Get The App

હિન્દુ પ્રજાની આસ્થાનું મહાપર્વ-'કુંભ મેળો' નવા વિશ્વવિક્રમ સ્થાપિત કરશે

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
હિન્દુ પ્રજાની આસ્થાનું મહાપર્વ-'કુંભ મેળો' નવા વિશ્વવિક્રમ સ્થાપિત કરશે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- મહા કુંભ દરમિયાન ભક્તોની સુવિધા માટે 3,000 સ્પેશિયલ ટ્રેનો સહિત લગભગ 13,000 ટ્રેનો દોડાવશે. દોઢથી બે કરોડ મુસાફરો ટ્રેન દ્વારા શહેરમાં પહોચશે

ફ રી એકવાર  પ્રયાગરાજ  શહેર એક વિશ્વવિક્રમી અવસરનું સાક્ષી બનશે. યુ.પી.ના  આ પાવન શહેરમાં ૧૩ જાન્યુઆરીથી કુંભમેળાનો પ્રારંભ થઈ  રહ્યો છે. ગંગા નદીના  તીરે વસેલું  આ શહેર અત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે.  સ્વાભાવિક રીતે જ કુંભમેળા જેવા પાવનપર્વમાં પ્રયાગરાજની મહત્તા અનેકગણી વધી જાય છે. એવો અંદાજ છે કે  દોઢ મહિના સુધી ચાલનારા આ મેળામાં દેશ-વિદેશથી અંદાજે ૨૫ કરોડથી વધુ ભક્તો-પ્રવાસીઓ આવશે.  અહીં અમુક ખાસ તિથીઓએ નહાવાનું ભારે મહાત્મ્ય છે અને આ કારણોસર આ ખાસ તિથીઓએ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે.

પહેલાં કુંભમેળો મહાન યાત્રાસ્થળ ગણાતું હતું, પણ હવે એનો પ્રચાર યાત્રાસ્થળની સાથેસાથે સનાતન હિંદુ સંસ્કૃતિને નજીકથી સમજવામાં ઉપયોગી થાય એવા ફરવાના સ્થળ તરીકે પણ થઈ રહ્યો છે. હવે વિદેશીઓમાં કુંભ મેળામાં ભાગ લેવાની જબરદસ્ત ઘેલછા જોવા મળે છે. જો તમે શ્રદ્ધાળુ હો અને તમારી પાસે સુખસગવડ પાછળ ખર્ચવા માટે પુરતા પૈસા હોય તો હવે તમારે પવિત્ર  

ગંગા નદીમાં ડુબકી મારીને બધા પાપો ધોઈ નાખવા માટે અગવડો અને અસુવિધાઓ સહન કરવાની જરૂર નથી.

  સંગમ નગરી પ્રયાગરાજ   ખાતે યોજાનારા  કુંભમેળા માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.  દરરોજ લાખોની સંખ્યામાં ઉમટી પડનારા આસ્થાળુઓના સ્વાગત માટે સડકો, ઉદ્યાના, વિવિધ  ચોકોને નવા જામા પહેરાવવાનું આયોજન  થઈ રહ્યું  છે. સાથે સાથે અહીંના  પાંચ મુખ્ય  મંદિરો સહિત  ડઝનેક  મંદિરોને  રંગબેરંગી  રોશનીથી  નવડાવવાની તૈયારી પણ પર્યટન  વિભાગે આરંભી દીધી છે.

વાસ્તવમાં   પ્રયાગરાજમાં સંખ્યાબંધ  પૌરાણિક અને ઐતિહાસિક  મંદિરો છે જેના વિશે લોકોને ઝાઝી  જાણકારી  નથી.   પર્યટન વિભાગે આ મંદિરોનો કાયાકલ્પ  કરીને તેને રંગબેરંગી રોશનીથી ઝળાંહળાં  કરવાનો વિચાર અમલમાં મૂકી દીધો છે.

જે મંદિરોનો  જિર્ણોધ્ધાર  થવાનો છે  તેમાં બડે હનુમાન મંદિર, શંકર વિમાન મંડપમ્, સિવિલ  લાઈન્સ સ્થિત હનુમાન મંદિર,  અલોપશંકરી   મંદિર સહિત એક ડઝન જેટલા મંદિરોનો સમાવેશ  થાય છે.  પ્રયાગરાજમાં પહેલી વખત મંદિરો પર રંગબેરંગી  લાઈટિંગ  કરવાનું આયોજન  કરવામાં આવ્યું છે.  

