Get The App

યશસ્વી જયસ્વાલ : ભારતીય ક્રિકેટનો રાઈઝિંગ સ્ટાર

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
યશસ્વી જયસ્વાલ : ભારતીય ક્રિકેટનો રાઈઝિંગ સ્ટાર 1 - image


- ક્રિકેટર બનવા માટે ટેન્ટમાં રહેવાથી માંડીને પાણીપુરી પણ વેચી 

- Sports  ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- આક્રમક સ્ટ્રોકસની સાથે ટેસ્ટમાં ધીરજ બેટિંગ કરીને ઢગલા ખડકનારા યશસ્વીએ રોહિત અને કોહલીના ખરા ઉત્તરાધિકારી તરીકેની પ્રતિભા દર્શાવી છે

સ મયનું ચક્ર નિરંતર ગતિથી આગળ વધતું રહે છે અને પવનની જેમ જ્યારે સમય અને પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે,  ત્યારે ધુરંધરોની વિદાય વેળા જ નવા સિતારાના ચમકારા દેખાવા માંડે છે. ભારતીય ક્રિકેટ જગતમાં એક સમયે સચિન તેંડુલકર પછી કોણ એવો યક્ષ પ્રશ્ન સર્જાયો હતો. તે સમયે જ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિતારાઓએ તેમના ચમકારા દેખાડવાના શરુ કરી દીધા હતા. ક્રિકેટમાં ભગવાન તરીકેની ઉપમાને હાંસલ કરનારા ક્રિકેટર સચિન તેંડુલકરના વિશ્વવિક્રમો એક સમયે એટલા વિરાટ લાગતા કે, તેને કોઈ તોડવા તો દૂર, તેની નજીક પહોંચવું પણ અત્યંત દુષ્કર લાગતુ. ક્રિકેટર તરીકેની કારકિર્દીના અસ્તાચળે પહોંચેલા તેંડુલકરે ને પૂછવામાં આવ્યું કે, તમારા રેકોર્ડ્સ ભવિષ્યમાં કોણ તોડી શકશે ? તમને શું લાગે છે ? આ સમયે તેંડુલકરે સામે બેઠેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી તરફથી અંગૂલીનિર્દેશ કર્યો હતો.

રોહિત અને કોહલીએ ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગને સહારે ઝંઝાવાત જગાવતા વિક્રમોની વણઝાર સર્જી હતી અને તેંડુલકરના ઉત્તરાધિકારી તરીકેના ભરોસાને ખરો ઠેેરવ્યો હતો. હવે જ્યારે રોહિત અને કોહલીની કારકિર્દી તેના આખરી પડાવની નજીક છે, ત્યારે ભારતીય ક્રિકેટના આકાશમાં યશસ્વી જયસ્વાલ નામના નવા સિતારાનો ઉદય થયો છે.

માત્ર ૨૩ જ વર્ષની વય ધરાવતા યશસ્વી જયસ્વાલે આક્રમક બેટિંગ શૈલીની સાથે સાથે હરિફ ખેલાડીઓ કે મેદાન પરની પરિસ્થિતિના તનાવમાં આવ્યા વિના નૈસર્ગિક રમત બહાર લાવવાના કૌશલ્યને સહારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવું કાઠું કાઢયું છે. જહાજનું લંગર જેમ આખા જહાજને પવનના પ્રવાહમાં વહાવી લઈ જતાં અટકાવી રાખે, તે જ પ્રકારે મેદાન પરની પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પણ યશસ્વી એક છેડે અડીખમ રહી બેટિંગ કરતો હોય, ત્યારે કરોડો ભારતીય ચાહકોની આંખોમાં આશાનો દીવો ટમટમતો રહેે છે.

એક સમયે ક્રિકેટના સૌથી ઝડપી ફોર્મેટ - ટી-૨૦ના સુપરસ્ટાર તરીકે કારકિર્દીની શરુઆત કરનારા જયસ્વાલે જે પ્રકારે રિયલ ક્રિકેટ તરીકે ઓળખાતા ટેસ્ટમાં પણ આગવી સફળતા હાંસલ કરી લીધી છે. ડાબોડી ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલે ૨૦૨૪ની શરુઆતમાં જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બે બેવડી સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. આ સાથે તેણે વિનોદ કામ્બલી અને વિરાટ કોહલી જેવા ધુરંધરોના વિક્રમોની બરોબરી હાંસલ કરી લીધી હતી. આ ઉપરાંત તેણે સૌથી યુવા વયે બે બેવડી સદી નોંધાવનારા સર ડોન બ્રેડમેન અને વિનોદ કામ્બલી પછીના ત્રીજા બેટ્સમેન તરીકે ક્રિકેટના ઈતિહાસમાં સ્થાન મેળવી લીધું છે. તેની આ સિદ્ધિઓ જ તેની એક બેટ્સમેન તરીકેની વિરાટ પ્રતિભાને દર્શાવવા માટે પુરતી છે. 

