Get The App

2000-2025 : કાળના ચાકડે ફરતા બ્લેક હોલમાં ગરક થયેલી આપણી આસપાસની ચીજવસ્તુઓ!

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
2000-2025 : કાળના ચાકડે ફરતા બ્લેક હોલમાં ગરક થયેલી આપણી આસપાસની ચીજવસ્તુઓ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- 21મી સદી સિલ્વર જયુબિલી ઈયરમાં છે ત્યારે ચાલો બનાવીએ એક યાદી ગોલ્ડન મેમરી બનતી જતી વસ્તુઓની, જેનો સાથ છેલ્લા ૨૫ વર્ષમાં છૂટતો ગયો છે... 

જો જો ચેકમાં ૨૦૨૫ લખવાનું ભૂલાય નહિ!

આવા મેસેજ આ વખતે આવતા બંધ થઇ ગયા. કારણ કે ચેક જ લખવાનું ઓનલાઈન ટ્રાન્સફરના યુગમાં ઘટતું જાય છે. ઘટયું છે, સાવ બંધ નથી થયું, પણ આમ ને આમ ચાલ્યું તો ચેક શું, કંકોત્રી પ્રિન્ટ કરવાનું પણ દુર્લભ થશે, ઘણાખરા ઇન્વિટેશન કાર્ડ કે કંકોત્રી હવે ડિજીટલ ગ્રાફિક સ્વરૂપે આવતા થઇ ગયા છે એટલે પાવલીના સિક્કાની જેમ એનું પણ ધોવાણ થઇ રહ્યું છે. અરે, છેલ્લે પોસ્ટકાર્ડ ક્યારે લખેલું? ઇનલેન્ડ લેટર ક્યારે મળેલો? ૨૦૦૦ની સાલથી ૨૦૨૫ આવતા સુધીમાં તો ભારતમાં સિનેમા થિયેટરથી લઇ ટોલ બૂથ સુધી પ્રિન્ટેડ ટિકિટસ ગાયબ થઇ ગઈ છે! રેલ્વેની પૂંઠાવાળી ટિકિટ યાદ છે? એસટીની બસમાં કંડકકટર ધાતુનું ટકટકિયું લઈને ટિકિટમાં કાણા પાડતા એ ઘટના જ જતી રહી, મીટરગેજ અને ભકછુક ભકછુક બોલતા સ્ટીમ એન્જીનની માફક.

ટક ટક કરીને સમય બતાવતી લોલકવાળી ઘડિયાળ જ લુપ્ત થઇ જાય એટલી ઝડપે સમય ભાગી રહ્યો છે. સેંકડો ચીજો ટાઈટલમાં લખેલા ચાકડાની જેમ ફટાફટ એનું અસ્તિત્વ ગુમાવતી જાય છે. હજુ બે પાંચ વર્ષ પહેલા અનિવાર્ય ગણાતા યુએસબી પોર્ટ અને માઈક્રોયુએસબી ચાર્જર હજુ ફ્લાઈટમાં પણ જોવા મળે. પણ પેસેન્જર બધા સી કેબલમાં આવી ગયા. ફ્લોપી ડિસ્ક કે પેજર કે ડિજીટલ ડાયરીને નેવુંના દાયકાની મેમરી માની લો, પણ સીડી અને ડીવીડીની હાર્ડ ડ્રાઈવ જ ગઈ ગાજતી હવે તો. એક સમયે અનિવાર્ય એવા મેમરી કાર્ડની માફક! વોકમેનનો કચ્ચરઘાણ બોલાવી દેતું આઈપોડ પણ સ્મૃતિશેષ થઇ ગયું અને મ્યુઝિક સાંભળવા માટેના વાયરવાળા ઈયરફોન છેલ્લા ડચકાં ખાઈ રહ્યા છે! કારટેપ ગયા કેસેટની સાથે અને કેમેરાના રોલ ગયા મોબાઈલની સાથે. પણ કીપેડ ધરાવતા કે ફ્લિપ થઇ ખુલતા મોબાઈલ જ વિન્ટેજ મોડલ ગણાય છે! બજાજના સ્કૂટર કે કાઈનેટિકના લ્યુના માફક! આ ૨૫ વર્ષમાં મોપેડ ને સ્કૂટરની આખી પેઢી ગુજરી ગઈ, મારુતિ ફ્રન્ટીની માફક!

