મેળવણનો જાદુ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- નૂતન સર્જનોની ભીતર મેળવણનો જાદુ હોય જ છે. આમ સમગ્રતયા જોઇએ તો પાંચ તત્ત્વો અને તેનું ગજબનું મિશ્રણ! જડમાં જીવન ક્યાંથી આવ્યું!
દૂ ધના પાત્રમાં મેળવણનું એટલે કે દહીંનું એક ટીપું જ નાખવાથી થોડા સમય પછી દૂધના સમગ્ર સ્વરૂપમાં જે ફેરફાર થઇ જાય છે તે ફેરફાર દૂધ ને દૂધ રહેવા દેતો નથી. મેળવણ પડયા પછીનું દૂધ પોતાનું નામ સુદ્ધાં સાચવી શક્તું નથી, પછી ગુણધર્મોમાં પણ પરિવર્તન આવે છે. સમગ્ર પદાર્થ ઉપર એક બિંદુનો પ્રભાવ પથરાઇ જાય છે, એ બિંદુને કારણે રગેરગમાં નવતર આવેગો દોડવા માંડે છે એ આવેગોથી આમૂલ પરિવર્તન આવવા માંડે છે, પછી એ દૂધને આપણે દહીંના નામે ઓળખવાનું શરૂ કરીએ છીએ. હતું દૂધ બની ગયું દહીં. પ્રકારાન્તરે એ દૂધનો બીજો તબક્કો ભલે રહ્યો પણ એની મૂળ સ્થિતિમાંથી સ્વરૂપાંતરણ કરાવવાનું કામ મેળવણનું છે. મેળવણની ઘટનાથી ઉઘાડી રીતે એમ જ લાગે દહીં દૂધના બગડવાથી થયું હશે પણ હકીકતમાં કશું જ બગડતું નથી. મેળવણને કારણે દૂધ દૂધ રહી શક્યું નહિ, પરિણામે નવ્યરૂપને આપણે દહીં કહ્યું. પછી દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી, ઘીમાંથી વિવિધ વાનગીઓ. આમ મૂળ દૂધ મેળવણના કારણે સ્વરૂપનો નોખો તબક્કો, નોખી ભૂમિકા પ્રાપ્ત કરે છે. મેળવણ એટલે અખરામણ, મિશ્રણ એ ઉમેરણ મેળવણનું કામ રૂપાંતરણ કરવાનું છે.
પાન ખાવાનો બંધાણી રોજ એક જ પાનવાળાને ત્યાં જ કેમ પાન ખાતો હશે? મેળવણ મોટી ઘટના છે. એના એ જ મસાલા અન્યના હાથે એવી મોજ ઊભી ના કરે. એવું કહીએ છીએ. માત્ર તુવેરની દાળ ને પાણીમાં ઉકાળવાથી કે મસાલા નાખવાથી સ્વાદિષ્ટ બનતી નથી, એ મસાલાનું મેળવણ મહત્ત્વનું છે. રસોઇનો આખો વિભાગ મેળવણનો આભારી છે. ઉત્તમ પ્રકારનો ટેસ્ટ-સ્વાદ મેળવણના જાદુમાં રહેલો છે. આકાશમાં આપણે મેઘધનુષ જોઇએ તો ત્યાં સપ્તરંગની મેળવણી છે. પુષ્પના આકારમાં, પાંખડીઓમાં સુગંધની મેળવણી છે. નિરંજને 'હાથમાં હાથ મેળવવા'નો મોટો મહિમા કર્યો છે. ચિત્રકાર પાસે મેળવણીની શક્તિ હોય છે. રંગ-પીંછી તો ભૌતિક પદાર્થો છે - એનો વિનિયોગ એમાં મેળવણીના કીમિયાથી થાય છે. કલાકાર પાસે મેળવણીની અદ્ભુત શક્તિ હોય છે. સંગીતકાર શબ્દને સૂરમાં લઇ જતાં, ઢાળતાં કશુંક ઉમેરણ કરે છે. મેળવે છે - ત્યારે કર્ણપ્રિય બને છે. શિલ્પી પણ પત્થર અને ટાંકણા વડે ઘણું બધું કાઢી નાખે છે પણ પોતાની કલ્પનાશક્તિથી, હાથના જાદુથી કશુંક ઉમેરે છે ત્યારે ઉત્તમ શિલ્પ સર્જાય છે. લય-છંદ કવિતા નથી. કવિ શબ્દ સાથે શબ્દનો એવો મેળ પાડે છે એમાંથી અલૌકિક અર્થવલયો સર્જે છે અને ઉત્તમ કાવ્યકૃતિ તૈયાર કરે છે. ભારતીય તત્ત્વજ્ઞાન પણ મેળવણનો મહિમા કરે છે. મેળવણ નૂતનસર્જનની ભૂમિકા રચે છે.
