Get The App

શું સાચું? શ્રીમંત કે સીમંત - નિમંત્રણ કે આમંત્રણ, સંવાદ કે વિવાદ?

- આજમાં ગઈકાલ- ભગીરથ બ્રહ્મભટ્ટ

- 'પ્રીતિ ભોજ'ની જોડણી ખોટી હોય તો ચાલે નહિ. ગં.સ્વ.નો અર્થ આવડવો જોઇએ. સ્વ.નો અર્થ પણ જાણી લેવો જોઇએ. મહેરબાનનું ટૂંકું રૂપ મે. છે... 'અલ્પાહારની વ્યવસ્થા છે'

Updated: Dec 5th, 2020

GS TEAM


Google News
Google News
શું સાચું? શ્રીમંત કે સીમંત - નિમંત્રણ કે આમંત્રણ, સંવાદ કે વિવાદ? 1 - image


એ મ.એ. ગુજરાતી સાહિત્ય ભણેલાં એક બહેન કહે : 'આ કાર્ડ સુધારી આપશો?' સામો સવાલ થયો - 'શાનું કાર્ડ છે બેન?' એણે શરમાતાં શરમાતાં કહ્યું - 'મારા શ્રીમંતનું કાર્ડ છે'. કાર્ડ વાંચ્યું તો ખબર પડી કે એમાં 'શ્રીમંત' જ લખેલું. બેને કહ્યું: 'ભૂલ હોય તો સુધારી આપો'... વિનંતીને માન આપીને'શ્રીમંત'નું સીમંત કર્યું.. ત્યારે તે બોલ્યાં - 'પણ એમો તો શ્રીમંત જ કહીએ છીએ. 'શ્રીમંત'ના કહેવાય? બેનને સમજાવતા કહ્યું - 'બેન સીમંત કહેવાય...શ્રીમંત એટલે પૈસાદાર અને સીમંત એટલે ગર્ભપકવ થવાની સીમા/અંત તરફનો ઉત્સવ.' એ બેન શરમાઈ ગયાં... પણ આવી અનેકાનેક ભૂલો આપણે કરતા જ રહીએ છીએ.

આપણા વપરાશમાં કે વ્યવહારમાં આવી ગયા પછી એ ખોટી છે કે ખોટું છે એવું ભાન ભાષકને રહેતું જ નથી. એ વ્યવધાન વિના બેરોકટોક બોલે છે. એવાં કેટલાંક દ્રષ્ટાંતો જુઓ -

(૧) બૂન હજુ તો લોટ દરાવવાનો બાકી છે.

(૨) છોકરાં આખો દાડો બાયણું વાસબંધ કર્યા કરે છે.

(૩) ગામમાં દરેક સર્વેને પતાસાં વહેંચ્યાં.

(૪) ગૃહશાંતિ થઇ જઇ હવે જમણવાર થશે.

(૫) મોટા દરિયાની મોટી માછલી

(૬) એ રાં...નો ધણિ દારૂડિયો છે.

(૭) હાકટમ્બ બધાંને નૂતરું છે.

ઉપરનાં બધાં જ વાક્યો ખોટાં હોવા છતાં એ વપરાશમાં છે.

પ્રથમ વાક્ય ખોટું એટલા માટે છે કે લોટ દળાવાય નહિ, અનાજ દળાવાય. બીજા વાક્યમાં 'વાસ બંધ' શબ્દનો અર્થ 'બંધ બંધ' થાય ત્યાં 'ઉઘાડબંધ' જોઇએ. ત્રીજા વાક્યમાં દરેક શબ્દની જરૂર નથી. ચોથા વાક્યમાં ગૃહશાંતિ નહિ પણ ગ્રહશાંતિ બોલાય અને લખાય. પાંચમા વાક્યમાં દરિયો મોટો જ હોય પછી મોટા વિશેષણની જરૂર નથી. છઠ્ઠા વાક્યમાં વિધવાનો પતિ ક્યાંથી હોય? સાતમા વાક્યમાં 'હાકટમ્બ'માં સહકુટુમ્બ આવી ગયું પછી 'બધાને' કહેવાની કોઈ જરૂર જ નથી.