કોઈ ધારો કે પેલા રિપ વાન વિન્ક્લની જેમ ૨૦૦૦ની સાલમાં પોઢીને અચાનક એકવીસમી સદીની રજતજયંતીમાં ઉઠે તો બાકાયદા 'જાગીને જોઉં તો જગત દીસે નહીં'નું ભૂલાઈ ગયેલી ગુજરાતીનું ભજન લલકારવા લાગે. ભજનો તો હજુ ટક્યા છે ડાયરાને લીધે પણ ગઝલ સાંભળવી તો બધાને ગમે છે, પણ એની કોન્સર્ટસ જગજીતસિંહ અને પંકજ ઉધાસના નિધનની સાથે વળતા પાણીએ છે. કવ્વાલીએ તો દમ જ તોડી દીધો છે. સુગમ સંગીત આપણું પણ સ્ક્રેચ કાર્ડની જેમ ઓનલાઈન થતું જાય છે. વિડીયો કેસેટ પછીની બ્લુ રે પણ ગઈ આટલા ગાળામાં અને એન્ટેના પછીની ડિશ કેબલ લાઈન પણ! શેરીમાં દેખાતા ટોકરિયા બાવા, ચક્કુ છૂરી તેજ કરતા સરાણીયા, ટોપલામાંથી નાગ કાઢતા મદારી, પિત્તળના વાસણોને કલઈ કરનારા અને વાસણ પર નામ લખનારા બધા જ ચાંદલિયાની ડબ્બી અને પોટેશ્યમ પરમેંગેનેટના જાંબુડી દ્રાવણના કોગળાની માફક અલોપ થઇ ગયા!

ક્યાં ગયા લાકડાના ઘોડિયા અને બેડાં ગાગર અને ઈંઢોણી? અરે પનિહારી પણ રીલ્સમાં જોવા મળે ને પાણીના કેરબા ભરતા એ ય ફિલામેન્ટવાળા બલ્બની સાથે સમયની ચિતા પર ચડી ગયા! કૂવા કે ડંકીના સ્થાને બોર ને મોટર આવી ગયા. ખેતીના ઓજારોની સાઈઝ ટ્રેક્ટર મુજબ ફરી ગઈ. માટલાના શીકાંમાં દોરડે લટકાવીને ભરેલા ખાદ્યપદાર્થોના તો ફોટા પણ મેમરીના નામે વોટ્સેપમાં આવતા નથી. વાંસના સૂંડલા ગયા. કાથી ને પાટીવાળા ખાટલા ને સેટી ને સોફા કમ બેડ પણ વેન્ટીલેટર પર છે. ઘરની ડિઝાઈન જ ફરી ગઈ. લાદી ને ટાઈલ્સ, કમાન ને નળિયા પણ. મોટે ભાગે ટોયલેટ વેસ્ટર્ન કોમોડ આવી ગયા ને બધી ટીકા છતાં સુવિધાજનક એ જ નીવડે છે. બેસીને રસોઈ કરવા ને ખાવાના પાટલાનું સ્થાન સ્ટેન્ડિંગ કિચન અને ડાઈનિંગ ટેબલે લીધું. આસનિયાં ગયા ને ઢીંચણીયા પણ. રેડિયો કાર ને મોબાઈલમાં આવી ગયો અને પેલા ખૂંધ કાઢેલા ટીવી પણ બ્લેક એન્ડ વ્હાઈતની સાથે કબર ભેગા થઇ ગયા! 

