ચંદ્ર પર કોલોની બાંધવાની મહેચ્છા હવે પૂરી થશે
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- પાણી હોવાનું જણાતા ચંદ્ર પર કોલોની સ્થાપવા ઈચ્છુક વિજ્ઞાનીઓનો ઉત્સાહ વધી ગયો છે. દાયકા પછી માનવવસાહતનું સરનામું હશે : મેનકાઈન્ડ કોલોની, મુનલેન્ડ, મુન!
દુ નિયાના કોઈ દેશમાં ચંદ્રની ઓળખ ચાંદામામા તરીકે અપાતી નથી. ફક્ત આપણે ભારતીયો જ ધરતીમાતાના જોડિયા ભાઈ તરીકે ચંદ્રને મામા કહી સંબોધીએ છીએ. અને વિધિની વિચિત્રતા તો જુઓ કે આ ચાંદામામા પર ઘર વસાવવાનું વૈજ્ઞાનિકોનું સ્વપ્ન સિધ્ધ થવામાં પણ ભારતીયો જ નિમિત્ત બન્યા.
થોડાં સમય પૂર્વે એવા સમાચાર આવ્યા હતા કે ભારતના પ્રથમ 'મૂન મિશન' ચંદ્રયાન-૧ દ્વારા ચંદ્રની ધરતી પર જળની હાજરી હોવાના પુરાવા શોધાયા છે. આ શોધના પરિણામે બાહ્ય અવકાશમાં જીવનની ખોજને નવું બળ મળ્યું છે. એટલું જ નહીં, ચંદ્ર પર માનવવસાહત સ્થાપવાની પ્રવૃત્તિને પણ હવે વેગ મળ્યો છે.
ગયા સપ્તાહે નાસાના એક વરિષ્ઠ અધિકારીએ એવી જાહેરાત કરી હતી કે અમે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધ પર ચોક્કસ ઠેકાણે કોલોની (વસાહત) બાંધવા ઈચ્છીએ છીએ. આ સ્થળ પસંદ કરવાનું કારણ એટલું જ કે ચંદ્રનો આ હિસ્સોે સતત સૂર્યની સામે રહે છે. તેથી આ વિસ્તારમાં મોટી સોલાર પેનલો ઊભી કરી સૌર ઊર્જા મેળવવામાં આવે તો વિદ્યુત પુરવઠાની મોટી સમસ્યા આપોઆપ ઉકલી જાય.
નવી કરાયેલી જાહેરાત મુજબ ઈ.સ.૨૦૩૦માં નાસા ચાર અવકાશવીરોની ટુકડીને એક સપ્તાહ માટે ચંદ્ર પર રહેવા મોકલશે. આ ચંદ્રયાત્રીઓના અઠવાડિયાના અનુભવોના આધારે 'મુનકોલોની'નું પ્લાનિંગ થશે. ધીરે ધીરે અવકાશી ફેરીબોટ (સ્પેશ શટલ) દ્વારા ચંદ્ર પર જરૂરી સાધન સામગ્રી ઠલવાતા રહેશે અને સગવડો વધતી જશે તેમ ભવિષ્યમાં વધુ અવકાશયાત્રીઓને વધુને વધુ દિવસો ચંદ્ર પર રહેવા માટે મોકલાશે. આમ એક તબક્કે ચંદ્ર પર સળંગ ૧૮૦ દિવસ રહેવાનો અનુભવ સારો, સફળ રહ્યો તો ૨૦૨૮ સુધીમાં ચંદ્ર પર કોલોની બાંધવાના શ્રીગણેશ થઈ ચૂક્યા હશે. એ સાથે જ પ્રેશરાઈઝ્ડ રોવિંગ વ્હીકલ (પૃથ્વી પર હોય છે એવું હવાનું દબાણ ધરાવતા કેબિનોવાળા વાહન) પણ ચંદ્ર પર હરતા ફરતા થઈ જશે. સમજી લો કે ચાંદા પર પણ વાહનોની અવરજવર શરૂ થઈ જશે!
