મારું બાળપણ પાછું જીવ્યો છું .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'આ વ્યક્તિમાં મારું આખું બાળપણ અને જીવન રહેલું છે. તે આવે છે અથવા તો હું ત્યાં જાઉં છું ત્યારે એ બાળપણ જીવી શકું છું....'
'મ મ્મી ઓ મમ્મી, ક્યાં છે તું... ઉપર રૂમમાં છે કે, પાછળના ભાગમાં છે. મમ્મી જલદી બોલને... મારે મોડું થાય છે, પહેલાં તું ફોન ઉપર વાત કરી લે..' - વૈભવે બુમો પાડતા કહ્યું.
'બોલ દીકરા... કેમ બુમો પાડે છે.' - નિરંજનાબેને ઘરમાં અંદર આવતા કહ્યું.
'મમ્મી, વિનુ કાકાનો ફોન છે. તેઓ અમદાવાદ આવવાનું કહે છે. મને કહેતા હતા કે, એક વખત નિરુ જોડે વાત કરાવ પછી હું ત્યાં આવું. લે વાત કરી લે..' - વૈભવના અવાજનો રણકો અને ઉત્સાહ બેવડાઈ ગયેલા હતા. નિરુબેને ફોન હાથમાં લીધો અને વાતો કરવા પાછા ઘરની બહાર જતા રહ્યા.
'વિનુકાકા એટલે પેલા સિદ્ધપુરવાળા તો નહીં... ડોન્ટ ટેલ મી... એ વિનુકાકા આપણા ઘરે આવે છે... આર યુ સિરિયસ.' - ક્રિના બોલી પડી.
'ઓફ કોર્સ ડાર્લિંગ... મારા વિનુકાકા આવે છે. તને ખબર છે આ વખતે તો તેઓ અઠવાડિયું રોકાવાના છે. મજા પડી જવાની છે. તું જોજે તને અને સ્વીટુને પણ બહુ જ મજા આવશે તેમની સાથે.' - વૈભવનો ઉત્સાહ મનમાં સમાતો નહોતો. ક્રિના હજુ આગળ કંઈક બોલવા જાય ત્યાં જ નિરુબેન ફોન ઉપર વાત કરીને અંદર આવ્યા. તેમના ચહેરા ઉપર પણ ઉત્સાહ દેખાતો હતો.
'કાલે સવારે, હે ને..' - વૈભવે કહ્યું અને નિરુબેને હકારમાં માથું હલાવ્યું. બંને ખુશ થતાં થતાં પોતપોતાના રૂમમાં જતા રહ્યા. ક્રિના માથું ખંજવાળતી ત્યાં જ બેસી રહી. બીજા દિવસે સવારે ક્રિના જાગી ત્યારે વૈભવ બાજુમાં હતો જ નહીં. તેને નવાઈ લાગી, તેણે રૂમમાં જોયું, બહાર આવીને આસપાસ જોયું અને બંગલાની બહાર આવીને જોયું તો વૈભવ બગીચામાં બેઠો હતો. તેની બાજુમાં હતા વૈભવના ધ વિનુ કાકા. બંને જણા બેસીને વાતો કરતા હતા ત્યાં નિરુબેન પણ બહારથી આવીને બગીચામાં જ ગોઠવાયા.
'કેમ છો કાકા, તમે બરાબર પહોંચી ગયા હતાને. કોઈ મુશ્કેલી તો પડી નહોતીને.' - ક્રિનાએ કમને પગે લાગતા કહ્યું.
'બેટા કમર દુઃખતી હોય તો પગે લાગવાનું રહેવા દે અને ઈચ્છા ના હોય તો પણ રહેવા દે. આ બંને સ્થિતિમાં પગે લાગવાથી કોઈનેય લાભ થતો નથી.' - વિનુકાકાએ તેમની અનફિલ્ટર્ડ સ્ટાઈલથી કહ્યું અને ક્રિના ઝંખવાણી પડી ગઈ.
'દીકરી, આ ડોલચામાં ચોખ્ખું ઘી છે. તેને સાચવીને રાખજે. દરરોજ થોડું થોડું તારા પગના તળીયે લગાવજે અને તારી સાસુને પણ લગાવી આપજે. તમારા બંનેને જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આવી જશે. વિભુડાએ મને કહ્યું હતું એટલે જ હું લઈને આવ્યો હતો.' - વિનુકાકાએ કહ્યું પણ ક્રિનાને કંઈ સમજાયું નહીં. તે સ્ટિલનું ડોલચું લઈને ઘરમાં જતી રહી.
