Get The App

બ્રુના એલેક્ઝાન્ડર : દિવ્યાંગ હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં હરીફાઈ કરવા તૈયાર

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
બ્રુના એલેક્ઝાન્ડર : દિવ્યાંગ હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં હરીફાઈ કરવા તૈયાર 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- બ્રાઝિલની ટેબલ ટેનિસની ખેલાડી ડાબા હાથના ખેલ થકી પેરાલિમ્પિકમાં ચાર ચંદ્રક જીતી ચૂકી છે : પેરાલિમ્પિક બાદ ઓલિમ્પિકમાં પણ ભાગ લેવાનો અનોખો વિક્રમ સર્જશે

ઈ રાદા જ્યારે બુુલંદ હોય અને હોંસલા જ્યારે સાબૂત હોય, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ વિશિષ્ટ પ્રતિભાને આકાશ સુધી વિસ્તાર પામતા ક્યારેય અટકાવી શકતી નથી. શારીરિક મર્યાદા દરેકના જીવનમાં હોય જ છે, પણ જ્યારે તે મર્યાદા માનસિક ક્ષમતા પર હાવી થઈ જાય છેે, ત્યારે જ વિકાસની ગતિમાં સ્થગિતતા આવી જાય છે. જેના કારણે જ સફળતાનું આકાશ સમેટાઈને નાનકડું જ બની જાય છેે, પણ જેઓ તેમના સપનાને પામવા માટે ક્યારેય પોતાની શારીરિક મર્યાદાઓને અંતરાયરુપ માનતા નથી, તેઓ માટે સફળતા પણ આકાશની જેમ અનંત બની રહે છે. 

પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ રહેલી બ્રાઝિલની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બ્રુના એલેક્ઝાન્ડર એક નવો ઈતિહાસ આલેખવા જઈ રહી છે. એક તરફ દુનિયાભરના કરોડો ખેલાડીઓ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવા માટે વરસોવરસ મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતાં નથી, ત્યારે માત્ર એક જ હાથ ધરાવતી બ્રુના પેરિસ ઓલિમ્પિકમાં દુનિયાના સર્વાંગ એથ્લીટ્સની સાથે સ્પર્ધામાં ઉતરવાની તૈયારી કરી રહી છે. રસપ્રદ બાબત એ છે કે, બ્રુનાનો માત્ર ડાબો હાથ જ સાબૂત છે. જ્યારે તેને જમણો હાથ જ નથી. આમ છતાં, તેણેે જબરજસ્ત દેખાવ કરતાં બ્રાઝિલની પેરિસ ઓલિમ્પિક માટેની સર્વાંગ ટેબલ ટેનિસ ટીમમાં સ્થાન મેળવી લીધું છે.

હાલ ચાલી રહેલા રમતોના મહાકુંભ એવા પેરિસ ઓલિમ્પિકમાં ૧૦,૫૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. જે તમામ શરીરે કોઈ પણ પ્રકારની ખોડખાંપણ ધરાવતા નથી એટલે તેમને સર્વાંગ સ્વસ્થ ખેલાડી કહેવાય. આવા ખેલાડીઓની વચ્ચે બ્રાઝિલની બ્રુના અને ઓસ્ટ્રેલિયાની મેલિસા ટાપ્પેર જ એવી ખેલાડી છે કે, જે પેરાલિમ્પિક એટલે કે દિવ્યાંગો માટેના રમત મહાકુંભમાં ભાગ લઈને ચંદ્રકો જીતી ચૂકી છે. હવે તેઓ પેરિસમાં સર્વાંગ સાજા ખેલાડીઓની સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. પૃથ્વી પર યોજાતા સર્વાંગો માટેના સૌથી મોટા રમતોત્સવ - ઓલિમ્પિક અને દિવ્યાંગો માટેના સૌથી મોટા રમતોત્સવ પેરાલિમ્પિક એમ બંનેમાં ભાગ લેવાની વિશિષ્ટ સિદ્ધિ અગાઉ ઈટાલીની પાઉલા ફાન્ટાટો અને  પોલેન્ડની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી નાતાલી પાર્ટીકા સહિતની ખેલાડી મેળવી ચૂકી છે અને હવે આ એલિટ કલબમાં ટાપ્પરની સાથે બ્રાઝિલની બ્રુના એલેક્ઝાન્ડર પણ સામેલ થઈ જશે. ટાપ્પર પણ જમણા હાથથી દિવ્યાંગ છે. જોકે તે જમણા હાથથી બોલ પકડી શકે છે અને તે બાબત તેને સર્વિસ કરવામાં મદદરુપ બને છે. જોકે બ્રુનાને તો જમણો હાથ જ નથી અને આ કારણે તેને રમતમાં સવસથી માંડીને તમામ સ્ટ્રોક્સ માત્ર ડાબા હાથથી જ ફટકારવા પડે છે. 