બે દાયકા પૂર્વે ચંદ્રની આસપાસ પ્રદક્ષિણા કરતાં રોબો ક્રાફ્ટ 'લ્યુનર પ્રોસ્પેક્ટે' એવી માહિતી મોકલી હતી કે ચંદ્ર પર ૧૦ કરોડ ટન જેટલું પાણી છે. આ પાણીને પ્રતાપે ચંદ્ર પર માનવવસાહત સ્થાપવાની યોજનાનો સરળતાથી અમલ થઈ શકશે. વિજ્ઞાનીઓને ખુશી એ વાતની છે કે ચંદ્રના બંને ધુ્રવ પ્રદેશમાં બરફ છે. અલબત્ત, આ બરફનું પ્રમાણ કેટલું છે, એ કેટલો શુદ્ધ છે અને કેટલાં વિસ્તારમાં પથરાયેલો છે તેનું માપ કાઢવાનું બાકી છે.
આમ તો અઢી દાયકા પૂર્વે અમેરિકાના માનવરહિત અવકાશયાન ક્લેમેન્ટાઈને ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર એક જંગી સરોવર શોધી કાઢ્યું હતું. સાયપ્રસ દેશ જેવડું કદ ધરાવતા આ સરોવરની ઊંડાઈ ૧૨ કિલોમીટર (સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ગહેરાઈ) છે. આ સરોવરની શોધ આમ તો છેક ૧૯૬૧માં થઈ હતી. પરંતુ અત્યાર સુધી એવી માન્યતા હતી કે ચંદ્રની ધરતી સૂકી રણ જેવી વેરાન છે અને પાણીનું એક ટીપું પણ ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. પાછળથી ક્લેમેન્ટાઈન અવકાશયાનના રડારે પાઠવેલી માહિતી પરથી એવું ફલિત થયું છે કે આ સરોવર થીજેલા બરફથી છલોછલ છે. અગાઉના છ એપોલો મિશન ચંદ્ર પર પાણી હોવાનો એક પણ પુરાવો મેળવી શક્યા નહોતા. પરંતુ હવે કમ સે કમ એક સરોવર ભરીને થીજેલું પાણી (બરફ) છે એ જાણ્યા બાદ વૈજ્ઞાનિકોનો હરખ સમાતો નથી. કેમ કે જે ગ્રહ કે ઉપગ્રહ પર (ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે) છે પાણી હોય ત્યાં જીવવિકાસ થઈ શકે છે. નસીબની બલિહારી પણ કેવી છે? અમેરિકાએ સાડા સાત કરોડ ડોલરના ખર્ચે ક્લેમેન્ટાઈનની રડાર સિસ્ટમ વાસ્તવમાં તો શત્રુ દેશની મિસાઈલનું પગેરું કાઢવા માટે તેમ જ સ્ટારવોર્સના નિરિક્ષણ માટે વિકસાવી હતી. આમ વિનાશ કાર્ય માટે વાપરનારી રડાર સિસ્ટમે નવી જીવસૃષ્ટિ વિકસાવવાની આશા જગાડી છે.
જાન્યુઆરી ૧૯૯૫માં પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ તંત્ર) તથા નાસાએ સંયુક્ત સાહસરૂપે નવી રડાર સિસ્ટમ અને અદ્યતન સેન્સર બેસાડીને ક્લેમેન્ટાઈન અવકાશયાનને ચંદ્ર પર પાઠવ્યું હતું. લોસ એન્જલસની ગ્રિફીથ લેબોરેટરીના ખગોળશાસ્ત્રીઓએ તથા વિજ્ઞાનીઓની ટીમે ફરી ફરીને એ વાતની ચોક્સાઈ પણ કરી લીધી છે કે રડારે મોકલેલી વિગતો મુજબ એ સરોવરમાં થીજેલું પ્રવાહી કોઈ બીજા રસાયણો કે પ્રવાહી ગેસ નહીં બલ્કે થીજેલું પાણી જ (બરફ) છે. ચંદ્ર પર પાણીનો આ પુરવઠો તેની ધરતી પર ધૂમકેતુની રજ દ્વારા ઠલવાયો હશે. જો કે વૈજ્ઞાનિકો માટે પાણી ક્યાંથી આવ્યું એ પ્રશ્ન કરતાં પાણીનું અસ્તિત્વ છે તે હકીકત જ બહુ મોટી વસ્તુ છે. આ પાણીની વાત એકદમ પાકી છે તેની ખાતરી કરવા માટે જ મોકલાયેલી લ્યુનાર પ્રોસ્પેક્ટરે (૬.૫ કરોડ ડોલરનું રોબોક્રાફ્ટ) પણ પાણીની વાતને સમર્થન આપ્યું છે.