ક્યારે ખાધી હતી છેલ્લે દેશી લાલ બદામ વેંચાતી લઈને? રાયણ કે ચણીબોર માંડ જડે છે બજારમાં. ટીમરું કે બિલાં તો આવતા જ નથી. શેતૂર આઈસ્ક્રીમની ફ્લેવર બની ગયું અને પેલી ઓરેન્જવાળી પીપર આઠ આનાના સિક્કાની જેમ દુર્લભ થઇ ગઈ. પાણીના નાનકડા હેન્ડપંપથી દસિયામાં પાણીનો બરફ નાખેલો ઠંડો ગ્લાસ મળતો. એની જગ્યા જે પાઉચે લીધી એનો પણ મૃત્યુઘંટ પ્લાસ્ટિકની નાની બોટલોએ વગાડી દીધો. પાર્લેની કિસમી અને પોપિન્સ પણ નવી પેઢી માટે રેટ્રો થઇ ગઈ. ભોજન જ ઓનલાઈન ઓર્ડર થવા લાગ્યું એમાં મસાલા કૂટવાના ખાંડણી દસ્તા ય મ્યુઝિયમ આઈટમ થઇ ગઈ અને છાશ વલોવવાની જેળણીને બ્લેન્ડરે ધક્કો મારી દીધો ગોળ ઘુમાવીને! 

બરફના ગચિયાં તરતા હોય એવો કાચના ગ્લાસમાં શેરડીનો રસ મળતો એ મિક્સરને કૂલરના યુગમાં સિંગલ સ્ક્રીન સિનેમા જેવો રેર થઇ ગયો! ઘરમાં બનતા નાસ્તા પણ વડીલોની પેઢી સાથે જ ફોટોફ્રેમમાં હાર સાથે મઢાઈ જાય એમ છે. જો કે કાચની ફોટોફ્રેમ્સ પણ રોલ ધોઈને બનાવાતા આલ્બમની માફક એક્સક્લુઝીવ છે. ઇકો ફ્રેન્ડલી એવી ઘેર સીવેલી કપડાની થેલી અને પતરાવળા આ ૨૫ વર્ષમાં ગયા, અને ઘરના ગોદડાં પણ ડામચિયા સાથે મરણશય્યાએ પહોંચી ગયા! લોટના ડબ્બા દળાવવા અને રૂ પિંજાવવાની લાઈનો પણ સિનેમાના એડવાન્સ બુકિંગની લાઈનોની જેમ સાવ જ ઘટવા લાગી. પાઘડી ને ગાંધીટોપી પણ જમણવારની પંગતની જેમ સ્પેશ્યલ ગણાય છે હવે! ગેસના બાટલા ઝડપભેર લાઈન ફેલાતા જઈ રહ્યા છે અને પ્રાઈમસ કે સ્ટવ પણ પેટ્રોમેક્સની જેમ જતા કેરોસીનની માંગ પણ ઘરમાં રહી નહિ! ચિનાઈ માટીની બરણી અને ચાના પ્યાલા સાથે આવતી રકાબી બેઉ અસ્તાચળે જઈ રહ્યા છે ઝડપથી. 

અરીસા ને લાકડાની ખુરશીવાળી જૂની રેસ્ટોરાં મ્યુઝિયમમાં જતી રહી પતરાંના ચીતરેલા સાઈનબોર્ડ માફક. ફિલ્મની સાથે રિલીઝ થતા એના પોસ્ટર અને ફોટાના ડિસ્પ્લે એના ખાસ મેગેઝીનોની જેમ વરાળ થઇ ગયા. રીલ જ જતી રહી ફિલ્મોની. ગ્રામોફોન રેકર્ડ તો પ્રિમીયમ ગણાય છે, પણ જૂના રાવણહથ્થા કે માઉથ ઓર્ગન જેવા વાદ્યો જનજીવનના મેળામાંથી હથેળીમાં ટકટક કરતાં રમકડા ને શણગારેલા ગાડા કે મોય દાંડિયા કે લખોટી કે ભમરડા કે પાણી ભરેલા ફુગ્ગા કે પોટાશના ધડાકા કે ભૂંગળીવાળા તોરણ ને ચાકળા કે મોતીના પડદાની જેમ જ સ્વર્ગસ્થ થવા લાગ્યા! લાકડાના હાથાવાળી આરામખુરશી ગઈ અને પગના ચપ્પલ પણ સદરા ને ઘાઘરી પોલકાની જેમ જૂનવાણી થઇ ગયા! જેટ એરવેઝ ને કિંગફિશર જેવી એરલાઈન્સ ગુજરી ગઈ અને ક્રિકેટમાં બોલર બોલિંગ ફેંકતો આવે એ છેડેથી જોવા મળતો કેમેરા એન્ગલ પણ! ચાંદામામા પણ ગયું અને સ્ક્રીન પણ. ઈયરબૂક પણ ગઈ અને પસ્તીના કાગળોની રફ્નોટ પણ.  મેગેઝીનોનો તો એવો સોથ વળ્યો કે દિવંગતોની યાદીનો પણ એક લેખ થાય! ફાઈલ થઇ મળતા કોમિક્સ કે શેરીઓમાં ભાડે મળતી પોકેટ બુક્સ તારિખિયાના ડટ્ટા જોડે ગઈ. લાયબ્રેરી કલ્ચર ભણવા પુરતું સીમિત થયું. મરકયુરીવાળા થર્મોમીટર અને કાચની ઇન્જેક્શન સીરિંજ ટાઈપરાઈટરની જેમ ગયા ગાજતા.

