દેવી હસ્તિપિશાચિ યોનિમંડલ કામાખ્યાનું એક રહસ્ય!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- તમામ સિદ્ધિ અને મંત્રોનું મૂળ કામાખ્યા છે. આથી જ, પ્રત્યેક તંત્ર-ઉપાસકે જીવનમાં ઓછામાં ઓછું એક વખત કામાખ્યાનાં દર્શને જવું પડે છે
અ મહાગણપતિના એક તાંત્રિક સ્વરૂપ ભગવાન શ્રી ઉચ્છિષ્ટ ગણેશ અંગે કેટલાંક અઠવાડિયાં અગાઉ લેખમાળા કરી હતી. એમની અર્ધાંગિની એટલે દેવી હસ્તિપિશાચિ! જેમને શાસ્ત્રોએ નીલ સરસ્વતી અને વિઘ્નેશ્વરી જેવાં નામ પણ આપ્યાં છે. નીલ સરસ્વતી એ વાસ્તવમાં દ્વિતીય મહાવિદ્યા મા તારાનું પણ એક સ્વરૂપ માનવામાં આવે છે.
વિદ્યાવાન અસુરને પ્રાપ્ત વરદાનનું માન રાખવા માટે ભગવાન મહાગણપતિએ ઉચ્છિષ્ટ સ્વરૂપ ધારણ કર્યુ, જેઓ પોતાના અર્ધાંગિની દેવી હસ્તિપિશાચિ સાથે રતિક્રીડામાં વ્યસ્ત છે અને એ અવસ્થામાં જ યુદ્ધમેદાનમાં વિદ્યાવાન અસુરનો વધ કરવા માટે તત્પર છે. યુદ્ધરત હોવાને કારણે આ સ્વરૂપ ઉગ્ર છે, રૌદ્ર છે, ત્વરિત ફળદાયી છે, પૂર્ણ ઊર્જા સાથે પ્રગટ છે. તંત્રશાસ્ત્રમાં અપાયેલાં એમના સ્વરૂપનું વર્ણન કરીએ તો, ભગવાન ઉચ્છિષ્ટ ગણપતિની સૂંઢ દેવી હસ્તિપિશાચિની યોનિનો સ્પર્શ કરે છે અને હસ્તિપિશાચિનાં હાથમાં ભગવાનનું શિશ્ન છે. ભગવાનની વામ ભાગે ડાબી જાંઘ પર દેવી બિરાજમાન છે અને નગ્ન છે!
'હસ્તિ' અર્થાત્ હાથી. હવે 'પિશાચિ/પિશાચી' શબ્દનાં બે અર્થ શાસ્ત્રોમાં અપાયેલાં છે: (૧) જગદંબાની નિમ્નકોટિની શક્તિઓમાં પિશાચિની, વાર્તાલી, યક્ષિણી, અપ્સરા વગેરેનો સમાવેશ થાય છે. ભૂત-પ્રેત-પિશાચ ગણમાં જેમની ગણતરી કરી શકાય એવી નિમ્નકોટિની શક્તિ (૨) દિવ્ય ઊર્જા ધરાવતું પ્રાણી.
અહીં દેવી હસ્તિપિશાચિને દ્વિતીય શ્રેણીમાં મૂકવામાં આવે છે. હસ્તિપિશાચિની ગણના માતાની નિમ્નકોટિની શક્તિમાં નહીં, પરંતુ ઉચ્ચકોટિની દિવ્ય ઊર્જામાં થાય છે. દેવી હસ્તિપિશાચિની યોનિને શાસ્ત્રોએ કામાખ્યા યોનિમંડળ સાથે સરખાવી છે. યોનિ થકી સર્જન સંભવ છે, ઉત્ત્પત્તિ શક્ય છે. કોઈપણ જીવનાં અવતરણ માટે યોનિની આવશ્યકતા હોય છે. કામાખ્યા એ સ્થાન છે, જ્યાં દેવી સતીનું યોનિમંડળ સ્થાપિત થયું હતું. આથી, એને પ્રધાન તંત્રપીઠ કહેવામાં આવે છે, કારણ કે કામાખ્યા એ બ્રહ્માંડયોનિ છે. એક એવું સ્થાન, જે ઊર્જાનાં દ્રષ્ટિકોણથી સમસ્ત બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ છે. મા આદ્યશક્તિનાં દિવ્ય અને પ્રચંડ શક્તિશાળી યોનિમંડળ થકી પુરુષ અને પ્રકૃતિ-તત્ત્વ અસ્તિત્વમાં આવ્યાં અને જગતનું નિર્માણ સંભવ બન્યું.