છેક ૧૯૬૯માં ચંદ્ર પર લટાર મારી આવ્યા પછી ત્યાંની જમીન શુષ્ક લાગતા ત્રણ દાયકા સુધી અમેરિકાએ ચાંદામામાને પડતાં મૂકી બીજા ગ્રહો તરફ નજર દોડાવી. પરંતુ હવે ચંદ્રની ધરતીમાં પાણી હોવાની ભાળ મળતાં અમેરિકનો તેમ જ રશિયા, જપાન અને યુરોપિયન સમુદાય પણ ત્યાં માનવ વસાહત સ્થાપવા અધીરા બન્યાં છે. જોકે બીજા દેશો કરતાં અમેરિકાએ ચંદ્ર પર કોલોની બાંધવા અંગે પાયાનું ઘણું કામ કરી રાખ્યું છે.
પૃથ્વી હોય કે ચંદ્ર, એક વાત સર્વત્ર લાગુ પડે છે કે જે જગાએ પાણીની છૂટ હોય ત્યાં જ માનવી રહેવા જવાનું પસંદ કરે છે. મુંબઈ શહેરની સીમા બહાર ભાયંદર, વસઈ, નાલાસોપારા જેવા દૂરના ઉપનગરોમાં પાણીના ભાવે જગ્યા મળતી હોવા છતાં લોકો ત્યાં સ્થળાંતર કરી જવા રાજી નથી. કારણ કે ત્યાં પાણીની તીવ્ર તંગી છે. ટેન્કરોનું કે તળાવનું પાણી પીને ચલાવી લેવાના નિર્ધાર કરે એ જ માણસો ત્યાં રહી શકે.
બસ, આવું જ ચંદ્ર પરની વસાહતનું છે. હવે ૨૦૨૪ની સાલ પછી અમેરિકન વિજ્ઞાનીઓ ચંદ્ર પર વસાહત સ્થાપવા માગે છે. નાસાના વિજ્ઞાની એલન બાઈન્ડરે એવી આશા વ્યક્ત કરી છે કે ૨૦૩૦ની સાલ સુધીમાં ઓછામાં ઓછાં ૨૦૦ અમેરિકન વિજ્ઞાનીઓ ચંદ્ર પર વસવાટ કરતાં હશે. તેમની જરૂરિયાતનું અનાજ તેઓ ચંદ્ર પર જ ઉગાડશે. સૂર્યપ્રકાશથી સૌરશક્તિ ઉત્પન્ન કરી તેના વડે તેઓ પૃથ્વી પર વિદ્યુતશક્તિથી કરી શકે તેવા તમામ કામો કરી શકશે.
ચંદ્રની ધરતીમાં ઈલમેનાઈટ પુષ્કળ પ્રમાણમાં છે. તેનાથી લોહધાતુ અને ટિટાનિયમ છૂટા પાડીને તેના વડે વિવિધ બાંધકામ કરવામાં આવશે. યુ.એસ.સ્પેસ એજન્સીના અધિકારી હાન્સ માર્ક કહે છે કે આખી યોજના હેમખેમ પાર ઉતરશે તો ૨૦૩૦ની સાલ સુધીમાં (આઠ વર્ષ પછી) ચંદ્ર પર કોલોની બાંધીને માનવી વસાહત કરતો થઈ જશે. ઈલમેનાઈટમાંથી છૂટી પડેલી ધાતુના પ્રિફેબ્રિકેટેડ ઘરો બાંધીને કોલોની સ્થાપવાની એક બ્લુપ્રિન્ટ તો ક્યારની તૈયાર થઈ ગઈ છે. બહુ અધીરો થયેલો વિજ્ઞાની બાઈન્ડર તો એટલે સુધી કહે છે કે અમેરિકન સરકાર નિર્ણય કરે અને જોર લગાડે તો દસ વર્ષમાં જ ચાંદામામા પર કોલોની સ્થાપી શકાય!
