Get The App

તારણહાર પ્રકરણ -09 .

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ -09                                           . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

સુંદર નેહા ક્લાસમાં જે દિવસે હાજર થઇ તે જ ક્ષણે એ સ્વપ્નીલને પસંદ પડી ગઈ હતી. તે રાત્રે રૂમમાં તેનું મન ભણવામાં લાગતું નહોતું. 

'બા, જો હું ડોકટર બનીશ તો એક પણ બાળકના મમ્મી પપ્પાને મરવા નહિ દઉં'. નિર્દોષ રાહુલ બોલી ઉઠયો હતો.

 'રાહુલ, જીવવાનું કે મરવાનું તો માણસના હાથમાં નથી. કોઈ પણ માણસની માંદગીમાં ડોક્ટર જ તેનો ભગવાન હોય છે. જે માણસ બચી જાય છે તેના આશીર્વાદ તો આખરે ડોક્ટરને જ મળતા હોય છે'. તે રાત્રે સુધાની સોડમાં સૂતેલા રાહુલે સંકલ્પ કર્યો હતો કે તે ભણવામાં આકરી મહેનત કરશે અને ગમે તેમ કરીને ડોક્ટર બનીને જ જંપશે.

રાહુલ અભ્યાસમાં તો હોશિયાર હતો જ. વળી તેમાં તેણે દિલથી કરેલો સંકલ્પ ભળ્યો હતો. રાહુલના મમ્મી અને પપ્પા બંનેને કોરોના ભરખી ગયો છે અને સુધા મેડમ જ રાહુલને ભણાવી રહ્યા છે તે વાતથી સ્કૂલના પ્રિન્સીપાલ વાકેફ હતા. પ્રિન્સીપાલ સાહેબની અમીદ્રષ્ટિ પણ રાહુલ પર હમેશાં રહેતી હતી. રાહુલ દસમા ધોરણમાં આખી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો ત્યારે પ્રિન્સીપાલે રાહુલની હાજરીમાં સુધાને કહ્યું હતું 'મેડમ, તમે પૂણ્યનું કામ કરો છો.'  'હું સમજી નહી સાહેબ'. સુધાએ કહ્યું હતું. 'મેડમ,તમે રાહુલ જેવા એક અનાથ છોકરાને ભણાવો છો.. ' 

પ્રિન્સીપાલ સાહેબને બોલતાં અટકાવીને સુધા બોલી ઉઠી હતી 'સાહેબ, રાહુલ અનાથ નથી એ મારો પૌત્ર છે. તેના પપ્પા વિનાયકને મેં હમેશાં મારો દીકરો જ માન્યો હતો'. રાહુલે બારમા ધોરણમાં પણ સ્કૂલમાં પ્રથમ રેન્ક જાળવી રાખીને અમદાવાદની જ ગવર્નમેન્ટ  મેડીકલ કોલેજમાં એડમીશન લીધું હતું. 

'રાહુલ, તને ઓછા માર્ક્સ આવ્યા હોત તો પેમેન્ટ સીટમાં એડમીશન લઈને પણ મેં તો તને ડોક્ટર બનાવવાનું મનોમન નક્કી કરી જ લીધું હતું'

સત્તર વર્ષના રાહુલે સુધાના ચરણસ્પર્શ કરીને કહ્યું હતું 'બા, તમે ના કહ્યું હોત તો પણ હું જાણતો હતો'

'એ કઈ રીતે ?' 

'બા, તમને ખબર નથી. હું તમારી આંખો વાંચી શકું છું અને તેમાં વહેતી મારા પ્રત્યેની    કુણી લાગણી કાયમ અનુભવું છું'. સુધાએ રાહુલને ગળે લગાવ્યો હતો. બંનેની આંખો ભીની થઇ ગઈ હતી.  

