પોષણની પ્રભાવક પહેલ! .

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
પોષણની પ્રભાવક પહેલ!                                   . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- 33 વર્ષના આ બંને યુવાનો આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં અને ત્યાર પછી વિદેશના બજારમાં પણ પ્રવેશ કરવા માગે છે

છે લ્લાં કેટલાક વર્ષોમાં ભારત સ્ટાર્ટઅપ્સનો દેશ બની ગયો છે. એક અહેવાલ પ્રમાણે એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ભારતમાં એક લાખ સત્યાવીશ હજાર સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. ઉચ્ચ શિક્ષણ લઈને સારા પગારની નોકરી કરનાર વ્યક્તિઓ પણ નવા નવા વિચારો સાથે સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને સફળતા મેળવે છે. આવું જ એક સ્ટાર્ટઅપ છે પોષણ. ૨૦૨૦માં શશાંક સિંઘ અને ભુવનેશ ગુપ્તા નામના બે મિત્રોએ એની શરૂઆત કરી.

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં શશાંકનો ઉછેર થયો છે. તેના પિતા બઁકમાં નોકરી કરે છે, પરંતુ તેમની પાસે પોતાની જમીન છે અને નાનપણથી જ પરિવાર પાસેથી ખેતીનું વાતાવરણ મળ્યું. ઉન્નાવથી વીસ કિમી. દૂર બિરમપુરમાં તેમનું ખેતર આવેલું છે જેના પર ઘઉં અને ચોખાનો પાક લેવામાં આવે છે. ઉન્નાવથી પંચાવન કિમી. મલિહાબાદમાં આંબા વાવ્યા છે, જેમાં અનેક જાતની કેરીનો પાક મેળવે છે. ઉનાળાના વેકેશનમાં ત્યાં જઈને ખૂબ આનંદ કરનાર શશાંક અભ્યાસમાં તેજસ્વી હોવાથી બિટ્સ પિલાનીમાંથી ૨૦૧૦માં મિકેનિકલ એન્જિનીયરીંગની ડિગ્રી મેળવી અને ૨૦૧૫માં કૉલકાતા આઈ.આઈ.એમ.માંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી છે. તેના ઉચ્ચ અભ્યાસને કારણે તરત જ વિપ્રો લિમિટેડમાં નોકરી મળી ગઈ. અહીં ગ્લોબલ હન્ડ્રેડ લિડરશિપ પ્રોગ્રામ અંતર્ગત લિડરશિપ સ્કીલ ઉપર ધ્યાન આપવાનું હતું. બે વર્ષ વિપ્રોમાં નોકરી કર્યા પછી બ્લેકબકમાં નોકરી કરી. ત્યારબાદ સ્માર્ટફોન એપ્લિકેશનમાં અને તે પછી ઉબરમાં સ્ટ્રેટેજી મેનેજર તરીકે નોકરી કરી.

શશાંક સિંઘના જીવનમાં વળાંક આવ્યો ભુવનેશ ગુપ્તા સાથેની મુલાકાતથી. ભુવનેશ ગુપ્તા પંજાબના જલંધરમાં રહેલો. તેના પિતા પણ બઁકમાં નોકરી કરતા હતા. તેણે ૨૦૦૮માં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનીસ્ટ્રેશનમાં બી.એ. કર્યું અને જમશેદપુરથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યો હતો. ખેતીમાં એને પણ રસ હતો. જોકે તેણે કોર્પોરેટ ક્ષેેત્રે નોકરી મેળવી તે પહેલાં સાત વર્ષ શકુન કરિયાણા મરચન્ટ નામથી કરિયાણાનો વ્યવસાય કર્યો હતો. ત્યારબાદ ઓરિએન્ટલ બઁક ઑફ કોમર્સમાં નોકરી કરી. એ પછી બે વર્ષ ફોરેક્સ ડિપાર્ટમેન્ટમાં, એરિકસનમાં મેનેજર તરીકે તેમજ ઓયો રૂમ્સના બિઝનેસ હેડ તરીકે પણ નોકરી કરી. ઈકોમર્સ સાથે સંકળાયેલા ભુવનેશે ભારતપેમાં ડીટુઆરના હેડ તરીકે કામ કર્યું. જે અનુભવ તેને પોષણ સ્ટાર્ટઅપમાં કામ આવ્યો.

