14 વર્ષના નથાન ઝોહનેરે એક થિયરીને જન્મ આપ્યો
- તમામ નેતાઓ, મીડિયા ,ઉત્પાદકો, સર્વિસ સેક્ટર, સંશોધકો અને આપણે સૌ 'zohnerism’નો ઉપયોગ કરીએ છીએ તે જાણો છો?
- હોરાઈઝન-ભવેન કચ્છી
- સત્યને છુપાવવું, તથ્યને મચડીને રજૂ કરવા, અમુક વિગત, નામ આંકડા છોડી દેવા કે ઉજાગર કરવા અને નાગરિકોમાં ભ્રામક ભય ઊભો કરવાની ચાલાકી
કરતી દુનિયાને જાણવી જરૂરી
વ ર્ષ ૨૦૨૫નો પ્રારંભ થઇ ચૂક્યો છે. તનાવમુક્ત રહેવું હોય તો વર્ષ દરમ્યાન શું કરવું અને ન કરવું તે અંગેનું માર્ગદર્શન તો થોકબંધ જુદા જુદા માધ્યમોથી મેળવી ચૂક્યા હશો. પણ 'જરા હટ કે' વાત કરીએ તો એક વિચિત્ર લાગતી સલાહ પણ જાણી લો. નવા વર્ષમાં જ નહીં પણ જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત કરવા આપણે ‘zohnerism’થી દુર રહેવાનું છે. તમને થશે કે આ વળી કયુ નવું શાસ્ત્ર કે વાદ છે. તો જાણી લો આ શબ્દના ઉદ્દભવની વાત.
૧૯૯૭નો પ્રસંગ છે. અમેરિકાના ઇડાહોમાં Nathan Zohner નામના વિદ્યાર્થીને જન્મજાત રસાયણ શાસ્ત્ર પ્રત્યે ભારે રુચિ હતી. તેમના શિક્ષકને પણ આશ્ચર્ય થતું કે આ ૧૪ વર્ષના છોકરડાને જુદા જુદા રસાયણના સંયોજન કરવાથી શું ઉત્પન્ન થાય તે કઈ રીતે ખબર પડતી હશે. દર વર્ષે વિજ્ઞાન મેળામાં કોઈએ કલ્પના ન કરી હોય તેવા વિજ્ઞાન મોડેલ તે રજૂ કરતો.
નથાન ઝોહનેરે રાજ્ય કક્ષાના મેળામાં ઉપસ્થિત જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ ભારે ગંભીરતાથી પ્રસ્તાવ મૂક્યો કે 'આપણે રોજેરોજ ખબર ન પડે તેમ અને ભયજનક રીતે ઉપયોગમાં લેવાતાં Dihydrogen monoxide પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો જોઈએ. મેં આ રસાયણ કઈ કઈ રીતે હાની પહોંચાડે છે તેની યાદી બનાવી છે તે પહેલાં સાંભળો.' તેમ કહી નથાન ઝોહનેરે કહ્યું કે
'(૧) આ રસાયણ ગેસ સ્વરૂપે હોય તો પેટમાં બળતરા કરે છે.(૨) તે લોખંડ સહિતની ધાતુઓના સંપર્કમાં રહે તો ધાતુને કાટ લાગી જાય છે.(૩) લાકડા જોડે રહે તો લાકડું કોહવાઈ જાય છે.(૪) તેના લીધે લાખો માનવીઓના દર વર્ષે મૃત્યુ થાય છે. (૫) ગાંઠ અને માનવના અંગ ઉપાંગમાં રહીને બીમારીને વકરાવે છે. (૬) પેટની બીમારી માટેનું સૌથી મોટું કારણ પણ છે. (૭) જો તે વધુ માત્રામાં શરીરમાં આવી જાય તો વારંવાર પેશાબ કરવા જવું પડે છે.
આવી તો કેટલીયે ડરામણી યાદી તેણે જણાવી. તે પછી ઝોહનેરે વિજ્ઞાન મેળામાં ભાગ લેતા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે 'તમને નથી લાગતું કે આપણે સરકાર સમક્ષ રજૂઆત કરીને Dihydrogen monoxideનો જયાં જયાં ઉપયોગ થતો હોય તે શોધી કાઢીને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હું આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ બનાવીશ તમે તેમાં તમારી સહી કરશો ને?'
ઝોહનેરે બનાવેલ ડ્રાફ્ટમાં ૮૬ ટકા વિદ્યાર્થીઓએ અને વિજ્ઞાન વિષયના ન હોય તેવા કેટલાક શિક્ષકોએ પણ સહી કરી.