સ્વપ્નીલ સાથે રાહુલને જયારે ગાઢ મૈત્રી થઇ પછી  એક વાર  મિડ ટર્મ વેકેશનમાં સ્વપ્નીલ   ચાર દિવસ રાહુલના ઘરે રોકાયો હતો. સુધાએ  સ્વપ્નીલને પણ રાહુલનો ખાસ મિત્ર હોવાના નાતે સ્નેહથી ભીંજવી દીધો હતો. સ્વપ્નીલ પાંચમા  ધોરણમા આવ્યો ત્યાં  સુધીંમાં તેના દાદીનું અને મમ્મીનું અવસાન થયું હતું. રાહુલની દાદીનો સ્નેહભાવ જોઇને હોસ્ટેલ પર જતી વખતે તે બોલી ઉઠયો હતો  'બા, મેં તો ખૂબ નાની ઉમરે દાદી અને મમ્મીને ગુમાવ્યા છે, તેથી માનો પ્રેમ કેવો હોય એ તો અહીં આવ્યા બાદ પહેલી જ વાર અનુભવ્યો'.

હોસ્ટેલમાં પહોંચ્યા બાદ પણ સ્વપ્નીલે કહ્યું હતું 'રાહુલ, યુ આર વેરી લકી કે તને આવા પ્રેમાળ દાદી મળ્યા છે'.

'દોસ્ત, તને મેં એટલી જ વાત કરી છે કે મારા મમ્મી પપ્પા બંનેનું કોરોનામાં અવસાન થયું હતું પણ એક મહત્વની વાત તારાથી આજ સુધી છૂપાવી છે'.  

'કઈ વાત?'

'એ મારા દાદી નથી...એ મારા કોઈ જ સગા નથી. અમારા વચ્ચે  કોઈ પણ જાતના બ્લડ રીલેશન નથી'. રાહુલે રહસ્યસ્ફોટ કર્યો હતો.

 'વ્હોટ ?' સ્વપ્નીલથી ચીસ પડાઈ ગઈ હતી. 'આઈ કાન્ટ બીલીવ ધેટ'.

રાહુલે ભીની આંખે મમ્મી પપ્પાની ગરીબીનું વર્ણન કર્યું હતું. ગણપતિની મૂર્તિઓ બનાવીને ઘર ચલાવનાર એક તદ્દન ગરીબ પણ પ્રમાણિક પિતા વિનાયકની ઘરે થયેલો તેનો જન્મ.. માતાનું સુધા મેડમના બંગલે ઘરકામ કરવા જવું.. પિતાથી અનાયાસે સ્વબચાવમાં થઇ ગયેલું એક ખૂન અને તેમાં પણ જેલમાં જતાં સુધા મેડમે જ શહેરના સારામાં સારા વકીલ રોકીને પિતાને બચાવ્યા હતા..વિગેરે. રાહુલ એના જીવનની કિતાબના એક પછી એક પાના ખોલતો ગયો ત્યારે સ્વપ્નીલ પણ ઢીલો પડી ગયો હતો. 'દોસ્ત, તેં તો નાની ઉમરમાં ઘણું વેઠયું છે..ઘણું જોઈ લીધું છે. બા તારા જીવનમાં દેવદૂત બનીને જ આવ્યા છે તેમ કહી શકાય.'

'દોસ્ત, બા મારા માટે માત્ર દેવદૂત જ નથી. એ મારા તારણહાર પણ છે'.    

દાદરની ચાલમાં એક રૂમના મકાનમાં એક પેઈન્ટર ગણપતિના ચિત્રો કેનવાસ પર દોરી રહ્યો હતો. તે એટલી હદે તેમાં તલ્લીન થઇ ગયો હતો કે બાજુમાં આવીને બેસી ગયેલા ભાઉ પર પણ તેનું ધ્યાન નહોતું પડયું.

થોડી વાર બાદ ભાઉ બોલ્યા કે 'વાહ વિનાયક.. વાહ, આખા મુંબઈમાં તારા જેવો કલાકાર એક પણ નહી હોય'.

વિનાયક ચમક્યો હતો. 'અરે ભાઉ તમે? ક્યારે આવ્યા ?' 