'અરે આ શું... આ તો કંઈ રીત છે.' - થોડીવાર રહીને ચા-નાસ્તાની ટ્રે લઈને દેવયાની સાથે બહાર આવતા જ ક્રિનાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. બગીચામાં વૈભવ અને વિનુકાકા ઘાસમાં જ આડા પડેલા હતા જ્યારે નિરુબેન અને સ્વીટુ પણ જમીન ઉપર બેઠેલા હતા.
'કેમ બુમો પાડે છે ક્રિનુ... શું થયું. તારી ખુરશીઓને થાક ન લાગે એટલે અમે નીચે બેઠા છીએ. દેવી લાવ બેટા ટ્રે અહીંયા મુકી દે અને ક્રિના તું પણ સ્વીટુની બાજુમાં ગોઠવાઈ જા. દેવી તારે પણ નાસ્તો અમારી સાથે જ કરવાનો છે, જા બાકીનું બધું પણ બહાર જ લેતી આવ.' - વૈભવે બેઠા થતા કહ્યું.
'કાકા, આ અમારી દેવયાની છે... અમારી લાડકી દેવી... તમને ખબર છેને મારા લગ્ન વખતે પ્રેમીલા કાકી અહીંયા કામ કરતા હતા. તેમની જ દીકરી છે દેવી. કાકી દેવ થઈ ગયા પછી દેવી અમારી સાથે જ રહે છે. ભણવામાં હોંશિયાર છે. તેની એમબીએ કરવાની ઈચ્છા છે. આ વખતે ટીવાયમાં છે. મેં કહી દીધું છે કે, કામ કરવા બીજા કોઈને શોધી લાવે અને હવે ત્રણ વર્ષ ભણવા ઉપર ધ્યાન આપે પણ માનતી જ નથી.' - વૈભવે ગર્વ સાથે કહ્યું અને વિનુકાકાના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.
લગભગ આ રીતે જ આનંદમાં દિવસો પસાર થવા લાગ્યા હતા. વૈભવ ઓફિસ જતો અને કામ પતાવીને તરત જ સાંજે પાછો આવી જતો. સામાન્ય દિવસોમાં બાર-બાર કલાક ઓફિસમાં રહેતો વૈભવ છ-સાત કલાકમાં તો ઘરે પાછો આવી જતો. ક્રિનાને પણ વૈભવની બદલાયેલી લાઈફસ્ટાઈલથી આશ્ચર્ય થતું હતું. તેના સાસુ પણ ખૂબ જ ખુશ રહેતા હતા અને તેમના ગોઠણનો દુઃખાવો જાણે કે ગાયબ થઈ ગયો હતો. ક્રિનાને છતાં ગમતું નહીં. વિનુકાકા સાવ દેસી હતા. તેમની બોલવાની રીત, કપડાં પહેરવાની સ્ટાઈલ, ખાવા પીવા માટે બહાર બગીચામાં જતા અને નીચે જ બેસતા. ઘરમાં પણ એક ચટાઈ પાથરીને ઉંઘી જતા. ક્રિનાને આ ગમતું નહોતું પણ તે બોલી શકે તેમ પણ નહોતી. તે પ્રેક્ષક બનીને બધું જોતી હતી. એક દિવસ સવારે જે બન્યું તેનાથી ક્રિના સાવ ડઘાઈ ગઈ, તેને ગુસ્સો આવ્યો પણ તે કશું જ કરી શકે તેમ નહોતી.
'વિભુડા સાંજે વહેલો ઘરે આવી જજે, તારે જ મને રેલવે સ્ટેશન મુકવા આવવાનું છે. હું તારા ડ્રાઈવર જોડે જવાનો નથી. નિરુ તું પણ સાથે આવજે અને આ ઢિંગલી તો જોઈશે જ. આજે એને સ્કુલે મોકલતો નહીં. કહી દે તારી વહુને.' - વૈભવ પોતાની કારમાં બેસવા જતો હતો ત્યાં જ બગીચામાં ઊભા ઊભા વિનુકાકાએ બુમ મારી. વૈભવે પણ જવાબમાં મોટેથી હોંકારો કર્યો. સામેના ઘરેથી નીકળેલા મિસ્ટર અને મિસિસ દેસાઈ પણ હસી પડયા. ક્રિનાને બહુ લાગી આવ્યું પણ તે ઘરમાં જતી રહી.
સાંજે વૈભવ વહેલો આવી ગયો અને વિનુકાકાને રેલવે સ્ટેશને પણ મુકી આવ્યો. ઘર પહેલાના જેવું જ શાંત થઈ ગયું. રાત્રે વૈભવ બગીચામાં જ બેઠો હતો ત્યારે ક્રિના બહાર આવી.
'વાહ સીઈઓ સાહેબ, પાછા ખુરશીમાં ગોઠવાઈ ગયા. તમારા વિનુકાકાની જેમ જમીન ઉપર હવે નથી બેસવું.' - ક્રિનાએ ટોન્ટ માર્યો.
