ઊંચું તાક નિશાન .
- આજકાલ-પ્રીતિ શાહ
- પોલિયો હોવા છતાં અભય સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવે છે. તેની શારીરિક મર્યાદાને મન પર હાવી થવા દીધી નથી
વ્ય ક્તિની સાચી તાકાત તો એની શારીરિક ક્ષમતા કરતાં દ્રઢ ઇચ્છાશક્તિ અને મક્કમ મનોબળ પર આધારિત છે એ વિચારને પોતાના જીવનમાં સાકાર કરનાર અભય તોડકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો હતો. આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં સતારા જિલ્લાના દહીવાડી ગામમાં જન્મેલા અભય તોડકરને પોલિયો થયો. બધી પ્રતિકૂળતાઓ સામે હાર માનવાને બદલે એને પાર કરવાના મક્કમ નિર્ધાર સાથે જીવવા લાગ્યો. તેના પિતાએ વીસ વર્ષના અભય માટે એસટીડી બૂથ શરૂ કરાવ્યું. વ્યવસાયની કુશળતા હોવા છતાં તેમાં ઝાઝી સફળતા મળી નહીં. અભયે વિચારેલું કે એ નાનો વ્યવસાય કરી શકશે, પરંતુ તેમાં નિરાશા સાંપડી.
અભયની ઇચ્છા શિક્ષક બનવાની હતી. બી.કોમ. સુધીનો અભ્યાસ કરનાર અભયે ડી.એડ. અર્થાત્ શિક્ષણમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો, જેથી એ પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક બની શકે, પરંતુ તે સમય દરમિયાન અદાલતનો એક ચુકાદો આવ્યો અને તેના નિર્ણયને કારણે શિક્ષકની ભરતી અટકાવી દેવામાં આવી તેથી શિક્ષક બની શક્યો નહીં. એણે જથ્થાબંધ માલ વેચનાર વેપારીઓ પાસેથી માલ લઈને આજુબાજુનાં ગામડાંમાં છૂટક વેપારીઓને અને ફેરિયાઓને વેચવાનું શરૂ કર્યું. તેના માટે એ થેલાઓમાં સામાન ભરી માથે મૂકીને એસ.ટી. બસમાં વેચવા જતો. આસપાસના ગામોમાં સંપર્ક વધાર્યો અને સહુ તેને ઓળખવા લાગ્યા. આ કામમાં પૈસા તો બહુ નહોતા મળતા, પરંતુ માતા-પિતા અને પત્નીના સાથને કારણે આનંદ અને ઉત્સાહથી કામ કરતો રહ્યો.
એક દિવસ તેણે વર્તમાનપત્રમાં હિંદુસ્તાન પેટ્રોલિયમની એલપીજી ગેસ એજન્સી માટેની જાહેરખબર વાંચી અને તેને માટે અરજી કરી. તેના આશ્ચર્ય વચ્ચે લકી ડ્રોમાં તેનું નામ પસંદ થયું. એને ખૂબ આનંદ થયો, પરંતુ તે પોતે આ કામ સફળતાપૂર્વક કેવી રીતે કરી શકશે તે વિચારવા લાગ્યો. તેણે એજન્સી લીધી, પરંતુ ધીમે ધીમે એના સ્વાસ્થ્ય પર અસર થવા લાગી. ગ્રાહકો સાથે સતત માથાકૂટ થતી, ક્યારેક ઘર્ષણ પણ થતું, પરંતુ અભય તોડકરની નજર પોતાના વ્યવસાયને કેવી રીતે વિકસાવવો તેના પર રહેતી. આ કામ અંગે ધીરે ધીરે કુુટુંબમાં પણ વિખવાદ થવા લાગ્યો. એક દિવસ તેણે વિચાર્યું કે વ્યવસાયમાં સફળતા મેળવવી એ સાચી સફળતા નથી, પરંતુ જિંદગી કોઈ સારા અને ઊંચા લક્ષ્ય સાથે જીવવી જોઈએ. ૨૦૧૨માં તે 'આર્ટ ઓફ લિવિંગ'માં જોડાયા અને જીવનમાં વળાંક આવ્યો. સ્ટ્રેસથી મુક્ત એવી શાંતિનો અનુભવ થયો, જે પહેલાં ક્યારેય નહોતો થયો. હકારાત્મક વિચારસરણી મળી. જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો. તેને સમજાયું કે જીવનમાં પૈસા મેળવવા તે સફળતા નથી, પરંતુ અન્યના જીવનમાં કેટલી મદદ કરી શકો છો તે મહત્ત્વનું છે.
