Get The App

શ્રીકૃષ્ણ ઉવાચ : જીવનમાં કર્મયોગ ક્યાં સુધી કરશો?

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
શ્રીકૃષ્ણ ઉવાચ : જીવનમાં કર્મયોગ ક્યાં સુધી કરશો? 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'મારી પ્રેમયુક્ત ભક્તિ કરનારને માત્ર નિત્ય કર્મ આવશ્યક રહે છે. તે સર્વ કર્મો તેત્રીસ કરોડ દેવતા અને ઋષિ મહન્ત પૂર્ણ કરે છે.'

ભ ક્તિયોગનો અદ્ભુત ગ્રંથ છે આ ! સંત એકનાથ રચિત 'એકનાથી ભાગવત'ના અગિયારમા અધ્યાયમાં ૨૭થી ૩૧મા શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ એમના આત્મીય, સચિવ, સલાહકાર અને સંદેશવાહક ઉદ્ધવજીને એમના પ્રશ્નોનાં ઉત્તર આપે છે. કથા તો એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહ્યું કે, 'બદરિકાશ્રમમાં રહીને અભેદભાવે મારી ભક્તિ કર્યા કરજો. તમારું આવું આચરણ જોઇને લોકો તેનું અનુકરણ કરશે અને પોતાનો ઉદ્ધાર કરશે. વધુમાં કહ્યું કે બદરિકાશ્રમમાં અનેક તીર્થો આવેલા છે. એ બધામાં અલકનંદા નદી મુખ્ય છે, તે ભાગીરથી છે અને તેના દર્શન માત્રથી સઘળા દોષોનો નાશ થઇ જાય છે.'

શ્રીકૃષ્ણ દ્વારા ઉદ્ધવજીને આ વચનો કહેવામાં આવ્યાં, ત્યારે ઉદ્ધવજી બદરિકાશ્રમ ભણી પ્રયાણ કરવાનો વિચાર કરે છે. મહાત્મા ઉદ્ધવ સુખ અને દુઃખ જેવા દ્વંદ્વોથી પર હતા, આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વિદાય લેતી સમયે એમનું મન આદ્ર બની જાય છે. આ સમયે તેઓ ભગવાનને દક્ષિણ દિશા તરફ રાખી પ્રદક્ષિણા કરીને તેમના ચરણોમાં શિશ નમાવે છે. ઉદ્ધવજીનું મન પ્રેમથી એટલું બધું આદ્ર બની જાય છે કે એમની આંખમાંથી નીકળતા અશ્રુબિંદુઓ અભિષેક કરવા લાગે છે. શ્રીકૃષ્ણ પ્રત્યે આત્મીયતાનો ભાવ ધરાવતા ઉદ્ધવજી એમના વિયોગના વિચારથી વ્યથિત બની જાય છે. તેઓ એમની બંને પાદુકાઓને મસ્તક પર ધારણ કરીને વારંવાર તેમને નમસ્કાર કરીને વિદાય લે છે. એક ભક્તનો ભગવાન પ્રત્યેનો અપાર ભક્તિભાવ અહીં જીવંત પણે પ્રગટ થાય છે.

બદરિવિશાલના ધામમાં પ્રવેશ્યા પછી ઉદ્ધવજી જગતના એક માત્ર બંધુ શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલા ઉપદેશનું અનુસરણ કરે છે. આવું ભગવત ધર્મનું આચરણ કરીને તેઓ શ્રીહરિની ગતિ પામે છે. આ ઘટનાનું વિવરણ એ માટે જરૂરી છે કે શ્રીકૃષ્ણ ઉદ્ધવજી વચ્ચેના આ સંવાદમાં ભગવાન અને ભક્ત વચ્ચેનો ભક્તિભાવપૂર્ણ વિરલ, વૈચારિક અને આધ્યાત્મિક સંવાદ જોવા મળે છે. એમાં આપણે અગાઉ જોયેલાં સત્પુરુષોના જે સાત લક્ષણો બતાવ્યા, એ પછીના બીજા લક્ષણોમાં અકામુકતા (કામવિહીન), દાન્ત (ઇન્દ્રિય વિજય), મુદુતા, શુદ્ધતા, અપરિગ્રહ, અનીહા (આંતરિક દ્રઢતા), મિત ભોજન, શાંતિ, સ્થિરતા (આત્મસ્વરૂપમાં સ્થિરતા), મત્છરણ (શરણાગતિ), મનન, વૃત્તિ શૂન્ય, ગંભીરતા, ધૃતિ, ષડગુણ (દેહનાં છ વિકાર પર વિજય), નિર્માનિતા (માનની ઇચ્છા વિનાના), સન્માન કરનારા, બોધ આપવાનું સામર્થ્ય ધરાવનારા, મૈત્રી, કારુણ્ય અને કવિત્વ ધરાવનારા - આવા સંતના અઠયાવીસ ગુણોનું વર્ણન અહીં મળે છે.