જો કે વર્ષ ૨૦૧૯ના કુંભ મેળા  દરમિયાન  યમુના  પૂલ અને શાસ્ત્રી પૂલ પર  કલરફૂલ  લાઈટિંગ  કરવામાં આવ્યું હતું,  પરંતુ આ વખતે આ સંગમ  નગરીમાં આવેલા પૌરાણિક મંદિરોને પણ  રંગીન રોશનીથી  ઝળાંહળાં  કરવામાં આવશે.

જો કે કુંભમેળામાં  સૌથી મોટું  માહાત્મ્ય સ્નાનનું  હોય છે.  દેશવિદેશના  શ્રધ્ધાળુઓ કુંભમેળામાં  આસ્થાની  ડૂબકી લગાવવા આવતાં હોવાથી  અહીંના   ઘાટ  વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે તે સૌથી વધ જરૂરી  છે. કુંભમેળા દરમિયાન  આસ્થાળુઓ માટે કાચા ઘાટ, એટલે કે હંગામી ધોરણે પણ ઘાટ બનાવવામાં આવે છે.  શ્રધ્ધાળુઓ આ ઘાટ ઉપરાંત પાકા ઘાટો પર પણ સ્નાન કરે છે. આ વાત ધ્યાનમાં  લઈને  ગંગા અને યમુના  કિનારે નવા સાત ઘાટ  બનાવવામાં આવ્યા છે. આ કાર્ય સિંચાઈ  વિભાગની પૂરનું કાર્ય સંભાળતી  શાખાને સોંપવામાં આવ્યું છે. આ સાત  ઘાટ કુંભમેળાના  મુખ્ય વિસ્તાર ઉપરાંત આજુબાજુનાં વિસ્તારોમાં પણ બનાવવામાં આવ્યા છે. આ સાત  ઘાટમાંથી ચાર યમુના નદીના કાંઠા વિસ્તારોમાં  અને ત્રણ ગંગા નદીના કિનારાની આસપાસ તૈયાર કરવામાં આવ્યા છે. કુંભમેળો પૂર્ણાહૂતિ  પામ્યા પછી પણ  શ્રધ્ધાળુઓ અહીં સ્નાન  કરી શકશે.

સામાન્ય રીતે  સંગમમાં  સ્નાન કર્યા  પછી   આસ્થાળુઓને   કપડાં  બદલવામાં  મુશ્કેલીનો  સામનો   કરવો પડતો  હોય છે. પરંતુ નવા  બનાવવામાં આવનારા ઘાટો પર વસ્ત્રો બદલવા માટે કેબિનો, ઉપરાંત પાર્કિંગ, યજ્ઞાશાળા, આરતી સ્થળ અને ધ્યાન કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવશે.

નવા ઘાટોમાં  ગંગાકાંઠે  બનાવવામાં આવનારો  દશાશ્વમેઘ  ઘાટ સૌથી મહત્ત્વનો હશે.  તેની લંબાઈ  ૧૧૦ મીટર અને પહોળાઈ   ૯૫ મીટર હશે.  તદુપરાંત  સંગમતી લગભગ ૫૦૦ મીટરના અંતરે આવેલા છતનાગ   અને નાગેશ્વર  ઘાટ વચ્ચે, જ્ઞાનગંગા  આશ્રમની  સામે ૩૦ મીટર  લાંબો અને ૬૦ મીટર પહોળો ઘાટ તૈયાર  કરાયો છે. જ્યારે  યમુના નદીના ડાબા કિનારે આવેલા  મહેવા સ્થિત ભૈરવ  મંદિરની સામે પણ ૩૦ મીટર લાંબો અને ૬૦ મીટર પહોળો ઘાટ  બનાવવામાં આવ્યો છે. આ નવા સાત ઘાટ બનવાને પગલે  સાધુસંતો  અને આસ્થાળુઓને કુંભસ્નાન માટે  વધારાની સુવિધા મળી રહેશે.

આવખતે કુંભમેળામાં અનેક નવા  નજરાણા  જોવા મળશે.  જેમાં એક છે  ડોમસીટી. લગભગ ૨૫૦ કરોડ રૂપિયાના  ખર્ચે બંધાનારું  આ ડોમ સીટી  કોઈ હિલ સ્ટેશન  જેવો  માહોલ ધરાવે છે.  જેની  અંદર તમામ આધુનિક સુવિધાઓ  મળી રહેશે.

અરેલ નામે  ઓળખાતા વિસ્તારના સાડા ત્રણ એકર જમીન પર બાંધવામાંઆવેલું ડોમ સીટી પોલી કાર્બોનેટ શીટમાંથી  બનાવાયું છે. જેમાં બુલેટ પ્રૂફ અને ફાયર પ્રૂફ મટિરિયલનો ઉપયોગ થયો છે.  આ નવું નગર સહેજ ઊંચાઈ પર બાંધવામાં આવ્યું હોવાથી  ત્યાં ઊભા રહીને કુંભમેળાનો ૩૬૦ ડિગ્રી વ્યુ જોવા મળશે.