શશાંક સિંઘ અને ભુવનેશ ગુપ્તા બંને મળ્યા, ત્યારે તેમને લાગ્યું કે તેઓના વિચાર એકસરખા છે અને ખેતીમાં તેમની દિલચસ્પીને કારણે ગાઢ મિત્રો બની ગયા. શશાંકને મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી હતી, પરંતુ તેને હંમેશા એમ લાગતું હતું કે તેણે કોઈ અન્ય કામ કરવું જોઈએ. કોરોનાકાળ દરમિયાન ઘરે રહેલા શશાંકને સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો અને એમાં એને ભુવનેશ ગુપ્તાનો સાથ મળ્યો. બંનેએ ભેગા મળીને ૨૦૨૦માં એક કરોડના મૂડીરોકાણ સાથે 'પોષણ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. શરૂઆતમાં પોષણ દ્વારા માત્ર ચાર વસ્તુઓ વેચવાનું નક્કી કર્યું. તેમાં લોટ, ચોખા, ખાદ્યતેલ અને ખાંડનો સમાવેશ થતો હતો. ૨૦૨૧ના જૂન મહિનાથી કામ શરૂ થયું. તેમનું કામ હતું મોટી કંપનીઓ પાસેથી માલ મેળવીને વિતરક કે જથ્થાબંધ વેપારીઓને વેચવો. તેઓએ રિલાયન્સ રિટેલ અને લોટસ હોલસેલ જેવી કંપનીઓ સાથે કરાર કર્યો.

પોષણ સ્ટાર્ટઅપને કારણે ખેડૂતોને માટે વેચાણ પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ. પોષણ ખરીદનાર અને વેચનારને એક મંચ પર લાવે છે, જેથી બંને વ્યક્તિ નફો મેળવી શકે અને ગ્રાહકને ઓછી કિંમતે વસ્તુ મળે. પોષણ બીટુબી મોડલ પર કામ કરે છે. તેઓ જથ્થાબંધ વેપારને ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી આપે છે. ખેડૂતોને પણ વચ્ચે કોઈ મધ્યસ્થી ન હોવાથી પેપરવર્કને કારણે મોડું થતું નથી. વધારાની કિંમત ચૂકવવી પડતી નથી અને ચૂકવણીનું જોખમ રહેતું નથી. પોષણ ટૅકનૉલૉજીનો ઉપયોગ કરીને કિંમતની માહિતી મેળવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. પોષણ શરૂ કરવામાં જુદા જુદા હિતધારકોને સમજાવવામાં ઘણી મહેનત પડી. એમના પ્રશ્નો કે સમસ્યાને હલ કરી શકાય છે તે તેમને સમજાવ્યું.

પોષણે બે-ત્રણ પ્રોસેસરો અને જથ્થાબંધ વેપારીઓ સાથે કામની શરૂઆત કરી હતી જેનો આંકડો આજે સાતસો પર પહોંચ્યો છે. તેઓએ દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બઁગાલુરુની બજાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલાં છ મહિનામાં જ તેમનું ટર્ન ઓવર એંશી લાખ થયું હતું. આજે તેમનું ટર્નઓવર ૫૧૦ કરોડ રૂપિયાનું છે. તેમને દસ ટકા નફો મળે છે. પોષણની એક હજાર સ્કવેરફીટની ઑફિસ દિલ્હીમાં આવેલી છે અને સિત્તેર કર્મચારીઓ કામ કરે છે. ૩૩ વર્ષના આ બંને યુવાનો આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં અને ત્યાર પછી વિદેશના બજારમાં પણ પ્રવેશ કરવા માગે છે.

તું ભેંસ બેચેગી?

નીતુ અને કીર્તિનો હેતુ ડેરી ફાર્મરના જીવનમાં સુધારો લાવવાનો તેમજ અત્યાર સુધી અનિયમિત અને અસંગઠિત રહેલા પશુ વ્યાપાર અને ડેરી ઉદ્યોગોને આકર્ષક બનાવવાનો છે. 