આ સહી ઝુંબેશ પૂરી થઈ તે પછી ઝોહનેરે બધાને ભોંઠપ મિશ્રિત આશ્ચર્યમાં પાડી દેતાં કહ્યું કે 'હું તો તમારા રસાયણ શાસ્ત્રના જ્ઞાનની ચકાસણી કરતી ગમ્મત રમી રહ્યો હતો. Dihydrogen monoxide ખરેખર મેં તેના ભયજનક પાસાઓ બતાવ્યા તેવું ઝેરીલું છે પણ ખરું અને નથી પણ. ખરેખર તો કોઈપણ સજીવ અને પૃથ્વીને તેના વગર ચાલે તેમ જ નથી કેમ Dihydrogen monoxide એટલે H2O. અને H2Oએટલે પાણી. હવે પાણી તો પ્રાણતત્ત્વ છે તે વાત મેં એ રીતે મૂકી હતી કે તેના ફાયદા જણાવ્યા જ નહીં પણ ભયસ્થાનો જે સાચા છે તે જ બતાવ્યા. H2Oને Dihydrogen monoxide પણ કહી શકાય તેની સાથે વિજ્ઞાનના શિક્ષકો સંમત થશે.
વિજ્ઞાનથી સાવ વંચિત રહેલ જનસમુદાયને તો તમે આવા ભયસ્થાનો જણાવી H2O પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પણ બહુમતીથી પસાર કરાવી શકો.
વિદ્યાર્થી નથાન ઝોહનેર તો નિર્દોષ હતો. તે તો વિજ્ઞાન મેળામાં આવી રીતે વિદ્યાર્થીઓમાં જ્ઞાન ગમ્મત કરાવી ગયો. આ રીતે ભૌતિક વિજ્ઞાન અને ગણિત વિષયના કોયડા પણ હોય છે ને.
નથાન ઝોહનેરનો આ પ્રસંગ મીડિયામાં પ્રકાશિત થયો અને અમેરિકાના જાણીતા પત્રકાર જેમ્સ ગ્લાસમેને એક નવી જ થિયરીને જન્મ આપ્યો જેનું નામ તેણે ‘zohnerism’ આપ્યું અને તેનાથી પ્રભાવિત ન થવા માનવજગતને ચેતવણી આપી.
આજકાલ માણસો વાતચીતમાં અને માહિતી, જ્ઞાન અને સંદેશા વ્યવહારમાં ખૂબ જ ચાલાક વર્તન કરતા થઈ ગયા છે. તેવી જ રીતે પ્રિન્ટ અને ટીવી મીડિયા, રાજકીય પક્ષોના ચુંટણી અગાઉ વચનો આપતા એજન્ડા, નેતાઓના ભાષણો, જાહેર ખબરની દુનીયા તેમજ તેના કરતાં પણ વિશેષ માત્રામાં ‘zohnerism’ નો સહારો સામી વ્યક્તિ કે વ્યક્તિસમૂહને આબાદ રીતે ભ્રામક અને દંભી રજૂઆત કરીને થાય છે. તે માટે પોસ્ટમાં ફોટાઓ પણ મુકાય છે.
'ર્ઢરહીિૈજસદ એટલે જે વ્યક્તિ સામી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને એક સીધી સાદી વાતનું પોતે સત્ય જાણતો હોય છે પણ તેને તેના ફાયદામાં એવી રીતે મૂકે કે કાં તેની સત્ય વાત જણાવે જ નહીં અને આબાદ રીતે છુપાવે અને મોટેભાગે બને છે તેમ સત્ય તો ઢાંકી જ દેવાય પણ પડકારી પણ ન શકાય તેવી નકારાત્મક બાબતો તેમના કોમ્યુનિકેશનમાં ઉજાગર કરે છે.
આપણી સમક્ષ આવા તો કેટલાયે સર્વે, પ્રેઝન્ટેશન અને વચનો અપાતા હોય છે. પૂરી ઘટનામાંથી હોંશિયારીપૂર્વક કોઈ પ્રસંગ કે તે માટેની નિમિત્ત વ્યક્તિને જશ આપવો પડે ત્યારે ચાલાકીથી રાજકારણીથી માંડી ઘણા લોકો તેની રજૂઆતમાંથી જે કાઢવાનું હોય તે અધ્યાહાર પર છોડી દે છે.
આપણે ત્યાં ખરીદેલી ચીજ વસ્તુ કે સેવામાં બિલોરી કાચથી પણ માંડ વાંચી શકાય તેવા ઝીણા અક્ષરે ફુદરડી સાથે કે શરતોને આધીન જે લખાયું હોય છે તે છુપાયેલું મહત્વનું સત્ય હોય છે. ફર્ક એટલો કે ઝોહનેરે પાણીનું નામ બદલીને તેની ઝેરીલી અસર પર ભાર મૂક્યો હતો પણ તેની અવળી રીતે ગેરફાયદા છુપાવીને મુખ્ય આકર્ષિત ચીજવસ્તુ અને સેવાનું જ ઉત્પાદકો વેચાણ કરતા હોય છે ને.
