ડિજિટલ લિટરસી: નવા વર્ષે લેવા જેવો સંકલ્પ
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- સ્માર્ટફોન આવી જવાથી સ્માર્ટ બની જવાતું નથી, સ્માર્ટ બની શકાય છે યોગ્ય અવેરનેસ રાખવાથી. સાઈબર ક્રાઈમથી બચવાનો એક માત્ર રસ્તો છે - ડિજિટલ લિટરસી.
800 કરોડ.
આ આંકડો છે દુનિયાની વસતિનો. જગતમાં ૭૨૦ કરોડ મોબાઈલ ફોન વપરાશમાં છે. સરેરાશ કાઢીએ તો માત્ર ૮૦ કરોડ લોકો પાસે જ મોબાઈલ નથી. ૧૪૦ કરોડ લોકો એવાય છે જેમની પાસે બબ્બે ફોન છે. તે હિસાબે ૨૨૦ કરોડ લોકો પાસે મોબાઈલ નહીં હોય. આમાંથી મોટાભાગના બાળકો ને થોડા વયોવૃદ્ધો છે.
આજની તારીખે ગ્લોબલ પોપ્યુલેશનમાં ૧૮૦ કરોડની વય ૧૫ વર્ષથી નીચે છે. ૮-૧૦ વર્ષથી ઓછી વયના ૧૫૦ કરોડ જેટલાં બાળકોને બાદ કરી દઈએ તો દુનિયામાં લગભગ બધા લોકો ઓછો-વધતો મોબાઈલનો ઉપયોગ કરે છે. દુનિયામાં ૮૫૮ કરોડ મોબાઈલ નંબર ઈશ્યૂ કરી દેવાયા છે. અત્યારે ગ્લોબલ પોપ્યુલેશન કરતાં પણ વધુ મોબાઈલ નંબર એક્ટિવ છે.
ગ્લોબલ પોપ્યુલેશનમાંથી ૭૦ ટકા સ્માર્ટફોન યુઝર્સ છે, એટલે કે અંદાજે ૫૬૦ કરોડ લોકો સ્માર્ટફોન ધારક છે, એમાંથી વળી ૫૩૫ કરોડ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. છેલ્લાં એક જ વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સમાં ૯-૧૦ કરોડનો વધારો થયો છે. નવું વર્ષ શરૂ થયું છે એ પૂરું થશે ત્યારે ઈન્ટરનેટ યુઝર્સનો આંકડો ૫૫૦ કરોડને સ્પર્શી જશે.
સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે ત્યારથી લાઈફસ્ટાઈલ વધુ સરળ બની છે. કંઈ કેટલીય સુવિધા મોબાઈલ સ્ક્રીન સામે આવી પહોંચી છે. કેટલીય સર્વિસ માટે માર્કેટમાં ભટકવું પડતું હતું એના બદલે આ બધી જ સર્વિસ ઘરબેઠાં મળતી થઈ છે એટલે સમય અને ખર્ચમાં બચત થાય છે. લાઈટબિલ, ગેસ, પૉલિસીના પેમેન્ટ્સ આંગળીના ટેરવે ચંદ સેકન્ડમાં થઈ જાય છે. શોપિંગમાં તો ઈ-કોમર્સનો કોન્સેપ્ટ પણ હવે તો જૂનો થતો જાય છે. એના બદલે સોશિયલ કોમર્સ અને ક્વિક કોમર્સનું માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે.
પણ આ બધાની સાથે વધ્યો છે સાઈબર ક્રાઈમનો ભયાનક ટ્રેન્ડ. ૨૦૨૪નું વીતેલું વર્ષ દેશ-વિદેશમાં ડિજિટલ અરેસ્ટ અને ડીપફેકના નામે રહ્યું. નકલી અવાજથી કે નકલી વિડીયો કોલથી ફ્રોડના બનાવો વધ્યા છે. છેતરામણી લિંક મોકલીને બેંક અકાઉન્ટ સાફ કરવાની ગુનાખોરી નવી ઊંચાઈએ પહોંચી છે.
આવા માહોલમાં જો સાઈબર ગુનાખોરી રોકી શકાય એવો એક માત્ર રસ્તો હોય તો એ છે - ડિજિટલ લિટરસી.