રસાયણ વિજ્ઞાનીઓએ પાણીમાં હાઈડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ જોયું ત્યારે આપણને નથી લાગતું ઇશ્વર પણ મેળવણની ક્રિયા કરનાર મોટો કસબી હોય! સોનાના દાગીના ઘડનાર કારીગરને પૂછો સોનામાં મેળવણ વગર દાગીના બને ખરા? મોટી તોતિંગ ઇમારતોના ચણતરમાં જેમ સિમેન્ટ-રેતી-ક્રોકિંટનું મેળવણ મહત્ત્વનું છે એના વગર ટકાઉ બને કેવી રીતે? છાણ અને માટીની ગારમાંથી લીંપણમાં ઓકળિયો પડે છે એ મેળવણ સૌંદર્ય સર્જે છે. માટી, પાણી, હવા અને ખાતરના મેળવણથી કૃષિસંસાર સર્જાયો છે.
સંતનો શબ્દ, ગુરુનો ઉપદેશ, સાહિત્યનો શબ્દ ભાવકને જે રીતે સ્પર્શે છે જે રીતે અસર કરે છે તેનાથી ભાવકનું ચિત્ત તંત્ર પરિવર્તન પામે છે - એ પણ સૂક્ષ્મ મેળવણની પ્રક્રિયા છે. મેળવણ એ ક્રિયા છે પણ મેળવણ દ્વારા જે થાય છે તે પ્રક્રિયા છે. જેવું ઇમારોતનું એવું માણસનું શરીરનું જીવનું કાયાનું પંચમહાભૂતોનું પ્રમાણ કાયામાં કેવી રીતે મેળવણ કરીને કેદ કર્યું હશે? મેળવણ એ સામાન્ય રીતે રૂપાંતરિત કરનારી ઘટના છે - ક્રિયા છે. ગંગાનાં બે બુંદ છાંટવાથી પવિત્ર બનાવવાની ઘટના પણ એ અર્થના સ્વીકારવા જેવી છે. સંધ્યા અને ઉષા એ બંને ઉજાસ અને અંધારના મેળવણનાં દ્રશ્યો છે.
ગણિતશાસ્ત્રનો વિકાસ શૂન્યના મહિમામાંથી થયો છે. જ્ઞાનગંગોત્રીના મૂળમાં તો શૂન્ય જ છે એ શૂન્યમાં કશાક ઉમેરણથી, મેળવણથી અલગ અલગ વિદ્યાશાખાઓ જન્મી હશે. હજું નવું ને નવું જે રૂપ બને છે એ મેળવણની માયા છે. સૂર્ય, તારા, નિહારિકાઓ, ચંદ્ર એ બધાં જ કોઇને કોઈ ઓછાવત્તા મેળવણનાં પરિણામો છે.
નરસિંહ મહેતાને નાગરીનાતે ન્હાવાનું ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહની પ્રાર્થનાથી મેઘ મેળવણ સમોવણ થઇને આવે છે. પાંડવોની સાથે સેના ઓછી, પણ કૃષ્ણનું ઉમેરણ - મેળવણ જ વિજયોત્સવનું કારણ બને છે. કવિ પ્રહલાદ પારેખનું 'ચિતારો' નામનું કાવ્ય છે - તેમાં તેમણે લખ્યું છે - મૂળ લાલ, પીળો ને વાદળી રંગ કેવાં કેવાં મનોહારી રંગીન ચિત્રો સર્જે છે !! મોટો ચિતારો તો પ્રભુ !
અજબ મિલાવટ કરી, ચિતારે
અજબ મિલાવટ કરી !
રંગ પિયાલીઓભરી...
કવિ મુકુન્દ પારાશર્યની આ રચના જુઓ - એમાં મેળવણની વાત છે
તારી ખીચડીમાં ઘી થઇ જાઉ હો લાલ મારા
દૂધમાં સાકર થાઉ
ઊભા વગડામાં કહે તો હું લાલ તારા
પગનું પગરખું થાઉં
ઘૂઘરાતા વાળ પરે ફૂલડાના બંધમાં
લહેરાતું મોરપિચ્છ થાઉં.
નૂતન સર્જનોની ભીતર મેળવણનો જાદુ હોય જ છે. આમ સમગ્રતયા જોઇએ તો પાંચ તત્ત્વો અને તેનું ગજબનું મિશ્રણ! જડમાં જીવન ક્યાંથી આવ્યું! શ્વાસોની આ આવનજાવન શું છે? જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. જીવન અને મૃત્યુ આ સઘળું સંચાલન કોણે કેવાં કેવાં મેળવણ દ્રવ્યોથી બનાવ્યું હશે? આ મેળવણથી જ જગતનું, સૃષ્ટિનું સુચારુ સંચાલન ચાલી રહ્યું છે ! એ મેળવણનું રહસ્ય અકળ છે તેને કોઈ જાણી શક્યું નથી. જાણનારા બેડો પાર કરી ગયા છે. કોનો મહિમા કરીએ મેળવણનો કે મળવણ કરવાવાળાનો?