નેશનલ ઍરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની મૂળ યોજના એવી છે કે શરૂઆતમાં વિજ્ઞાનની વિવિધ શાખામાં પારંગત હોય તેવા ૨૦ વૈજ્ઞાનિકો -ઈજનેરોને ચંદ્ર પર રહેવા મોકલવા. ત્યાં તેમના ઘરોને 'કોસ્મિક રેડિએશન'થી બચાવવા ચંદ્રની માટીનું આવરણ રચવામાં આવશે. યાદ રહે કે ચંદ્રને પૃથ્વી જેવું ઘટ્ટ વાતાવરણ મળ્યું નથી. એટલે સૂર્યના તેજાબી કિરણોને ચંદ્રની ધરતી પર આવતા રોકી શકાય તેવા આવરણનો અભાવ છે.
આમ પણ ં રોનાલ્ડ રેગન પ્રમુખ હતાં ત્યારે ચંદ્ર પર વસાહત સ્થાપવાની નાસાની યોજનાને મંજૂરી મળી ગઈ હતી. ચંદ્ર પર માત્ર અમેરિકન વાવટો ફરકાવી, ખડક ભેગાં કરીને સંતોેષ માનવા કરતાં ત્યાં કાયમી વસવાટ કરવાનું મહત્ત્વાકાંક્ષી સ્વપ્ન સિદ્ધ કરવું જોેઈએ એવી વિજ્ઞાનીઓની વાતને રેગને પણ દોહરાવી હતી. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ૩,૮૫,૦૦૦ કિલોમીટર છે. ચંદ્ર પર વસાહત સ્થાપવાની યોજનાને બે તબક્કામાં વહેંચી નાંખવામાં આવી છે.
ચંદ્ર પર વસાહત ઊભી કરવી હોય, કોલોની સ્થાપવી હોય તો ઘણી અડચણો આવે તેમ છે. પૃથ્વી પર તંબુ બાંધીને રહી શકાય તેવી રીતે ચંદ્ર પર આસાનીથી તંબુ ખોડી શકાતા નથી.
નાસાના બે વિજ્ઞાનીઓએ એવી આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં માનવ ચંદ્ર ઉપર રહેવાની યોજના કરે તો શક્ય છે કે તેની પહેલી વસાહત જ્વાળામુખીના લાવાથી બનેલી જંગી ટયુબને પોતાનું ઘર બનાવે. હજારો વર્ષ પહેલાં ચંદ્ર પર થયેલા જ્વાળામુખીના વિસ્ફોટને કારણે આ જંગી ટયુબ રચાઈ છે અને તે એટલી વિશાળ છે કે એની અંદર શહેરો સમાઈ શકે.
ચંદ્ર પર વસાહતોની સ્થાપના કરવા માટે અને બીજા અવકાશી સંશોધન માટે જ્વાળામુખીના લાવાની ટયુબો વિજ્ઞાનીઓ માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. કારણ કે લાવાની આ ટયુબો માનવને ચંદ્ર પર થતા ઉલ્કાપાત, કિરણોત્સર્ગ તથા અત્યંત વિષમ હવામાનથી સંરક્ષણ પ્રદાન કરવાને સક્ષમ છે એવું સંશોધકોનું માનવું છે.
ચંદ્રનું ગુરુત્વાકર્ષણ, તેનું વાતાવરણ, ઉષ્ણતામાન વગેરે પરિબળોને ધ્યાનમાં લેતાં ત્યાં વસાહત સ્થાપવા અઢળક સરસામાન ચંદ્ર પર લઈ જવો પડે.
