ડાયાબિટીસ માપવાની નવી પદ્ધતિ .

Updated: May 4th, 2024


Google NewsGoogle News
ડાયાબિટીસ માપવાની નવી પદ્ધતિ                         . 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

સી જીએમએસ(CGMS) ડાયાબિટીસના દર્દી માટે સુગર માપવાની એક એવી પદ્ધતિ છે કે જેમાં કંટીન્યુઅસલી ૧૦થી ૧૪ દિવસ સુધી તમારી સુગર માપી શકાતી હોય છે. CGMS એટલે કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનેટરીંગ સિસ્ટમ એક ૫ mm જાડાઈવાળા કોઈન સાઈઝના ડિવાઇસથી બનેલું છે. આ ડિવાઇસ દર ૧૨થી ૧૫ મિનિટે તમારું બ્લડ સુગર માપીને ગ્રાફ ફોર્મમાં ૨૪ કલાકનો ૧૫ દિવસનો સુગર રિપોર્ટ આપે છે.

સીજીએમએસમાં  સુગર માપી શકાય?

સીજીએમએસમાં ચામડીના નીચેના ભાગમાં રહેલ પ્રવાહીનું સુગર માપી શકાતું હોય છે જેની અને તમારા બ્લડ સુગરની વચ્ચે થોડોક તફાવત હોય છે. પરંતુ મોટા ભાગના કેસમાં આ તફાવત નજીવો હોવાના કારણે તમારા બ્લડ સુગરનો અંદાજ આના પરથી મેળવી શકાતો હોય છે. હાલ પ્રચલિત ડિવાઇસમાં દર ૧૫ મિનિટે એકવાર એવી રીતે એક દિવસમાં ૧૦૦  વાર એટલે કે ૧૪  દિવસમાં ૧૪૦૦  વાર તમારી સુગર આમાં માપી શકાતી હોય છે.

સીજીએમએસ કોના માટે જરૂરી છે?

આમ જુઓ તો ડાયાબિટીસના બધા જ દર્દીએ વર્ષમાં ૧થી ૨ વાર સીજીએમએસ કરવું જોઈએ. પરંતુ તે થોડું ખર્ચાળ હોવાના કારણે સામાન્ય રીતે નીચેના દર્દીઓને સીજીએમએસની ભલામણ કરવામાં આવે છે. 

૧. જે વ્યક્તિને ટાઈપ વન ડાયાબિટીસ હોય તેણે અચૂક નિયમિત પ્રમાણે સીજીએમએસ કરવું જોઈએ.  ૨. ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓ પણ જે ઇન્સ્યુલિન લે છે એ લોકો માટે સીજીએમએસ જરૂરી છે. ૩. જે વ્યક્તિને અવારનવાર હાઇપોગ્લાયસીમિયા થતું હોય તેને માટે સીજીએમએસ ખૂબ જરૂરી છે. ૪. જે વ્યક્તિને ડાયાબિટીસની દવાઓ લેવા છતાં કાબુમાં ન રહેતો હોય, વધ-ઘટ થતી હોય તેને માટે સીજીએમએસ ખૂબ જરૂરી છે. 

૫. ખોરાકની કઈ વસ્તુથી તમારી સુગર વધી જાય છે કે નથી વધતી તે જાણવા માટે પણ સીજીએમએસ ખૂબ ઉપયોગી છે.

આ ટેસ્ટ કેવી 

રીતે થાય છે?

આ ટેસ્ટ ખુબ જ સરળ છે અને દર્દી જાતે પણ કરી શકે છે. એક રૂપિયાના સિક્કા જેટલી એક નાનકડી ડિવાઇસ તમારી ચામડી પર મૂકવામાં આવે છે. આ ડિવાઇસ ચામડી પર ચોંટી જાય છે. ત્યારબાદ તેમાં દર ૧૫ મિનિટે તમારી સુગર ચેક થયા કરે છે. આ ડિવાઇસ નીકળી ન જાય તે માટે નાહતી વખતે તમે હાથ ઘસી ન કાઢો એનું ધ્યાન રાખવું પડે છે. ડિવાઇસ વોટરપ્રુફ હોવાના લીધે નાહતી વખતે અથવા તમે સ્વિમિંગ કરતા હોવ તો પણ વાંધો આવતો નથી. સામાન્ય રીતે ડિવાઇસ લગાવ્યા પછી ૩ થી ૭ દિવસે તમારા ડોક્ટરને તેનું રીડિંગ બતાવવાનું હોય છે. જેના આધારે તમારા ડોક્ટર તમારા ખોરાક અથવા દવા કે ઇન્સ્યુલિનના ડોઝમાં વધ-ઘટ કરી શકે છે. ખોરાક દવા કે ઇન્સ્યુલિનમાં ફેરફાર કર્યા પછી ફરીથી ૧૪માં દિવસે આ ડિવાઇસ રેકોર્ડ લીધા પછી કાઢી લેવામાં 