રાજસ્થાનની નીતુ યાદવ અને હરિયાણાની કીર્તિ જાંગડાએ આઈ.આઈ.ટી. દિલ્હીમાં સાથે અભ્યાસ કર્યો અને સાથે એક રૂમમાં જ રહેતા હતા. કીર્તિ જાંગડાએ અમેરિકામાં એમ.બી.એ.નો અભ્યાસ પણ કરેલો છે. બંનેએ આઈ.આઈ.ટી.માંથી સ્નાતકની ડિગ્રી લીધા પછી આગળ અભ્યાસ કરવાને બદલે જીવનમાં કંઈક નવું કરવું છે એવું નક્કી કર્યું. ઑનલાઇન પશુઓની ખરીદી અને વેચાણ માટે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું. આ વિચારને બઁગાલુરુની સ્ટોરી ટેલિંગ પ્લેટફોર્મ પ્રતિલિપિ દ્વારા આયોજિત હેકાથોનમાં રજૂ કર્યો અને તેમાં એનિમલને જ્યુરી અને ઓડિયન્સનો ઍવૉર્ડ મળ્યો.

૨૦૧૯ ઑગસ્ટમાં બંને ડેરી ફાર્મર્સ સાથે વાત કરવા લાગ્યા અને સપ્તાહના અંતે અર્થાત્ વીક-ઍન્ડ પ્રોજેક્ટના સ્વરૂપમાં કામ કરવાનું શરૂ કર્યું. બંને મિત્રોએ પોતાના વતન જઈને પરિવારજનોને પોતાના કામની વાત કરવાનું નક્કી કર્યું. નીતુ યાદવના પિતા ડેરી ફાર્મર હતા અને એ વાતાવરણમાં જ તે ઉછરી હતી. જયપુરથી સિત્તેર કિમી. દૂર નવલપુરા પોતાને ગામ પહોંચી અને પિતાને પોતાના કામની વાત કરતાં કહ્યું કે, 'હું ઑનલાઇન ભેંસ વેચવા માગું છું.' તેના પિતાને આઘાત લાગ્યો  અને તેમણે પૂછયું, 'શું ? તું ભેંસ બેચેગી ?' પિતાનો આવો પ્રતિભાવ સ્વાભાવિક હતો, કારણ કે તેમના સમાજમાં બધાથી વિરુદ્ધ જઈને નીતુને એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા કોટા મોકલેલી. તેની ફીના પૈસા મેળવવા તેમણે પોતાના કેટલાક પશુઓ વેચવા પડયા હતા અને આજે ચાર વર્ષના આવા ઉચ્ચ અભ્યાસ પછી તે પશુઓ વેચવા માગે છે અને તે પણ ઑનલાઇન !

હરિયાણાના હિસારની વતની કીર્તિ જાંગડાના પિતા સરકારી કર્મચારી છે. તેના ઘરે પહોંચવાના સમાચારથી સહુ ઉત્સાહમાં હતા. તેણે ઘરે જઈને કહ્યું કે તે અમેરિકા પાછી જવાની નથી. તેણે નક્કી કર્યું છે કે તે પશુઓનું ખરીદ-વેચાણ કરશે. તેના પિતાએ આઘાત પામતા કહ્યું, 'શું આને માટે તને આઈ.આઈ.ટી. દિલ્હીમાં ભણાવી હતી ? જો તારે પશુઓના ખરીદ-વેચાણનો જ વ્યવસાય કરવો હતો તો આટલું ભણી શા માટે ?' બંનેના પરિવારજનોના આવા પ્રતિભાવ છતાં નીતુ અને કીર્તિ પોતાના આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા હતા. આ વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. જેણે જેણે સાંભળ્યું તે લોકોએ તેને હાસ્યાસ્પદ નિર્ણય ગણાવીને કહ્યું - 'ઇન્ટરનેટ પર ભેંસ કેવી રીતે વેચાય ?', 'મજાક કરી રહ્યા લાગે છે', 'દિમાગ ઘાસ ચરને ગયા હૈ તુમ લોગો કા.' આવા અનેક મ્હેણાંટોણાં વચ્ચે એનિમૉલ ડોટ ઇન એપ શરૂ થઈ. નીતુ અને કીર્તિ સાથે અનુરાગ બિસોઈ અને લિબિન વી બાબુ પણ જોડાયા. નીતુ અને કીર્તિએ હજારો  ખેડૂતો સાથે વાત કરી અને જાણ્યું કે પશુઓનું બજાર ઘણું અસંગઠિત છે. તેની શરૂઆત ૨૦૨૦માં અનુપમ મિત્તલ પાસેથી મળેલા પચાસ લાખના પ્રિ-સીડ ફંડિંગ સાથે થઈ. ત્રણ મહિના પછી સિંગાપોરની બીનેક્સ્ટ અને મુંબઈની વેહ વેન્ચર્સ દ્વારા પોણા છ કરોડનું ફંડિંગ મળ્યું.

