Get The App

ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે!

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'કામનાઓનાં ઉપભોગથી કામનાઓ શમિત થતી નથી, પરંતુ ઘીની આહુતિ અર્પતા વધારે પ્રજ્વલિત થતા અગ્નિની માફક કામનાઓ ઉપભોગથી વધુ પ્રદિપ્ત થાય છે.'

સ ત્સંગ પૂર્વેની સજ્જતા માટે ચાર બાબતો આવશ્યક છે. એમાંથી ત્રણ બાબતો અર્થાત્ આંખમાં શ્રદ્ધા, અંતરમાં આરત અને ભીતરમાં પરિવર્તન વિશે જોઈ ગયા. આજે એના ચોથા સોપાનનો આપણે વિચાર કરીએ છીએ અને તે છે જીવનમાં યોગનો ભાવ અને એ યોગનો ભાવ સર્જવા માટે શું આવશ્યક છે ? સુભાષિતમાં કહેવાયું છે,

साधूनां दर्शनं पुण्यं तीर्थभूता हि साधवः।

कालेन फलते तीर्थ सदाः साधुमागमः ।।

'સાધુજનોનાં દર્શન પુણ્યકારક છે, કારણ કે સાધુજનો તીર્થ જેવા છે. તીર્થયાત્રા તો કાળે કરીને એટલે સમય જતાં ફળ આપે છે, જ્યારે સાધુજનોનો સમાગમ તો તરત જ ફળ આપે છે. આ રીતે સત્સંગ કરવાથી જીવનનાં અર્થો સમજાય છે. આનું કારણ શું છે ?

આનું કારણ માનવીના જીવનની પરિસ્થિતિ છે. એની પાસે જિંદગીમાં વિચારવા કે વિસામો ખાવાનો વખત નથી, ઘોંઘાટ અને તીવ્ર ગતિથી એ ઘેરાઈ ગયો છે અને આ સંદર્ભમાં આજના માનવીની સ્થિતિ વિશે આપણા વિદ્વાન હરિભાઈ કોઠારીએ માર્મિક રીતે આ સઘળી વાતો જણાવી છે કે, અવકાશ, મોકળાશ કે હળવાશ જેવા શબ્દો એના માટે પરાયા બની ગયા છે. યોગ કે સંયોગની અવગણના કરતો આજનો માનવ અનેક પ્રકારના રોગનો ભોગ બની ગયો છે.

પળવાર થોભીને જો જીવન કે જગતને જોવા, જાણવા કે સમજવાનો આપણને સમય જ ન હોય તો એવા ઉપલકિયા અને ચિંતાગ્રસ્ત જીવનથી શો ફાયદો ? પ્રકૃતિ (કુદરત)નું નિરાંતભર્યું સાન્નિધ્ય સેવ્યા સિવાય આપણી તબિયત (પ્રકૃતિ) કે આપણો સ્વભાવ (પ્રકૃતિ) સ્વસ્થ રહી શકે નહીં.

ગતિના પાગલપને માણસની દ્રષ્ટિને ધૂંધળી બનાવી દીધી છે તો ઘોંઘાટના પ્રદૂષણે એની વિચારશક્તિને બુઠ્ઠી બનાવી દીધી છે. પરિણામે જડતા જ જાણે જીવનનો પર્યાય બની ગઈ હોય એવું લાગે છે. પગે ચાલનાર માણસ જેટલું નિહાળી શકે તેટલું સાઇકલ-સવાર નિહાળી શકતો નથી. મોટરકારમાં ફરનાર એથી પણ ઓછું નીરખી શકે છે તો હવાઈ જહાજ તો માણસને હવામાં જ ઉડાડે છે. ગતિની તીવ્રતા વધે તેટલી દ્રષ્ટિની ક્ષમતા ઘટે. ધૂમકેતુએ ક્યાંક લખ્યું છે કે, 'માણસે પોતાની ગતિ વધારવા ઘોડાનો ઉપયોગ શરૂ કર્યો, પરંતુ જ્યારથી માણસને ઘોડો સાંપડયો ત્યારથી માણસ ગધેડો બની ગયો હોય તેવું લાગે છે !

શાંતિ, સમાધાન, સંતોષ સહજતા - આ બધી વાતોનું જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે, પરંતુ માનવ એ હકીકતને સદંતર વીસરી ગયો હોય તેવું લાગે છે. ઊંઘ વેચીને ઉજાગરા ખરીદવાનું એને માફક આવી ગયું લાગે છે.

ભીતરથી ભગ્નાવશેષ થયેલો આ માનવ પોતાની આંતરિક કંગાલિયતને છૂપાવવા માટે ઘણી વાર બહારના વિશ્વમાં આંધળી દોટ મૂકે છે. પોતાના વ્યક્તિત્વની ઊણપને બાહ્ય વૈભવ કે વસ્તુઓની વિપુલતાથી ભરવાનો તે મિથ્યા પ્રયાસ કરે છે. આવા માનવને કહેવું પડે કે :

છો હંફાવે હિમાલયને કે

ગગનગોખને આંબે તું,

પણ અંતરના આવાસે એકલ

થોભ, નહીં તો થાકી જઈશ !