ઈંગ્લેન્ડ સામેની ૨૦૨૪ની પાંચ ટેસ્ટની શ્રેણીએ જયસ્વાલને ભારત જ નહીં પણ વિશ્વક્રિકેટના એક ઉભરતા ટેસ્ટ બેટ્સમેન તરીકે પ્રસ્થાપિત કરી દીધો. ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે નવ ઈનિંગમાં ૮૯ની સરેરાશથી ૭૨૧ રન ફટકારીને એક જ ટેસ્ટ શ્રેણીમા ૭૦૦ થી વધુુ રન નોંધાવનારા ગાવસ્કર પછીના બીજા બેટસમેન તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન હાંસલ કર્યું. આટલું જ નહીં, જયસ્વાલે ૨૦૨૪ના કેલેન્ડર વર્ષમાં ૨૯ ઈનિંગમાં ૧૪૭૮ રન ફટકારીને ભારત તરફથી એક કેલેન્ડર વર્ષમાં તેંડુલકર પછી બીજું સ્થાન હાંસલ કરી લીધું અને તે તેંડુલકરના રેકોર્ડ કરતાં માત્ર ૮૪ રનના અંતરે જ રહ્યો. આ ઉપરાંત તેણે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગાનો મેક્કુલમનો ૧૦  વર્ષ જૂનો અને સૌથી યુવા વયે કેલેન્ડર વર્ષમાં ભારત તરફથી ૧૦૦૦ રન પૂરા કરવાનો દિલીપ વેંગસરકરનો ૪૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો. 

હરિફ બોલરો પર હાવી થવાની કુશળતાને સહારે રન મશીનની જેમ વિક્રમોના પણ ઢગલા ખડકી રહેલા યશસ્વી જયસ્વાલે યુવા વયે જે દિગ્ગજોના વિક્રમી માઈલસ્ટોનને પાર કર્યા છે, તે જ તેની ઉચ્ચ સ્તરની પ્રતિભા અને સિદ્ધિના નવા શિખરે પહોંચવાની ક્ષમતાનું પ્રદર્શન કરે છે. આ જ કારણે આજના ક્રિકેટ વિવેચકો યશસ્વી જયસ્વાલના વખાણ કરતાં થાકતા નથી. કુમળી વયેે ક્રિકેટ ઈતિહાસના ધુરંધરોની હરોળમાં સ્થાન મેળવી લેનારા યશસ્વી જયસ્વાલે તેેના જ નહીં, પણ ભારતીય ક્રિકેટના પણ ઉજ્જવળ ભવિષ્યની આશાને વધુ દ્રઢ બનાવી છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ટી-૨૦ ક્રિકેટના આગમન બાદ કોચિગના મેન્યુઅલ્સમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું છે. એક સમયે બોલ જરા પણ હવામાં રહે એટલે કોચ બેેટસમેનને લાબ્બુલચક લેક્ચર આપીને ગ્રાઉન્ડના ચક્કર લગાવવાની સજા કરતાં. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, જે બેટ્સમેન જેટલા શોર્ટ હવામાં ફટકારે તેટલી જ તેની વાહવાહી થવા માંડી છે અને આ જ કુશળતા આગળ જતાં ક્રિકેટરને આઈપીએલની ધનવર્ષા સુધી પહોંચાડી શકે છે. યશસ્વની રમતમાં જોશ અને હોશ બંનેનું જબરજસ્ત સંતુલન છે. તેના ક્લાસિકલ ટેસ્ટ સ્ટ્રોક્સ એટલા જ અસરકારક અને દર્શનીય છે, જેટલા તેના છગ્ગા ! આ જ કારણે ટી-૨૦ ક્રિકેટ થકી ઓળખ બનાવીને પછી ટેસ્ટ સુધી પોતાની પ્રતિભાનો વિસ્તાર કરનારી જૂજ યુવા પ્રતિભામાં જયસ્વાલ અવ્વલ સ્થાને છે. 

ભારતીય ક્રિકેટની રાજધાની સમાન મુંબઈના બેટ્સમેન તરીકેની ઓળખ ધરાવતા યશસ્વી જયસ્વાલની અંગત જિંદગીના સંઘર્ષનો પડઘો તેની પરિપક્વતામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કોઈની પણ સૂચના વિના જ પરિસ્થિતિનો તાગ પામી જવાની સાથે તેને અનુરુપ રમત દર્શાવવામાં જયસ્વાલની કુશળતા છે. ઉત્તર પ્રદેશના ભદોઈમાં આવેલા સૂરિયાવન વિસ્તારમાં નાનકડો સ્ટોર ચલાવતા ભૂપેન્દ્ર અને કંચનના પરિવારમાં ચોથા સંતાન તરીકે જન્મેલા યશસ્વીને બાળપણથી જ ક્રિકેટનો શોખ. પરિવારની જવાબદારી અને આર્થિક મુશ્કેલીને કારણે તેના પિતાએ તેને ૧૦ વર્ષની ઉંમરે જ તેના કાકાની સાથે ક્રિકેટર તરીકેનું સ્વપ્ન સાકાર કરવા માટે મુંબઈ મોકલી આપ્યો હતો. 