દહીવાડી અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં વારંવાર દુષ્કાળ પડતો હોવાથી અભય તોડકરને લોકોને પાણી માટે કેટલી હેરાનગતિ થાય છે તેનો ખ્યાલ હતો. લોકો બહારથી લાવવામાં આવતા પાણીના ટેન્કર પર આધારિત રહેતા. પાણીના સંગ્રહ અને સંરક્ષણ માટે કામ શરૂ કર્યું. ૨૦૧૫-૧૬માં દહીવાડીમાં આવેલી માણગંગા નદી પર ગામલોકો સાથે મળીને ડેમ બનાવ્યો. દહીવાડીમાં એક સમયે વોટર ટેન્કર આવતા હતા તે બંધ થયા અને પાણી માટે ખર્ચાતા કરોડો રૂપિયાની બચત થઈ. હવે તો જે વર્ષે વરસાદ નથી થતો, ત્યારે પણ ગામલોકોની પાણીની જરૂરિયાત ડેમ દ્વારા સંતોષાય છે. આ પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈને અભય તોડકરે આસપાસનાં ગામોમાં પણ આવા પ્રયત્નો શરૂ કર્યા.
અભય અને તેની 'આર્ટ ઓફ લિવિંગ'ની ટીમે ૨૦૧૮થી ૨૦૨૪ સુધીમાં ચોસઠ ગામડાઓમાં પાણી સંરક્ષણ અને ઓર્ગેનિક ખેતી અને યુથ લીડરશીપ ડેવલપમેન્ટનાં કામો કર્યા. આમિર ખાનના પાણી ફાઉન્ડેશનનો સહયોગ મેળવ્યો. તેમણે લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું અને વૃક્ષો દ્વારા જમીનમાં પાણી કેવી રીતે ઉતરે છે, તેને લીધે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, તેની સમજ આપીને જુદાં જુદાં ગામોમાં છેલ્લાં પાંચ વર્ષમાં સવા લાખ વૃક્ષો વાવ્યાં. પાણીનું બજેટ કોણ સારું બનાવે છે તેવી જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે હરીફાઈ યોજી. ઘણા ગામોમાં લોકોને પાણી સંરક્ષણની આ યોજનાઓમાં ખાસ વિશ્વાસ નહોતો, તેમને અભય તોડકરે દહીવાડીનું મોડલ દર્શાવવાનું નક્કી કર્યું. તેમને દહીવાડી આવવાનું નિમંત્રણ આપ્યું અને પાણી સંરક્ષણથી શું ફાયદાઓ થયા તે બતાવ્યું. 'કામને જ બોલવા દો' એવી અભયની શ્રદ્ધા સાચી પડી અને ગામલોકોની શંકા માન્યતામાં પરિવર્તિત થઈ. દહીવાડીથી પાંચ કિમી. દૂર આવેલ પિંગલી-કેડી ગામમાંથી આઠ-દસ લોકો અભયનું કામ જોવા આવ્યા અને તે પછી અભયે પચીસ દિવ્યાંગ બાળકોને આમંત્ર્યા અને શ્રમદાન અંગે રેલી કાઢી. પિંગલી ગામ માટે ફંડ એકત્રિત કરીને અભય તોડકર ત્યાં ચાળીસ દિવસ રહ્યા અને પાણી સંરક્ષણનું કામ કર્યું. પોલિયો હોવા છતાં અભય સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવે છે. તેની શારીરિક મર્યાદાને મન પર હાવી થવા દીધી નથી.