સૌથી મોટોે પ્રશ્ન એ છે કે જેમ બને તેમ ઓછા ખર્ચે ચંદ્ર પર સામાન કઈ રીતે લઈ જઈ શકાય? પૃથ્વીથી ૨૦૦ કિ.મીના અંતરે એક અવકાશમથક બાંધીને આ પ્રશ્નનો ઉકેલ અમુક અંશે લાવી શકાય. હ્યુસ્ટન (ટેક્સાસ) ખાતેની ઈગલ એન્જિનિયરિંગ કંપનીએ એવો અંદાજ આપ્યો છે કે ધરતી પરથી અવકાશમાં દર એક કિલો સામાન ખસેડવાનો ખર્ચ ૨૦૦૦ ડોલર આવે. આ તો સોના કરતાં ઘડામણ મોંઘુ તેના જેવી વાત થઈ. પરંતુ ચંદ્ર પર રહેવાની ચાનક ચઢી હોય તો ખરચ તો કરવો જ પડે ને! નાસાના અધિકારીઓએ એવી યોજના ઘડી છે કે ચંદ્ર પર કોલોની બાંધવા જે સામાનની જરૂર પડે તે એકવખત ૨૦૦ કિ.મી. ઊંચે ઘૂમતા અવકાશમથક પર પહોંચાડયા પછી તેને ચંદ્રની ધરતી પર મોકલવાનો આસાન તરીકો અપનાવવો. આ કામ માટે 'ઓરબિટલ ટ્રાન્સફર વેહિકલ' નામની અવકાશી ફેરીબોટનો ઉપયોગ થશે જે અવકાશમાં સામાન ખસેડવાની હમાલીનું કામ કરશે.
વૈજ્ઞાનિકોએ એવી યોજના ઘડી છે કે જે સામાન-સામગ્રી ચંદ્ર પરથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે તેને પૃથ્વી પરથી લઈ જવાની માથાકૂટ કરવી નહીં. સામગ્રીમાં સૌથી વધુ પ્રમાણ પ્રવાહી ઓક્સિજનનું હોય તો આ સમસ્યાનો ઉકેલ હવે ચંદ્ર પર જ મળી જશે. ચંદ્ર પર પાણી હોય તો પછી પીવાનું પાણી, શ્વાસમાં લઈ શકાય તેવો ઓક્સિજન તથા બળતણની કોઈ સમસ્યા જ ન રહે.
નવી તૈયાર થયેલી જમાત લ્યુનર સાયન્ટીસ્ટો (ચંદ્ર વૈજ્ઞાનિકો) અગાઉ એવું વિચારતા હતા કે ચંદ્ર પર વિપુલ જથ્થામાં મળતી ઈલમેનાઈટ ધાતુમાંથી હાઈડ્રોજન મેળવવો. ઈલમેનાઈટને ૯૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ જેવા ઊંચા ઉષ્ણતામાને તપાવવામાં આવે તો તેમાંથી ૧૦ ટકા ઓક્સિજન મળે છે. આ પ્રક્રિયામાંથી લોહધાતુ અને ટિટાનિયમ ધાતુ પણ મેળવી શકાય છે. જે બાંધકામમાં વાપરી શકાય.
ચંદ્રના દક્ષિણ ધુ્રવમાં બરફનું સરોવર મળી આવતાં ખગોળશાસ્ત્રીઓ એવી આશા સેવે છે કે હજુ આવા બીજા અનેક સરોવર કે પાણીનો થીજેલો જથ્થો હોવો જોઈએ. આ બરફને પીગાળીને પાણીમાંથી હાઈડ્રોજન મેળવવાનું પણ સહેલું છે. જેના વડે ખેતીવાડી પણ થઈ શકે અને બળતણ પણ પ્રાપ્ત કરી શકાય. તદુપરાંત એકવા કલ્ચર (માત્ર પાણીમાં વનસ્પતિ ઉગાડીને) વડે ખોરાકની સમસ્યા પણ ઉકેલી શકાશે. સૂર્યની ગરમી પૃથ્વી કરતા ચંદ્ર પર વધુ આકરી લાગે છે. સોલાર સેલ્સની મદદથી આ ઉર્જા વડે થર્મલ અને ઈલેક્ટ્રિકલ પાવર ઉત્પન્ન કરી શકાશે. વાસ્તવમાંં અમેરિકન વૈજ્ઞાનિકો ચંદ્ર પર એક અણુવિદ્યુતમથક સ્થાપવાની યોજના ઘડી રહ્યાં છે. તદુપરાંત ચંદ્ર પર ખાણો ખોદીને તેમાંથી લોખંડ, ટિટાનિયમ અને સિલિકોન મેળવવાના અખતરાં પણ હાથ ધરવામાં આવશે. ટિટાનિયમને લોખંડ સાથે ભેળવીને પોલાદ ધાતુ બનાવી બાંધકામ હાથ ધરવામાં આવશે વળી આવી ધાતુઓ વડે હળવા વજનના અવકાશયાનો બનાવવાનું પણ સુગમ પડશે.
