Get The App

વિમાની ઉડ્ડયનના કળીયુગમાં સતયુગનું સ્મરણ!

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
વિમાની ઉડ્ડયનના કળીયુગમાં સતયુગનું સ્મરણ! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- 1938માં જે.આર.ડી. તાતા સન્સના ચેરમેન બન્યા પછી પણ એક પાયલોટ તરીકે મહિનામાં પંદર દિવસ વિમાની સફર કરતા હતા...

આ જકાલ આપણા દેશમાં વિમાની સફર અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. આવા વિમાની કળીયુગમાં આપણા દેશની ઉડ્ડયન સેવાના પ્રારંભના સતયુગનું સ્મરણ થાય છે અને ભારતના પ્રથમ વિમાનચાલક જહાંગીર રતનજી દાદાભાઈ (જે.આર.ડી.) તાતાની પ્રતિભા, પુરૂષાર્થ અને પ્રેરણાનું સ્મરણ થાય છે. ફ્રાંસમાં એમના નિવાસસ્થાનની બાજુમાં બાળપણમાં વિમાનોને નિહાળતાં એમનામાં વિમાનચાલક બનવાનું સ્વપ્ન જાગ્યું હતું.

૧૯૨૯ના માર્ચ મહિનામાં ખાનગી લાઇસન્સ મેળવીને તેઓ પ્રથમ ભારતીય વિમાનચાલક બન્યા. અનેક વ્યવસાયો સંભાળતા જે.આર.ડી. તાતાએ તાતા ગૂ્રપના ચેરમેન તરીકે પોતાની બુદ્ધિમત્તા અને પ્રમાણિકતા દ્વારા દેશમાં આગવી પ્રતિષ્ઠા હાંસલ કરવા ઉપરાંત ઔદ્યોગિક જગતને એક આદર્શ નેતૃત્વ પૂરું પાડયું હતું. એમણે ૧૯૨૯માં ફ્રાંસનું નાગરિકત્વ છોડીને ભારતીય નાગરિકત્વ અપનાવ્યું અને એ પછી ભારતની તરક્કી માટે અથાગ પ્રયત્ન કર્યો. જમશેદજી તાતાના પિતરાઈભાઈ એવા રતનજી દાદાભાઈના તેઓ પુત્ર હતા અને સામાન્ય રીતે એવી ગણતરી મુકાય છે કે પહેલી પેઢી ઉદ્યોગનું સર્જન કરે, બીજી પેઢી એને પરાકાષ્ઠાએ પહોંચાડે અને ત્રીજી પેઢીએ એ ઉદ્યોગની પડતી થાય છે, પરંતુ જે.આર.ડી. તાતાએ એ માન્યતાને સમૂળગી ખોટી ઠેરવી અને એમણે તાતા ગુ્રપને એક નવી ઊંચાઈ પહોંચાડી દીધો.

ચેરમેન તરીકે એની બાગડોર પોતાના હાથમાં લીધી, ત્યારે તાતા ગૂ્રપમાં ચૌદ કંપનીઓ હતી અને સત્તર કરોડનો એનો વેપાર હતો. પાંચ દાયકાના અથાગ પરિશ્રમ પછી જે.આર.ડી. તાતાએ જ્યારે તાતા ગૂ્રપના ચેરમેનપદેથી વિદાય લીધી, ત્યારે કુલ ૯૫ કંપનીઓ હતી અને એનો વ્યવસાય દસ હજાર કરોડથી પણ વધારે હતો. એણે એનાં ઉત્પાદનોની એવી ઊંચી શાખ અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરી કે વપરાશકાર સ્વયં આ ઔદ્યોગિક સંસ્થા વધુને વધુ સમૃદ્ધ થાય તેવું ઇચ્છતા હતા. એની પાછળ જે.આર.ડી. તાતાની દીર્ઘ દ્રષ્ટિ હતી તો એથીય વિશેષ પોતાના સાથીઓની શક્તિ બહાર લાવીને એનો વિકાસ સાધવાની કાબેલિયત હતી.