નાનકડો જયસ્વાલ મુંબઈમાં એક ડેરીમા રોકાયો અને ત્યાં ફાજલ સમયમા કામ કરતો અને ક્રિકેટની પ્રેક્ટિસ કરતો. જોકે થોડા સમય બાદ તેને ત્યાંથી કાઢી મૂકવામા આવ્યો. આ સમયે તે બોમ્બે જીમખાના મેદાન કે જે આઝાદ મેદાન તરીકે પણ ભારે લોકપ્રિય છે, ત્યાં પ્રેક્ટિસ કરતો. મુંબઈ જ નહીં, ભારતીય ક્રિકેટમાં આગવું સ્થાન ધરાવતા આઝાદ 

મેદાનમાં આવેલા એક ટેન્ટમાં રહીને યશસ્વીએ તેની ક્રિકેટની પ્રેક્ટિસ જારી રાખી. ટેન્ટમાં રહીને ક્રિકેટર બનવાનું સ્વપ્ન સાકાર કરવા સંઘર્ષ કરી રહેલા યશસ્વની મુલાકાત ૨૦૧૩માં ક્રિકેટ કોચ જ્વાલા સિંઘ સાથે થઈ, જે પણ એક જમાનામાં ઉત્તર પ્રદેશથી ક્રિકેટર બનવાનું સ્વપ્ન લઈને મુંબઈ આવ્યો હતો. તેણે યશસ્વીની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરુ કર્યું અને ભારતીય ક્રિકેટના એક યાદગાર પ્રકરણનો પ્રારંભ થયો. 

અપુરતા ભોજનની સાથે જીવન નિર્વાહ કરવા માટે પકોડી વેચવાનો ધંધો પણ યશસ્વીને કરવો પડતો, પણ આ તમામ અંતરાયો છતાં, તેણે ક્રિકેટર બનવાનું લક્ષ્ય એક પણ પળ માટે આંખમાંથી ઓઝલ થવા દીધું નહતુ. જિંદગીના સંઘર્ષમાંંથી ક્રિકેટ જાણે તેને મુક્તિ અપાવનારું બની રહેતું. પરિસ્થિતિ પરનો ગુસ્સાનો ભોગ તેની સામે ફેંકાતો બોલ પણ બની જતો અને તેનો એ શોટ ઉપસ્થિત બધા ચકિત થઈને જોઈ રહેતા. 

મુંબઈના અત્યંત તીવ્ર સ્પર્ધા ધરાવતા ક્રિકેટમાંં જયસ્વાલે તેની આગવી કુશળતાનો પ્રભાવ શાળા સ્તરના ક્રિકેટમાં પાડવા માંડયો અને તેની બેવડી-ત્રેવડી સદીઓ આકર્ષણનું કેન્દ્ર બની. તેણે અંડર-૧૯ એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ત્યાર બાદ મુંબઈના ધુરંધર સુપરસ્ટાર્સનું સ્થાન તેની પ્રતિભા અને તેના સંઘર્ષ તરફ ગયું. 

સ્કૂલ ક્રિકેટમાં બેટિંગ લેજન્ડ સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સાથે પણ યશસ્વી રમી ચૂક્યો છે. એક દિવસ અર્જુન તેને તેના ઘરે તેના પિતાને મળવા લઈ ગયો હતો અને તેંડુલકરે આ નાનકડા છોકરાને તેનું બેટ પણ ભેટમાં આપ્યું હતુ. આ પછી તો તેને ૨૦૧૯માં મુંબઈની રણજી ટીમમા સ્થાન આપવામાં આવ્યુું અને ૨૦૨૦માં પહેલીવાર આઈપીએલમાં તેનો પ્રવેશ રાજસ્થાન રોયલ્સ તરફથી થયો. રાજસ્થાને ત્યારે ૧૭ વર્ષના જયસ્વાલને તેની બેસપ્રાઈઝની ૧૨ ગણી એટલે કે ૨.૪ કરોડની કિંમતમાં તેને ખરીદી લીધો હતો. આઈપીએલમાં ધીરે ધીરે આગવી ઓળખ ઉભી કરનારા જયસ્વાલને ૨૦૨૩માં પહેલા ટેસ્ટમાં અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ઈન્ડિયા કેપ આપવામાં આવી હતી. 

છેલ્લે બે વર્ષ દરમિયાન યશસ્વીએ જે પ્રકારે વિસ્ફોટક બેટિંગને સહારે ઝંઝાવાત સર્જ્યો છે, તે જોતા આવનારા દિવસોમાં ભારતીય બેટિંગ લાઈનઅપમાં તેનું સ્થાન નિશ્ચિત બની ગયું છે. ટીમ ઈન્ડિયાને હવે નવી મંઝિલો સુધી પહોંચાડવાનો પડકાર નવી પેઢીના બેટ્સમેન યશસ્વી જયસ્વાલના ખભા પર છે. 


Google NewsGoogle News