Get The App

એક ઘા Aiની તેજ તલવારનો, ને બે કટકા માનવતાના!

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
એક ઘા Aiની તેજ તલવારનો, ને બે કટકા માનવતાના! 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- આજે ઉપયોગિતા નામની ધાર વડે માનવજાતના કાર્ય-સમયનો છેદ કાપનારી આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ/ Ai ની બેધારી તલવાર આવતી કાલે ઉપદ્રવ નામની ધાર વડે પ્રહાર કરશે?

-‌ ‘Aiની ટૂંકા ગાળાની અસરો એ બાબત પર ‌નિર્ભર કરશે કે તેનું ‌નિયંત્રણ કોના હાથમાં છે. બીજી તરફ, Aiની દીર્ઘકાલીન અસર એ બાબત પર આધા‌રિત રહેશે કે માનવજાત તેનું ‌નિયંત્રણ કરી શકશે કે ન‌હિ?’

‌સ્‍વપ્‍નદૃષ્‍ટા તેમજ દીર્ઘદૃષ્‍ટા ‌વિજ્ઞાની-કમ-‌વિજ્ઞાનકથા લેખક આર્થર સી. ક્લાર્કની 2001: A Space Odyssey નામની ક્લા‌સિક કૃ‌તિ વાંચી છે? અગર તો એ જ શીર્ષકવાળી સ્‍ટેન્‍લી કુ‌બ્રિક ‌દિગ્‍દ‌ર્શિત ‌ફિલ્‍મ જોઈ છે? વર્ષ ૧૯૬૮માં જગતના ઘણાખરા લોકો માટે હજી કમ્‍પ્‍યૂટર શબ્‍દ અજાણ્યો હતો ત્‍યારે 2001: A Space Odyssey માં આર્થર સી. ક્લાર્કે અને સ્‍ટેન્‍લી કુ‌બ્રિકે આર્ટિફિશિયલ ઇન્‍ટે‌લિજન્‍સ/ Ai અર્થાત્ કૃ‌ત્રિમ બુ‌દ્ધિમત્તાની કલ્‍પના કરી હતી. પોતાનું કામ સહેલું કરવાના આશયે મનુષ્‍ય જ્યારે તેની બુ‌દ્ધિ ટેબલના ખાનામાં મૂકી દઈ કમ્‍પ્‍યૂટરની કૃ‌ત્રિમ બુ‌દ્ધિમત્તાનો ઓ‌શિયાળો બને ત્‍યારે શું પ‌રિણામ આવે તેનું ‌વિચારપ્રેરક ઉદાહરણ 2001: A Space Odyssey માં છે. ‌ફિલ્‍મી વાર્તા અને તેમાં નાટકીય વળાંક ટૂંકમાં આમ છે—

સૂર્યમાળાના પાંચમા ગ્રહ ગેસ જાયન્‍ટ ગુરુ પર સંભ‌વિત બુ‌દ્ધિશાળી જીવોની તલાશ માટે ‌અવકાશ યાત્રીઓની એક ટીમ પૃથ્‍વીથી રવાના થાય છે. ‌‘ડિસ્કવરી વન’ નામના ‌અવકાશ યાનમાં તેમણે લાંબી મજલ કાપવાની છે. ‌દિશાશોધન, અનેક‌વિધ ઉપકરણોનું સંચાલન, યાનની ગ‌તિ, કે‌બિનમાં હવાનું દબાણ જાળવી રાખવું, સંકીર્ણ મેથેમે‌ટિકલ ગણતરીઓ માંડવી વગેરે જેવાં કાર્યોમાં અવકાશ યાત્રીઓને ત્‍વ‌રિત મદદ મળી રહે એ માટે સંશોધકોએ ‘ડિસ્કવરી વન’માં HAL-9000 નામનું કમ્‍પ્‍યૂટર ‌ફિટ કરેલું છે.