આ સઘળી વાતોનું સ્મરણ એ માટે થયું કે જે.આર.ડી. તાતા ભારતમાં વિમાનચાલકનું પ્રથમ લાયસન્સ મેળવનારા તો બન્યા, પરંતુ સમય જતા તેઓ 'ભારતીય સિવિલ એવિએશનના પિતા' તરીકે જાણીતા થયા. ૧૯૩૨માં એમણે જે કોમર્શિયલ એરલાઇન્સ સ્થાપી હતી, જેનું નામ 'તાતા એરલાઇન્સ' હતું તે ૧૯૪૬માં 'એર ઇન્ડિયા' તરીકે રાષ્ટ્રીય એરલાઇન્સ સ્થાન પામી. સ્વયં મેનેજમેન્ટ નિષ્ણાતો અને ઉદ્યોગના અનુભવીઓ પણ કહે છે કે, નાગરિક ઉડ્ડયન ઉદ્યોગ એ સૌથી જટિલ અને મુશ્કેલ ઉદ્યોગ છે. આજે પણ દેશમાં કેટલીય હવાઈ સેવાઓ શરૂ થઈ અને કેટલીય બંધ થઈ. 'એર સહારા, દમનિયા એરવેઝ, ઈસ્ટ-વેસ્ટ એરલાઇન્સ, કિંગ ફિશર જેવી ઘણી એરલાઇન્સે માત્ર બે દાયકાની પણ આવરદા ભોગવી નથી. એવે સમયે જે.આર.ડી. તાતાના નેતૃત્વમાં ભારતીય એરઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય વિદેશની જાણીતી એરલાઇન્સની બરાબરી કરતી હતી. એની ગુણવત્તાયુક્ત સેવાઓ સર્વત્ર પ્રસિદ્ધ હતી અને એના કર્મચારીઓ દુનિયાના શ્રેષ્ઠ કર્મચારીઓ તરીકે આગવી ખ્યાતિ ધરાવતા હતા'

ભારત સરકારે આ એરલાઇનનું રાષ્ટ્રીયકરણ કર્યું, ત્યારે જે.આર.ડી. તાતાને અધ્યક્ષપદે રાખ્યા હતા. તેઓએ એ સમયે સફળ કામગીરી બજાવી હતી અને ઘણીવાર તો વિશાળ તાતા ગૂ્રપની કામગીરી ઉપરાંત આ કામગીરીઓમાં એમને ઘણો સમય આપવો પડતો હતો. આ કાર્ય તેઓ કશીય રકમ લીધા વિના નિસ્વાર્થભાવે કરતા હતા. આવા જે.આર.ડી. તાતા વિશેના ગ્રંથનો કેયૂર કોટકે સુંદર રીતે અનુવાદ કર્યો છે અને એમાં એમની અસાધારણ પ્રતિભા દર્શાવી છે.

૧૯૩૮માં જે.આર.ડી. તાતા સન્સના ચેરમેન બન્યા પછી પણ એક પાયલોટ તરીકે મહિનામાં પંદર દિવસ વિમાની સફર કરતા હતા. બાજુમાં સહાયક પાયલોટ બેસતો. એની જવાબદારી નકશા અને ઉડાનની દિશાઓ વગેરે તૈયાર કરવાની હતી. એ સમયે પાયલોટ તાતા સાથે વિમાનમાં જતા મૂંઝાતા હતા. તેઓ એક યા બીજું બહાનું કાઢીને એમની સાથે જવાનું ટાળતા હતા. ક્યારેક તો કોઈ પાયલટ બીમાર હોવાનો ઢોંગ પણ કરતા. આનું કારણ શું ?