એવી જ રીતે ચંદ્ર પર સહેલાઈથી મળતું સિલિકોન વધુને વધુ સોલાર સેલ્સ બનાવવા ઉપયોગી થઈ પડશે. જેના વડે પુષ્કળ ઉર્જા મેળવી શકાશે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) અને ધ ઇન્ડિયન ઇસ્ટિટયુટ ઓફ સાયન્સ(આઇ.આઇ.સીએસ.-બંને બેંગલુરુ)ના વિજ્ઞાનીઓએ સહિયારા પ્રયાસમાં ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહત બનાવવા માટે વિશિષ્ટ પ્રકારની સ્પેસ બ્રીક્સ( ચંદ્ર પર-માનવ વસાહત બનાવા માટેની ખાસ પ્રકારની ઇંટ) તૈયાર કરી છે.
અમેરિકામાં હ્યુસ્ટન ખાતે રહેતા ભારતીય વિજ્ઞાની એસ.વેંકટેશ્વરે ચંદ્રની ભૂમિ પર અને ત્યાંના વાતાવરણમાં ઊગી શકે એવી વનસ્પતિ, ફળફૂલ ઉગાડવાના પ્રયોગ કરી રહ્યા છે. સામાન્ય રીતે ખોરાકમાં વપરાતાં ઘઉં, ચોખા, લીલા કઠોળ, સોયાબીન જેવી ચીજો અંકુશિત વાતાવરણમાં તથા ટેસ્ટટયૂબ, બરણી તથા રકાબીમાં ઊગાડવાના પ્રયોગ વેંકટેશ્વર કરી રહ્યાં છે.
બીજી તરફ જાપાનની શિમિઝુ કોર્પોરેશને ચંદ્રની ધરતી ખેડીને તેમાંથી મેળવાનારી ધાતુ વડે ચંદ્ર પર જ શિપબિલ્ડિંગનો ઉદ્યોગ શરૂ કરવો છે. આ ધાતુમાંથી ખૂબ ઓછા ખર્ચે ચંદ્ર પર જ શટલયાન અને ઉપગ્રહના માળખાં બનાવી શકાય. એવી જ રીતે જાપાની કંપની નોકિયાએ પણ એક ઐતિહાસિક જાહેરાત કરી છે. એ પ્રમાણે ૨૦૨૨ ના અંત સુધીમાં કંપની ચંદ્રની ધરતી પર ૪જી નેટવર્કની સર્વિસ શરૂ કરશે. નાસાએ નોકિયાને ૧૪ લાખ ડોલરનું ફંડ પણ ફાળવ્યું છે. ૨૦૨૪માં નાસા ચંદ્ર પર સમાનવ યાન ઉતારશે તે પહેલાં નેટવર્ક શરૂ થઈ જશે.
ભવિષ્યમાં ચંદ્રની ધરતી પરના નજીવા ગુરુત્વાકર્ષણનો લાભ લઈને અહીંથી જ અવકાશયાન છોડી શકાય. આમ અવકાશયાત્રા માટે જરૂરી બળતણ ઘટી જતાં સસ્તામાં અવકાશ સફર ખેડી શકાય.
