ચૈતસિક શક્તિ ધરાવનાર ભવિષ્યની ઘટનાઓનું દર્શન કરી લે છે!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ચૈતસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને એની ભીતર એના ચિત્ત પટલ પર ભવિષ્યદર્શન થઈ જાય છે. અતીન્દ્રિય જ્ઞાન દર્શનની શક્તિ કેટલાકમાં જન્મ જાત હોય છે...
આ પણે બે દુનિયાની વચ્ચે જીવીએ છીએ એક આપણી અંદરની અને બીજી આપણી બહારની. ચૈતસિક શક્તિ (Psychic power) ધરાવનાર વ્યક્તિને એની ભીતર એના ચિત્ત પટલ પર ભવિષ્યદર્શન થઈ જાય છે. અતીન્દ્રિય જ્ઞાન દર્શનની શક્તિ કેટલાકમાં જન્મ જાત હોય છે તો કેટલાકમાં કોઈ આકસ્મિક કારણથી ઉત્પન્ન થઈ જતી હોય છે. અમેરિકાના અર્વાચીન ભવિષ્યવેત્તા ગોર્ડન માઇકલ સ્કેલિઓન (Gordon Michael Scallion)ની બાબતમાં પણ આવું જ બન્યું હતું.
૧૯૭૯માં એક દિવસ એક અનપેક્ષિત ઘટના બની. ઈલેકટ્રોનિક એન્જિનયર એવા ગોર્ડનનું તેના એક કલાયન્ટ સાથે કન્સલ્ટિંગ હતું તે વખતે એકાએક તેનું બોલવાનું બંધ થઈ ગયું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જુદા જુદા ટેસ્ટ કરાવી સારવાર શરૂ કરાઈ પણ એની વાણી પાછી ના આવી. એ ગાળા દરમિયાન તે હોસ્પિટલમાં જ એક વિચિત્ર ઘટના બની. તેને એક સ્ત્રીના પ્રેતાત્મા જેવી આકૃતિ (apparition) દેખાઈ. તે તેના ખાટલાની કેટલાય ફૂટ ઉપર હવામાં તરતી હોય એમ ઊભી હતી. તેણે ગોર્ડનને તેના ભૂતકાળની ઘટનાઓ વિશે કહ્યું જે બધું સાચું હતું, તે પછી તેના જીવનની ભવિષ્યની ઘટનાઓ વિશે પણ કહ્યું. આગલા મહિને તેના જીવનમાં કઈ કઈ મુખ્ય ઘટનાઓ બનશે અને આગળના બીજા દશકાઓમાં શું બનશે તે પણ કહ્યું. તે પછી તે ચળકતા શરીરવાળી પ્રેતાત્મા યુવતી જમીન પર નીચે ઊતરી આવી. તેણે ગોર્ડનના માથા પર હાથ મૂક્યો કહ્યું - હું તારી અંદર અનેક પ્રકારની ચૈતસિક શક્તિઓ પ્રગટ કરું છું. હું તારી બીમારી દૂર કરું છું જેથી તું પણ બીજા અનેક લોકોની બીમારી દૂર કરી શકે. હું તારામાં એવી ચૈતસિક શક્તિ પ્રગટ કરું છું કે જેના થકી તું તારા ચિત્તની અંદર ભવિષ્યની ઘટનાઓને જોઈ શકશે. આ અનુભૂતિમાંથી બહાર આવ્યા બાદ ગોર્ડનને લાગવામાં માંડયું કે ખરેખર તેનામાં ચૈતસિક શક્તિઓ પ્રગટ થઈ ગઈ છે.
તે સુંદર યુવતીનો પ્રેતાત્મા અદ્રશ્ય થઈ ગયો તે પછી ગોર્ડનની વાચા પાછી આવી ગઈ. તે એકાગ્ર મનથી ધ્યાન કરે ત્યારે તેને તેના ચિત્તના પડદા પર ભવિષ્યની ઘટનાઓ દેખાવા લાગતી. સ્લિપિંગ પ્રોફેટ એડગર કેયસી (Edgar Cayce) ની જેમ તે પણ પ્રિડિકન્સ કરતો અને નિદ્રાની સ્થિતિમાં રોગ નિદાન અને તેને દૂર કરવાનો ઈલાજ કે ઉપચાર દર્શાવતો. તેણે ઘણા સમય સુધી દૈવી ચિકિત્સક (Divine or Spiritual Healer) તરીકે કામ કર્યું અને અનેક લોકોને તેમની બીમારીઓમાંથી મુક્ત કર્યા હતા. ગોર્ડન માઈકલ સ્કેલિઓન અને તેની પત્ની સીન્થિયા કેઈસ (Cynthia Keyes) દ્વારા મેટ્રિક્ષ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા સ્થાપવામાં આવી છે જેમાં તેના વિઝન્સ (Visions) સંગ્રહવામાં આવ્યા છે. એના આધારે તેણે કરેલી અનેક પૂર્વાભાસી આગાહીઓ સાચી પડેલી જોવામાં આવી છે.
