અમદાવાદના અનોખા સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ (1880-1950)
- ડૉ. મકરન્દ મહેતા .
- ''હું ધારું તો બબ્બે ગાડીઓ ખરીદી શકું છું, તેમ છતાં અમદાવાદ શહેરમાં સાયકલ પર બેસીને દર્દીને તપાસવા જઉં છું. પહેલાં તો હું તેની સાથે હળવી રીતે વાતચીત કરીને તેની તકલીફો સાંભળું છું. એનામાં આત્મવિશ્વાસ સર્જુ છું અને પછી દવાઓ સૂચવું છું, તેનાથી દર્દીનાં સ્વાસ્થ્યમાં ઘણો ફેરફાર થઈ જાય છે.''
જી વનમાં સારું કામ કરવા માણસ ગમે તે દેશ-પ્રદેશનો હોય, એ ગમે તે ધર્મ કે કોમનો હોય તેમ છતાં તેને લોકો દીર્ઘકાળ સુધી યાદ કરે છે. જેમ કે એલેકઝાંડર કિન્લાક ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫) અંગ્રેજ હોવા છતાં છેક દલપતરામના સમયથી શરૂ કરીને આજ દિન સુધી ગુજરાતની પ્રજા તેની નિ:સ્વાર્થ સેવાઓને યાદ કરે છે.
તેવી જ રીતે કાર્લોસ ગોન્ઝલેઝ વાલીસ (૧૯૨૫-૨૦૨૦) જન્મે સ્પેનીસ, તેમ છતાં ''ફાધર વાલેસ''ને આજે પણ એમનાં સહકાર્યકરો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, મિત્રો, કેળવણીકારો અને સાહિત્યકારો પ્રેમપૂર્વક યાદ કરીને કહે છે કે એમણે ગુજરાતને હસતાં રમતાં જીવનનાં મૂલ્યો શીખવ્યાં. ગુજરાત સમાચારમાં આવતી ફાધર વાલેસની કોલમ ''નવી પેઢીને'' લોકો હોંશે હોંશે વાંચતા. ગુજરાતી ભાષા પ્રત્યેનો ફાધર વાલેસનો પ્રેમ 'ફાર્બસ સાહેબ'નાં ગુજરાતી ભાષા પ્રત્યેનાં પ્રેમ જેટલો જ ઉત્કટ હતો. આવાં કારણોસર ફાર્બસ સાહેબનું પૂનામાં ૩૧ ઓગસ્ટ ૧૮૬૫માં મૃત્યુ થતાં લોકો ખૂબ ખીન્ન થયા હતા. બુધ્ધિ પ્રકાશે તેમને અંજલી આપતાં લખ્યું હતું.
''ગુજરાત દેશનું ભલું ચાહનાર, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને પેદા કરનાર, મુંબઈની હાઈકોરટના જડ્જ, મેહેરબાન એલેકઝાંડર કિનલાક ફારબસ સાહેબ તા. ૩૧ ઓગસ્ટ સન ૧૮૬૫ સંવત ૧૯૨૧ના ભાદરવા સુદ ગુરૂવારને રોજ માથાના રોગથી પુનામાં મરણ પામ્યા છે. તે સાંભળીને ગુજરાતનાં લોકોને ભારે દિલગીરી ઉપજે છે કે અમારો સાચો મિત્ર ગયો.''
''જન્મ જુદી ભૂમિમાં ધરીને પણ તું મુજ જન્મભૂ તર્ફે તણાયો,
એક થયું મળીને મન આપણું, જીવ મળી વળી એક જણાયો.
પિંડ જુદો પડવો ન ગમ્યો, પ્રતિ અંત સમે ગુણ એ જ ગણાયો.
દેહ રહે દેશ વિશે ગણી તું મુજ દેશ વિશે દફણાયો.''
ફાધર વાલેસનું સ્પેનનાં પાટનગર મેડ્રીડમાં તા. ૯ નવેમ્બર ૨૦૨૦નાં રોજ અવસાન થતાં સમગ્ર ગુજરાતમાં જાણે પોતાનું કોઈ સ્વજન, પોતાનો મિત્ર મળી ગયો હોય તેવી લોકોમાં લાગણી પેદા થઈ હતી. બન્ને જણ વિદેશી હતા, બન્નેનાં જન્મ અને મૃત્યુ વચ્ચે ૧૦૦ વર્ષ કરતાં પણ વધારે સમયગાળો આમ છતાં લોકલાગણી એકસરખી હતી. તેનું કારણ એ કે તેઓ બન્ને સાચા અર્થમાં માનવસેવાને વરેલા હોવાથી સામાન્ય લોકો સાથે ઓતપ્રોત થયા હતા.