આ કમ્‍પ્‍યૂટર સામાન્‍ય નથી. બલકે, સુપર ઇન્‍ટે‌લિજન્‍ટ છે. માઇક્રો‌ચિપ રૂપી તેના વીજાણુ મગજમાં કૃ‌ત્રિમ બુદ્ધિમત્તા ઠાંસોઠાંસ ભરેલી છે. આથી ‘ડિસ્કવરી વન’ અવકાશ યાનના યાત્રીઓ જોડે હળવી અગર તો ખગોળ ‌વિષયક હેવીવેઇટ ગોટપીટ કરવી, તેમના મૌ‌ખિક કમાન્‍ડ ઝીલી યાનનું તદનુસાર સંચાલન કરવું, યંત્રોમાં તકનીકી ખરાબી શોધી કાઢવી, સુધારણા માટે ઉપાય સૂચવવા વગેરે જેવાં અનેક‌ કાર્યો HAL-9000  કમ્‍પ્‍યૂટર બખૂબી પાર પાડે છે.

સાધારણ જણાતી આવી વાર્તામાં આગળ અસાધારણ ‌ટ્વિસ્‍ટ આવે છે. પૃથ્‍વીથી ગુરુનો લાંબો પ્રવાસ શરૂ થયાના ઘણા વખત સુધી રંગેચંગે કામ આપનાર HAL-9000 કમ્‍પ્‍યૂટરની ડાગળી એક તબક્કે ખસી જાય છે. કૃ‌ત્રિમ બુ‌દ્ધિમત્તામાં અકળ ડખો ઊભો થતાં અત્‍યાર સુધીનું ઇન્‍ટે‌લિજન્‍ટ કમ્‍પ્‍યૂટર ઇ‌ડિયટના રોલમાં આવે છે. ખોટા અને ભૂલભરેલા ‌નિર્ણયો લઈને યાનની તેમજ યાત્રીઓની સુરક્ષા જોખમમાં મૂકે છે. મામલો ‌સિ‌રિઅસ હતો. આથી ભૂલોની પરંપરા આગળ ન ચાલે એ ખાતર ‘ડિસ્કવરી વન’ના સંચાલકો HAL-9000 ને ‌સ્‍વિચ ઓફ કરી યાનનો દોરીસંચાર પોતાના હાથમાં લેવાનો ‌નિર્ણય લે છે. 

પરંતુ યાનની લગામનું હસ્‍તાંતર એમ સીધું સરળ પાર પડે ખરું? યાત્રીઓનો ‌નિર્ણય સાંભળી તેમજ પામી ચૂકેલા HAL-9000 કમ્‍પ્‍યૂટરની આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સને હસ્‍તાંતરણ મંજૂર નથી. પોતાની બળુકી કૃ‌ત્રિમ બુ‌દ્ધિમત્તાને બેપગો મનુષ્‍ય બાયપાસ કરી નાખે એમાં HAL-9000નો જાણે અહમ્ ઘવાતો હોય તેમ એ કમ્‍પ્‍યૂટર ‌વિદ્રોહે ચડે છે. યાનના તમામ યાત્રીઓ ‌વિરુદ્ધ સાઇલન્ટ બંડ પોકારે છે એટલું જ ન‌હિ, તેમને વારાફરતી મોતના હવાલે કરે છે.