આ દરમિયાન બન્યું એવું કે નવલપુરાના સોળ વર્ષના રામપાલે સ્કૂલે જવાનું છોડી દીધું હતું. એણે ચોવીસ કલાકમાં ત્રણ ગાય વેચી દીધી જે વેચવા માટે તેના પિતા એક મહિનાથી કોઈ ખરીદનારને શોધી રહ્યા હતા. નીતુ યાદવના પિતા ઉપર ભેંસ ખરીદવા માટે એક ફોન આવ્યો કે એ તેમની ભેંસ લેવા માગે છે અને ભેંસ વેચાઈ ગઈ. પિતાએ નીતુને ફોન કરીને ગૌરવપૂર્ણ અવાજમાં કહ્યું, 'ભેંસ બિક ગઈ.' ધીમે ધીમે સફળતા મળતી ગઈ અને સિકોઈયા, ઓમનિવોર, રોકેટશિપ નેક્સસ અને એસઆઈજી જેવા મૂડીરોકાણકારો પાસેથી ૧૬૭ કરોડ રૂપિયા મેળવ્યા. નીતુ કહે છે કે ડેરી ફાર્મિંગ એ ભારત માટે ઘણી મોટી રોજગારી ઊભી કરનારું ક્ષેત્ર છે. તેને તેઓ હજી વિશાળ બનાવવા માગે છે. આજે તેઓ તેમના વ્યવસાયને હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સુધી વિસ્તાર્યો છે. 'એનિમોલ ડોટ ઇન' એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે. આ એપ સો કિમી.ના વિસ્તારમાં આવેલા પશુ વિક્રેતાઓ અને ખરીદનારાઓની માહિતી આપે છે, જેનો સરળતાથી સંપર્ક કરી શકાય છે અને તેની કિંમત અંગે પણ વાતચીત કરી શકાય છે.પશુઓના સ્વાસ્થ્ય સંબંધી વિગતો માટે પશુચિકિત્સક સાથે પરામર્શન કરી શકે છે. ભારતમાં ત્રીસ કરોડ ગાય-ભેંસ છે અને સાડા સાત કરોડ ડેરી ફાર્મર છે. આ એપ પર અત્યારે આશરે પોણા બે લાખ પશુઓ વેચવા માટે રજિસ્ટર્ડ થયા છે. અત્યાર સુધીમાં ચાર હજાર કરોડની કિંમતના સાડા આઠ લાખ પશુઓ વેચાયા છે અને ૫૬૫ કરોડ રૂપિયાની આવક થઈ છે. નીતુ અને કીતનો હેતુ ડેરી ફાર્મરના જીવનમાં સુધારો લાવવાનો તેમજ અત્યાર સુધી અનિયમિત અને અસંગઠિત રહેલા પશુ વ્યાપાર અને ડેરી ઉદ્યોગોને આકર્ષક બનાવવાનો છે. તેઓ બીજી શ્વેત ક્રાંતિ લાવવા માંગે છે. કેટલાક ખેડૂતો કહે છે કે 'આ એપ નથી, એક આંદોલન છે.'


Google NewsGoogle News