'કવોરા'માં આપેલ એક હળવી શૈલીનું ઉદાહરણ લઈએ. પોતાના સંતાનોની મિત્ર વર્તુળમાં બડાશ મારવા માટે જાણીતા હતા તેવા મમ્મી પપ્પાએ મિત્રોને કહ્યું કે ગત રવિવારે શાળાના રમતોત્સવમાં અમારા ચિન્ટુનો દેખાવ તેના ઇવેન્ટમાં જોરદાર રહ્યો. માત્ર એક જ ખેલાડી ચિન્ટુ કરતા સારો દેખાવ કરી શક્યો.' બધાએ ચિન્ટુના મમ્મી પપ્પાને અભિનંદન આપ્યા જે મમ્મી પપ્પાએ ગૌરવ સાથે સ્વીકાર્યા. બધા તો ચિન્ટુથી બહુ પ્રભાવિત હતા. ખરેખર વાત એમ હતી કે ચિન્ટુએ ટેનિસની રમતમાં ભાગ લીધો હતો અને પહેલા જ રાઉન્ડમાં તે સિંગલ મેચમાં હારી ગયો હતો. હવે બે સામસામે રમતા ખેલાડીની રમતમાં એક જીતે તેણે ચિન્ટુ કરતા તો સારી રમત બતાવીને વિજય મેળવ્યો હતો. ચિન્ટુ તો હારી ગયો હતો. મમ્મી પપ્પા ખોટું પણ નહોતા બોલ્યા કેમ કે ચિન્ટુ કરતા એક જ ખેલાડી વધુ સારું રમ્યો હતો જે જીત્યો હતો પણ મમ્મી પપ્પાએ કઈ રમત હતી તે નહોતું કહ્યું કેમ કે તેઓને તો ચિન્ટુના નામની બડાશ મારવી હતી. સામેના જૂથે તે પૂછવાની પણ પરવા નહોતી કરી કે 'કઈ રમત'માં ચિન્ટુએ ભાગ લીધેલો.
ફેસબુકની પોસ્ટમાં પણ હતાશ, ભગ્ન હૃદયના અને અંદરથી પોલા લોકો જે ફોટાઓ અને શબ્દોની માયાજાળ રચે છે તે 'રિવર્સ ઝોહનેરીઝમ' જ છે.
'ઝોનેરીઝમ'ને સમજાવવા માટેનું એક ઉદાહરણ પ્રચલિત છે. વર્ષો પહેલાં એક ગામમાં માત્ર છોકરાઓ ધરાવતી શાળા હતી. તેનું સ્તર નિમ્ન હતું. તેની બરાબર સામે એક બીજી વધુ સારો સ્ટાફ ધરાવતી શાળા શરૂ થઈ જેમાં છોકરા અને છોકરીઓ બંને અભ્યાસ કરી શકે તેમ હતા.
માત્ર છોકરાઓ ધરાવતી શાળાના સંચાલકોને ડર લાગ્યો કે તેના વિદ્યાર્થીઓ વધુ ચઢિયાતી શાળામાં પ્રવેશ લઈ લેશે એટલે સંચાલકોએ છોકરાઓના વાલીઓની મિટિંગ બોલાવી અને કહ્યું કે છોકરા અને છોકરી સાથે અભ્યાસ કરે તો છોકરાઓ રખડું બની શકે, છોકરાઓ વર્ગ ખંડમાં ધ્યાન ન પરોવી શકે. ગામના લોકો શૈક્ષણિક અને માહિતી ઝીલવાની રીતે પછાત હતા તેઓને તે પછી કહેવામાં આવ્યું કે 'તમને ખબર છે ત્યાં છોકરાઓને છોકરીઓનો જ અભ્યાસક્રમ આપવામાં આવે છે(!).. અરે છોકરાઓ છોકરીઓ જોડે જ બોર્ડની પરીક્ષા પાસ કરશે(!), તે શાળામાં છોકરાઓને કોઈ વિશેષાધિકાર આપવામાં જ નથી આવ્યો.'
હવે આમ જોવા જાવ તો પડકારી ન શકાય તેવી સત્ય વાતો જ સંચાલકોએ કરી પણ વાલીઓને એવું લાગ્યું કે સામેની શાળામાં પ્રવેશ લઈશું તો સંતાનનું ભાવિ કથળી જશે.
અમેરિકાને ઈરાક પર હુમલો કરીને સદામ હુસેનને ખતમ કરવો હતો એટલે તેઓએ મીડિયા અને વિશ્વ સમક્ષ ઈરાક અને સદામ વિશ્વ માટે કેવા ભયજનક છે તે થિયરી વહેતી કરી હતી. આ 'ઝોનેરીઝમ' જ હતું.
રાજનીતિમાં, આંકડાકીય સર્વેક્ષણમાં, સંશોધનના તારણોમાં, મીડિયામાં અને સામાજિક સંબંધોમાં 'ઝોનેરીઝમ' જ ચાલે છે.
અર્ધ સત્ય, છુપાયેલ સત્ય, છૂપાવી દીધેલ સત્ય કે ઉજાગર કરાતું સત્ય, જાહેર કરાતું નુકશાન અને છુપાવો દીધેલ ફાયદા તે બધું 'ઝોનેરીઝમ' છે.
ચાલો આપણે આપણા જીવનમાં ચાલાક અને દંભી ન બનીએ. આપણે આવી માનસિકતા વખતે પોતે તો જાણતા જ હોઈએ છીએ કે કેટલું અનિષ્ટ કરી રહ્યા છીએ. નેતાએ મુત્સદ્દી જરૂર બનવું જોઈએ પણ તેમાં પારદર્શક અને વ્યાપક હીત જોવું જોઈએ.