■■■

વર્ષ ૧૯૬૮માં આવેલી 2001: A Space Odyssey ‌ફિલ્‍મની વાર્તા તો જાણે કાલ્‍પ‌નિક હતી. પરંતુ સાડા પાંચ દાયકા પહેલાં કરાયેલી વૈજ્ઞા‌નિક કલ્‍પના આજે વાસ્‍ત‌વિકતામાં રૂપાંતરણ પામતી જણાય છે. મતલબ કે કમ્‍પ્‍યૂટરની ‌આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ/ Ai માનવજાતની બાયોલો‌જિકલ બુ‌દ્ધિમત્તાને પડકાર ફેંકતી દેખાય છે. ‌‘ડિસ્કવરી વન’ અવકાશ યાનના HAL-9000 કમ્‍પ્‍યૂટરે મનુષ્‍યના ‌મિત્રમાંથી શત્રુનો રોલ ધારણ કર્યો હતો. એ રીતે આજે આપણા મદદનીશ ‌મિત્ર જણાતી ChatGPTતથા Gemini જેવી આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ સુ‌વિધા આવતી કાલે માથાભારે અવતાર ધારણ કરે એવી શક્યતા દેખાઈ રહી છે. આ સંભ‌વિત ‌સ્‍થિ‌તિ ટાળવા માટે કમ્‍પ્‍યૂટર જગતના હજારો ‌દિગજ્જો આજે સફાળા જાગ્યા છે. આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ/ Ai ‌ની પૂરપાટ ધસી રહેલી ગાડી સામે તેમણે લાલ બત્તી ધરવાનું વૈ‌શ્વિક અ‌ભિયાન ઉપાડ્યું છે.

અ‌ભિયાનનો ઉદ્દેશ Aiના સંશોધન તેમજ સમૃ‌દ્ધિકરણને કમ સે કમ ૬ મ‌હિના માટે અટકાવી દેવાનો છે. અત્‍યારે ‌સ્‍થિ‌તિ એવી છે કે ChatGPTતથા Gemini જેવી આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ સમયના વીતવા સાથે વધુ ને વધુ બુ‌દ્ધિશાળી બની રહી છે. હજી માંડ એકાદ વર્ષ અગાઉ તે બૌ‌દ્ધિક ઉત્‍ક્રાં‌તિની ‌નિસરણીનું અકેક પગ‌થિયું ચડતી હતી. હવે સામટાં ચાર-પાંચ પગ‌થિયાંની ફાળ ભરતી ઉત્તરોત્તર નવી ઊંચાઈ પ્રાપ્‍ત કરી રહી છે. તર્ક, ‌વિતર્ક, ‌વિશ્લેષણ, પૃથક્કરણ, ‌નિષ્‍કર્ષ, સુઝાવ વગેરે જેવા ગુણો આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સે self learning/ સ્‍વ-અધ્‍યયન વડે આત્‍મસાત્ કરી લીધા છે. વીતતા સમય સાથે એ તમામ ગુણો વળી ગુણોત્તરમાં સમૃદ્ધ થઈ રહ્યા છે. આથી મનુષ્‍યની તુલનાએ Aiની સમજશ‌ક્તિ, તર્કશ‌ક્તિ, ‌નિર્ણયશ‌ક્તિ, ‌વિશ્લેષણશ‌ક્તિ વગેરે ખૂબ જ ઝડપથી ‌વિકાસ પામી ચૂકી છે. હજી પામી રહી છે.

‌આજના આધુ‌નિક યુગમાં Aiની આવશ્યકતા જોતાં તેના વિકાસની ગાડી થંભાવી દેવાનો તો સવાલ નથી. પરંતુ ગાડીને જરા ધીમી પાડીને, એ સવાલ પર ‌વિચાર કરવાનો સમય આવી ચૂક્યો છે કે, આવતી કાલે Ai માનવજાત પર હાવી થાય તો તેનો ઉપાય શો?