'ક્રિના મને ખબર છે કે તે છેલ્લું અઠવાડિયું ખૂબ જ સ્ટ્રેસમાં પસાર કર્યું છે પણ તને ખબર છે, મેં મારી જિંદગીનો શ્રેષ્ઠ સમય પસાર કર્યો છે. વીસ વર્ષે હું મારું બાળપણ જીવ્યો છું.' - વૈભવે લાગણીશીલ અવાજમાં કહ્યું.
'વોટ અ જોક. પેલા દિવસે દેસાઈ સાહેબ તમારી ઉપર હસતા હતા. આસપાસના લોકો વાતો કરતા હતા કે, વૈભવ ત્રિવેદી કોઈ ગામડીયા ડોશા સાથે ગાંડા કાઢે છે.' - ક્રિના આક્રોશપૂર્વક બોલી.
'ક્રિના, મારા વિનુકાકા અનફિલ્ટર્ડ છે. તમારી સોકોલ્ડ પોલિશ્ડ, લર્નેડ અને વેલબિહેવ્ડ સોસાયટીમાં તેઓ સેટ થાય તેમ નથી. તેઓ દંભ સાથે નહીં પણ નિખાલસતા સાથે જીવે છે. તેમના કારણે જ આ આખું અઠવાડિયું હું પણ નિખાલસતાથી જીવ્યો.'
'તને ખબર છે મેં પપ્પાના સ્ટ્રગલ ફેઝની વાત કરી હતી. પપ્પાએ જે એક્સિડન્ટમાં પોતાનો હાથ ગુમાવ્યો હતો તે અકસ્માતમાં વિનુકાકાએ પોતાની પત્ની અને એકનાએક દીકરાને ગુમાવ્યો હતો. હાથ કપાઈ જતા પપ્પાની નોકરી જતી રહી. ઘર પડી ગયું તેમાં પપ્પાનો હાથ, અમારી છત અને કિસમત બધું જ જતા રહ્યા. પાડોશમાં રહેતા વિનુકાકાએ અમને છત અને કિસમત બંને આપ્યા. વિભુડાને સારી સ્કુલમાં અભ્યાસ કરાવ્યો, મારા એક હાથ વગરના પિતાને પોતાના ભાઈની જેમ કરિયાણાની દુકાનમાં રાખ્યા અને નિરુને ભાઈની પત્નીની જેમ આજીવન સાચવી. પપ્પાના ગયા પછી પણ મમ્મીની જવાબદારી તેમણે જ રાખી.'
'પોતાની મરણમૂડી જેવી જમીન વેચીને મને મુંબઈની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. હું સોફ્ટવેર એન્જિનિયર થયો તો મને અમદાવાદમાં પહેલું ઘર તેમણે અપાવ્યું હતું. તું જેને પરણી તે સોફ્ટવેર ડેવલપર વૈભવ ત્રિવેદી હતો પણ વિનુકાકા જેને મળવા આવે છે તે એમનો વિભુડો છે. આઠ વર્ષના છોકરાની અને તેના માતા-પિતાની જવાબદારી જેણે ઉપાડી, પપ્પાના ગયા પછી પણ જેને પોતાના જીવની જેમ સાચવ્યો અને ભણાવ્યો. આજે પણ મારા પગારમાંથી એક રૂપિયો તે સ્વીકારતા નથી પણ સિદ્ધપુરથી આવે ત્યારે મારા માટે અને પરિવાર માટે કંઈકને કંઈક લઈને આવે છે.'
'આ વ્યક્તિમાં મારું આખું બાળપણ અને જીવન રહેલું છે. તે આવે છે અથવા તો હું ત્યાં જાઉં છું ત્યારે એ બાળપણ જીવી શકું છું. બાકી તો અહીંયા આ બંગલામાં દંભના મહોરા પહેરીને આપણે છેલ્લાં કેટલાય વર્ષોથી જીવી જ રહ્યા છીએ. તું બોલ આ વ્યક્તિ સાથે શું કરવું જોઈએ.' - વૈભવે કહ્યું.
'આવી વ્યક્તિની માફી માગવી જોઈએ અને તેમને અઠવાડિયું નહીં પણ આજીવન અહીંયા રહેવા બોલાવી લેવી જોઈએ. તો મને પણ વિભુડાના ચાઈલ્ડહુડની વધારે ખબર પડે.' - ક્રિનાએ ભીની આંખે કહ્યું અને પાછળથી આવેલા નિરુબેને તેના ખભે હાથ મુકતા ક્રિનાના ચહેરા પર સ્મિત આવી ગયું.