હિમાલયના શિખરને કે ગગનગુંબજને આંબવાની હામ રાખનારો માનવ પોતાના અંગત જીવનમાં મૂઠીભર પણ ઊંચો ઊઠી શક્તો નથી. બહિર્મુખી પ્રતિભા પાછળ પાગલ બનેલો માણસ પોતાનો આંતરવૈભવ ખોઈ બેઠો છે. પોતાની જાત સાથે બેસવાનું જોખમ ખેડવાની હામ એ હારી બેઠો છે. 'જે જાતને જીતે તે જગતને જીતે' અને 'જે જાતને પામે તે જગદીશને પામે' એ ન્યાયે જગત કે જગદીશને સમજવા કે પામવાની કલા પોતાની જાતના સાન્નિધ્યમાંથી જ પ્રગટે છે.

એકાંતથી અકળાતો માણસ ભીડમાં ભળી જવા ઉતાવળો થાય છે. ભીડમાં પોતાની જાતને ભૂલવી સહેલી છે, પરંતુ આવા પ્રકારની આત્મવિસ્મૃતિથી માણસ આત્મસાક્ષાત્કાર શી રીતે પામી શકે? પોતાનાથી ભાગનારો પામર માણસ કદી પરમ (તત્ત્વ)ને પામી શકતો નથી.

આથી જ શાસ્ત્રોએ કહ્યું છે કે, 'કામનાઓનાં ઉપભોગથી કામનાઓ શમિત થતી નથી, પરંતુ ઘીની આહુતિ અર્પતા વધારે પ્રજ્વલિત થતા અગ્નિની માફક કામનાઓ ઉપભોગથી વધુ પ્રદિપ્ત થાય છે.' કેટલાક માનવીઓ લોભમાં લપટાય છે અને જીવનની ઉંચાઈ ખોઈ બેસે છે. 'લોભ: પાપસ્ય કારણમ્ ।' અર્થાત્ 'લોભી માણસ કોઈ પણ પ્રકારનું પાપ કરતા અચકાતો નથી. આંખ મીંચીને દૂધ પીતી બિલાડીને લાકડી લઈને પાછળ ઊભેલો માણસ દેખાતો નથી તેમ લોભ-લાલચમાં આંધળા બનેલા માણસને સત્ય દેખાતું નથી.'

સત્સંગના વિષયમાં એક આગવો વિચાર જોઈએ. ભારતીય તત્ત્વ વિચારધારામાં પ્રત્યેક સંતોએ સત્સંગનો મહિમા કર્યો છે, પરંતુ શ્રીમદ્ રાજચંદ્રએ એ સત્સંગ-વિચારમાં નવીન દર્શન આપ્યું છે, પરિણામે સત્સંગ એ માત્ર જ્ઞાાનયોગ કે ભક્તિયોગ સુધી સીમિત રહેવાને બદલે સાધકના અંતરંગ જીવનનું પરિવર્તન સાધીને એના આત્માને સત્યરંગથી પરિપ્લાવિત કરે છે. મોક્ષસાધનામાં સત્સંગને માનભર્યું સ્થાન આપે છે.

પ્રત્યેક ક્રાંતદ્રષ્ટા વિભૂતિ તત્ત્વવિચારને પોતીકી મૌલિક દ્રષ્ટિથી જુએ અને મૂલવે છે. એ રીતે શ્રીમદ્ રાજચંદ્રે સત્સંગને સાચા સુખની ગંગોત્રી કહીને એને આધ્યાત્મિક જીવનવિકાસના આવશ્યક અંગરૂપ દર્શાવ્યું છે. સ્વયં શ્રીમદ્ રાજચંદ્રજીએ જોયું કે જીવનમાં જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ તેઓ જીવનને અનાસક્ત ભાવે જોતા થયા. એમણે નોંધ્યું છે કે, 'જીવનમાં સાચું સુખ રાગમાં નહીં પણ વાસ્તવિક સુખ વિરાગમાં છે.' માણસની પ્રવૃત્તિ આ વિરાગ દ્રષ્ટિવાળી હોવી જોઈએ. એ અભિગમથી વ્યક્તિ જીવન જીવે, તો એને માટે ઉપાધિ એ સમાધિ બની જશે. આથી સત્સંગનો મહિમા વર્ણવતી વખતે શ્રીમદ્ રાજચંદ્રે એમ કહ્યું, 'સત્સંગ દ્વારા સાધક ઇચ્છિત સિદ્ધિ પામી શકે છે. જીવનમાં પવિત્ર થવા માટે આ સત્સંગ જ શ્રેષ્ઠ સાધન છે.' 'મોક્ષવાળા'ના ચોવીસમા શિક્ષાપાઠમાં તો તેઓ ત્યાં સુધી કહે છે કે, 'સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહાપાપો કરાવે છે તેમજ આત્માને મલિન કરે છે.' આવી વ્યક્તિ ભલે સંસારની વચ્ચે જીવતી હોય, પરંતુ એની દ્રષ્ટિ તો સંસારમાંથી નિવૃત્તિની હોવી જોઈએ, ત્યાગ અને વૈરાગ્યલક્ષી જીવનઅભિગમ ધરાવતી હોવી જોઈએ. સર્વપ્રથમ આગમ 'શ્રી આચારાંગ સૂત્ર'માં કહ્યું છે, 'કામનાઓ પર વિજય પામનાર વસ્તુત: મુક્ત પુરુષ છે.'

