વડોદરાનાં વિદ્યાલયમાં વલ્લભભાઈ ભૂલાયા
- સરદાર @150-હસિત મહેતા
- વલ્લભભાઈ પટેલનું શાળાજીવન તેના નિયત સમય કરતાં બે-ત્રણ વર્ષ મોડું શરૂ થયેલું
આ જથી સવાસો વર્ષ પહેલાંની વાત છે. એ સમયે સાધારણ રીતે અંગ્રેજી ભણવા માંગતો વિદ્યાર્થી ગુજરાતી ચાર ચોપડી ભણીને તુરંત જ પહેલી અંગ્રેજીમાં દાખલ થઈ જતો. પરંતુ કરમની કઠણાઈ તો વલ્લભભાઈને ગળથૂંથી સાથે આવી હતી. તેઓ સાત-આઠ વર્ષના થયાં ત્યાં સુધી તો ઘરે બેસી રહેવું પડેલું. પછી એમનું કરમસદની ગુજરાતી શાળામાં ભણવાનું શરૂ થયું હતું, અને છેક સાતમી સુધી ગુજરાતીમાં ભણવું પડયું હતું. જ્યારે તેમના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ તો પાંચમા વર્ષથી જ સ્કૂલમાં દાખલ થઈ ગયા હતા અને ચોથી ગુજરાતી પછી અંગ્રેજી શાળાએ પહોંચ્યાં હતા.
વલ્લભભાઈ પટેલનું શાળાજીવન તેના નિયત સમય કરતાં બે-ત્રણ વર્ષ મોડું શરૂ થયેલું. ઘરની આર્થિક સ્થિતિ, માતાપિતાની સંતાન ઉછેર પ્રત્યેની ઉદાસીનતા, વચેટ બાળકને મળતી ઉપેક્ષા અને કરમસદની શાળામાં અગવડો વચ્ચે વલ્લભભાઈ ગુજરાતી ધોરણમાં ભણવાનું છેક ઈ.સ.૧૮૮૨માં જીવનના સાતમા વર્ષે શરૂ કરી શક્યા હતા, અને તે પણ છેક સાતમી ગુજરાતી સુધી ચાલ્યું. તેમને પહેલેથી જ અંગ્રેજી માટે ભારે આકર્ષણ. મેટ્રિકના વર્ષોમાં તો તેઓ વિદ્યાર્થીઓને ભેગા કરીને અંગ્રેજીમાં ભાષણ પણ આપી શક્તા, પરંતુ સામાજિક અને કૌટુંબિક સંજોગોએ વલ્લભભાઈને છેક સાતમી સુધી ગુજરાતી સ્કૂલમાં જકડી રાખ્યાં, અને તેથી કરીને તેમનો અંગ્રેજી શિક્ષણનો આરંભ ઘણો મોડો, ચૌદ વર્ષની ઉંમરે શરૂ થયો હતો.
પહેલાં કરમસદની એક ગુજરાતી નિશાળમાં, એ પછી કમરસદમાં જ નવી શરૂ થયેલી ખાનગી અંગ્રેજી સ્કૂલમાં, ત્યાંથી પેટલાદની અંગ્રેજી હાઈસ્કૂલમાં અને છેલ્લે નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં મેટ્રિક થવા માટેની શાળાસફર, એ વલ્લભભાઈના જીવનનો ખરો ઘડતરકાળ હતો. પરંતુ તેમના આ શાળાઘડતરનાં વર્ષોનું એક પાનું, નામે વડોદરા હાઈસ્કૂલ વિશેની આધારભૂત વિગતો ઈતિહાસના ખાતે જમા બોલતી નથી. અર્થાત્ વલ્લભભાઈ નડિયાદના મેટ્રિકના વર્ષો દરમ્યાન થોડો સમય અંગ્રેજી શિક્ષણનાં આકર્ષણે કરીને વડોદરા સ્કૂલમાં ભણવા ગયા, એ ઈતિહાસપાનું હજુ સુધી આપણે વિશ્વસનીય પુરાવાઓ સાથે ઉઘાડી શક્યા નથી.
એ વાત એમ છે કે ઈ.સ.૧૮૯૫માં નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં છઠ્ઠી અંગ્રેજીએ પ્રવેશ મેળવનાર વલ્લભભાઈએ એ શાળામાંથી ઈ.સ.૧૮૯૭એ મેટ્રિકની ડીગ્રી મેળવી હતી, અને ત્યાંથી જ એમણે આગળ ઉપર વકીલાતનું ભણતર શરૂ કર્યું હતું. પરંતુ ઈ.સ.૧૮૯૫-૯૬ના એ બે વર્ષો દરમ્યાન તેઓ થોડો સમય વડોદરાની જે હાઈસ્કૂલમાં ભણવા ગયા હતાં એ સ્કૂલ, તેમાં વલ્લભભાઈનાં શાળા દસ્તાવેજો અને વડોદરાનાં ભણતરની વિગતો વલ્લભભાઈની જીવનકથાઓમાં કે સરકારી ચોપડાઓમાં કે ત્યાંની શાળાના જનરલ રજિસ્ટરમાં ક્યાંય સ્પષ્ટ રીતે નોંધાઈ નથી.