પટારા, ધોકા, સૂપડાં, સિંદરી, સૂડી, દંતમંજન, અરીઠા, કાકચિયો, કાચના કચોળા, સ્ટીલની થાઈડી, લાકડાંની ફૂટપટ્ટી, પાટીપેન, સ્કૂલે જવાની એલ્યુમિનીયમની પેટી, ભાડે મળતી સાઈકલ, મેલ કાઢવાનું ઠીકરું, ચૂસવાની પેપ્સી, લાંબી થાય એવી ગમ, સગડી, લોઢાની બાલદી, કોલસાની ઈસ્ત્રી, યોયોનું રમકડું, ટેબલ ફેન બધાની વિદાયવેળા આવી ચૂકી છે. સલવાર કે ચૂડીદારને બદલે લેગીન્ગ્સ આવતા જાય છે ને બ્લેકબોર્ડ ને બદલે સ્માર્ટબોર્ડ, ડોટમેટ્રિક્સ પ્રિન્ટરને બદલે લેસર પ્રિન્ટર, બાળોતિયા ને બદલે ડાઈપર  એનઘેન ને સાતતાળી કે ઇસ્ટો ને ચોપાટ ફટાફટ મોબાઈલ પર રમાતી રમતો સામે હારી રહ્યા છે. એરપોર્ટ પર જવું પહેલા જેટલું આસાન નથી ને વજન લઇ જવા માટેની લિમિટની જેમ બેગો ને એના તાળા પણ ફરી ગયા છે! બ્લુ કાર્મ્બ પેપરને લીથો ગયા કાયમ માટે. શિયાળામાં પહેરાતી વાંદરાટોપી પણ ઘેર ફોલાતી શેરડીગંડેરીની જેમ ડોકાતી નથી હવે. ફાઉન્ટનપેન એક્સક્લુઝીવ થઇ ગઈ શાહીના ખડિયા જોડે. કઠપૂતળીના ખેલ કાયમ માટે સુઈ ગયા. ટ્રાન્સપરન્સી ને સાઈકલોસ્ટાઈલ લીથોનાના મૃત્યુલેખ લખાઈ ગયા. પ્રિન્ટેડ લોટરી ટિકિટસ લઈને ઉભ્નારા પીસીઓ એસટીડીની જેમ ગયા અને ડાયલવાળા લેન્ડલાઈન ફોન બે ટીવી વાળા મોડેમ ઈન્ટરનેટ અઈકોનની માફક આવજો કહી ગયા. ઓરકુટ ને યાહૂ મેસેન્જર પણ મરણને શરણ થયા!