આનું કારણ એ કે વિમાનના ઉડ્ડયનની અસરકારક કામગીરી અને ચોક્સાઈ માટે જે.આર.ડી. તાતાની જરૂરિયાત પૂરી કરવા કોઈ સક્ષમ નહોતું. એમની ક્ષમતા અંગે કેપ્ટન વિશ્વનાથને માર્મિક અનુભવ થયો. એક વાર વિમાન ઉડાવતા તાતાએ કેપ્ટન વિશ્વનાથને ગ્રાઉન્ડ સ્પીડની ગણતરી કરવા કહ્યું. આ ગ્રાઉન્ડ સ્પીડ એ એરસ્પીડ કરતા જુદી હોય છે. આજે તો વિમાનના ડેશબોર્ડ પર આવી માહિતી આપે તેવાં સાધનો હોય છે, પરંતુ એ દિવસોમાં વિમાનના ડેશબોર્ડ પર આવા ઓટોમેટિક સાધનો નહોતા. કેપ્ટન વિશ્વનાથે ખૂબ ઝડપથી ગણતરી કરીને કહ્યું કે, ''ગ્રાઉન્ડ સ્પીડ કલાક દીઠ ૧૪૫ માઈલ છે,'' ત્યારે પોતાની આગવી રીતે ગ્રાઉન્ડ સ્પીડની ગણતરી કરીને કેપ્ટન વિશ્વનાથને જે.આર.ડી.એ નમ્રતાથી કહ્યું કે, '૧૪૫ નહીં, પણ ૧૪૫.૫ માઈલ પ્રતિકલાક છે.' આ સમયે કેપ્ટન વિશ્વનાથે કહ્યું કે તાતા પાસેથી કાર્યક્ષમતાના સ્તર અને ધારાધોરણની ચોક્સાઈનો આગ્રહ રાખવાનું શીખવા મળ્યું.

એકવાર એમના પગે ફ્રેકચર થયું હતું, ત્યારે વ્હિલચેરમાં જવાની સ્થિતિ હતી. એમને મિકેનિકલ બાબતો પ્રત્યે ઊંડો રસ હોવાથી ધાતુઓ અને લાકડાંની ચીજવસ્તુઓ બનાવવાનો શોખ હતો. એમના ઘરમાં એક નાની વર્કશોપ હતી અને એની દીવાલો પર છાજલીઓની હારમાળા હતા. વ્હિલચેરમાં જતી વખતે એમના એક સાથીએ પૂછ્યું કે, 'તમારે કોઈ ચીજની જરૂર છે ?' તો જે.આર.ડી.ને ઉપરની છાજલીમાંથી પાનાંની જરૂર હતી. વ્લિહચેરમાંથી આંખ ઊંચી કર્યા વગર એમણે કહ્યું, 'બીજી છાજલીની જમણી બાજુએથી ત્રીજી ચીજ જોઈએ છે' અને તે બરાબર એ જ જગાએથી પાના મળી આવ્યા. આવી હતી એમની ચોક્સાઈ.

એવું જ એમનું સમયપાલન. એક વાર પ્રવાસ સમયે પોતાની સામેનું નાનું ટેબલ (ધાતુની ટ્રે) ખોલીને તેઓ કામ કરતા હતા. એના પર સ્ટેશનરીની એક કીટ અને એક ફાઈલમાં અનેક કાગળો મૂક્યા. વિમાનના ઉતરાણના સમય સુધી એમણે આ કામ કર્યું, જે સમયે બીજા મુસાફરો નિરાંતે ઊંઘતા હતા અથવા તો બાજુના મુસાફર સાથે ગપાટા મારતા હતા. જે.આર.ડી.એ એમનો કીમતી સમય વ્યર્થ ચર્ચામાં પસાર કર્યો નહીં, પરંતુ ખંત અને વ્યવસ્થિત રીતે પોતાની ઓફિસનું કામ કર્યું. વિમાનના ઉતરાણનો સમય થયો, ત્યારે એમણે એમની સ્ટેશનરી કીટ સાથે તમામ પેપર્સ વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકી દીધા.

એ સમયે મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ નવા વિકસેલા કોન્કોર્ડ વિમાનની ખરીદી કરતા હતા. જે.આર.ડી. તાતાએ નવા વિમાનોના સંદર્ભમાં સઘળી માહિતી મેળવી. એમણે જોયું કે આ સુપર સોનિક વિમાન ભવ્ય અને આકર્ષક છે. દરિયા પર ઉડાન ભરતી વખતે ઘણું અનુકૂળ લાગે છે, પરંતુ એ વિમાન ઉતરાણ સમયે જમીન પર લાંબું અંતર કાપવા માટે પ્રતિકૂળ છે. એનું કારણ એ કે કોન્કોર્ડ જમીન પર ચાલે, ત્યારે કાન ફાડી નાખે એવો અવાજ પેદા થતો હતો. આ રીતે એમણે નવી આકર્ષક ટેકનોલોજી અપનાવવાને બદલે આવશ્યક ક્ષમતાનો વિચાર કર્યો અને સમય જતાં એ હકીકત સાચી પૂરવાર થઈ કે દુનિયાની દરેક એરલાઈને પોતાના કાફલામાંથી કોન્કોર્ડ વિમાન દૂર કરી દીધા. એમની આ દૂરંદેશીએ એરઇન્ડિયાને કરોડોની ખોટમાંથી બચાવી લીધી હતી.