***
ડિજિટલ લિટરસી એટલે ડિવાઈસ ઓપરેટ કરવાની આવડત - હજુ હમણાં સુધી ડિજિટલ લિટરસીની આ ડેફિનેશન હતી. ૨૦૦૦ના દશકામાં માહિતી સર્ચ કરતાં આવડતું હોય એ યુઝર્સને ડિજિટલી સાક્ષર કહેવાતા. ડિજિટલ મિડીયાનો ઉપયોગ કરીને કમ્યુનિકેટ કરી શકે, જોઈતી માહિતી મેળવી શકે, ઓનલાઈન બુક્સ-ગિફ્ટ્સનો ઓર્ડર કરી શકે તો એ બાબત ડિજિટલ લિટરસી કહેવાતી.
પણ સમય બદલાયો એમ ડિજિટલ લિટરસી યાને ડિજિટલ સાક્ષરતાની વ્યાખ્યા બદલાઈ છે. ડિજિટલ લિટરસી માત્ર ડિવાઈસ ઓપરેટ કરવાની આવડત નથી. એ જુદી ચીજ છે. ડિજિટલ વર્લ્ડની યોગ્ય રીતે સમજ કેળવવી એ ડિજિટલ સાક્ષરતા છે. ડિવાઈસ કે ડિજિટલ પ્લેટફોર્મની મદદથી કંઈ ઓર્ડર થાય કે કોઈ માહિતી મેળવીએ એ વખતે સંભવિત ખતરો ઓળખવો અને એનાથી બચવું એ ડિજિટલ સાક્ષરતા છે.
ટેકનિકલી ડિજિટલ લિટરસીની વાત થાય ત્યારે આંકડો ટાંકી દેવામાં આવે છે કે દુનિયામાં ૪૯૦ કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે, ૫૩૦ કરોડ લોકો પાસે ઈન્ટરનેટ એક્સેસ છે અને આ રફલી ૫૩૦ કરોડ લોકો ડિજિટલી સાક્ષર ગણાય છે, પણ આ વ્યાખ્યા અધૂરી છે. આમાંથી માંડ ૨૦૦-૨૫૦ કરોડ લોકો ડિજિટલ સાક્ષર છે. ડિવાઈસની ઓપરેટિંગ એબિલિટી અને ડિવાઈસની સ્કિલ - એ બંનેનો ફરક સમજવા જેવો છે. કોઈ ભાષા લખતા-વાંચતા આવડી જાય તેનાથી સાક્ષર બની શકાય નહીં. એ ભાષા યોગ્ય રીતે લખતા-બોલતા-વાંચતા કે પ્રયોજતા આવડે એ સાક્ષરતા થઈ. હેતુપૂર્વકનો ઉપયોગ થાય એને સાક્ષરતા કહેવાય. જે એક્ટ થઈ રહી છે તેની બરાબર સમજ હોય ત્યારે પ્રયોજન સાથેની એક્ટ થઈ કહેવાય.
ડિજિટલ લિટરસી અને ઓપરેટિંગ એબિલિટીમાં આ ફરક છે. ટેકનોલોજીનો યુગ શરૂ થયો ત્યારે આરંભમાં ડિજિટલ લિટરસીની વ્યાખ્યા હતી એ તે સમય પૂરતી બરાબર હતી, પરંતુ ટેકનોલોજી અપડેટ થઈ, ઉપયોગ બદલાયો એમ આ વ્યાખ્યા પણ બદલાતી જાય છે. નવી વ્યાખ્યા કંઈક આવી છે - ઓપરેટિંગ એબિલિટી અને ડિજિટલ સ્કિલનો સરવાળો એટલે ડિજિટલ સાક્ષરતા.
બે-એક વર્ષ પહેલાં થયેલાં ગૂગલના ડિજિટલ લિટરસી રિપોર્ટનું માનીએ તો અત્યારે ૧૫થી ૨૪ વર્ષની વયના માત્ર ૨૯ ટકાને કોઈને કોઈ રીતે ડિજિટલ લિટરસીના પાઠ ભણવા મળે છે. તે સિવાયનો મોટો વર્ગ આ કોન્સેપ્ટથી અજાણ છે. તેમના પેરેન્ટ્સ પણ એ દિશામાં ગંભીર નથી. ખરેખર તો આ એઆઈ, વીઆરના જમાનામાં ટેકનોલોજીનો હેતુપૂર્વકનો ઉપયોગ શીખવવો બેહદ અનિવાર્ય છે.
