Get The App

રસીલાબેન રસોઈવાળા .

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
રસીલાબેન રસોઈવાળા                                             . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

'બા પુજીની રોટલીમાં ઘી વધારે લગાડવાનું' 'કરણની રોટલી સાવ કોરી' 'દુષ્યંતને દાળ ગાળીને આપવાની, એને કોથમરી જરાય ન ભાવે' 'ચૈતાલીભાભીનું બધું કાંદા-લસણ વગરનું. જૈન ઘરની દીકરી વૈષ્ણવના ઘરમાં પરણીને આવી છે ને, એટલે' કંકુબા મારા હાથના ભાખરીના પીઝા પણ બોખે દાંતે ખાઈ જાય, પાછા બોલે, 'રસીલા વહુ, તારા હાથમાં જાદુ છે, જાદુ!' ચાવતા ચાવતા ચિરાયુ ટહુકો કરે, 'રસીલા આંટીના હાથમાં જાડૂ છે, જાડૂ' હું રસોડામાંથી વેલણ બતાવીને ડોળા કાઢું એટલે એ ખિખિયાટા કરતો લેપટોપમાં ઘૂસી જાય. કંકુબા ટહુકે, 'સાંજે પાસ્તા બનાવજો, લાલ રસાવાળા!' એ રેડ ગ્રેવીને લાલ રસો કહે. 'સાંજે તો વાટી દાળના ઢોકળાનું પલાળ્યું છે,બા.'  પાછળથી વિપુલભાઈ બોલે, 'પલાળ્યું છે તો હવે મુંડાવી નાખો રસીલાબેન.' 

દિલીપ રાવલની આ ટૂંકી વાર્તા કહેવાઈ છે રસીલાબેનને મુખે, જે પાંચ ઘરની રસોઈ કરીને જીવનનિર્વાહ ચલાવતા. તેમનું નામ જ પડી ગયેલું 'રસીલાબેન રસોઈવાળા.' માત્ર કંકુબા 'રસીલા વહુ' કહેતાં. રસીલાની મા તેને નાનપણમાં રસોઈ શીખવતી. બાપુને ગમતું નહિ. તેમની ઇચ્છા તો તેને ડોક્ટર બનાવવાની હતી. એક વાર તવો અડતાં રસીલા દાઝી ગઈ ત્યારે બાપુ રડેલા. ડોક્ટર બનાવવાનું સપનું જોતા બાપુ પોતે ડોક્ટરની સારવાર પણ ન પામ્યા અને પહેલા એટેકમાં જ ગયા. પોતાને દાઝેલી ન દેખી શકનાર બાપુને મુખાગ્નિ રસીલાએ જ આપવો પડયો. સાસરિયામાં સુખ ન મળ્યું. સાસુ કડવા મોંની. મોટી ઉંમરનો ધણી ગુજરી ગયો, અને નાનકડા રુદ્રનો ઉછેર કરવા માટે રસીલાબેને રસોઈકામ સ્વીકારી લીધું. પેટે પાટા બાંધીને ડોક્ટર બનાવ્યો. હવે તો બોસ્ટનમાં તેની ધીખતી પ્રેક્ટિસ ચાલે. ગ્રેટા નામે અશ્વેત ડોક્ટર સ્ત્રી સાથે તેણે લગ્ન કરી લીધું. 'મમ્મી, તેં ખૂબ કર્યું કામ, હવે અમેરિકા આવી જા, આરામ કર.' રુદ્રે આગ્રહપૂર્વક રસીલાબેનને તેડાવી લીધાં. ઇમિગ્રેશનમાં ધોળિયા અફસરે પૂછયું, 'વ્હોટ ઇઝ ધ પરપઝ?' રસીલાબેન આવડયું તેવું બોલ્યાં, 'માય સન.' 'ગુડ લક મોમ,' પેલાએ હસીને થપ્પો મારી દીધો.

ગ્રેટા એરપોર્ટ પર લેવા આવેલી. ઘર સુધીની પોણા કલાકની ડ્રાઇવમાં એક શબ્દ પણ ન બોલી. રસીલાબેનને જાણ થઈ કે ગ્રેટાને છઠ્ઠો મહિનો જાય છે. તેમણે હરખાઈને શુકનની લાપશી રાંધી... કોઈએ ન ખાધી. 'મમ્મી, પ્લીઝ, આ તારું ઇન્ડિયા નથી સમજી? માઇન્ડ યોર ઓન બિઝનેસ.' 'બધી લાપશી ગાર્બેજ કરવી પડી, કારણ કે અહીંના તો કૂતરા પણ ક્યાં લાપશી ખાય છે?' થોડા જ સમયમાં સમજાઈ ગયું કે રુદ્રને મા-ની નહિ, વાઇફની ડીલિવરી કરાવનાર 'મેઇડ'ની જરૂર હતી. જાતજાતનું રાંધવાના ઓર્ડર છૂટવા માંડયા. પાર્ટી હોય ત્યારે ત્રણનું મેનુ ત્રીસ પર પહોંચે. રસીલાબેનને ગ્રોસરી સ્ટોર પર છોડી દેવામાં આવે, ખરીદી પછી સીધા ઘેર. ગ્રોસરી સ્ટોર લઈ જવા કાર હતી પણ મંદિરે લઈ જવા નહિ. દેશમાં રાંધવાના રુપિયા મળતા હતા. અહીં કશું નહિ, કદર પણ નહિ. વાસણ માંજવાનાં તે લટકામાં. ટીવી જોવા માટે ઇંડિયન ચેનલ નહિ. ગુજરાતી છાપાં તો ક્યાંથી હોય?