'તું ગણપતિની આંખોને આખરી ઓપ આપતો હતો ત્યારે'. ભાઉએ હસતા હસતા કહ્યું હતું.

ભાઉની વાત સાંભળીને વિનાયકની આંખમાં ચમક આવી ગઈ. વિનાયક મુંબઈ આવ્યો ત્યારે પહેલી મુલાકાત સિધ્ધી વિનાયક મંદીરની બહાર ભાઉ સાથે જ થઇ હતી. કોરોનાએ કાજલનો જીવ લઇ લીધો હતો તેના બે દિવસ પહેલાં વિનાયક પણ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કાજલની સાથે જ હતો. સતત ચોવીસ કલાક એ વોર્ડમાં કોરોનાના પોઝીટીવના દર્દીઓ ઠલવતા જતા હતા. બીજે દિવસે કાજલની તબિયત વધારે બગડી હતી.તેણે વિનાયકને  કહ્યું હતું 'મને લાગતું નથી કે હું જીવતી રહું.. તમે મને એક વચન આપો કે તમે બચી જશો તો આપણા ઘરે પરત નહી જાવ' 

'કેમ?' વિનાયકને નવાઈ લાગી હતી. 'જો તમે ઘરે જશો તો રાહુલને કદાચ સુધા મેડમ તમારી પાસે મોકલી દેશે. અત્યાર સુધી તો હું તેમના બંગલે કામ કરતી હતી તેથી તેમની આપણા રાહુલ પર કૃપા રહી છે. મારા ગયા બાદ કદાચ મેડમ રાહુલને નહી રાખે. રાહુલનું  ઉજ્વળ ભવિષ્ય સુધા મેડમના હાથમાં જ છે. રાહુલ તેમની સાથે રહે  તેમાં જ એનુ હિત છે'. 

વિનાયક વિચારમાં પડી ગયો હતો. કાજલની નાજૂક તબિયત જોઇને વિનાયકે તેના હાથમાં હાથ મૂકીને વચન આપી દીધું હતું. કાજલ પાસે લગ્ન સમયે બોપલના શેઠાણી અલકાબેને આપેલી સોનાની એક માત્ર વીંટી હતી જે તેણે ત્યારે જ કાઢીને વિનાયકને આપી દીધી હતી.બીજે જ દિવસે કાજલને શ્વાસ લેવામાં તકલીફ વધી ગઈ હતી.તેને વેન્ટીલેટર પર રાખવી પડી હતી, ગણતરીના કલાકોમાં જ કાજલનું  અવસાન થયું હતું. કાજલના અવસાનનો ઘા જિરવવો વિનાયક માટે દુષ્કર થઇ પડયું હતું. 

હોસ્પિટલની બહાર ફૂટપાથ પર ઘણા દર્દીઓ વેઈટિંગમાં હતા. જેમ ખાટલા ખાલી થાય તેમ એ દર્દીઓને ફાળવવામાં આવતા હતા. કોરોના મહામારીની આવી કરુણતા સૌ કોઈ પહેલી જ વાર જોઈ રહ્યા હતા. 