બીજા બધા સંદર્ભોથી એટલું જાણવા મળી શકે છે કે વડોદરાના રાવપુરામાં આવેલી શાળા નંબર - ૧માં વલ્લભભાઈ ભણ્યાં હશે. આ એ શાળા છે જે એ સમયે અંગ્લો વર્નાક્યુલર સ્કૂલ તરીકે ઓળખાતી હતી. આ એ શાળા છે જે પાછલા સમયે વડોદરાની પ્રખ્યાત મ્યુઝીક સ્કૂલ બની હતી. તેની શરૂઆત તો છેક ઈ.સ.૧૮૮૪-૮૫ના વર્ષોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવી હતી. વડોદરાના ઈતિહાસમાં સ્પષ્ટ લખાયું છે કે એ ત્યાંની સર્વપ્રથમ ફોર્મલ અંગ્રેજી હાઈસ્કૂલ હતી. વળી ઈ.સ.૧૮૮૪ના સરકારી સર્વે મેપ (નકશા)માં પણ આ વર્નાક્યુલર સ્કૂલનો ઉલ્લેખ થયેલો છે.
એમ પણ નોંધાયેલું છે કે આ જ સ્કૂલમાં ખાન સાહેબ મૌલા બક્ષે ભારતની સર્વપ્રથમ મ્યુઝીક કૉલેજ શરૂ કરી હતી, જે આજે પણ મ.સ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ કે ફેકલ્ટી તરીકે કાર્યરત્ છે. એટલે કે રાવપુરાની એ શાળા નં. ૧, એટલે કે વડોદરાની એ અંગ્લો વર્નાક્યુલર સ્કૂલ, એટલે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની એ મ્યુઝિક કૉલેજ જ વડોદરાની સરદારના ભણતર સમયની એકમાત્ર અંગ્રેજી નિશાળ છે, જ્યાં સરદારે થોડો સમય મેટ્રિકનો અભ્યાસ કર્યો હશે.
વડોદરાની આવી જ એક બીજી જૂની શાળા છે બરોડા હાઈસ્કૂલ, જ્યાં સરદાર ભણ્યાં હોવાની વાતો લોકમુખે ચર્ચાય છે, પણ તેને ઈતિહાસનો કોઈ આધાર નથી. આ બરોડા હાઈસ્કૂલ, તે જમાને દાંડીયા બજારમાં ચાલતી હતી, જે આજે મ.સ. યુનિવર્સિટીમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ તરીકે જાણીતી છે, અને તે આજે ફેકલ્ટી ઑફ આર્ટ્સના કેમ્પસમાં આવેલી આ શાળાના ઐતિહાસિક વારસા સમું હેરિટેજ બાંધકામ પૂરેપૂરા ઈસ્લામિક સ્થાપત્યના પ્રભાવ હેઠળ થયુ હોવાનું જાણકારો નોંધે છે. વળી એમાં Indo-Saracenic Styleની (ટ્રેડિશનલ ઈન્ડિયન અને બ્રિટીશ આર્કિટેકનું મિશ્રણ) અસરો પણ છે. જો કે શાળા ઉપર લગાવેલી તક્તી કહે છે કે એ ઈ.સ.૧૯૧૬માં બંધાઈ હતી. એ જમાને ત્રણ લાખના ખર્ચે, સયાજીરાવ ત્રીજાના સમયમાં બંધાયેલી આ શાળાના આર્કિટેક જીૈિ ઉ ઈસીર્જિહ હતા અને ચીફ એન્જીનીયર છ.લ્લ.ર્ભઅની હતા. આટઆટલાં ઐતિહાસિક તથ્યો સાચવીને બેઠેલી આ શાળામાં દેશના મહાનાયક સરદાર પટેલ પણ થોડો વખત ભણ્યાં હતા, તેવી વાતો અતાર્કિક રીતે જોરશોરથી થાય છે, પણ તેની આધારવાળી એક નાનીસરખી ઔપચારિક નોંધ પણ મળતી નથી, એ કમનસીબી નાનીસુની નથી.
સરદાર વલ્લભભાઈને પોતાના અંગત જીવનમાં પિતાજીનો વારસો હોય કે લગ્નજીવનનો સંસાર હોય, ભાઈ-ભાંડુઓનો સથવારો હોય કે વારસાઈ સંપતિ હોય, એમને કશું સમયસર કે પૂરતા પ્રમાણમાં મળ્યું હોય તેમ બન્યું નથી. એમાં વળી વડોદરા સ્કૂલ માટેની આવી ઐતિહાસિક વિગતો અને દસ્તાવેજોની મોંકાણ ક્યાં માંડવી?