'એકનાથી ભાગવત'ના કૃષ્ણ-ઉદ્ધવ સંવાદના કેટલાક મહત્ત્વના પ્રશ્નોત્તર આપણી આ સત્સંગ સભામાં જોઇએ. એક જિજ્ઞાસા એવી વ્યક્ત કરે છે, 'હે પ્રભુ ! આપનાથી વિમુખ થયેલી બુદ્ધિવાળા મનુષ્યો પોતે કરેલાં કર્મોને કારણે ઉચ્ચ-નીચ યોનિઓમાં શરીરો ગ્રહણ કરે છે અને તજે છે. ગોવિંદ, આત્મજ્ઞાનથી રહિત મનુષ્યો માટે જાણવી કઠણ એવી તે વિષયવસ્તુ વિશે આપ મને કહો.'

આ સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણ મન અને આત્માનો ભેદ દર્શાવે છે. માણસનું કર્મમય મન એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. એનું આ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત હોય છે, જ્યારે એનાથી જુદો એવો એ આત્મા હોય છે. આપણી ઇન્દ્રિયો મનને આધીન છે, આપણું દેહાભિમાન એ મનનું કાર્ય છે અને મન જ દેહનું જવું- આવવું સિદ્ધ કરે છે. આ રીતે મન વિષયમાં આસક્ત થઇને શુભ-અશુભ કર્મનું આચરણ કરે છે અને તેથી કર્મને આધીન થઇ એક દેહ છોડી બીજે જાય છે. આત્મા ભિન્ન અને અલિપ્ત હોવા છતાં એ જતો આવતો હોય છે.

આ આખીય વાતને વિશેષ સ્પષ્ટ કરતા સંત એકનાથજી આ પ્રમાણે દ્રષ્ટાંત આપે છે. પાણી ભરેલા ઘડાને અહીંથી ત્યાં લઇ જઇએ, ત્યારે તેની અંદરનું આકાશ પણ સાથે આવતું - આવતું દેખાય છે; છતાં આકાશ ખરેખર જતું-આવતું નથી, તેમ આત્મા જતો આવતો નથી. ઘડામાં અમૃત ભરો કે દુર્ગંધમય પદાર્થ ભરો, છતાં આકાશ અલિપ્ત જ છે, તેમ આત્મા સુખ તથા દુઃખથી પર છે. ઘટનાં સો ટુકડા એક ઘાટે કરવાથી આકાસનાં ટુકડા થતાં નથી. નવો ઘડો તૈયાર થતાં આકાશ સહજ તેમાં છે જ. તે જ રીતે દેહ નશ્વર છે ને આત્મા અખંડ પરિપૂર્ણ છે. આત્મા બીજા દેહમાં પ્રવેશ કરતો નથી તેમજ તેને જન્મમરણ પણ નથી. માત્ર મન જ વાસનાના યોગે દેહધારી જીવને બીજા દેહમાં લઇ જાય છે.

એક મહત્ત્વની જિજ્ઞાસા મહાત્મા ઉદ્ધવજી શ્રીકૃષ્ણ સમક્ષ પ્રગટ કરે છે કે, 'માણસે એના જીવનમાં ક્યાં સુધી કર્મયોગ કરવો જોઇએ ?'

એના ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, 'માનવીની ભીતરમાં સાચો વૈરાગ્ય જાગે નહીં, ત્યાં સુધી એણે નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવા જોઇએ. ભગવાનની કથાના શ્રવણમાં સાચી શ્રદ્ધા જાગે નહીં, ત્યાં સુધી કર્મ માર્ગે ચાલવું જોઇએ. અર્થાત્ માનવીની ભીતરમાં સાચો વૈરાગ્ય જાગે નહીં, ત્યાં સુધી એણે નિત્ય કર્મો કરવા જોઇએ.'

આને વિશેષ રીતે સમજાવતા 'એકનાથી ભાગવત'ના અગિયારમા સ્કંધના વીસમા શ્લોકમાં સંત એકનાથ કહે છે કે, 'વ્યક્તિને વૈરાગ્ય પ્રાપ્ત થાય, ત્યારે સ્વર્ગ અને સંસાર બંને ત્યાજ્ય બની જાય છે. એનો અર્થ જેમ વમન (ઊલટી)માં બહાર આવેલા મીઠા અન્નની કોઈ ઇચ્છા કરતું નથી, એ જ રીતે એને વિષય પર આળસ આવે, ત્યારે કર્મમાર્ગની ગતિ રહેતી નથી. ભગવાનની કથાનું શ્રવણ કરતા કરતા અંતઃકરણ એમના પ્રેમથી ઉભરાઈ જાય, મનમાં સતત એમનું સ્મરણ ચાલ્યા કરતું હોય, સાધક દેહ અને ઘર પણ વિસરી જાય, એવે સમયે કર્મમાર્ગની જરૂર રહેતી નથી.'