આવું ને આવું ડૉ. હરિપ્રસાદ દેસાઈની બાબતમાં હતું. ફાધર વાલેસ અને ડૉ. દેસાઈનાં એકેડેમિક રસ જુદા હોવા છતાં બન્ને વચ્ચે સામ્ય એ હતું કે તેઓ બન્ને સાચા ગાંધીવાદી હતા. બન્ને જણ અહિંસા, સત્ય, અપરિગ્રહ, સદાચાર અને લોક સેવાની ભાવનાને વરેલા માણસો હતા. સ્વભાવનાં બન્ને જણ આનંદી, સાયકલ ચલાવવામાં ભારે આનંદ પડે. બાળકો સાથે ખૂબ ભળે, અને સૌથી વધારે મહત્ત્વની વાત, હસતા રહે તેમજ પોઝીટીવ વિચારે!! કોઈ પણ સારું કામ કરવા માટે પુષ્કળ મહાન થઈ જવાની જરૂર નથી.
ડૉ. હરિપ્રસાદ દેસાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૦૬માં એલ.સી.પી.એસ. થયા પછી અમદાવાદમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને તેની સાથે મ્યુનિસિપાલિટીનાં સભ્ય તરીકે ચૂંટાતાં તેઓ આરોગ્ય સમિતિનાં સભ્ય બન્યા. તેઓ તેમના પ્રત્યક્ષ જીવન દ્વારા તેમજ લખાણો દ્વારા લોકોને સમજાવતા હતા કે ''જો તંદુરસ્ત જીવન જીવવું હોય તો જીભનાં સ્વાદ છૂટે તેવા ગળ્યા તથા ચરબીયુક્ત ખોરાકનો ત્યાગ કરીને પૌષ્ટિક ખોરાક ખાવ અને નિયમિત રીતે કસરત કરતા રહો.'' તેઓ કહેતા : ''હું ધારું તો બબ્બે ગાડીઓ ખરીદી શકું છું, તેમ છતાં અમદાવાદ શહેરમાં સાયકલ પર બેસીને દર્દીને તપાસવા જઉં છું. પહેલાં તો હું તેની સાથે હળવી રીતે વાતચીત કરીને તેની તકલીફો સાંભળું છું. એનામાં આત્મવિશ્વાસ સર્જુ છું અને પછી દવાઓ સૂચવું છું, તેનાથી દર્દીનાં સ્વાસ્થ્યમાં ઘણો ફેરફાર થઈ જાય છે.''
ગાંધીજીએ ૨૫ મે ૧૯૧૫નાં રોજ કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો તે દિવસથી જ ડૉ. હરીપ્રસાદ દેસાઈ તેમનાં પરિચયમાં આવ્યા. તે અગાઉ તેઓ ગોખલેની સંસ્થા ''હિંદ સેવક સમાજ''ની અમદાવાદ શાખામાં સભ્ય થયા હતા. બંગભંગના આંદોલનનાં (૧૯૦૪-૧૯૦૮) તેઓ એક યુવાનેતા હતા. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર અને ઈન્દુલાલ યાજ્ઞિાકના સંપર્કમાં આવ્યા પછી તો ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ સ્વાતંત્ર્ય સંગ્રામનાં એક મહત્ત્વનાં અંગરૂપ થઈ પડયા, અનેક વાર જેલો ભોગવી અને જેલવાસ દરમિયાન પણ દર્દીઓની મફત સેવા કરી. તેઓ હોમરૂલનાં પ્રચારક હતાં.
લોકો તેમને ''ડોક્ટર સાહેબ'' કહેતા. પણ તેઓ કહેતા કે ''હું કોઈનો સાહેબ નથી.'' તેઓ જ્યારે ૧૯૩૦માં અમદાવાદ મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ હતા અને ત્યાર બાદ ૧૯૩૧-૩૪ સુધી તેની સેનિટરી કમિટિનાં ચેરમેન હતાં. ત્યારે એમણે સમગ્ર અમદાવાદમાં ઝાડુ વળાવીને તથા ફિનાઈલ જેવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવીને શહેરને જંતુમુક્ત કર્યું હતું. સફાઈ કામદારો ઝાડુ વાળે અને પોતે હૂકમો છોડે એમ નહીં, તેઓ પોતે સાવરણો પકડીને પોતે સાદ કરતા હતા અને તે જોઈને બીજા લોકો પણ હાથમાં ઝાડુ પકડતા હતા. ડૉક્ટરે 'નવજીવન'ના ૧૮-૧૦-૧૯૨૫નાં અંકમાં લેખ લખ્યો હતો.