કેટલાક લોકો એમ કહેતા હોય છે કે આજીવિકાની ઉપાધિમાંથી ફુરસદ જ મળતી નથી, ત્યાં વળી સત્સંગનો સમય ક્યાંથી કાઢવો ? કોઈ એવું કારણ આગળ ધરે કે પહેલાં રોજિંદા જીવનની ઘટમાળ - જીવનનિર્વાહ - માટે પુરુષાર્થ કરવાનો હોય, પછી સત્સંગની વાત થાય. પહેલી ચિંતા પેટની હોય, પછી પરમાત્માની વાત. ભૂખ્યા પેટે ભજન ન થાય. શ્રીમદ્ રાજચંદ્રે માનવીના દંભ અને પ્રમાદને બરાબર પામ્યો છે અને એમના જીવનના એક પ્રસંગ દ્વારા એ સોચટ રીતે પ્રગટ થાય છે.

એક વાર તેઓ શ્રી ઝવેરચંદભાઈ શેઠના નિવાસસ્થાને બોધ આપતા હતા. એમની વૈરાગ્યપ્રેરક વાણી સાંભળ્યા પછી પ્રાગજીભાઈ જેઠાભાઈ નામના સજ્જને વ્યવહારની લાક્ષણિક ઢબે કહ્યું,

'સાહેબ ! ભક્તિ તો ઘણી કરવી છે, પણ ભગવાને આપેલું પેટ ખાવાનું માગે છે તેથી કરીએ શું ?'

આ રીતે પ્રાગજીભાઈએ એવું દર્શાવવા પ્રયાસ કર્યો કે માણસને સૌ પ્રથમ અર્થોપાર્જનની જરૂર છે. પહેલાં એનો વિચાર કરવો જોઈએ, પછી આવી આધ્યાત્મિક વાતો થઈ શકે. એ ન હોય, તો આ સઘળી આધ્યાત્મિક વાતોનો કોઈ અર્થ નથી.

પ્રાગજીભાઈના પ્રશ્નનો શ્રીમદ્ રાજચંદ્રે માર્મિક જવાબ આપ્યો. એમણેે કહ્યું, 'તમારા પેટને અમે જવાબ દઈએ તો ?'

પ્રાગજીભાઈએ ભોજન અને આજીવિકાની વાત આગળ ધરી હતી, એ જ વાતને લઈને શ્રીમદ્ રાજચંદ્રે પોતે જેમના નિવાસસ્થાનમાં બિરાજમાન હતા તે શ્રી ઝવેરચંદ શેઠને કહ્યું, 'તમે જે ભોજન કરતાં હો તે પ્રાગજીભાઈને બે વખત આપજો. તેઓ ઉપાશ્રયના મેડા ઉપર બેસીને નિરાંતે ભક્તિ કરે, પણ શરત એટલી કે નીચે કોઇનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય, તો બહાર જોવા જવું નહીં. સંસારની વાતો કરવી નહીં. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી નહીં.' શ્રીમદ્ની આ વાત અને શરત સાંભળીને પ્રાગજીભાઈ બોલ્યા, 'ઓહ! અમારાથી એ પ્રમાણે રહેવાય નહિ.'

આના પ્રત્યુત્તરમાં શ્રીમદે અત્યંત માર્મિક વાત કરી. અધ્યાત્મની અવગણના કરવા માટે ઓઢેલા દંભના આવરણને ભેદી નાખ્યું. એમણે કહ્યું, 'આ જીવન ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું? જીવ આમ છેતરાય છે.'

શ્રીમદ્ રાજચંદ્રજીએ વર્તમાન સમયમાં જોવા મળતી તર્કછલના અને આડંબર જોયાં. એની પાછળનું અજ્ઞાાન અને દંભ પણ જોયાં અને તેથી જ એમણે સાધકને માટે સત્સંગને ઘણું મહત્ત્વ આપ્યું. આ સત્સંગ દ્વારા કોઈ સામાન્ય આનંદની પ્રાપ્તિ નહીં, બલ્કે આત્માનંદની પ્રાપ્તિની વાત કરી. એમની દ્રષ્ટિએ સત્સંગ એટલે જીવનમાં અસંગતા અને આત્મામાં સત્યનિષ્ઠા.


Google NewsGoogle News