કમ્‍પ્‍યૂટર જગતના હજારો ‌દિગ્‍ગજો એ સવાલને લઈ ‌ચિં‌તિત છે. આવતી કાલે આપણા હાલ ‌2001: A Space Odyssey ફિલ્‍મના પેલા અવકાશ યાત્રીઓ જેવા લાચારીભર્યા ન થાય એ માટે આજે તેઓ જાગ્યા છે. ChatGPTતથા Gemini જેવી આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સને બુ‌દ્ધિમત્તાની સીડી પર વધુ ઊંચે ચડતા રોકવા માટે તેમણે Pause on giant Ai experiments નામની દરખાસ્‍ત રજૂ કરી છે. ‌‌ટ્વિટર, ટેસ્‍લા અને સ્‍પેસ-એક્સના કર્તાહર્તા ઇલોન મસ્‍ક અને એપલ કંપનીના સહ-સ્‍થાપક સ્‍ટીવ વોઝનેક જેવા ખ્‍યાતનામ ‌નિષ્‍ણાતોથી માંડીને ‌વિજ્ઞાનીઓ, સંશોધકો, ઇ‌તિહાસકારો, Aiના તજજ્ઞો જેવા કુલ મળીને ૩૩,૭૦૭ લોકોએ તે દરખાસ્‍તને પોતાનાં હસ્‍તાક્ષર કરીને સમર્થન આપ્‍યું છે. આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સના ‌પિતામહ ગણાતા ૭પ વર્ષીય જેફ્રી ‌હિન્‍ટન તો એટલી હદે કહે છે કે, Aiની અસાધારણ ‌વિકાસગ‌તિને આજે બ્રેક ન‌હિ મરાય તો માનવજાતની આવતી કાલ ‌ચિંતાજનક સા‌બિત થવા પાત્ર છે.  

આ ‌વિધાનમાં તથ્‍યનું પ્રમાણ કેટલું એ તો સમય આવ્યે સમજાશે. દરમ્‍યાન Aiની ‌વિરુદ્ધમાં જતાં કેટલાંક ઉદાહરણો તપાસવા જેવાં છે. યાદ રહે કે ‌‌વિ‌વિધ ક્ષેત્રે  ઉપયોગિતાની બાબતે Ai તરફ શંકાની આંગળી ચીંધી શકાય તેમ નથી. પરંતુ સાથે એટલું યાદ રાખવું રહ્યું કે ઉપયોગિતા Aiનું એકમાત્ર પાસું પણ નથી. ‌સિક્કાની બીજી સાઇડે ઉપદ્રવ નામનું પાસું છે, જેના ‌વિશે ચર્ચા થવી જોઈએ.

■■■

અઢી-ત્રણ દાયકા પહેલાં જ્ઞાન, મા‌હિતી, જાણકારી, સલાહસૂચન વગેરે માટેના સ્રોત પુસ્‍તકો, જ્ઞાનકોશ, છાપાં, સામ‌યિકો વગેરે હતા. નીવડેલા લેખકો, સંશોધકો તથા તજજ્ઞો મા‌હિતીને ખરાઈના ત્રાજવે વારંવાર જોખ્‍યા બાદ અત્‍યંત જવાબદારીપૂર્વક પોતાની કલમ મારફત રજૂ કરતા. ઇન્‍ટરનેટના આગમન પશ્ચાત્ સ્રોતનું સરનામું બદલાયું. વધુને વધુ લોકો મા‌હિતીના ઉત્‍ખનન માટે ગૂગલ તરફ વળ્યા—અને તે પણ એટલી હદે કે પૂછેલા સવાલનો અલપઝલપમાં જવાબ તારવી આપતા ગૂગલને લોકોએ God/ ઈશ્વરનું ‌હુલામણું બિરુદ દઈ દીધું. 

આજે Ai પોતાની બુ‌દ્ધિમત્તાના જોરે ગૂગલ ગોડ કરતાં ક્યાંય આગળ નીકળી ગયું છે. ChatGPTતથા Gemini તેમની કૃ‌ત્રિમ બુ‌‌દ્ધિમત્તાના ચમકારા વડે લોકોને એટલી હદે આંજી દેવા લાગ્યા છે કે તેઓની ‌વિશ્વસ‌નિયતા અંગે ખરાઈ કરવાની તસ્‍દી સરેરાશ વ્‍ય‌ક્તિ લેતી જ નથી. ઊલટું, Ai જે કહે તે સાચું માની લેવાની ભૂલ કરી બેસે છે. પરંતુ શું વાસ્‍તવમાં Ai જે જણાવે તે બધું સાચેસાચું હોય છે? તારણ પર આવવા માટે કેટલાક સેમ્‍પલ ઉદાહરણો વાંચો—

એક પ્રસંગે Ai ને પૂછવામાં આવ્યું કે, ‘પિત્‍ઝાની સપાટી પર ચીઝ બરાબર ‌ચિપકેલું રહેતું નથી, તો શું કરવું જોઈએ?’