દેવી હસ્તિપિશાચિની યોનિને કામાખ્યા સાથે સરખાવવાનું રહસ્ય પણ ઉપરોક્ત વિધાનમાં છુપાયેલું છે. તમામ સિદ્ધિ અને મંત્રોનું મૂળ કામાખ્યા છે. આથી જ, પ્રત્યેક તંત્ર-ઉપાસકે જીવનમાં ઓછામાં ઓછું એક વખત કામાખ્યાનાં દર્શને જવું પડે છે. કામાખ્યા ઊર્જાનો ભંડાર છે, મૂળ સ્ત્રોત છે. પોતાના સ્ત્રોત પાસે ગયા વિના વ્યક્તિના આત્મસાક્ષાત્કાર ન કરી શકે. વૃક્ષ પરથી ખરી પડેલું પાંદડું કદી પોતાના વાસ્તવિક સ્વરૂપથી પરીચિત ન રહી શકે. કરમાઈને નષ્ટ થઈ જવું એ જ તેની નિયતિ હોઈ શકે! એવી રીતે, મૂળ સાથે જોડાયા વગર અને સ્ત્રોતસ્થાને ગયા વિના ક્યારેય પરાશક્તિનો સાક્ષાત્કાર ન થઈ શકે. એ સ્થાન તમામ પ્રકારના સાક્ષાત્કાર કરાવવા સક્ષમ છે. ભગવાન ઉચ્છિષ્ટ ગણેશની સાધનાના નવાર્ણ મંત્ર (નવ અક્ષરનો મંત્ર)માં પણ દેવી હસ્તિપિશાચિનું સ્મરણ કરવામાં આવે છે. તંત્રનું મૂળ શક્તિ છે. આથી, ભગવાનની અર્ધાંગિનીનાં સ્મરણ વિના એમની સાધના પરિપૂર્ણ નથી માનવામાં આવતી. દેવી હસ્તિપિશાચિ એ દિવ્ય શક્તિ છે, જેમના સ્મરણમાત્રથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ઉચ્છિષ્ટ ગણેશની કૃપા પણ પ્રાપ્ત થાય છે. પરિણામસ્વરૂપ, એમની યોનિને કામાખ્યા યોનિમંડળ સાથે સરખાવવામાં આવે છે. કામાખ્યા પણ કામનાઓ સાથે જોડાયેલ મહાદેવી છે. શ્રીકુલનાં ઉપાસકો એમને મા લલિતા મહાત્રિપુરસુંદરીનાં સ્વરૂપે પૂજે છે અને કાલી-કુલનાં ઉપાસકો માટે કામાખ્યા એ મહાકાલી છે! એ સર્વોચ્ચ દેવી, જે તમામ પ્રકારની ભૌતિક કામનાઓ, ઈચ્છાઓની પૂર્તિ કરે છે. ભોગ થકી મોક્ષનાં રસ્તે લઈ જઈને તેઓ સાધકને પરમ-તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે.
મૂળ કારણ એ કે ભગવાન ગણેશ માટે કશું જ અશુભ, અપવિત્ર, અશુદ્ધ નથી! તેઓ સ્વયં સામાજિક મર્યાદા અને શિષ્ટતાનો ભંગ કરીને નગ્ન અવસ્થામાં યુદ્ધરત છે. આથી, સમાજ જેને અશ્લીલ અથવા અભદ્ર માને છે, એ ઉચ્છિષ્ટ ગણેશ માટે જીવનશૈલીનો એક ભાગ છે. તેઓ એક એવા દેવતા છે, જે પોતાના બાળકને માયારૂપી કાદવમાંથી બહાર લાવીને પરમ સત્ય સુધી પહોંચાડે છે અને આ માટે તેઓ સ્વયં કાદવમાં ઉતરવામાં પાછીપાની નથી કરતાં! એમની સાધનામાં પવિત્રીકરણ, આચમન કે સ્વસ્તિવાચનનાં વિધિ-વિધાનો નથી હોતાં, કારણ કે સાધક સ્વયં જે અવસ્થામાં હોય (શુદ્ધ કે અશુદ્ધ), એ ભગવાનને સ્વીકાર્ય છે અને આશીર્વાદ આપવા તત્પર છે. વસ્તુતઃ એમની સાધના સમયે સ્નાનની આવશ્યકતા પણ નથી હોતી. ભોજનનાં છેલ્લાં કોળિયે ઊભા થઈને મોં સ્વચ્છ કર્યા વિના એંઠા મોંઢે પણ એમની સાધના કરવામાં આવે છે.