કુંભમાં  મહત્ત્વના  સ્નાનની તિથી હોય ત્યારે  આ ડોમ સીટીમાં  રહેવાનો રોજનો ચાર્જ એક લાખ રૂપિયા  અને ઈતર દિવસોમાં એંસી હજાર રૂપિયા છે.

 એક જ સ્થળે લાખો લોકોનો જમાવડો  થવાનો હોય એટલે લોકોની સલામતીનો વિચાર પણ કરવો જ પડે.  ઉત્તર પ્રદેશ સરકારે ભારત અને વિદેશી હિન્દુઓની સિક્યોરિટી માટેની તમામ વ્યવસ્થા કરી છે. પ્રયાગરાજ શહેરના દરેક એન્ટ્રી પોઇન્ટ અને મહાકુંભ મેળાના સ્થળે દરેક વ્યક્તિની તપાસ કરવા માટે ભારે સિક્યોરિટી બંદોબસ્ત કરવામાં આવશે. મેળામાં આવેલા લોકોને માર્ગદર્શન મળી શકે એ માટે ભારતની અનેક ભાષામાં અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત કોઇ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે કુંભમેળાના સ્થળ નજીક ૧૦૦ બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. આ સિવાય અનેક સ્થળે હેલ્થકેરની સુવિધા હશે. સ્પેશ્યલિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.' ઉત્તરપ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે  મહાકુંભની સુરક્ષા બાબતે વધુમાં જણાવ્યું કે મહાકુંભ અમારાં માટે એક મોટો અવસર છે. અમે છેલ્લા બે વર્ષોથી એની તૈયારીઓ કરી રહ્યા છીએ. 

જેમાં   મહા કુંભ દરમિયાન ભક્તોની સુવિધા માટે ૩,૦૦૦ સ્પેશિયલ ટ્રેનો સહિત લગભગ ૧૩,૦૦૦ ટ્રેનો દોડાવશે.  લગભગ દોઢથી બે કરોડ મુસાફરો ટ્રેન દ્વારા શહેરમાં પહોચશે. મહાકુંભ ૧૩ જાન્યુઆરીના રોજ પૂર્ણિમાના અવસરે શરૂ થશે અને ૨૬ ફેબુ્રઆરીએ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે.

 આગળ જણાવ્યું તેમ   મહાકુંભ ૨૦૨૫ દેશની વિરાસત અને વિકાસના વિઝનનું સૌથી મોટું ઉદાહરણ બની રહ્યો છે. એક બાજુ મહાકુંભ વિશ્વની પ્રાચીનતમ સનાતન પરંપરાઓનો વાહક છે, તો બીજી બાજુ તે આધુનિક ટેકનોલોજી સાથે જોડાઈને વિકાસનું પ્રમાણ પણ બની રહ્યો છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે બે સપ્તાહમાં યોજાનારો મહાકુંભ, જે અહીં (આટફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. મહાકુંભ ૨૦૨૫માં પહેલી વખત એઆઈ જનરેટિવ ચેટબોટ કુંભ સહાયક વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમ જ વ્યક્તિગતની સુવિધાઓથી સજ્જ હશે.

કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે, જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, સ્નાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારાં વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે.

ચેટબોટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટુર- ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમ જ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન તમારા પર્સનલ ગાઈડ (વ્યક્તિગત માર્ગદર્શક) તરીકે કાર્ય કરશે. તે તમારી સાથે વાતચીત પણ કરશે. આ ચેટબોટ દેશના વિવિધ ખૂણેથી આવતા અને વિવિધ ભાષાઓ બોલતા નાગરિકો તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ વિશેષ સુવિધા પૂરી પાડશે.

સૌથી  મહત્ત્વની  વાત એ છે કે  પ્રયાગરાજમાં  આગામી મહાકુંભ-૨૦૨૫ પર્યાવરણ જાગૃકતાની દષ્ટિએ એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. સમગ્ર દેશ અને વિદેશમાંથી લાખો લોકોની હાજરી સાથેના આ પવિત્ર મેળાવડામાં પર્યાવરણનો વિચાર કરીને તેના વિશાળ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરાયો છે. ઉત્તર પ્રદેશ સરકારના આદેશ અનુસાર મહાકુંભ-૨૦૨૫માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ભક્તોને તેમજ વિક્રેતાઓને પર્યાવરણ અનુરૂપ વિકલ્પો અપનાવવા પ્રોત્સાહિત કરાશે. અધિકારીઓએ પુષ્ટી કરી કે સ્થિરતા પર કેન્દ્રિત આ અભિગમ મહાકુંભને આધ્યાત્મિક ભક્તિમાંથી પર્યાવરણનું સન્માન કરનારા ઉત્સવમાં પરિવર્તિત કરશે.