કાઉ કરન્સીની કમાલ
શહેરોમાં લોકો પાસે ગાય રાખવાની ન તો જગ્યા છે કે ન તો સમય! આ મોડલ આ બધી જરૂરિયાતોને પૂરી કરે છે
દ રરોજ સવારે અખબાર ખોલતાં જ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો જથ્થો પકડાયો એવા સમાચાર વાંચવા મળે છે. ખાસ કરીને દૂધ, પનીર, ઘી, ચીઝ અને અન્ય બજારમાં મળતો ખાણીપીણીની ચીજો વિશે, પરંતુ આ સમાચાર વાંચીને પણ લોકોને એમ થાય કે આમાં આપણે શું કરી શકીએ? ઘરે ગાય, ભેંસ તો વસાવવી શક્ય નથી, પરંતુ એનો એક ઉપાય જ્યોતિ પદ્માએ શોધ્યો છે. ઉત્તરપ્રદેશમાં ઉછરેલી જ્યોતિએ ટેક્સટાઇલ એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન થયા પછી એક પુત્રીની માતા બની, ત્યારે તેની પુત્રીને લેક્ટોઝ ઇનટોલરન્સની સમસ્યા થઈ. પુત્રીને પોષક તત્ત્વો મળે તે માટે દૂધની ઘણી બ્રાંડ બદલી. સ્થાનિક દૂધ વિતરકો પાસેથી પણ દૂધ મેળવી જોયું, પરંતુ તેમાં સફળતા સાંપડી નહીં.
૨૦૧૮માં લખનઉમાં રહેતી તેની બહેને પોતાના ખેતરમાં પાળતી હતી તે ગાયનું દૂધ મોકલ્યું, ત્યારે તેની પુત્રીને કોઈ તકલીફ ન પડી અને એની સમસ્યાનું સમાધાન થયું. એને લાગ્યું કે પેકેઝ્ડ કે પ્રોસેસ્ડ દૂધનો વિકલ્પ શોધવો જોઈએ. ટેક્સટાઈલ એન્જિનીયર જ્યોતિએ ખેતી અને પશુપાલન સંબંધી જ્ઞાાન મેળવવાનું શરૂ કર્યું. લખનઉમાં જર્સી અને સાહીવાલ સહિતની પંદર મિશ્રિત જાતિની ગાયો સાથે પોતાનું ફાર્મ શરૂ કર્યું. એ પછી એને મુંબઈ જવાનું થયું અને ત્યાં શહેરી ક્ષેત્રોમાં એ-૨ ગાયના દૂધની આવશ્યકતા જણાઈ. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચ પેપર અનુસાર એ-૨ અને એ-૧ દૂધમાં પ્રોટીન અન્ય તત્ત્વોમાં ફેર છે. લેક્ટોઝ ઈનટોલરન્સ વાળી વ્યક્તિઓ માટે એ-૨ દૂધ એક આશાનું કિરણ છે, તેથી આ આજની જરૂરિયાત છે, લક્ઝરી નથી. ૨૦૧૯માં જ્યોતિએ બે એકર જમીન ભાડે લઈને શ્રી બાલકૃષ્ણ ડેરી ફાર્મની સ્થાપના કરી. પતિના સહયોગથી એવું ફાર્મ બનાવ્યું કે જ્યાં ગાયો છૂટથી હરીફરી શકે અને તેને નેપિયર ઘાસ, ઘઉંનું ઘાસ અને બાજરી જેવો ઓર્ગેનિક ચારો મળે. તેનો હેતુ હાનિકારક રસાયણો અને ભેળસેળયુક્ત ખોરાકથી મુક્ત દૂધનું ઉત્પાદન થાય તેવો હતો.
