દુનિયાના નકશામાં પાકિસ્તાનનું અસ્તિત્વ છે ક્યાં?
- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
- મહારાજા ભગવતસિંહ કુશળ રાજકર્તા હોવાની સાથોસાથ ભાવનાશીલ માનવી હતા. તેઓ જાંબલી રંગની પાઘડી પહેરતા હતા. તેમને પોતાને આ રંગ ખૂબ પ્રિય હતો
આ ઝાદી પૂર્વે રાજ્યોના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ મળે છે ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું. આ નેકદિલ અને પ્રજાપ્રેમી રાજવીએ માત્ર અઢાર વર્ષની ઉંમરે પોતાના રાજ્યભિષેક સમયે કહ્યું. 'તેઓ એવું રાજ્ય સ્થાપવા માગે છે કે જ્યાં સર્વત્ર ન્યાય, નીતિ એન વ્યવસ્થા હોય. પ્રજાજીવન અને તેની સાધનસંપત્તિનું રાજ્ય દ્વારા યથાયોગ્ય રક્ષણ થતું હોય. ધરતીના છોરુ ખેડૂતોને એમની મહેનતનું પૂરું વળતર મળે. વેપાર ઉદ્યોગ ખીલે અને પ્રજાનો વ્યવહાર સારી રીતે ચાલે તે માટે રસ્તાઓ સુધારવા, કેળવણીને ઉત્તેજન આપવું તથા નિરાધાર અને દર્દીઓને રાહત મળે તેવા પ્રયત્ન કરવા.'
આ પ્રજાને અપાયેલા વચનો નહોતાં, પરંતુ રાજવીએ આપેલો પ્રજાકીય અધિકાર હતો. પ્રમાણિક, કરકસરયુક્ત અને પ્રજાકલ્યાણની દૃષ્ટિએ મહારાજા ભગવતસીંહે કાર્ય કર્યું. માતૃભાષા ગુજરાતી માટે અનોખો પ્રેમ, શ્રી ચંદુભાઈ પટેલના સહયોગથી 'ભગવદ્ગોમંડળ'ની રચના, કવિઓ અને સાહિત્યકારો માટે અગાધ આદર જોવા મળે છે. તો સાથોસાથ પ્રજાકલ્યાણ કે દેશહિતને માટે કોઈ બાંધછોડ કરવાની સહેજે તૈયારી નહીં. એ જમાનામાં મહમ્મ્દઅલી ઝીણાના કોમીવાદી માનસે દેશમાં જુવાળ જગાવ્યો હતો.
ગોંડલ રાજ્યના ઉપલેટા પાસેના પાનેલી ગામમાં મહમ્મદઅલી ઝીણાનો જન્મ થયો હતો. તેઓ અવારનવાર ટ્રેઈન મારફતે પોતાના માદરે વતનની મુલાકાતે આવતા હતા. એક વખત મહમ્મદઅલી ઝીણા પાનેલી જઈ રહ્યા હતા. એ સમયે ટ્રેઈનનો તમામ વ્યવહાર ગોંડલ રાજ્ય સંભાળતું હતું. ગોંડલ શહેરની નજીક આવેલા રીબડા રેલ્વે સ્ટેશને મુસાફરોના દસ્તાવેજોની ચકાસણી કરવામા આવતી હતી. વ્યક્તિ કયાંથી આવે છે, ક્યાં જઈ રહી છે તેની તપાસ થતી. કયા રાજ્યમાંથી ક્યા જાય છે, તેની જાણકારી મેળવવામાં આવતી હતી. વળી એ ક્યા દેશનો નાગરિક છે, તે બાબતની ચકાસણી કરવામા આવતી. પાનેલી જવા નીકળેલા મહમ્મદઅલી ઝીણા રીબડા સ્ટેશને આવ્યા. નિયમ મુજબ મહમ્મદઅલી ઝીણાની પૂછપરછ કરવામાં આવી.