આવે છે.

ડિવાઇસ લગાવ્યા પછી શું ધ્યાન રાખવું

તમારો હાથ ક્યાંય અથડાય નહીં અને નાહતી વખતે તમે એ ભાગ બહુ ઘસી ન કાઢો એટલું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક વાર આ ડિવાઇસ જાતે જ નીકળી જતું હોય છે અથવા આ ડિવાઇસ બિનકાર્યરત થઈ જતું હોય છે. તાજેતરમાં એવું ડિવાઇસ પણ આવે છે કે જેનું રીર્ડિંગ તમે તમારા મોબાઇલ પર જ જોઈ શકો. અલબત્ત એ ડિવાઇસ સામાન્ય કરતા થોડું વધારે મોંઘું હોય છે.

સીજીએમએસ ના ફાયદા કયા છે?

સીજીએમએસ દ્વારા તમારું સુગર ક્યારે વધે છે, શું કરવાથી વધે છે, શું ખાવાથી વધે છે, કઈ દવાથી ઓછું થાય છે, કઈ દવાની અસર થાય છે 

એ બધી જ જાણકારી મેળવી શકાતી હોય છે. ઉપરાંત તમે કોઈ કસરત કરતા હોવ તો એ દરમિયાન તમારા સુગરમાં શું ફેરફાર થાય છે એ પણ જાણી શકાય છે. બીમારી દરમિયાન અથવા માનસિક તણાવ દરમિયાન પણ તમારા સુગરમાં શું ફેરફાર થાય તે સચોટ રીતે જાણી શકાય છે. સામાન્ય રીતે સીજીએમએસ કર્યા પછી સુગરની વધ-ઘટ કયા કારણથી થાય છે અને તેનું નિદાન અને નિવારણ કરવામાં આવે તો હાયપોગલાઈસેમિયા ઘણા ખરા કેસમાં રોકી શકાતો હોય છે.

શું સીજીએમએસ કરીએ તો ગ્લુકોમીટરથી ટેસ્ટ કરવાની જરૂરિયાત ખરી?

સીજીએમએસ લગાવ્યું હોય તે ૧૪ દિવસ દરમિયાન ગ્લુકોમીટરથી તપાસ કરવાની જરૂરિયાત હોતી નથી. પરંતુ અમુક સીજીએમએસ ડિવાઇસ સાથે કેલિબ્રેટ કરવા માટે દિવસમાં ૨ કે ૩ વાર ગ્લુકોમીટરથી પણ ચેક કરવું જરૂરી હોય છે.

સીજીએમએસનો રિપોર્ટ કેવી રીતે જોવામાં આવે છે?

સામાન્ય રીતે તમારી સુગરની રેન્જ નક્કી કરવામાં આવે છે. જે મોટાભાગના દર્દીઓ માટે ૭૦થી ૧૮૦ સય%ની હોય છે. તમારું સુગર આ રેન્જમાં (Time in Range)  કેટલો સમય માટે રહે છે આ રેન્જથી ઓછું (Time Below Range)  એટલે કે હાઇપોગ્લાઇસીમિયા કેટલો સમય થાય છે અને આ રેન્જથી વધારે (Time Above Range) કેટલું રહે છે એના દ્વારા તમારો ડાયાબિટીસ એકંદરે કાબુમાં છે કે નહીં એ નક્કી કરવામાં આવે છે.

કયા સંજોગોમાં સીજીએમએસ યોગ્ય નથી?

હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે સીજીએમએસનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવતો નથી.


Google NewsGoogle News