કેટકેટલી કંકોતરીઓ પહેલાં તો આવતી. દિવાળીનું કાર્ડ, જન્મદિન કાર્ડ, વાસ્તાનું કાર્ડ, જનોઇ, વેવિશાળ, જન્મદિન, વિદાય સમારંભ, સન્માન સમારંભ, ષષ્ઠીપૂર્તિ, રજતજયંતી, અમૃતપર્વ, ચન્દ્રક અર્પણ, પારિતોષિક વિતરણ કોઈ સુંદર અક્ષરે સુશોભિત, કોઈ રૂપકડી, ચળકતી કંકોતરીઓ પણ જોઇ છે, પણ મોટેભાગે અંદરની સામગ્રી ભાગ્યે જ સાચી હોય, રેઢિયાળ, અપાર જોડણી દોષ, વાક્ય દોષ, ભાષા દોષથી ભરેલી હોય. રૂપાળી નારી અવગુણોથી ભરેલી હોય એના જેવું જ સ્વરુચિ ભોજનની નોંધો હોય, ક્યાંક ભોજનનું ચિત્ર પણ હોય, ક્યાંક લખ્યું હોય સમારંભ પછી અલ્પાહારની વ્યવસ્થા રાખેલ છે. એવું કશુંક શ્રોતા સંખ્યા વધારવાના ઇલાજ રૂપે લખાયેલું હોય છે.

નાનો માણસ મોટા માણસને 'આશીર્વાદ' ન આપી શકે છતાં આપણે ત્યાં એવી ભૂલો થાય છે. કેટલીકવાર નાના માણસો મોટા માણસોની મોટાઇને ભૂલી જતા હોય છે. કોઇને ત્યાં દીકરો જન્મે, તો એના ઉત્તર રૂપે ક્યારેક 'અભિનંદન' આપવાને બદલે 'શુભેચ્છાઓ' કહેનારા પણ સાંભળ્યા છે. કોઇના મૃત્યુના સમાચાર સાંભળીને શો પ્રતિભાવ આપવો તેની કોઈને ખબર જ નથી પડતી. 'ખોટું થયું', 'ભગવાનને ગમ્યું તે ખરું' એમ કહેવું જોઇએ. તેને બદલે 'ક્યારે બન્યું?' 'કેમ બન્યું?'ની વિગતો પૂછવા માંડીએ છીએ જે એ સમયે અનુચિત છે.

જાહેર પ્રસંગે સર્વેને બોલાવવાના હોય, પ્રસંગ ખુલ્લો હોય લોકોને લાભ પહોંચાડવા માટે હોય ત્યારે તમે 'આમંત્રણ' આપી શકો. મોરારીબાપુની કથામાં આમંત્રણ આપી શકાય. મહાયજ્ઞામાં આમંત્રણ આપી શકાય - પણ તમારા લગ્નની કંકોતરીમાં ખાસ ખાસ માણસોને બોલાવવાના હોય ત્યારે 'નિમંત્રણ' શબ્દ વાપરવો જોઇએ.

આવો ભેદ આપણે જાણતા નથી એટલે ગોટાળા કરીએ છીએ. 'જાણવાની જિજ્ઞાાસા છે' એવું ઘણા લોકોને બોલતા મેં સાંભળ્યા છે - જે ખોટું છે. 'જાણવાની ઇચ્છા છે' બરાબર છે પણ જાણવાની અને જિજ્ઞાાસા બંને સાથે ના આવે તેની ખબર હોવી જોઇએ. બે માણસો ઝઘડતા હોય ત્યારે 'સંવાદ' કરે છે ના કહેવાય. ત્યારે વિવાદ થતો હોય છે - એ બાબતે આપણે ધ્યાન રાખવું જોઇએ... સવિનય સાથે જણાવનારા ઘણા લોકો હોય છે. અહીં એ નથી સમજાતું સવિનય આવ્યું પછી 'સાથે' શા માટે?

'પ્રીતિ ભોજ'ની જોડણી ખોટી હોય તો ચાલે નહિ. ગં.સ્વ.નો અર્થ આવડવો જોઇએ. સ્વ.નો અર્થ પણ જાણી લેવો જોઇએ. મહેરબાનનું ટૂંકું રૂપ મે. છે... 'અલ્પાહારની વ્યવસ્થા છે' એટલુંજ લખાણ લખવાને બદલે 'અલ્પાહાર કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે' જેવું લાંબુલચક લખાતું વાંચવા મળ્યું છે. આપણે ત્યાં આવી કંકોતરીઓ લખાતાં પહેલાં, છપાતા પહેલાં કોઈ અનુભવીને બતાવવાનો ચાલ નથી એને કારણે ભાષાકીય અશુધ્ધિનો ચેપ કોરોનાની જેમ વિસારે છે... આપણે એ રોગ નાબુદ કરવાનું બીડું ક્યારે ઝડપીશું?

Tags :