મહમ્મદ અલી ઝીણાની આવી કોઈ તપાસ કરી શકાય ખરી ? કોઈ આવી પૂછપરછ કરે તે ઝીણાને પસંદ નહોતું. વળી મુસ્લીમો માટે અલગ દેશની માગણી કરનાર તરીકે ઝીણા દેશભરમાં જાણીતા હતા. જાણીતી વ્યક્તિને તો સલામ ભરીને વિવેકપૂર્વક નતમસ્તકે આગળ જવાની વિનંતી કરવાની હોય ! પણ તેને બદલે અધિકારીએ ઝીણાના નાગરિકત્વ અંગેનો દસ્તાવેજની માગણી કરી અને તે જોતાં ખ્યાલ આવ્યો કે તેઓ તો પાકિસ્તાનનો પાસપોર્ટ ધરાવે છે. રિબડાનો આ સામાન્ય તપાસ અધિકારી વિમાસણમાં પડી ગયો. હવે કરશું શું ? અન્ય દેશના નાગરિકને આવી રીતે જવા દેવાય ખરા ? ગોંડલ રાજ્યમાં બેરોકટોક ફરવા દેવાય ખરા ? આખરે અધિકારીએ અંતિમ ઉપાયરૂપે મહારાજાને જાણ કરવાનુ નક્કી કર્યું. એણે ટેલિફોન કરીને મહારાજા ભગવતસિંહજીને સઘળી વિગતો જણાવી. મહારાજા ભગવતસિંહજીએ તત્કાળ પોતાના રાજકર્મચારીને બોલાવ્યા અને કહ્યું કે મારો આ સંદેશો લઈને તમે ઝીણાને મળો.
સંદેશામાં મહારાજાએ લખ્યું હતું, 'મિસ્ટર મહમ્મદઅલી ઝીણા, તમે પહેલી એ વાત સ્પષ્ટ કરો કે દુનિયાના નકશામાં પાકિસ્તાન જેવા દેશનું અસ્તિત્વ નથી તેનું શું ? તેઓ પોતે હિન્દુસ્તાન નાગરિક છે તેમ કહે તે પછી જ એમને એમના વતન પાનેલીની મુલાકાતે જવાની મંજૂરી અપાશે.'
મહારાજાનો સંદેશો રાજ્યના રેલવે અધિકારીને પહોંચ્યો. એમણે એ સંદેશો ઝીણાને કહ્યો. મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરનાર મહમ્મદઅલી આ વાતનો સ્વીકાર કરે ખરા ? એમણે કહ્યું કે 'ગમે તે થશે તો પણ હુ હિંદુસ્તાનનો નાગરિક છું એવું લખાણ લખી આપીશ નહીં.'
મહારાજને ઝીણાના આ નિર્ણયની ખબર પડી. એ વખતે દેશમાં ઝીણાના ઘણા ટેકેદારો હતા. એમને નાપસંદ હોય તેવું કશું થાય તો તેના ગંભીર પડઘા પડે અને મોટી સમસ્યા ઊભી થાય. આમ છતાં મહારાજા ભગવતસિંહજી આવી કોઈ વાતને મચક આપે તેમ નહોતા. નમવાની કે ડરવાની તો વાત જ શી ? એમણે મહમ્મદઅલી ઝીણાને રીબડાથી જ પોતાના વતનમાં પાછા જવાનો હુકમ કર્યો. મહારાજાની વાત સામે ઝીણા માથું ઊંચકી શકે તેમ નહોતા. તેથી પોતાના વતન પાનેલીની મુલાકાત લીધા વિના જ પાછા ફરવું પડયું.
આવા ગોંડલના મહારાજા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો પ્રસંગ ઘણો રસપ્રદ છે. ભગવદ્ગોમંડલના સર્જક એવા સાહિત્યપ્રેમી મહારાજા ભગવતસિંહજીની ઘણી પ્રશંસા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સાંભળી હતી. કવિવરે શાંતિનિકેતનની સ્થાપના કરી હતી અને એને માટે મહારાજા ભગવતસિંહજી પાસેથી આર્થિક સહયોગ મળશે એવી એમને આશા હતી.
