યક્તિ ક્યારેય જાણશે નહીં...!' પુરંજન બોલ્યો.
આ વાત ત્યાં જ અટકી. યુવીકાને લઈને એનાં પપ્પા આવી ગયા. પુરંજનને જોતાં યુવીકા તેનાં ખોળામાં માથું મુકી ધૃષ્કાફાટ રડી પડી... 'મોટાભાઈ મને માફ કરો' એ ક્ષણેક પછી બોલી... તેજ દિવસે બંને ઘરે આવવા નીકળી ગયા.
***
યુવીકા અને પુરંજન ઘરે આવી ગયા. એને જોતાં રૂદ્રવીરે ઘાંટો પાડયો... 'યુવીકા, માનિનીએ મને આ ફીલ્મ બતાવી...! ભલે તું કમરામાં નાચતી હતી, પરંતુ તો પણ શું...? મર્યાદાની પાળ તેં તોડી નાંખી...! અને મુંબઈ પણ તું...! મેં માનિનીને ગભરાવી, ત્યારે એણે તારી પોલ ખોલી છે જુઠી વાત ઉપજાવી તું...'
પપ્પા, યુવીકાને પસ્તાવો થયો છે. હવે વાત વધારવાની શું મતલબ અને ભૂલ તો આ માનિની છે...! એણે જ યુવીકાને પરિક્ષીત પાસે મોકલી હતી. એનું ત્યાં કંઈ જ ઉપજતું નથી...! બદમાશ, સામાન્ય એંકર છે...! હવે યુવીકા આ કળાનો સહારો જીવનભર નહી લેશે, એની ખાતરી હું તમને આપું છું અને પછી કૌતુકને ઉદ્દેશી પુરંજન બોલ્યો વહુને કમરામાં લઈ જા...! એ નિર્દોષ છે...! કપટી તો આ તારી ભાભી છે... આજે એક વાત કહું છું, 'પપ્પા...! યુવીકાનો સોનાનો હાર પણ આ તમારી મોટી વહુએ તફડાવ્યો હતો પરંતુ તેને અટકાવી રૂદ્રવીર બોલ્યો...
ચાલો હવે...! બધાં શાંત થઈ જાવ...! સુધરી જાવ સૌ...! નાના સરખા ઘોંસલામાં પ્રેમથી રહેવાનું હોય...! અહંકારી બની કપટ નહીં કરાય ! મને તો બંને વહુ દીકરી જેવી વ્હાલી છે...!