ગોર્ડન સ્કેલિઓનને થોડા સમય બાદ ધ્યાનમાં આવ્યું કે તેની ચૈતસિક શક્તિ બીજા દિશા તરફ વળી રહી છે. તેને ધ્યાનમાં બેસે ત્યારે ભવિષ્યની ઘટનાઓ, કુદરતી સંકટો અને પૃથ્વીમાં થઈ રહેલા અને ભવિષ્યમાં થનારા ફેરફારો પણ ચિત્ત પટલ પર દેખાવા લાગ્યા છે. તેના આધારે પણ તેણે ભવિષ્યવાણીઓ કરવા માંડી હતી. ગોર્ડને જણાવ્યું હતું કે ઈ.સ. ૧૯૮૪માં મેકિસકો શહેરમાં મોટો ધરતીકંપ થશે અને ખરેખર તેમ જ બન્યું હતું. તે જ વર્ષે ૧૯૮૪માં મેક્સિકો શહેરમાં મોટો ભૂકંપ આવ્યો હતો. ૧૯ સપ્ટેમ્બરે સવારે આવેલા આ ભૂકંપમાં લગભગ ૧૦,૦૦૦ જેટલા લોકો મરણ પામ્યા હતા. અને ૩૦,૦૦૦ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. ગોર્ડને મેક્સિકો સિટીમાં ૧૯૮૪માં મોટો ધરતીકંપ આવશે એવી જે પહેલેથી ભવિષ્યવાણી કરી હતી તે બિલકુલ સાચી પડતાં એક સચોટ ભવિષ્યવેત્તા (Prophet) તરીકે તેની આખા અમેરિકામાં ખ્યાતિ પ્રસરી ગઈ હતી.
ભવિષ્યવેત્તા ગોર્ડને એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે ૧૯૮૭માં સ્ટોક માર્કેટ ક્રેશ થઈ જશે અને ખરેખર એ પ્રમાણે જ બન્યું હતું. ૧૯ ઓક્ટોબર ૧૯૮૭ને સોમવારના રોજ ડોવ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ ૨૨ ટકાથી વધારે ગગડી ગયું હતું. આ ૫૦૮ અંકની ગિરાવટ શેરબજાર માટે એટલી દુઃખદ હતી કે તે દિવસને કાળા સોમવાર (Black monday) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
ગોર્ડને સ્કેલિઓને એવી રાજકીય ભવિષ્યવાણી કરી હતી કે ૧૯૮૮માં જ્યોર્જ બુશ ચૂંટણીમાં જીતી જશે અને પ્રેસિડેન્ટ બનશે. ભવિષ્યમાં તેમ જ થયું હતું. બુશ ૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ ડેમોક્રેટિક નોમિની માઇકલ ડુકાકિસ સામે ઈલેકશન જીતી ગયા હતા અને ૨૦ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ પ્રેસિડેન્ટ પદ પર બેઠા હતા. ગોર્ડને ૧૯૯૨ના ઓગસ્ટમાં આવનારા એન્ડ્રુ હરિકેન (Andrew Hurricane) ની ભવિષ્યવાણી પણ પહેલેથી કરી હતી. તે ક્યાંથી ક્યારે ઉદ્ભવશે, ક્યા પ્રદેશોને ઘમરોળશે, કેટલું નુકસાન કરશે તે વિગતો પણ આપી હતી. આશ્ચર્યજનક રીતે તેમ જ થયું હતું. તે બહામા, દક્ષિણીય ફલોરિડા અને સાઉથ સેન્ટ્રલ લુઇસિયાના પર ભારે તાકાતથી ત્રાટક્યું હતું અને આ પ્રદેશોમાં અબજોની મિલકતનું નુકસાન થયું હતું.
પૃથ્વીની બદલાતી સ્થિતિ અંગે પણ ગોર્ડન આગાહી કરતો હતો. તેણે એક વિઝનમાં જોયું કે પૃથ્વીની અંતર્ગત સપાટીમાં ઢીમચા જેવી વૃદ્ધિ (મેનયી) થઈ છે જેનાથી એની દ્રવ્યરાશિમાં ફેરફાર થઈ રહ્યો છે. એનાથી એની ટોચ પર ભારે ઉથલપાથલ સર્જાશે અને પૃથ્વી પરના ખંડોની સ્થિતિ અને તેમના કદમાં ભારે પરિવર્તનો આવશે. તેની આ આગાહીઓ તેણે 'ધ અર્થ ચેઈન્જીસ (The Earth Changes) નામની લેખમાળાથી વર્તમાનપત્રમાં પ્રકાશિત કરી હતી. તેણે અમેરિકાના અને દુનિયાના નવા નકશા પર ખંડીય ફેરફારો, ધુ્રવ પરિવર્તનો દોરી તેની વાત રજૂ કરી હતી. તેણે ચેતવણી આપતા કહ્યું તું કે - ''પૃથ્વીની ભીતર થઈ રહેલા ફેરફારો મોટા ધરતીકંપો સર્જશે એટલું જ નહીં, સમુદ્રની નીચેની સપાટી પર પણ એટલા પરિવર્તન આવશે કે મોટા વાવાઝોડા સર્જાશે. તેણે ધુ્રવીય ફેરફાર (Polar Shift) અને નવી ભૂમિ દ્રવ્ય રાશિઓ સર્જવા અંગે પણ આગાહી કરી હતી. સાયન્ટિફિક પ્રેસ દ્વારા જણાવાયું હતું કે ગોર્ડનની પોલર શિફટની આગાહી સાચી પડી છે. ૨૬ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ ત્સુનામી વાવાઝોડું પેદા થયું હતું જે ૨,૩૦,૦૦૦થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને અબજો લોકોએ એમના ઘરબાર ગુમાવ્યા હતા.''