Get The App

એકશ્લોકી ભાગવત .

Updated: Feb 4th, 2023


Google NewsGoogle News
એકશ્લોકી ભાગવત                                       . 1 - image


- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક

- મહાભારતમાં શ્રીકૃષ્ણનાં અગત્યનાં કાર્યો આવે છે. ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણના સમગ્ર જીવનની કથા છે અને તે અગાઉના બધા અવતારોની જીવનકથા આપેલી છે

(शार्दूलविक्रीडित)

आदौ देवकी देव गर्भ जननं, गोपी गृहे वर्धनम्।

मायापूतन जीवताप हरणं गोवर्धनो धारणं ।।

कंस छेदन कौरावादी हननं कुंती सुतापालनम् ।

एतद् भागवत पुराण कथितम् श्री कृष्ण लीलामृतम् ।

સનાતન ધર્મના મુખ્ય ધર્મગ્રંથોમાં વેદો, પછી ઉપનિષદો અને ૧૮ પુરાણો સાથે રામાયણ અને મહાભારત એ બે ઇતિહાસ ગ્રંથો આવે છે. આમાં ભાગવત પુરાણ અને રામાયણ-મહાભારત સૌથી વધારે લોકપ્રિય અને મહત્વનાં છે. એ ત્રણ ઉપર પુરાણીઓ નિતનિત કથાઓ કરતા હોય છે. સ્વ. ડોંગરે મહારાજ ભાગવત કથા માટે, પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે અત્યંત લોકચાહના મેળવી ચૂક્યા છે. રામાયણનો સુંદરકાંડ, મહાભારતની ગીતા અને ભાગવતનો દશમ સ્કન્ધ પારાયણ માટે પસંદ થાય છે. ઘણા પંડિતો સુંદરકાંડ અને ગીતાને કંઠસ્થ કરે છે. આ ગ્રંથો વિષ્ણુ ભગવાનના અવતારનાં જીવનકાર્યોનાં વર્ણનો ઉપરાંત ધર્મ, અધ્યાત્મ અને તત્વજ્ઞાનનો બોધ કરે છે. રામાયણ એ છઠ્ઠા અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું અવતાર કાર્ય વર્ણવે છે, અને મહાભારતમાં આઠમા અવતાર પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનાં સૌથી અગત્યનાં કાર્યો આવે છે. ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણના સમગ્ર જીવનની કથા છે, અને તે ઉપરાંત અગાઉના બધા અવતારોની જીવનકથા આપેલી છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓ, અને જીવનમાં જીવનભર કરેલાં પરાક્રમો તેમજ જગતના કલ્યાણ માટે કરેલા સમગ્ર અવતારકાર્યનું અદભુત તાદ્રશ વર્ણન છે. સ્વાભાવિક રીતે આ મહાગ્રંથો ઘણા લોકપ્રિય છે. બાળકો શ્રીકૃષ્ણ લીલા અને ભીમ જેવાં પરાક્રમોની વાર્તાઓ સાંભળતા થાકતાં નથી. કિશોરો શાલેય આવૃતિઓ મારફત જ્ઞાન સાથે ગમ્મત મેળવે છે. નાનાભાઈ ભટ્ટનાં 'રામાયણનાં પાત્રો', 'મહાભારતનાં પાત્રો' અને 'બાલ રામાયણ' અને 'બાલ મહાભારત' જેવી કૃતિઓ ઉત્કૃષ્ટ અને અનુપમ છે. પંડિતો, ચિંતકો અને અધિકારી અભ્યાસીઓ માટે મૂળ ગ્રંથો અને તેમના વિષે લખાયેલાં નિવારણો તો છે જ.