દિવ્યાંગ હોવા છતાં ક્યારેય બ્રુનાને તેની શારીરિક મર્યાદા રમતમાં  નડી નથી. તેણે બ્રાઝિલની સર્વાંગ ટીમની સાથે ૨૦૨૩ની પાન અમેરિકન ગેમ્સમાં ભાગ લીધો હતો અને ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સાથે તે દિવ્યાંગ હોવા છતાં પાન અમેરિકન ગેમ્સમાં ચંદ્રક જીતનારી ઈતિહાસની સૌપ્રથમ ખેલાડી બની ગઈ હતી. દિવ્યાંગ ખેલાડીઓની સાથે સાથે સર્વાંગોની સ્પર્ધામાં પણ બ્રુનાએ તેની શ્રેષ્ઠતાનો પુરાવો આપ્યો છે. છેલ્લા સાત વર્ષથી તે બ્રાઝિલની મહિલા ટીમમાં સામેલ રહી છે. કોરોના કાળ પૂર્વે ૨૦૧૭માં પાન અમેરિકન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતનારી બ્રાઝિલની મહિલા ટીમનો તે અભિન્ન હિસ્સો રહી ચૂકી છે. જેના બે વર્ષ બાદ પારાગ્વેમાં યોજાયેલી પાન અમેરિકન ચેમ્પિયનશિપમાં પણ બ્રાઝિલની ટીમે જ્યારે રજતચંદ્રક જીત્યો, ત્યારે પણ તે ટીમમાં સામેલ હતી. 

થોડા સમય માટે માત્ર દિવ્યાંગોની સ્પર્ધા પર ધ્યાન આપનારી બ્રુનાએ છેલ્લા બે વર્ષોથી ફરી સર્વાંગો સાથેની સ્પર્ધામાં ભાગ લેવાનું અને સફળતા મેળવવાનું શરુ કરી દીધું છે. પાન અમેરિકન ગેમ્સમાં ગત વર્ષે મેળવેલી કાંસ્ય સફળતાને પગલે બ્રાઝિલની પેરિસ ગેમ્સ માટેની મહિલા ટેબલ ટેનિસ ટીમમાં બ્રુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

દક્ષિણી બ્રાઝિલમાં આવેલા સાન્તા કાટારિના શહેરની વતની એવી બ્રુનાનો જન્મ તો સાધારણ બાળકોની જેમ જ થયો હતો. જોકે, તે માત્ર ત્રણ જ મહિનાની હતી, ત્યારે તેના જમણા હાથમાં લોહી ગંઠાઈ ગયુ, જેને થ્રોમ્બોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે પરિસ્થિતિ એવી મુશ્કેલ બની કે, નવજાતને બચાવવા માટે ડોક્ટરોને તેનો હાથ કાપી નાંખવાનો કપરો નિર્ણય લેવો પડયો. તેની આવી હાલત કોઈ વેક્સિનની આડ અસરના કારણે થઈ હોવાનું પણ મનાય છે. જોકે, કુમળી વયની પુત્રીને એક હાથ વિનાની જોવી એ કોઈ પણ માતા-પિતા માટેે અસહ્ય પરિસ્થિતિ સમાન હતુ. તેઓ સતત બ્રુનાને ખુશ રાખવાની કોશીશ કરતાં રહેતા. 