સરકારી હોસ્પિટલના વિશાળ તંત્ર પર કોઈનો કાબુ રહી શક્યો નહોતો. જોગાનુજોગ વિનાયકની બાજુના જ બેડમાં એક નવો દર્દી આવ્યો હતો. તેનું નામ પણ વિનાયક પટેલ જ હતું. બંને દર્દીઓના માત્ર  પિતાના નામ જ અલગ હતા! કાજલના અચાનક અવસાનથી વિનાયક બેબાકળો બની ગયો હતો. તે હોસ્પિટલમાં મરવા માંગતો નહોતો.  રાત્રે કાજલને ગુમાવ્યાનું દર્દ દિલમાં દબાવીને વિનાયક ભગવાનના ભરોસે હોસ્પિટલમાંથી ભાગી છૂટયો હતો. વહેલી સવારે તેના જ નામ વાળા બીજા એક દર્દી વિનાયક પટેલનું અવસાન થયું હતું. હોસ્પિટલના સ્ટાફે શરતચૂકથી અડધી રાત્રે હોસ્પીટલમાંથી ભાગી ગયેલ વિનાયકને મૃત જાહેર કરી દીધો હતો! ખાસ્સી રઝળપાટ બાદ પહેરેલ કપડે જ વિનાયક એક ટ્રેનમાં બેસી ગયો હતો. સરકારે પરપ્રાંતીય મજૂરો માટે ખાસ દોડાવેલી એ ટ્રેન મહારાષ્ટ્ર બાજુ જઈ રહી હતી. વિનાયક સવારે  મુંબઈ પહોંચી ગયો હતો. વિનાયકને એટલો ખ્યાલ હતો કે સિદ્ધિ  વિનાયકનું મંદિર દાદર સ્ટેશનથી નજીક છે. મરતાં પહેલાં એક વાર દાદાના દર્શન કરી લેવાની તેની પ્રબળ ઈચ્છા હતી. તે દાદર સ્ટેશને ઉતરી ગયો હતો. વિનાયક ત્યાંથી ચાલીને  પૂછતાં પૂછતાં સીધો સિધ્ધી વિનાયકના મંંદિરમાં પહોંચી ગયો હતો. દર્શન કરતી વખતે વિનાયકની આંખમાં આંસુ ઉભરાયા હતા.તેણે રાહુલ માટે ખાસ પ્રાર્થના કરી હતી. મંદીરની બહાર આવ્યા બાદ વિનાયક એક ચાની લારીએ ચા પીવા બાંકડા પર બેઠો હતો. એ લારી ભાઉની જ હતી. બસ અહીં જ વિનાયકને ભાઉ સાથે પરિચય થયો હતો. મુંબઈમાં પણ તે સમયે કોરોનાની છાયા હતી. કાયમ માણસોની ભીડથી ઘેરાયેલી રહેતી ભાઉની લારી પર  એકલ દોકલ માણસ જ હતા. પચાસ આસપાસના  ભાઉ વિનાયકનું નિરીક્ષણ કરી રહ્યા હતા. વિનાયકે ચા પી લીધા બાદ બે હાથ જોડીને વિવેકપૂર્વક કહ્યું હતું  'શેઠ, મેરે પાસ પૈસા નહી હૈ. મૈ આજ હી ગુજરાત સે આયા હું. મૈ દાદા કી કસમ ખા કે બોલતા હું કી મેરી પહલી કમાઈમેં સે  હી યે એક કપ ચાય કા પૈસા  આપકો દે દૂંગા'. બોલતી વખતે વિનાયકે સામે દેખાતા સિદ્ધી વિનાયકના  મંદિર સામે જોઇને બંને હાથ જોડીને વંદન કર્યા હતા.  