મોબાઈલમાં મિસ કોલ કરવાની આદત છૂટીને પોલિયો શીતળાથી મુક્તિ થઇ એવા ઘણા ફેરફારોએ જીવન બેહતર બનાવ્યું જ છે. પણ આ નોસ્ટાલ્જ્યાની યાદી પૂરી થાય એમ નથી. મૂળ આ શબ્દ ગ્રીક છે. નોસ્ટોસ એટલે પાછા ફરવું અને આલ્ગોસ એટલે પીડા. યાને ભૂતકાળની યાદોમાંથી ઝમતી ઝૂરાપાની વેદના. સમય પસાર થાય એમ જે છૂટી ગયું એ ખાસ પ્રીમિયમ લાગવાનું જ છે. કારણ કે એમાં આપણા બાળપણ કે જવાનીનો એક હિસ્સો પણ ખોવાયેલો હોય છે. એ ઉંમરે આપણી પાસે ભવિષ્ય વધુ હોય છે એનો રોમાંચ હોય છે. એક દિવસે એ ઘટી જાય છે ને ભૂતકાળ મોટો થઇ જાય છે, આવનારા વર્ષો હવે ઓછા છે એનો અહેસાસ થાય છે.

સાયન્સ એવું કહે છે કે મોટી ઉંમરે અચાનક સમય ઝડપથી પસાર થતો હોય એવું લાગે છે! એનું કારણ એ છે કે નાના હોઈએ કે યુવા હોઈએ ત્યારે બ્રેઇનમાં મેમરીના કબાટ ઓછા ભરાયેલા હોય છે. એટલે ત્યારની સ્મૃતિઓ સતેજ રહે છે કાયમ માટે. જેમ ઉંમર વધે ને વર્ષો વધુ પસાર થાય એમ એ ભરચક્ક થાય છે. પછી એટલી સરસ રીતે યાદો બધી ઘટનાઓની બનતી નથી મગજનું ન્યુરોન નેટવર્ક કોમ્પ્લેક્સ થતું જાય છે. એટલે ઝટ મેમરી પ્રયાસથી યાદ ના રાખો તો મજબૂત રીતે સ્ટોર થતી નથી. એમ જ આપણને યાદોં કી બારાત નીકળીને સતાવે છે. પણ દરેક કાળખંડ જૂનું હટાવી ને નવું લઇ આવે છે. શ્વાસ છે, ત્યાં સુધી આ સત્ય સ્વીકારીને આગળ વધવાનું છે કારણ કે સમયમાં રિવર્સ ગીઅર હોતું નથી. ખો ખો જેવી રમતો અને દૂરદર્શનની એ સિરીયલો, કસ્ટમના માલના કપડા કે ગેજેટ્સ, ને કેલ્ક્યુલેટરવાળી કાંડા ઘડિયાળ... એ મધુરતા મનમાં સજીવન થશે, પણ ત્યાં તો અત્યારે જન્મેલી બીટા જનરેશન જવાન થશે અને એમની પાસે આ રેફરન્સ પોઈન્ટ્સ પણ નહિ હોય. એમને સુનિલ ગાવસ્કર કે સચિન તેંદુલકર કે માધુરી દીક્ષિત કે શ્રીદેવી એલિયન લાગે એવું પણ થશે. મ્યુઝિયમ માત્ર ઇમારતોમાં નથી. મનમાં વસેલા યાદોના ખંડેરોમાં પણ એક મ્યુઝિયમ હોય છે, રંગીન સ્મૃતિઓમાં શેષ એવા સમયનું. ગુજરા હુઆ જમાના, લેકિન આતા નહિ દૂબારા.... 

તો મારો ધૂબાકો ૨૦૨૫માં.

ફાસ્ટ ફોરવર્ડ

रम्याणि वीक्ष्य मधुरांश्च निशम्य शब्दान्

पर्युत्सुकीभवति यत्सुखितोऽपि जन्तु:।

तच्चेतसा स्मरति नूनमबोधपूर्वं

भावस्थिराणि जननान्तरसौहृदानि ।। 

કોઇ જીવ રમણીય દ્રશ્ય કે મધુર શબ્દોથી કોઈ સુખી જીવ  પણ આંદોલિત થાય ત્યારે નક્કી એનું ચિત્ત કોઈ એવા પૂર્વ સંબંધના સ્મરણમાં સરી પડે છે જે એના જન્મજન્માંતરના સંસ્કારમાં સ્થિર થઈ ગયેલા હોય છે. (અભિજ્ઞાન શાકુંતલમાં દુષ્યંત, પાંચમો અંક)


Google NewsGoogle News