તેઓ અન્ય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં જાણી જોઈને સફર કરતા હતા અને એની સુશોભન સામગ્રી, સેવાનું સ્તર, નાસ્તા અને પીણા જેવી બાબતોની નોંધ કરતા હતા અને એમાંથી કંઈક વિશેષ જાણકારી મળે તો તેઓ પોતાની પ્રિય એરલાઇનમાં પ્રારંભ કરતા હતા. આ સઘળાની સાથોસાથ એમણે તબીબી સારવાર, વૈજ્ઞાનિક સંશોધન અને પર્ફોર્મિંગ આર્ટની સંસ્થાઓ સ્થાપી. એથીયે વિશેષ ગ્રામીણ વિસ્તારોનું ઉત્થાન કરવા માટેની કોર્પોરેટની જવાબદારી દર્શાવીને ગામડાં દત્તક લેવાની પ્રથા પણ શરૂ કરી. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ અને મજૂરકલ્યાણના ખાસ કાયદા ઘડયા. આમ ભારતીય ઉદ્યોગ જગતને જે.આર.ડી. તાતા દ્વારા એક આદર્શ ઉદ્યોગપતિનું જીવન અને દર્શન જોવા મળ્યું.

ક્ષણનો સાક્ષાત્કાર

બિગબેંગ (મહાવિસ્ફોટ) જેવા બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓનો અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સ્ટિફન હૉકિંગના બાપદાદાનો વ્યવસાય તો ખેતીનો હતો. આર્થિક હાલત પણ સારી નહોતી. વળી નાના કદ અને સંકોચશીલ સ્વભાવને કારણે હૉકિંગે નિશાળ બદલી નાખી. મોર્ટર ન્યૂરોન ડિસિઝ (MND) અથવા એમિયો ટ્રોફિક લેટર સ્કલેરોસિસ (MND) રોગના જીવલેણ હુમલાને કારણે લગભગ બધાં અંગે લકવાગ્રસ્ત થવા છતાં હિંમત હાર્યા નહીં. એમની વિદ્યોપાસના અને સંશોધનવૃત્તિ અવિરત ચાલતી રહી.

ન્યુમોનિયામાં પટકાયા બાદ શ્વાસોચ્છ્વાસની ભારે તકલીફ થતાં ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થયું અને વાચા પણ ચાલી ગઈ, પણ મજબૂત મનોબળ દ્વારા એમણે એમનાં સંશોધનો ચાલુ રાખ્યાં. 

અનેક શારીરિક મર્યાદાઓ ધરાવતા સ્ટિફન હોકિંગ પોતાની વિકલાંગતા માટે એ સંજોગો, શરીર કે નિયતિન દોષ આપ્યો ન હતો. તેઓ કહેતા કે બધી જ ચીજો નિશ્ચિત જ હોય, તો આપણે કશું બદલી શકીએ નહીં. નસીબમાં માનનાર માનવી પણ રસ્તો ક્રોસ કરતી વખતે આવતાં-જતાં વાહનોને જુએ છે. જીવનને પૂરેપૂરું જીવવાની કોશિશ કરતાં સ્ટિફન હોકિંગ પોતાનાં સંતાનો રોબર્ટ, લ્યુસી અને ટિમ્મીને કહેતા કે,

'હંમેશાં તારાને જુઓ, પગને નહીં. હું આખી દુનિયા ઘૂમી વળ્યો છું, એન્ટાર્ક્ટિકથી લઈને છેક ઝીરો ગ્રેવિટી સુધી. કામથી ભાગો નહીં, કારણ કે કામ જ જીવનને અર્થ અને ઉદ્દેશ આપે છે. જિંદગીમાં જો પ્રેમ મળતો હોય તો તેનો આદર કરો, કારણ કે આ પૃથ્વી પર જ એ સંભવ છે.'


Google NewsGoogle News