વિનાયકના અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો.ભાઉ પાસે અનુભવનું ભાથું હતું. સારા નરસા માણસોને પારખવાની એની આંખમાં શક્તિ હતી. એક કપ ચાની એવી કોઈ મોટી કિમત નહોતી. વિનાયકના ભોળા ચહેરા પર ભાઉને  વિશ્વાસ બેઠો હતો. ભાઉ જે દાદરની ચાલમાં રહેતા હતા ત્યાં જ એક રૂમમાં પેટા ભાડુઆત તરીકે એક માણસને રાખવાનો હતો. આખી ચાલનો વહીવટ ભાઉ હસ્તક જ હતો.  વિનાયકને પણ રહેવા માટે આશરાની તાતી જરૂર હતી તેણે કાજલની સોનાની વીંટી ભાઉને ડીપોઝીટ પેટે આપી હતી. આમ દાદરની ચાલમાં દસ બાય દસના એક ભાડાના રૂમમાં રહેવાનો વિનાયકનો મેળ પડી ગયો હતો. મુંબઈમાં પગ મૂકતાની સાથે વિનાયકની તબિયતમાં સુધારો આવ્યો હતો અને એ વાત વિનાયક માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. થોડા દિવસમાં જ વિનાયકે ઘરે રહીને જ વિવિધ દેવી દેવતાઓના ફોટા દોરવાનું શરુ કરી દીધું હતું. સાથે સાથે તૈયાર ફોટાઓ ખરીદીને મુંબઈમાં ફરીને વેચવાનું પણ શરુ કરી દીધું હતું. સમય વિતતો ગયો અને વિનાયક મુંબઈની આબોહવામાં સેટ થતો ગયો. ઘણી વાર વિનાયકને કાજલની અને ખાસ તો રાહુલની યાદ તડપાવતી. એ સમયે એ મરીન ડ્રાઈવ પાસે દરિયાકિનારે જઈને એકલો બેસીને આંસુ સારી લેતો. દરિયાકિનારે બેસીને વિનાયક એ જ વિચારતો કે ભરતી હોય કે ઓટ આ સાગર કેવો ઘૂઘવાટ કરતો હોય છે? માણસે પણ ખરેખર દરિયા પાસે એ જ શીખવાનું છે કે સુખ હોય કે દુ:ખ, એનો  મન પર ભાર રાખીને જીવવાનો કોઈ મતલબ  નથી. જે થશે તે સારું જ થશે તેમ માનીને જ જીવનને આગળ ધપાવવાનું હોય છે! 

મુંબઈ આવ્યા બાદ આવક શરુ થતાં વિનાયકે સજળનેત્રે ભાઉના હાથમાં ભાડાની રકમ કરતાં ઘણી મોટી રકમ મૂકી દીધી હતી.. 'ભાઉ, તમે જ મને મુંબઈમાં સહારો આપ્યો છે.  ગણપતિ દાદાના દર્શન કરીને હું મંંદિરની બહાર આવ્યો ત્યારે સૌથી પહેલો ભેટો તમારી સાથે જ થયો હતો.. તમને ચોક્કસ દાદાએ જ મારો હાથ પકડવા માટે મોકલ્યા હતા. ભાઉ મરાઠી હતા પણ ગુજરાતી સારું બોલી શકતા હતા. 'વિનાયક, મારાથી ભાડાની રકમ કરતાં વધારે રકમ ન લેવાય..હું ઈશ્વરનો ગુનેગાર બનું'.  ભાઉએ વધારાની રકમ વિનાયકને પરત આપતા કહ્યું હતું. વિધુર અને નિ:સંતાન ભાઉ છેલ્લાં ચાર દાયકાથી મુંબઈમાં જ રહેતા હતા. આખા વિસ્તારમાં તેમની છાપ નેકદિલ અને પ્રમાણિક માણસની હતી. આખા વિસ્તારમાં સૌ કોઈ ભાઉને 'ભલા માનૂસ'  તરીકે જ ઓળખતા. વિનાયક સાથે તેમને માયા બંધાઈ ગઈ હતી. વિનાયકની પત્નીના અવસાનની તથા વિનાયકનો એક માત્ર પુત્ર અમદાવાદમાં કોઈ ધનવાન બાઈને ત્યાં ઉછરી રહ્યો છે, તે વાતની જાણ ખુદ વિનાયકે જ એક વાર ભાઉને  કરી હતી. ભાઉએ કહ્યું હતું 'વિનાયક, તેં તારા દીકરા માટે બહુ મોટો ભોગ આપ્યો છે. તને ક્યારેય તારા દીકરાનું મોઢું જોવાની ઈચ્છા નથી થતી?' 

વિનાયકે ખિસ્સામાંથી વોલેટ કાઢીને રાહુલનો બાળપણનો ફોટો કાઢીને કહ્યું હતું  'ભાઉ,જયારે ઈચ્છા થાય ત્યારે આ ફોટો જોઈ લઉં છું'. આજે તો એ યુવાન થઇ ગયો હશે. વિનાયકની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી.