બ્રુનાને બાળપણથી ક્યારેય તેના ડાબા હાથની ખોટ અનુભવાઈ જ નથી. તેનો ઉછેર જ એ પ્રકારે કરવામાં આવ્યો કે, સર્વાંગ બાળકોની વચ્ચે અલગ તરી આવવા છતાં તેેને ક્યારેય તેના અભાવનો અહેસાસ થયો જ નહીં. માત્ર સાત વર્ષની ઉંમરે તેણે શોખ ખાતર ટેબલ ટેનિસ રમવાનું શરુ કર્યું, ત્યારે તેણે તેને કારકિર્દી તરીકે પસંદ કરવા વિશે વિચાર્યું નહતુ. વ્યવસાયિક વ્યસ્તતાના કારણે બ્રુનાના માતા-પિતા તેને આઉટડોર એક્ટિવીટી માટે પ્રોત્સાહિત કરતાં અને આજ કારણે બ્રુના ટેબલ ટેનિસની સાથે સાથે ફૂટસેલ અને સ્કેટબોર્ડ પણ શીખવા લાગી હતી. 

બ્રાઝિલના સ્પર્ધાત્મક વાતાવરણને કારણે બ્રુનાની શરુઆત જ મુશ્કેલ હરિફો સામેની સ્પર્ધા સાથે થઈ. આ કારણે તેની રમતમાં આગવો નિખાર આવ્યો. તેેણે પેરા ટેબલ ટેનિસમાં આગવી સફળતા મેળવવા માંડી અને પ્રેક્ટિસમાં તે ઘણી વખત તે સર્વાંગ સ્પર્ધકોને પણ મહાત કરવા લાગી હતી. એક જ હાથથી રેકેટ પકડવાની સાથે સાથે તે જ હાથથી બોલ ઉછાળીને સર્વિસ કરવાની તેની આવડત બધાને ચકિત કરી દેતી. જેના પરિણામે તેણે પેરા ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરની સફળતા બાાદ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કરી દીધું.

આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડની સાથે બેે કાંસ્ય ચંદ્રક પણ હાંસલ કર્યા હતા. તે ૨૦૧૬ના રિયો અને ૨૦૨૦ના ટોકિયો પેરાલિમ્પિકમાં પણ બ્રાઝિલ તરફથીી સ્પર્ધામાં ઉતરી હતી અને તેણે એક રજત તેમજ ત્રણ કાંસ્ય ચંદ્રકો પોતાના નામેે કર્યા હતા. તેણે સર્વાંગોની પાનઅમેરિકન ચેમ્પિયનશિપમાં પણ બ્રાઝિલની ટીમ તરફથી રજત અને કાંસ્ય ચંદ્રકો હાંસલ કર્યા હતા. 

ગત વર્ષે ચિલીના સાન્ટીએગોમાં યોજાયેલી પાન અમેરિકન ગેમ્સમાં સર્વાંગોની વચ્ચે સ્પર્ધામાં ઉતરતાં બ્રાઝિલની મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. આ વખતે યોજાયેલી વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિશ્વની ૪૦ ટીમોએ ભાગ લીધો, જેમાં બ્રાઝિલની ટીમ રાઉન્ડ ઓફ ૧૬ સુધીની સફર ખેડી હતી, જેમાં પણ બ્રુનાએ પ્રભાવશાળી દેખાવ કરતાં પેરિસ ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી. તેની વર્ષોેની મહેનત આખરે પેરિસમાં રંગ લાવશે તેમ લાગી રહ્યું છેે. બ્રુનાએ પેરિસ ઓલિમ્પિક માટે રવાના થતા અગાઉ જ કહ્યું હતુ કે, હું માત્ર મારા એકલા માટે જ ખુશ નથી. હું દુનિયાના દરેક શારીરિક અભાવ કે ક્ષતિ ધરાવતા વ્યક્તિઓના પ્રતિનિધિ તરીકે પેરિસ જઈ રહી છું. મને આશા છે કે, મારી સફળતા દરેકના જીવનમાં નવો ઉજાસ પાથરશે. તેમને પણ અહેસાસ થશે કે, આપણે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં છીએ, પણ અશક્ય જેવું કશું આ દુનિયામાં નથી.


Google NewsGoogle News