સાવ નાની વયથી પુસ્તકની સૃષ્ટિ માણનાર મહારાજાને કવિવર પોતાના રાજમાં પધારે તેનો અપાર આનંદ હતો. ભાવ અને આદરથી કવિવરનું સ્વાગત કર્યું. એમની મધુર વાણી સાંભળી. આતિથ્યમાં કશી મણા ન આવે તેનું અંગત ધ્યાન રાખ્યું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર ગોંડલમાં થોડા દિવસ રોકાયા. વાતો અને ચર્ચાઓ તો ઘણી થઈ, પણ મહારાજાએ શાંતિનિકેતનને આર્થિક સહયોગ આપવા વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને એમ હતું કે આવા કેળવણીપ્રેમી મહારાજા સામે ચાલીને મદદ કરશે તેને બદલે મદદ વિશે એમણે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં કવિને પારાવાર આશ્ચર્ય થયું. માંગ્યા વિના ફાળો મળી રહેશે એવી એમની આશા પર પાણી ફરી વળ્યું.
થોડો સમય ગોંડલ રોકાઈને કવિવર શાંતિનિકેતન પાછા ફર્યા. એવામાં એમને જાણ થઈ કે મહારાજા ભગવતસિંહજી શાંતિનિકેતન આવી રહ્યા છે. કવિવરે ભારપૂર્વક એમનું સ્વાગત કર્યું.
મહારાજા ભગવતસિંહજીએ કવિવરને વિનયપૂર્વક કહ્યું, 'આપના જેવા મહાન કવિ ફાળો માંગે અને તે હું આપું, એ તો આપનું અપમાન ગણાય.'
કવિવરે કહ્યું, 'એમાં અપમાન શું? તમારા જેવા કેળવણીપ્રેમી શાંતિનિકેતન માટે ફાળો આપે, તે સાહજિક વાત છે.'
મહારાજાએ કહ્યું, 'કવિવર, ફાળો લેવા આપે આવવાનું ન હોય. બલ્કે મારા જેવા ફાળો આપનારે આવવાનું હોય અને અહીં શાંતિનિકેતન આવીને આપના દર્શન કરવાના હોય.' કવિવર રવીન્દ્રનાથ ટાગોર મહારાજાની આવી ભાવના જોઈને ગદ્ગદ્ થઈ ગયા.
મહારાજા ભગવતસિંહ કુશળ રાજકર્તા હોવાની સાથોસાથ ભાવનાશીલ માનવી હતા. તેઓ જાંબલી રંગની પાઘડી પહેરતા હતા. તેમને પોતાને આ રંગ ખૂબ પ્રિય હતો.
ઈ.સ. ૧૯૦૩માં મહારાજા ભગવતસિંહજીએ અનાથ બાળકો માટે બાલાશ્રમની સ્થાપના કરી. આવા અનાથ બાળકોને માત્ર આશરો જ આપવો એવું નહીં, બલ્કે એમને પૂરેપૂરી સગવડ આપવી તેમ જ કેળવણી અને હુન્નર ઉદ્યોગનું શિક્ષણ આપવું. આને માટે તેઓ હજારો રૂપિયા ખર્ચતા હતા. આ બાળક સ્વાવલંબી, સંસ્કારી અને સ્વનિર્ભર બને એવો પ્રયાસ કર્યો. બાલિકાઓને ભરતગૂંથણ અને બીજા હુન્નરોની તાલીમ આપતા.