    

એમબીબીએસના કોન્વોકેશન સમારોહના ત્રીજા દિવસે સ્વપ્નીલના દાદાજીનું અવસાન થયું હતું. એકાદ મહિના બાદ માસ્ટર ડીગ્રી માટે બંને મિત્રોને દિલ્હીની કોલેજમાં એડમીશન મળી ગયું હતું. દેશમાં હૃદયરોગના કેસ વધતા જતા હતા.બંને મિત્રોની આંખમાં દેશના શ્રેષ્ઠ હૃદયરોગ નિષ્ણાત બનવાના સપના હતાં! અમદાવાદની કોલેજ કરતાં દિલ્હીની કોલેજ અને હોસ્ટેલનો માહોલ બિલકુલ અલગ જ હતો.અલગ અલગ રાજ્યોમાંથી ડોક્ટરની ડીગ્રી લઈને આવેલા યુવાનો એકબીજાને નામથી બોલાવવાને બદલે ડોક્ટર કહીને જ બોલાવતા હતા. સ્વાભાવિક રીતે જ વાતચીતની ભાષા અંગ્રેેજી જ રહેતી. આખા કેમ્પસમાં માત્ર રાહુલ અને સ્વપ્નીલ બે જ ગુજરાતી હતા. બે દિવસ બાદ ક્લાસમાં અતિશય સુંદર અને મોડર્ન છોકરી હાજર થઇ હતી. એનુ નામ નેહા હતું. આમ તો તે દિલ્હીની જ રહેવાસી હતી પણ મૂળ ગુજરાતી હતી. તેના પપ્પા ડોક્ટર સુહાસ પટેલની  દિલ્હીમાં જ મોટી હોસ્પિટલ હતી. નેહા તેના કરોડપતિ ડોક્ટર પિતાનું એક માત્ર સંતાન હતી. કોલેજે પણ તે અતિશય મોંઘી કાર લઈને આવતી હતી. 

સુંદર નેહા ક્લાસમાં જે દિવસે હાજર થઇ તે જ ક્ષણે એ સ્વપ્નીલને પસંદ પડી ગઈ હતી. તે રાત્રે રૂમમાં તેનું મન ભણવામાં લાગતું નહોતું. વારંવાર તે અજાણી છોકરીના વિચારે ચડી જતો હતો. રાહુલે પૂછયું હતું 'કેમ દોસ્ત, આજે તારું ધ્યાન ક્યાં છે?' 

 'જવા દે ને યાર, તને નહીં સમજાય'.  સ્વપ્નીલે રાહુલની વાત ઉડાવવાની કોશિશ કરતાં કહ્યું હતું.

'સ્વપ્નીલ, તારી સાથે અમદાવાદની હોસ્ટેલમાં એક જ રૂમમાં સાડા પાંચ વર્ષ રહ્યો છું.તને  ઊંઘતો અને જાગતો બારીકાઈથી જોયો છે. તારા દરેક મૂડને સ્વીંગ થતા જોયા છે. તું એમ ન માનતો કે અત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું છે તેની મને ખબર નથી'.  

સ્વપ્નીલ ભણવાનુ પુસ્તક બંધ કરીને ખુરશી પરથી ઉભો થઈને કુદીને રાહુલની બરોબર સામે પલંગ પર  બેસી ગયો. 'બોલ દોસ્ત, અત્યારે મારા મનમાં કોના વિચાર ચાલે છે? જો તું સાચો જવાબ આપીશ તો આજે માની જઈશ કે યુ આર ગ્રેટ.. પણ મને ખાતરી છે કે તું નહી કહી શકે..ઇટ્સ માય ચેલેન્જ.' 

રાહુલે હસતાં હસતા કહ્યું 'દોસ્ત, આપણા બંનેમાં બધી રીતે ગ્રેટ તો તું જ છો. મારે તો તને એટલું જ યાદ કરાવવું છે કે અહીં દિલ્હીમાં આપણે માસ્ટર્સ કરવા આવ્યા છીએ. આપણું ધ્યાન આપણા લક્ષ્ય તરફ જ હોવું જોઈએ. પણ તારું ધ્યાન...' રાહુલ બોલતો બોલતો અટકી ગયો. 'રાહુલ,કેમ અટકી ગયો?'. 