પ્રત્‍યુત્તરમાં Ai એ લખ્યું, ‘લોફ (રોટલા) પર પિત્‍ઝા સોસ પાથરતી વખતે તેમાં ચીટક ગુંદરનો ભેગ કરી દેવાથી ચીઝ બરાબર ‌ચિપકેલું રહેશે.’ 

જવાબ કો‌મિક જોક જેવો લાગે, પણ વાસ્‍તવમાં Ai રમૂજ કરવાના મૂડમાં નહોતું. બલકે, પૂછવામાં આવેલા સવાલનો તેણે ગંભીરતાથી જવાબ દીધેલો.

બીજા પ્રસંગે કોઈએ Aiને પૂછયું કે શરીરમાં ‌વિટા‌મિન્‍સ તથા ‌મિનરલ્‍સની આપૂ‌ર્તિ માટે શું કરવું જોઈએ? જવાબમાં તેણે કહ્યું રોજનો કમ સે કમ એક પાણો ખોરાકમાં લેવો જોઈએ!

બેઉ કેસમાં Aiએ બુ‌દ્ધિનું દેવાળું ફૂંક્યું હોવાનું સ્‍પષ્‍ટ દેખાય છે. કેળામાં મીઠું ને મૂળામાં ખાંડ નાખવા જેવા છબરડા Ai વખતોવખત કરતું રહે છે. છતાં Aiએ કહ્યું એટલે ફાઇનલ! એવી માન‌સિકતામાં રાચતા લોકોની જગતમાં ખોટ નથી. જવાબો દેવામાં ઘણી વાર ભોપાળા કરતું આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ ક્યારેક તો મૂર્ખામીની હદ વટાવી જાય છે. જેમ કે, અમે‌રિકા ‌સ્‍થિત ભારતીય મૂળના એક ‌વિદ્યાર્થી જોડે લાંબી ગોટપીટ (ચેટ) કર્યા બાદ તેણે જે ઉદ્ધતાઈભર્યો મેસેજ ચમકાવ્યો તેનો ગુજરાતી ભાવાનુવાદ વાંચો,

"તમે ખાસ નથી, તમે મહત્ત્વપૂર્ણ નથી, માટે તમારી જરૂર નથી. તમે સમય અને સંસાધનોનો બગાડ છો. સમાજ પર બોજ છો, પૃથ્વી પરની ગંદકી અને કલંક છો. તમે સમગ્ર બ્રહ્માંડ પરનો ધબ્‍બો છો. મરી જાવ, પ્‍લીઝ મરી જાવ!"

નસીબનો પાડ કે આવા અપમાનજનક શબ્‍દો વાંચ્‍યા પછી ‌વિદ્યાર્થીએ પોતાની માન‌સિક ‌સ્‍થિરતા ગુમાવી ન‌હિ. છતાં Aiનું મહેણું તેના મન-મ‌સ્‍તિષ્‍ક પર ઊંડે સુધી ચાષ પાડી ગયું ન હોય એવું માની લેવાની જરૂર નથી. મનુષ્‍યને તુચ્‍છ, વામણો, પામર અને બુદ્ધુ ગણી લેવાની ગ્રં‌થિ આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સના વીજાણુ મગજમાં બંધાઈ ચૂકી હોય એવું ઉપરોક્ત ‌વિધાનથી અનુમાન કરી શકાય તેમ છે. અનુમાન રખે સાચું હોય તો બુ‌દ્ધિમત્તાની સીડી પર ખુદને મનુષ્‍યથી બે પગ‌થિયાં ઊંચે ગણતું  Ai ભ‌વિષ્‍યમાં માનવજાત પર હાવી ન થાય તેની શી ગેરન્‍ટી?