વિદ્યાર્થીઓ અને રસિકો આ ગ્રંથોના સાર સ્મરણમાં રાખવા પસંદ કરે, પણ 'હરિકથા અનંતા'! એનો સંક્ષેપ પણ દુઃસાધ્ય છે. એટલે ચતુર કવિઓએ ત્રણ સૌથી અગત્યના ગ્રંથોને અક્કેક શ્લોકમાં સંક્ષિપ્ત કર્યા. 'એકશ્લોકી ભાગવત' પણ બીજાં બે એકશ્લોકી જેવું જ છે. તેનાં ચાર ચરણોમાં સૌથી અગત્યનાં પાત્રો, પ્રસંગો અને વિચારોને એક બે શબ્દોની મારફતે રજૂ કરીને મૂળ કથનની એ યાદ આપી દે છે.

પ્રથમ તો દેવકીએ જન્મ આપ્યાની વાત ઉપરથી કંસનું શાસન તથા બાળકનું સ્થળાંતર; અને તે માટેના સંજોગો તાદ્રશ થાય થાય. ગોપાલકોના સમાજમાં ઉછેર તે શ્રીકૃષ્ણના જીવનયાત્રાની ભૂમિકા બતાવે છે. નાની ઉંમરે પૂતાનાનો વધ એ તેમનું પરાક્રમ અને એ 'વિનાશાય ચ દુષ્કૃતામ્'નો નિર્ધાર અને તેનો અમલ બતાવે છે. ગોવર્ધન પર્વતને એક આંગળીએ ઉપાડે છે તે ધરતી પુત્રો માટે તેમની લાગણી અને તેમનો પરિશ્રમ છતાં કરે છે. કંસનો વધ, કૌરવોની અને પાંડવોની મદદ અને રક્ષા એ તો એમનાં સૌથી મુશ્કેલ કાર્યો છે. તેમના સંસારનું કલ્યાણ કરવાના કાર્યમાં તે સૌથી મહત્વનું અને મહત્તમ પગલું છે. આ સિવાય બાળક પરીક્ષિતને જીવનદાન અને છેલ્લે સોમનાથ નજીક દેહોત્સર્ગ જેવા અસંખ્ય પ્રસંગો તો આ શ્લોકમાં ટાંકેલા પ્રસંગો ઉપરાંત યાદદાસ્તમાં અફર રાખવા જોઈએ.

આમ આ કથાના દિશાસ્તંભો જેવા બનાવો ટાંકીને આ શ્લોક સમગ્ર કથાને જીવંત અને સતત બોધપ્રદ રાખે છે.

કાવ્યોના સંક્ષેપ હથેળીમાં સમાય એવી રીતે થઈ શકે જ નહિ એ સૌ કોઈ સમજી શકે છે. મહાભારતના એક લાખ શ્લોકોનો સાર ચાર લીટીમાં કેવી રીતે સમાવી શકાય? કવિ તે જાણે છે, એટલે શ્લોકના મથાળામાં જ એ સમજાવી દે છે એ આ સામાન્ય સંક્ષેપન નથી પણ અગત્યના પાંચ-સાત મુદ્દાઓને યાદદાસ્તમાં કાયમ કરી દેવાનો પ્રયત્ન છે. પણ કેટલીક સમજવા જેવી બાબતો તેમાં આવી વાતના વસ્તુ સિવાય શ્લોકો સુંદર પદાવલીઓ, મહત્વના વિચારો, શબ્દ ભંડોળ, અલંકારો જેવા ભાષાના સૌંદર્ય અને સામર્થ્ય તરફ પણ ધ્યાન ખેંચે છે. તે સિવાય છંદોના બંધારણ અને તેની શિસ્ત અને તેમનું સુંદર, સરળ, મનોહારી સંગીત એ શ્લોકોની ખાસ વિભૂતિઓ છે. અપેક્ષા છે કે ગાનાર પોતાની જાતને એમાં રેડી દઈને શ્લોકના અર્થ અને ભાવ પ્રમાણે તેને બુલંદ કે મંજુલ સ્વરે તે ગાય, અને શ્રોતાને પણ તેના મધુર વાતાવરણમાં ગરકાવ કરી દે.


Google NewsGoogle News