કૃષ્ણકથા કેવી છે અને એનો પ્રભાવ શો છે ? એ દર્શાવતા 'એકનાથી ભાગવત'માં શ્રીકૃષ્ણ કહે છે, 'મારી પ્રેમયુક્ત ભક્તિ કરનારને માત્ર નિત્ય કર્મ આવશ્યક રહે છે. તે સર્વ કર્મો તેત્રીસ કરોડ દેવતા અને ઋષિ મહન્ત પૂર્ણ કરે છે. મારી કથાના શ્રવણથી કોટયવધિ કર્મોનો લોપ થાય છે. વિધિ નિષેધ કદી બાંધતા નથી. આવો મારી કથાનો પ્રભાવ છે.'

આ સંદર્ભમાં અન્યત્ર ભગવાન કૃષ્ણ કહે છે, 'મનુષ્યોનું કલ્યાણ કરવાની ઇચ્છાથી (વેદમાં બ્રહ્મકાંડ, કર્મકાંડ તથા દેવકાંડ દ્વારા) જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ રૂપી ત્રણ ઉપાયો મેં કહ્યા છે આ સિવાય બીજો કોઈ ઉપાય (શાસ્ત્રમાં) નથી.'

'આ ત્રણ યોગમાં, કર્મોમાં અને તે કર્મફળોમાં વિરક્ત થનારાઓ માટે જ્ઞાનયોગ સિદ્ધિ આપનારો છે. તે કર્મફળોમાં' વિરક્ત ન થનારા સકામજનો માટે નિષ્કામ કર્મયોગ સિદ્ધિ આપનારો છે. જે મનુષ્ય પોતાના કોઈ ભાગ્યોદયથી મારી કથા વગેરેમાં શ્રદ્ધાવાળો થયો હોય, વિષયો પ્રત્યે વિરક્ત ન હોય તેમજ વિષયોમાં અત્યંત આસક્ત પણ ન હોય તેવા મનુષ્યને ભક્તિયોગ સિદ્ધિ આપનારો છે.

આ સંદર્ભમાં એક વિશેષ પ્રશ્ન ઉદ્ધવજી શ્રીકૃષ્ણને પૂછે છે. તેઓ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા કહે છે કે, 'જ્ઞાનમાર્ગ કરતાં સત્સંગ દ્વારા પ્રાપ્ત થતો ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે એમ આપ કહો છો તેનો અર્થ શું ?'

ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે કે, 'સંસારને પાર કરવા માટે અને મારી પ્રાપ્તિ માટે ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ બંને છે, પરંતુ એમાં જ્ઞાનમાર્ગ થોડો કઠિન છે અને ભક્તિમાર્ગ નિર્વિઘ્ન છે. જ્ઞાનમાર્ગ કોસના પાણી સમાન છે, તો ભક્તિમાર્ગ નદીના પાણી સમાન છે અને એ ભક્તિની પ્રાપ્તિ સત્સંગથી થાય છે. અહીં સત્સંગનો મહિમા કરતા શ્રીકૃષ્ણ કહે છે, 'અષ્ટાંગ યોગ, પ્રકૃતિ- પુરુષનો વિવેક, સાંખ્યયોગ, અહિંસાદિ ધર્મ, વેદાધ્યયન, તપ, યજ્ઞા, દાન, વ્રત, તીર્થયાત્રા, યમ, નિયમ વગેરે સાધન સત્સંગ સિવાય મને વશ કરવા સમર્થ નથી. સર્વ સાધન સંત દ્વારા મારી પ્રાપ્તિ કરાવે છે. સત્સંગ સિવાયનાં સર્વ સાધન મલિન છે.''

આ સત્સંગનો આવો મહિમા શા માટે? એને વિશે ભગવાન શ્રીકૃષ્ણના માર્મિક વચનો મળે છે. તેઓ કહે છે, અષ્ટાંગયોગમાં સિદ્ધિ ઠગે છે. સાંખ્યયોગમાં ધન-માનની ઇચ્છા થાય છે. અહિંસા ધર્મ કરતાં ધર્મિષ્ઠપણાનંસ અભિમાન આવે છે. વેદાધ્યયન માત્રથી હું મળતો નથી. તપસ્વીમાં ક્રોધ વસે છે. દાન, યજ્ઞા વગેરેમાં સ્વર્ગના ભોગ આડા આવે છે. તીર્થયાત્રામાં અર્ધ ઘડીની વિશ્રાંતિ મળતી નથી. એવી રીતે સર્વ સાધન આપમતિથી કરવામાં વિઘ્નરૂપ થાય છે. સાધુના ઉપદેશથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મને પ્રાપ્ત કરવાનું સત્સંગ જેવું બીજું સાધન નથી. આવા મહાત્મા ઉદ્ધવની જિજ્ઞાસા અને ભગવાન શ્રીકૃષ્ણએ આપેલા ઉત્તરોનું નવનીત આપણે આપણી આ સત્સંગ સભામાં પામ્યા.


Google NewsGoogle News