તેને ખબર પડી કે કેટલાક ખેડૂતો વીસ રૂપિયાનું એક ઇંજેક્શન આપે છે જે ગાયના શરીરમાં એવી અસર કરે છે કે તે અડતાળીસ કલાક સુધી દૂધ આપે છે. તેના પરિણામે જે લોકો આ દૂધનો ઉપયોગ કરે છે. તેમને સ્વાસ્થ્યસંબંધી મુશ્કેલીઓ ઉભી થાય છે. જ્યોતિ પદ્મા મશીનનો ઉપયોગ કરતી નથી. તે હાથથી જ ગાયોને દોહવાનો આગ્રહ રાખે છે અને તે દૂધ થોડા કલાકોમાં તેના ગ્રાહકો સુધી પહોંચી જાય છે. આજે બાલકૃષ્ણ ડેરીના આશરે બસોથી વધુ ગ્રાહકો છે. જ્યોતિના ડેરી કામ દરમિયાન તેનો પરિચય પરીક્ષિત સંપત સાઈ સાથે થયો, જેનું લક્ષ્ય ખેતીને એક સંગઠિત ક્ષેત્ર બનાવવાનું છે. તે બંનેએ સાથે મળીને 'કાઉ કરન્સી'ની શરૂઆત કરી જેમાં કોઈ વ્યક્તિ પોતાની ગાય પણ રાખી શકે છે. એક લાખ, આઠ હજારનું મૂડીરોકાણ કરીને વ્યક્તિ ત્રણ વર્ષ માટે ગાયની માલિક બની શકે છે. તે ગાયને સંભાળીને રાખવાની, ભોજનની અને તેના સ્વાસ્થ્યની જવાબદારી ફાર્મની રહે છે. તેના બદલામાં ગ્રાહકોને દરરોજ બે લીટર તાજુ એ-૨ દૂધ અને મહિને બે કિલો ઘી એમના ઘરે પહોંચાડવામાં આવે છે. જો કોઈ ગ્રાહક બીજા રાજ્યમાં રહેતો હોય તો તેમને કુરિયર દ્વારા ઘી પહોંચાડવામાં આવે છે અને દૂધના પૈસા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. દૂધ પિસ્તાળીસ રૂપિયે લિટર આપવામાં આવે છે અને ત્રણ વર્ષ પછી ગાયના માલિકને બાવીસ હજાર રૂપિયા આપવામાં આવે છે. ગ્રાહકને ગાય અને તેના આનુવંશિક માતા-પિતાનું યોગ્ય જાતિનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેની શુદ્ધતાની ખાતરી રહે. ગાયનો માલિક જ્યારે ઇચ્છે ત્યારે તેને જોવા કે મળવા આવી શકે છે. પુણેમાં રહેતી એક વ્યક્તિ તેની ગાય રાધાને મળીને ખૂબ ખુશ છે તે કહે છે કે ગાયના માલિક બનવાની અનુભૂતિ અવર્ણનીય છે.
જ્યોતિ પદ્માના કેટલાક ગ્રાહકો એટલે ખુશ છે કે શહેરમાં આવ્યા પછી ગાયનું દૂધ પીવા મળતું નહોતું તે હવે મળવા લાગ્યું અને બાળપણનાં મધુર સ્મરણો તાજા થઈ ગયા. શહેરોમાં લોકો પાસે ગાય રાખવાની ન તો જગ્યા છે કે ન તો સમય! આ મોડલ આ બધી જરૂરિયાતોને પૂરી કરે છે. જ્યોતિ પદ્મા સાથે જોડાયેલા પરીક્ષિતને આ ક્ષેત્રનો બે દાયકાનો અનુભવ છે. તેમણે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જ્યારે ગાય દૂધ દેવાનું બંધ કરી દે છે એ પછી પણ એને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળે તેવી વ્યવસ્થા તેઓ કરે છે. પંદર ગાયોથી શરૂઆત કરનાર જ્યોતિ પદ્માની ડેરી દરરોજ અઢીસો લીટર દૂધનું ઉત્પાદન કરે છે. આજે કાઉ કરન્સીમાં પચીસ કર્મચારીઓ કામ કરે છે. તેઓ સમગ્ર ભારતમાં આ પ્રકારના પંચોતેર ફાર્મ કરવા માગે છે. જેથી વધુ ને વધુ લોકો ઉચ્ચ ગુણવત્તાવાળા ડેરી ઉત્પાદનો સાથે ફરીથી જોડાઈ શકે. તેઓ માત્ર શુદ્ધ ડેરી ઉત્પાદન જ નહીં, પરંતુ ખેતીની નૈતિક પદ્ધતિઓને પણ વિકસાવવા માગે છે અને દરેક ગાય ખુશ અને સ્વસ્થ રહે તેવું ઇચ્છે છે. તેમની માન્યતા છે કે અસલી ધન એક ગાયના માલિક બનવું તે છે.