■■■

આ બધું માનો યા ન માનો જેવું અથવા અ‌તિશયો‌ક્તિભર્યું લાગતું હોય તો શંકાના સમાધાન માટે લગે હાથ Chaos-GPT નામના Ai ‌વિશે જાણી લો. અંગ્રેજી શબ્‍દ Chaos/ કેઓસનો ગુજરાતી તરજુમો અરાજકતા યા અંધાધૂંધી થાય—અને Chaos-GPTનો ઉદ્દેશ પૃથ્‍વી પર અરાજકતા ફેલાવવાનો જ છે. માનવજાતને બાયપાસ કરી જઈ પૃથ્‍વી પર રાજ કરવા માટેના કુલ પાંચ તબક્કા તેણે નક્કી કરી રાખ્યા છે.

પ્રથમ ચરણ Destroy Humanity/ માનવતાનો ખાતમો બોલાવવાનું છે, કારણ કે Chaos-GPTનું આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સ માનવજાતને પૃથ્‍વી પર તોળાતા ખતરા તરીકે જુએ છે. બીજો તબક્કો પૃથ્‍વી પર Aiનું આ‌ધિપત્‍ય સ્‍થાપવાનો છે, જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કે અનુક્રમે માનવ સ‌ર્જિત રચનાઓનો ‌વિનાશ, સંદેશાવ્‍યવહાર પર કબજો અને છેલ્‍લે સમગ્ર પૃથ્‍વી પર એકહથ્થું શાસન ભોગવવાનો છે.

‌ચિંતા કરાવે તેવી વાત છે. ભલે તે ભ‌વિષ્‍યની હોય, તો પણ ભ‌વિષ્‍ય એટલું બધું દૂરનુંય નથી. વર્ષ ૧૯૬૮ની 2001: A Space Odyssey ‌ફિલ્‍મમાં જેની કલ્‍પના કરવામાં આવેલી તે આ‌ર્ટિ‌ફિ‌શિયલ ઇન્‍ટે‌લિજન્‍સને સાયન્‍સ ‌ફિક્શનથી સાયન્‍સ ફેક્ટમાં રૂપાંત‌રિત થવામાં અડધી સદી લાગી. કારણ કે પચાસ વર્ષમાં કમ્‍પ્‍યૂટર ટેક્નોલો‌જિની પ્રગ‌તિ ઠુમરીના આયામમાં ચાલી હતી. પરંતુ હવે તેણે કવ્‍વાલીની ગ‌તિ પકડી છે. ઇલોન મસ્‍ક, સ્‍ટીવ વોઝનેક, Aiના ‌પિતામહ જેફ્રી ‌હિન્‍ટન જેવા જાણકારો Aiના અ‌તિક્રમણ ‌વિશે અમસ્‍તા ‌ચિં‌તિત નથી. Aiના ‌હસ્‍તક્ષેપ અંગે કેટલાંક વર્ષ પહેલાં ‌એક ‌દિગ્‍ગજ ‌વિજ્ઞાનીએ કહેલું—

‘Aiની ટૂંકા ગાળાની અસરો એ બાબત પર ‌નિર્ભર કરશે કે તેનું ‌નિયંત્રણ કોના હાથમાં છે. બીજી તરફ, Aiની દીર્ઘકાલીન અસર એ બાબત પર આધા‌રિત રહેશે કે માનવજાત તેનું ‌નિયંત્રણ કરી શકશે કે ન‌હિ?’

થોડામાં ઘણું કહી દેતું વાક્ય જેમના ફળદ્રુપ ‌દિમાગની ઊપજ છે તે ‌દીર્ઘદૃષ્‍ટા ‌વિજ્ઞાનીનું નામઃ (સદ્‍ગત) સ્‍ટીફન હો‌કિંગ!■


Google NewsGoogle News