બ્રિટનમાં ગયા વર્ષે પ્રથમ વખત યુએનની એઆઈ સુરક્ષા પરિષદ યોજાઈ હતી. એમાં એવો સૂર ઉઠયો હતો કે ટેકનોલોજીની સારી-ખરાબ બાબતોથી બાળકો અવેર રહે તે માટે ઉચ્ચત્તર શાળાથી જ તેમને ડિજિટલી સાક્ષર કરવા જોઈએ.
***
વેલ, ૨૦૨૪ના વર્ષમાં દેશ અને દુનિયામાં ડિજિટલ અરેસ્ટ, સાઈબર ફ્રોડથી તરખાટ મચ્યો. ભારતમાં જ ગયા વર્ષે ૯૫ હજાર જેટલા ડિજિટલ અરેસ્ટના કિસ્સા નોંધાયા. દેશના નાગરિકોએ ડિજિટલ અરેસ્ટમાં ૧૨૦ કરોડ રૂપિયા ગુમાવ્યા. સાઈબર ફ્રોડથી દેશવાસીઓએ ૨૦૫૪ કરોડ રૂપિયા એક વર્ષમાં ગુમાવી દીધા. સાઈબર ગુનાખોરીમાં ૩૦ ટકાનો ઉછાળો આવ્યો. મોટાભાગના ઓનલાઈન અપરાધમાં ચીનની સંડોવણી નીકળી. ભારતના લોકોને એક નહીં તો બીજી રીતે ફસાવીને જે રકમ પડાવી એનો ઉપયોગ ભારતની સામે જ થશે.
ડિજિટલ અરેસ્ટ અને સાઈબર ક્રાઈમમાં સૌથી મહત્ત્વનું ફેક્ટર હતું - અવેરનેસનો અભાવ. યુઝર્સની ડિજિટલી અજ્ઞાનતાનો સાઈબર અપરાધીઓએ ભરપૂર ગેરલાભ લીધો. એકના ડબલ કરી દેવાની લાલચ આપીને પેમેન્ટ કરાવ્યું હોય એવા કિસ્સાથી લઈને વિડીયો જોઈને પૈસા કમાવોની ભ્રામક જાહેરાતો સુધી સેંકડો યુઝર્સ સાઈબર અપરાધીઓની જાળમાં ફસાયા જ એટલે કે તેમને ડિજિટલ વર્લ્ડની ડાર્કસાઈડનો પરિચય ન હતો. જો યોગ્ય સમયે ડિજિટલ વર્લ્ડ અંગે યોગ્ય જાણકારી મેળવી હોત તો ઓનલાઈન છેતરપિંડીથી બચી શકાયું હોત. અજ્ઞાનતામાં ઓટીપી શેર કરી દેવો, બેંક અકાઉન્ટ્સ-કાર્ડની વિગતો આપી દેવી કે ઓથેન્ટિક ન હોય એવી ઓનલાઈન લિંકથી પેમેન્ટની લેવડ-દેવડ કરવા જેવી મોસ્ટલી છેતરપિંડી થઈ છે.
આવી છેતરપિંડી રોકવાનો એક જ રસ્તો છે - અવેરનેસ. યોગ્ય સમયે, યોગ્ય માહિતી રાખવી. ટૂંકમાં, ડિજિટલ લિટરસી. કરોડો યુઝર્સે એક વાત સમજવી જરૂરી છે કે સ્માર્ટફોન આવી જવાથી સ્માર્ટ બની જવાતું નથી, સ્માર્ટ બની શકાય છે યોગ્ય અવેરનેસ રાખવાથી. નવા વર્ષે લેવા જેવો સંકલ્પ આ છે. ડિજિટલી સાક્ષર થવાથી દેશના કરોડો રૂપિયા બચી જશે અને એ રૂપિયા જે કાળા કરતૂતોમાં વપરાશે એ પણ અટકી જશે. તે રીતે તો ડિજિટલ લિટરસી ઘર બેઠા થતી દેશસેવા છે!