અમેરિકાની લ્યુનર રિસોર્સ કંપની વળી જુદાં જ પ્રકારની મહત્ત્વકાંક્ષી યોજના ઘડી રહી છે. આ કંપની ચંદ્ર પર ટુરિસ્ટોને મોકલી નફો રળવાનું વિચારી રહી છે. જપાનની શિમિઝુ કોર્પોરેશન પણ ચંદ્ર પર હોટેલ બાંધવાનું વિચારી રહી છે. ભવિષ્યમાં સુખી સંપન્ન લોકો અવકાશયાનમાં બેસીને ચંદ્ર પર જશે. ત્યાંની સૂકીભઠ જમીન પર ઓછું વજન મહેસૂસ કરીને ચાલશે. ચંદ્રના વિષુવવૃત્ત વિસ્તારમાં ૧૨૧ ડિગ્રી સેલ્સિયસ જેવી પ્રચંડ ગરમી પડે છે એ ગરમીનો આસ્વાદ પણ માણી શકશે અને ચંદ્રના ધુ્રવ પ્રદેશમાં માયનસ ૧૧૮ ડિગ્રી સેલ્સિયશ જેટલી કાતિલ ઠંડી પડે છે તેનો પરચો પણ મેળવી શકશે. આમ ચંદ્રની ત્રણ દિવસની સફર પૃથ્વીવાસીઓ માટે અદ્ભૂત અને ખૂબ રોમાંચક ટુર પુરવાર થશે. અત્યારે આ કંપની ચંદ્રની યાત્રાએ જવા ઈચ્છનારા માણસોને હથેળીમાં ચાંદ બતાવે છે. તેઓ એવી જાહેરાત કરે છે કે 'આવો, ૧૦ વરસ પછી ઉપડનારી અમારી ટુરમાં જોડાવ અને ચંદ્રની ધરતી પરના સાઉદી અરેબિયા (ગરમ વિસ્તાર)ની સહેલ કરો.' સાઉદી અરેબિયા એટલા માટે કે ચંદ્રની ઘણી ખરી જમીન સૂકી ભઠ અને વેરાન રણ પ્રદેશ જેવી છે.
લ્યુનર રિસોર્સ કોર્પોરેશનની એક એવી યોજના પણ છે કે ચંદ્રની ધરતી પર વિપુલ માત્રામાં મળી રહેતા હેલિયમના આઈસોટોપ મેળવવા. જે અણુભઠ્ઠીનાં સંચાલનમાં ખૂબ ઉપયોગી છે અને જે પૃથ્વી પર અલભ્ય છે. આ જ રીતે ચંદ્ર પર સૂર્યશક્તિનું વિપુલ સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે એમ છે. ચંદ્ર પર દિવસ લાંબો હોય છે અને સૂર્યનો પ્રકાશ કોઈ જાતના અવરોધ વિના ધોધની માફક ચંદ્ર પર પડે છે. આ પ્રકાશને કોઈ રીતે સંકોરી લઈ તેનું માઈક્રોવેવમાં રૂપાંતર કરી પૃથ્વી પર પાઠવી શકાય.
ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવાની મુખ્ય યોજના સાકાર કરવા અમેરિકાએ ખાસ્સા નાણાં ખર્ચવા પડશે. નાસા હવે કદાચ ચંદ્ર પરના મૂડી રોકાણ માટે ખાનગી ઉદ્યોગોે સાથે ભાગીદારી કરશે. જો પુરુ જોર લગાડવામાં આવે તો આવતા પાંચ-સાત વર્ષમાં ડઝનેક વિજ્ઞાનીઓ ચંદ્ર પર વસવાટ કરી ચૂક્યા હશે. ટમેટાં, બટાટા, ચોખાનો પાક પણ ચંદ્ર પર લેવાતો હશે. માનવજાતના સઘન પ્રયાસોથી ચંદ્રની પરિસ્થિતિ માનવજાતની તરફેણમાં પલોટાતી જતાં ત્રણ-ચાર દાયકા પછી પૃથ્વીવાસીઓ સહેલાઈથી ચંદ્ર પર વસવાટ કરતાં થઈ જશે.