આવાં અનાથ બાળકોના વાલી કોણ ? અનાથોના નાથ તો ઈશ્વર જ હોય, એ રીતે મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમના અનાથ બાળક-બાલિકાના પિતા તરીકે ભગવાનનું નામ રાખતા. ૧૯૧૯માં એમણે કન્યાઓ માટે કેળવણી મફત અને ફરજીયાત કરી હતી. સમગ્ર દેશમાં આવું પગલું લેનારું ગોંડલ પ્રથમ રાજ્ય હતું અને એકમાત્ર રાજ્ય હતું. પરિણામ એ આવ્યું કે આ રાજ્યમાં કડિયા કામ કરવા કે ખેતમજૂરી કરવા જતી સ્ત્રીઓ પણ અંગૂઠો મારવાને બદલે જાતે સહી કરતી. કોઈ સ્ત્રી આવું કરે તો સમજાઈ જતું કે આ ગોંડલ રાજની છોકરી છે. અનાથ બાલિકાઓને કયા રંગનો ગણવેશ આપવો ?
મહારાજાએ વિચાર્યું કે પોતે જાંબલી રંગની પાઘડી પહેરે છે. તો આ બાલિકાઓને પણ આછા જાંબલી રંગનો ગણવેશ પહેરવો તેમ નક્કી કર્યું. આથી આ બાલિકાઓને પોતે અનાથ નથી તેમ લાગે. એમના 'પિતા' જે રંગની પાઘડી પહેરે છે એ જ રંગનો એ ગણવેશ પહેરે છે. આવી હતી એમની અનાથ-નિરાધાર પ્રત્યેની ભાવના!
મનઝરૂખો
અમેરિકાના વિખ્યાત વિજ્ઞાાની, સંશોધક અને લેખક બેન્જામિન ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાના સત્તર સંતાનોમાંનું દસમું સંતાન હતા, લેખક, મુદ્રક અને પ્રકાશન બેન્જામિન ફ્રૅન્કલિન એ દિવસોમાં ભેજાબાજ અને માથા ફરેલ ગણાતા હતા. સામી વ્યક્તિને દલીલો કરીને પરાજિત કરવાની એમની આદત હતી અને કોઈ એમની વિરુદ્ધ બોલે, તે સહેજે સાખી શકતા નહીં.
એક વાર 'સોસાયટી ઓફ ફ્રેન્ડ્ઝ' નામના એક ધાર્મિક સંપ્રદાયના વડીલે સર્વત્ર છવાઈ જવાની આદત ધરાવનારા બેન્જામિન ફ્રૅન્કલિનને બોલાવીને ખખડાવી નાખ્યા. એમણે કહ્યું, 'તું તારા મનમાં સમજે છે શું ? તારાથી જે વિરુદ્ધ હોય, તેના પર તારો મત લાદવાનો પ્રયાસ કરે છે ? તારા મિત્રો તારાથી એટલા બધા ખફા થઈ ગયા છે કે તું જે કંઈ બોલે છે, તેની તેઓ સહેજે પરવા જ નથી કરતા. તારી હાજરી કરતાં ગેરહાજરીથી વધુ ખુશ રહે છે. તારું વર્તન બધા સાથે એ જાતનું છે કે 'જાણે તું સર્વજ્ઞા છે' અને એટલે કોઈ તને કશી બાબતમાં વાત કરતા નથી કે એમનો વિચાર જણાવતા નથી. જો તને કંઈ કહેવાનો પ્રયત્ન કરે તો એમનું આવી બન્યું જ સમજો ! હકીકતમાં સમુદ્રના પાણીના એક બુંદ જેટલી તારી જાણકારી છે અને મારે કહેવું જોઈએ કે જો આવું જ વર્તન ચાલું રાખીશ. તો તું કશું વધારે જાણી શકવાનો નથી.'