''આજે અમદાવાદમાં ૧૫૦૦ પોળો છે. મ્યુનિસિપાલિટીએ આરોગ્ય ખાતાની તમામ સગવડો અને સાધનોનો હવાલો મને સોંપ્યો છે. સેનિટરી કમિટિનાં ચેરમેન ગણેશ વાસુદેવ માવળંકર છે અને અમે ખૂણેખાંચરેથી ઝાડુ વળાવીને તેમજ દવાઓનો છંટકાવ કરીને નગરને સ્વચ્છ અને આરોગ્યમય રાખવાના સતત પ્રયાસો કરીએ છીએ.''
તે સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ગાંધીજીએ લખ્યું : ''જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ, વલ્લભભાઈ પટેલ અને દાદાસાહેબ માવળંકર જેવા ભેખધારીઓ લોક સેવા કરતા હોય ત્યાં માટે શી ચિંતા કરવાની હોય! હું તો ઈચ્છું કે અમદાવાદની મ્યુનિસિપાલિટી ચોખ્ખાઈમાં, એક સંપમાં, બાળકોનાં શિક્ષણમાં અને બચ્ચાંઓને સારું ચોખ્ખું અને સસ્તું દૂધ આપવામાં પ્રથમ પદ ભોગવે.''
ડૉ. હરિપ્રસાદ દેસાઈ માનતા હતા કે જો ગુજરાતની ભાષામાં વૈજ્ઞાાનિક ઢબથી આરોગ્ય શાસ્ત્રને લગતા માહિતીપ્રધાન પુસ્તકો લખવામાં આવે અને રોગો, તેનાં કારણો તથા ઉપાયો દર્શાવવામાં આવે તો તેનાથી લોકોમાં ઘણી જાગૃતિ આવશે. એમણે મને ડૉ. કાનૂગા તથા ડૉ. બેન્જામીને એકઠા થઈને અમદાવાદમાં સેનિટરી એસોસિએશનની સ્થાપના કરી હતી. અમદાવાદનાં ગરીબ, સ્લમ અને ગંદા વિસ્તારોમાં સેનિટરી રાઉન્ડર મારીને એ વિસ્તારોને સ્વચ્છ રાખવામાં આવતા હતા અને ભૂંગળા વાટે તેની જાણકારી ચાલીઓમાં રહેતા માણસોને આપવામાં આવતી હતી.
ડૉ. હરિપ્રસાદ દેસાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા માણસ હતા. તેઓ ડૉક્ટર તો હતા જ, પણ સાથે બાવીસ વર્ષ સુધી ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી પણ હતા. તેનાં ઉપ-પ્રમુખ હતા. વળી ગુજરાત વિદ્યાસભાના પણ ઉપપ્રમુખ હતા. ગૂજરાત વિદ્યાપીઠના લલિત કળા વિભાગના ડીન હતા. ૧૯૪૬માં મુંબઈ ધારાસભાનાં સભ્ય હતા. ગાંધીજીને અમદાવાદમાં આવવાનું પ્રથમ આમંત્રણ આપનાર આ ડોક્ટર જ હતા. તે વખતે તેઓ સ્વદેશી મિત્ર મંડળ અને ગોખલે સોસાયટીના મંત્રી હતા. વૃક્ષારોપણ, બાગ બગીચા અને પર્યાવરણનાં ક્ષેત્રમાં બહુ મોટું પ્રદાન રહ્યું છે. એમણે 'કળાને ચરણે', 'રસ દર્શન', 'નાના હતા ત્યારે', 'આરોગ્યની વાતો', 'જીવન સંદેશ', 'પાપીની દશા', 'વિટામિન તથા પેનિસિલિન' તથા 'સાહિત્યને ચરણે' જેવાં ગ્રંથો રચ્યા હતા.
ડૉ. હરિપ્રસાદ પ્રિતમનગર સોસાયટીમાં સામાન્ય માણસની જેમ રહેતા હતા. વૃધ્ધાવસ્થામાં પણ રોગી લોકોની સેવા કરતા હતા તથા શહેરની સમસ્યાઓ અંગે જો કોઈ પૂછતાછ કરવા આવે તો તેની સાથે લાંબી ચર્ચા કરતા હતા. થોડા દિવસ બીમાર રહ્યા, પણ કોઈને કશી જ ફરિયાદ ના કરી. હસતા રહ્યા અને કુટુંબીજનો તથા મિત્રોને હસાવે રાખ્યા. છેવટે ૭૦મે વર્ષે તા. ૩૧ માર્ચ ૧૯૫૦નાં રોજ શાંતિથી અવસાન પામ્યા. તેમનાં મૃત્યુનાં સમાચાર ફેલાતાં તમામ જાતનાં લોકો ગમગીન થઈ ગયા કે ''આ તો અમારો પોતાનો માણસ ચાલ્યો ગયો!!''