ડિજિટલ સાક્ષર બનો!
ડિજિટલી સુરક્ષિત રહો!
દેશના 50 ટકા ઈન્ટરનેટ યુઝર્સને ઈ-મેઈલ કરતાં આવડતું નથી
સ્માર્ટફોન હાથમાં આવી જાય અને રીલ્સ જોતાં કે વોટ્સએપ મેસેજ કરતાં આવડી જાય તે અલગ બાબત છે અને તેનો હેતુપૂર્ણ ઉપયોગ કરવો એ તદ્ન જુદી વાત છે. દેશમાં અત્યારે ૯૩ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે, પણ એમાંથી અડધો અડધને ઈ-મેઈલ મોકલતા આવડતું નથી. આ ઈન્ટરનેટ યુઝર્સમાંથી અડધા એવા છે જે માત્ર રીલ્સ જુએ છે. વિડીયો જુએ છે, ઓટીટી જુએ છે, વોટ્સએપમાં આવતા મેસેજ-ઈમેજ જુએ છે અને ફોરવર્ડ કરે છે બસ! આનાથી વિશેષ તેમને કશું આવડતું નથી, તેમણે આનાથી વિશેષ શીખવાનો જ પ્રયાસ કર્યો નથી. ડિજિટલ પેમેન્ટ, ઈ-મેઈલ જેવી ઉપયોગી સર્વિસનો લાભ લેતા તેમને આવડતું નથી. આવું સરકારી સર્વેમાં જણાયું છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના જુલાઈ-૨૦૨૨થી જૂન-૨૦૨૩ સુધીના સેમ્પલ સર્વેમાં જણાયું કે સેંકડો યુઝર્સ પાસે મોબાઈલ છે, પરંતુ ઓનલાઈન પેમેન્ટ, ઈ-મેઈલ કે ડિજિટલ હોમ એપ્લાયન્સ ઓપરેટ કરવાનું ફાવતું નથી. સરપ્રાઈઝિંગ્લી ૫૦ ટકામાંથી ૩૦ ટકાની વય ૨૫ વર્ષથી નીચે હતી!
હરિયાણાની પહેલ અન્ય રાજ્યોને દિશા આપશે
૨૦૨૪ના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે હરિયાણાની સરકારે જાહેરાત કરી. એ પ્રમાણે ૧૧ અને ૧૨મા ધોરણમાં ડિજિટલ સાક્ષરતાનો કોર્સ ભણાવાશે. એ કોર્સમાં ડેટા વિશ્લેષણ, ડિજિટલ સુરક્ષા, ડિજિટલ સાક્ષરતા જેવી બાબતોનો સમાવેશ કરાશે. કેરળમાં પણ આવી પહેલ થઈ છે. કેરળની અમુક ખાનગી અને સરકારી સંસ્થાઓમાં ડિજિટલ અવેરનેસના પાઠ ભણાવવામાં આવે છે. પરંતુ આખા રાજ્યના વિદ્યાર્થીઓને ફરજિયાત બનાવવાની દિશામાં હજુ પહેલ થઈ નથી. જો હરિયાણા એવી પહેલ કરશે તો આ પ્રકારની ફરજિયાત શિક્ષા આપનારું પ્રથમ રાજ્ય બનશે. એમ તો કેન્દ્ર સરકારે નેશનલ ડિજિટલ લિટરસી મિશન પણ ઘણાં વર્ષ પહેલાં શરૂ કર્યું હતું, પરંતુ એનો કોન્સેપ્ટ થોડો જુદો હતો. એમાં આપવાની હતી ડિજિટલ સાક્ષરતા જ, પરંતુ એમાં ડિવાઈસને ઓપરેટ કરતા શીખવવાનો હેતુ મુખ્ય હતો. એ મિશન હેઠળ દરેક રાજ્યના ૧૦-૧૦ લાખ નાગરિકોને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવાનો લક્ષ્યાંક સેટ કરાયો હતો. કેન્દ્ર સરકાર દેશભરની શાળાઓમાં બાળકોને ડિજિટલ લિટરસી આપવાની દિશામાં પગલું ભરે તો એ બેહદ સમયસરનો નિર્ણય કહેવાશે.