બેન્જામિન ફ્રૅન્કલિન તો સ્તબ્ધ થઈ ગયા. એમના જેવા સફળ વ્યક્તિને કોઈ આવો ઠપકો આપે, તેવું સ્વપ્ને પણ વિચારી શકતા ન હતા. પરંતુ એ વૃદ્ધે કહેલું કડવું સત્ય બેન્જામિન ફ્રૅન્કલિને હસતે મુખે સ્વીકારી લીધું અને એમનો એ ઠપકો એમને માટે આત્મચિંતનનો માર્ગ બન્યો. એમણે વિચાર્યું કે એમનો ઉદ્વત અને દુરાગ્રહી સ્વભાવ એમણે બદલવો જ પડશે. નહીં તો એમનો આ માર્ગ એમને નિષ્ફળતા જ અપાવશે અને સમાજમાંથી એ ફેંકાઈ જશે. એ દિવસે બેન્જામિન ફ્રૅન્કલિને પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા માટે કમર કસી.
ક્ષણનો સાક્ષાત્કાર
ચેતજો ઘૂવડથી ! તમે ઘૂવડને મળ્યા છો ? એ ઘૂવડ એવું નથી કે જે વૃક્ષ પર બેસે છે અને દિવસે જોઈ શકતું નથી. આ ઘૂવડ તો ઘરમાં વસે છે, તમારી આસપાસ નજરે પડે છે અને રાત્રે અને દિવસે બંને સમયે એને દુનિયા દેખાય છે. કેટલાક માનવીઓ આવું ઘૂવડત્વ ધરાવતા હોય છે. એના ચહેરા પર સદાકાળ ગંભીરતાનો માસ્ક લગાડેલો હોય છે. એ મરતાં માનવીને માફક ધીમે ધીમે વાત કરે છે. એની વાણીમાંથી ઘોર નિરાશા ટપકે છે અને આંખોમાં ઘેરી ઉદાસીનતા પલાંઠી લગાવીને બેઠેલી હોય છે. એમના ઘૂવડત્વને કારણે એ જ્યાં હોય, ત્યાં આપોઆપ શોકનું વાતાવરણ સર્જાઈ જાય છે.
આવી વ્યક્તિને સામાન્ય રીતે મળવાનું ઘણા ટાળતા હોય છે, કારણ કે એ મળે તો એમનું ઘૂવડત્વ સ્પર્શી જાય છે અને તમારા ચિત્તના વાતાવરણને પ્રદૂષિત કરી મૂકે છે. એના વાણી, વર્તન અને વિચારમાં સતત નકારાત્મકતા ટપકતી હોય છે. એ અન્યના ઊછળતાં ઉત્સાહ પર બરફનું ઠંડું પાણી રેડે છે અને કોઈનાય આનંદને શોકના દરિયામાં ડૂબાડી દેવાની શક્તિ ધરાવે છે.
વળી કેટલાક ઘૂવડ પંડિતો હોય છે. એમને આખી દુનિયા દુષ્ટ લાગે છે અને પોતાના સિવાયના સહુ કોઈ અજ્ઞાાની ભાસે છે ! અભિમાનથી એમનો અવાજ એટલો રૂંધાયેલો હોય છે કે કોઈ સામેથી બોલાવે. તો માંડ માંડ એ બોલતા હોય છે. જ્ઞાાનના ગર્વ સાથે ભ્રમર ઊંચી કરે છે અને સર્વજ્ઞાતા સિદ્ધ કરતી પોતાની શેખી પ્રગટ કરે છે. આ ઘૂવડત્વ સાથે ગર્વ ભળે એટલે પૃથ્વી રસાતાળ જાય. જો એને સત્તા મળે, તો એનામાં અપમાનજક તોછડાઈ આવે છે. ધન પ્રાપ્ત થાય તો અભિમાનમાં રઘવાયો બની જાય છે. અને ઘૂવડ પાસે જ્ઞાાન હોય, તો એ ધિક્કારયુક્ત વાણીનો સ્વામી બને છે. આ ઘૂવડ પોતે આનંદિત રહેતા નથી અને બીજાના આનંદને જીવભર જાણી કે સમજી શકતા નથી.