વોક પર જવાનું શરૂ કર્યું. સંદીપ પટેલ 'સેન્ડી' નામના યુવાન સાથે પરિચય થયો. તેના મોબાઇલ પરથી દેશમાં ફોન કર્યો જયમીનને, જેને ઘેર પોતે રાંધતાં હતાં. પેલો તો રડી પડયો, 'માસી, તમારા હાથના મેથીના સક્કરપારા બહુ મિસ કરું છું.' જાણવા મળ્યું કે કંકુબા ગુજરી ગયા. રસીલાબેને ઘેર આવીને પંદરમા અધ્યાયનું પઠન કર્યું. પાછા ફરવાની વાત મૂકી તો દીકરાએ રોકડું પરખાવ્યું, 'હમણાં તારી ટિકિટનો ખરચો પોસાય એમ નથી.' પેટનો જણ્યો પારકો થયો ત્યારે પારકો વહારે આવ્યો. જયમીને એર ટિકિટ મોકલાવી. રસીલાબેને અમેરિકાને રામ-રામ કર્યાં. જતાં પહેલાં દીકરા-વહુ માટે સાંજની રસોઈ જોકે કરી લીધી. એરપોર્ટથી દીકરાને ફોન કર્યો. તે બરાડયો, 'હેવ યુ ગોન મેડ? અક્કલ છે કે નહિ?' તેના સ્વરમાં મા ગયાનું દુઃખ નહોતું, 'અમારું શું થશે'ની ચિંતા હતી. રસીલાબેને એટલું જ કહ્યું, 'નાવ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ!' ત્યાં પેલો ઇમિગ્રેશનવાળો ધોળિયો ઓફિસર સામો મળ્યો, 'ઇન્ડિયન મોમ! ગોઇંગ બેક? વ્હાય સો સૂન?' રસીલાબેન બોલ્યા, 'માય સન.' 

એરપોર્ટ પર જયમીન લેવા આવેલો. 'તમારું ઘર કાલે ઉઘાડજો, ટુડે યુ આર માય ગેસ્ટ.' પોતાને ઘેર રસીલાબેનને જમાડયાં અને મિત્રોનો સંપર્ક કરી નવા ગ્રાહકો બંધાવી આપ્યા.

લોહીની સગાઈ કરતાં સ્નેહની સગાઈ મોટી. રુદ્રે મમ્મીને અમેરિકા તેડાવી, પણ શોષણ કરવા. તેનાં વર્તનમાં કે વાણીમાં નથી વહાલ કે નથી વિવેક. એનાથી વિપરીત જેને ઘરે રાંધવાનું કામ કરતાં હતાં તે સૌ આત્મીયતાથી વહેવાર કરે છે. લેખકે માનવ સ્વભાવનાં બન્ને પાસાં દર્શાવ્યાં છે. વાર્તામાં સંવાદોનું બાહુલ્ય છે. સંવાદો લખાયા નથી પણ બોલાયા છે. દિલીપ નાટયકાર પણ છે, અને કંકુબા, વિપુલભાઈ, ચિરાયુની ઉક્તિઓ વયાનુસાર સુસંગત છે. લેખનમાં સંવાદિતાનો ગુણ છેઃ 'બાપુને હોંશ હતી કે રસીલા ડોક્ટર બને' એમ કહ્યા પછી લેખક તરત કહે છે કે 'તેઓ ડોક્ટરની સારવાર પણ ન પામ્યા.' બાપુ રસીલાનું દાઝવું દેખી ન શકેલા પણ રસીલાએ જ તેમને મુખાગ્નિ આપવો પડયો. દીકરો વાતે વાતે 'માઇન્ડ યોર ઓન બિઝનેસ' કહેતો હતો, લેખકે રસીલાબેનને પણ એક તક આપી બોલવાની કે 'નાવ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ!' રસીલાબેન ઇમિગ્રેશન ઓફિસરને અમેરિકા આવવાનું અને પાછા જવાનું કારણ એકનું એક આપે છે, 'માય સન.' શૈલીના આ ગુણને 'આયરની' - વિડંબના કહે છે. લેખક ઇમિગ્રેશન ઓફિસરને 'ધોળિયો'  તથા ગ્રેટાને 'હબસણ' 'સગડીનો કોલસો' કહે છે, અમેરિકામાં આવા ઉલ્લેખો અપમાનજનક લેખાય છે. વાર્તાનો દરેક પ્રસંગ સહેતુક લખાયો છે. આ થીમ પર અન્ય વાર્તાઓ નથી રચાઈ એવું નથી, પણ મહત્ત્વ કથાનું નહિ, કહેણીનું હોય છે. લેખક સમકાલીન ભાષામાં સપાટાભેર ગતિ કરતી વાર્તા રચી શક્યા છે તેનો આનંદ.


Google NewsGoogle News