પ્લાસ્ટિકના સ્થાને પાંદડાના દડિયા, પતરાળી, કુલડી તેમજ શણ અને કપડાની બેગ જેવા પર્યાવરણ અનુરૂપ વિકલ્પ સમગ્ર મેળા દરમ્યાન ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમના આયોજકો મુલાકાતીઓ માટે પૂરતા વિકલ્પની જોગવાઈ કરવા આવી વસ્તુઓ સરળતાથી મળી રહે તેના માટે વિશિષ્ટ સ્ટોલ ઊભા કરાયા છે. વિશાળ ૪,૨૦૦ હેક્ટર મેદાનમાં આવા ઈકો-ઉત્પાદનો પૂરા પાડતા સ્ટોલ ઊભા કરીને પ્રત્યેક મુલાકાતીને પર્યાવરણ અનુરૂપ વિકલ્પ અપનાવવાની તક આપવાનું સુનિશ્ચિત કરાશે. આ પહેલ મહાકુંભને પર્યાવરણ અનુરૂપ તરીકે પ્રસિદ્ધ કરવા અને ભાવિમાં વિશાળ મેળાવડા માટે ઉદાહરણ રચવાની દિશામાં એક સક્રિય પગલું છે.

એક અંદાજ મુજબ કુંભ મેળાના આયોજનથી ઉત્તરપ્રદેશ માટે ૧.૨ લાખ કરોડ રૂપિયાનું રાજસ્વ ઉત્પન્ન થશે. સીઆઈઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુંભ એક આધ્યાત્મિક અને ધામક આયોજન છે. પરંતુ તેનાથી જોડાયેલી આથક ગતિવિધિઓથી ૬ લાખ લોકોને રોજગાર પણ મળશે.

ઉત્તરપ્રદેશ સરકારે ૫૦ દિવસના કુંભ મેળા માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ૨૦૧૩ના કુંભ મેળાથી ત્રણ ગણી રકમ છે. આ સાથે ૨૦૧૯નો કુંભ મેળો અત્યાર સુધીનો સૌથી મોંઘો કુંભ મેળો બન્યો છે. સીઆઈઆઈના અભ્યાસ પ્રમાણે હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨.૫ લાખ લોકોને રોજગાર મળશે અને એરલાઈન્સ તેમજ એરપોર્ટસ ઉપર અંદાજીત ૧.૫ લાખ લોકો માટે રોજગારીની તક ઉભી થશે. આ ઉપરાંત ટુર્સ ઓપરેટર્સ ૪૫૦૦૦ લોકોને કામે રાખશે. ઈકો ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમમાં ૮૫૦૦૦ રોજગારની તક ઉભી થશે. આવી જ રીતે ટૂર ગાઈડ્સ, ટેક્સી ડ્રાઈવર્સ, ઉદ્યમી સહિત અસંગઠિત ક્ષેત્રમાં ૫૦,૦૦૦ નવી નોકરી બનશે. જેનાથી સરકારી એજન્સીઓ અને વેપારીઓની કમાણીમાં પણ વધારો થશે.

કુંભ એક વૈશ્વિક મેળો છે. કુંભ મેળામાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઓસ્ટ્રેલિયા, બ્રિટન,  કેનેડા, મલેશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝિલેન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સહિતના દેશમાંથી આવી રહ્યા છે.  આ ઉપરાંત પાડોસી રાજ્ય જેવા કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ આર્થિક આવક વૃદ્ધિની સંભાવના છે. કારણ કે વિદેશથી આવતા મુસાફરો આ રાજ્યોમાં પણ ફરવા જઈ શકે છે. જો કે કુંભ મેળાનું પરિસર પણ ગયા વખત કરતા બમણું થયું છે.

જ્યાં  માત્ર ૪૫ દિવસના ટૂંકા ગાળામાં ૨૫ કરોડથી વધુ લોકો આવાના હોય એ સ્થળે પૂરતી  સુવિધાઓ હોવી આવશ્યક છે. અત્યાર સુધી યોજાયેલા કુંભમેળામાં ક્યારેય  યાત્રાળુઓને આટલી સગવડ  આપવામાં આવી નથી.  સ્વાભાવિક  રીતે જ  તેને માટે રાજ્ય સરકારે  અનેકગણો વધુ ખર્ચ કરવો પડયો છે. ખર્ચ, યાત્રાળુઓની હાજરી અને બીજી અનેક બાબતોમાં આ કુંભમેળો નવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે એમાં કોઈ શંકા નથી.


Google NewsGoogle News