'દોસ્ત, જો હું  બોલું  એ  સાચું હોય ..આઈ મીન, મારું અનુમાન સાચું હોય તો તારે સ્વીકારી લેવાનું ..એમાં મારે કોઈ બહાના ના જોઈએ'. 

'અરે યાર, બોલ તો ખરો. મને સો ટકા ખાતરી છે કે તું મારા મનના વિચારો નહી પકડી શકે. ઇટ્સ માય ચેલેન્જ '. સ્વપ્નીલે ગંભીર થઈને કહ્યું હતું.  

રાહુલે સ્વપ્નીલની નજીક આવીને તેની આંખમાં જોઇને કહ્યું. 'આજે  ક્લાસ શરુ થઇ ગયા બાદ બોબ્ડ હેર વાળી જે સુંદર છોકરી  દસ મિનીટ લેટ આવી હતી, તેના વિચારોમાં તું ખોવાયેલો છે...એમ આઈ રાઈટ?' 

સ્વપ્નીલ ચમક્યો. 'અરે યાર, માન ગયે ઉસ્તાદ.. તારા પગ ક્યાં છે ? મારે તને પગે લાગવું છે'. સ્વપ્નીલે પલંગમાં બેઠા બેઠા જ રાહુલના પગ પકડી લીધા. 

'દોસ્ત, હવે પછી ક્યારેય મને ચેલેન્જ ન કરતો'.રાહુલે હસતાં હસતા કહ્યું હતું.

સ્વપ્નીલ રાહુલને ઉત્સાહથી વળગી પડયો હતો. 

બીજે દિવસે ક્લાસ પૂરો થયા બાદ રાહુલ અને સ્વપ્નીલ કોલેજ કેમ્પસમાં ઉભા હતા ત્યારે અચાનક નેહાએ બાજુમાંથીઓ પસાર થતી વખતે સ્વપ્નીલને ફોર્મલ સ્માઈલ આપ્યું હતું. સ્વપ્નીલે તક ઝડપી લીધી હતી.

'વી બોથ આર ગુજરાતી. આઈ એમ ફ્રોમ ભાવનગર એન્ડ માય ક્લોઝ ફ્રેન્ડ રાહુલ ઈઝ ફ્રોમ અહેમદાબાદ'.  સ્વપ્નીલે રાહુલના ખભે હાથ રાખીને નેહાને સસ્મિત ચહેરે કહ્યું હતું.  'અરે યાર, હું ગુજરાતી જાણું છું'. સ્વપ્નીલે આશ્ચર્યનો આંચકો અનુભવ્યો હતો.  

નેહા મુક્ત મને હસી પડી હતી. એના ગાલે પડતાં ખંજનની સાથે સફેદ દૂધ જેવી દંતપંક્તિઓ એની સુંદરતામાં વધારો કરી રહી હતી. સ્વપ્નીલ નેહાના ચહેરા સામેથી નજર હટાવી ન શક્યો.   

નેહાએ સ્વપ્નીલના ચહેરા સામે જમણો હાથ ઉંચો કરીને ચપટી વગાડતાં કહ્યું 

'મારું નામ નેહા છે. ગુજરાતી છું, બટ બોર્ન એન્ડ બ્રોટ અપ એટ દિલ્હી'. 

નેહાએ સ્ટાઇલથી એના બોબ્ડ હેરમાં ડાબો હાથ ફેરવ્યો હતો. નેહાની મનમોહક અદાથી લગભગ ઘાયલ થઇ ગયેલો સ્વપ્નીલ રાહુલના ખભાના સહારે પડતા પડતા બચી ગયો હતો!

(ક્રમશ:)


Google NewsGoogle News