Get The App

વિશ્વને દોસ્ત બનાવવા માટે વિસ્મયની આંખો જરૂરી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
વિશ્વને દોસ્ત બનાવવા માટે વિસ્મયની આંખો જરૂરી 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- જીવન તો અનરાધાર વર્ષાઋતુ છે, તેમાંથી કોરાધાકોર પસાર થઈ જવાનો કોઈ મતલબ જ નથી. તેમાં ભિંજાવાનું છે, લથબથ થવાનું છે; પ્રેમથી-મૈત્રીથી, નિષ્ઠાથી-નિસબતથી.

એક ગુલાબ મારું ઉપવન છે,

એક મિત્ર મારું વિશ્વ છે. 

- લેવ બુસ્કાગ્લિયા 

આ અવતરણમાં એક વાક્ય આપણે ઉમેરીએ, મારું વિશ્વ મારું એક મિત્ર છે. અસામાન્ય રહસ્યવાદી અને ભૌતિકશાસ્ત્રી એવા આઈન્સ્ટાઈનને કોઈએ પૂછેલું 'જીવનમાં તમે પૂછી શકો તેવો સૌથી મૂલ્યવાન પ્રશ્ન કયો હોઈ શકે?' ત્યારે તેઓ કહે છે ' આ બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે કે નહીં તે?'

કદાચ, જીવન તો એક તટસ્થ ઊર્જા છે, અવસર છે. જાણે પડઘો  પાડતી ખીણ કે પ્રતિબિંબ પાડતો અરીસો. આપણે બોલીએ તે પડઘાય છે, આપણે હોઈએ તેવા પ્રતિબિંબાઈએ છીએ. દ શાર્ડિંન  કહે છે, આ પૃથ્વી એટલે તો ગોળ છે કે મૈત્રી તેની પરિક્રમ્મા કરી શકે.' અલબત્ત આ જીવન-જગતની પરિક્રમ્મા પ્રારંભીએ ત્યારે સ્વયં ને પૂછીએ કે આ જીવનને મારે સમજવું છે કે પ્રેમ કરવો છે? મારે જીવન જીવવું છે કે તેના વિશે નિબંધ લખવો છે? આપણે જગતથી-જીવનથી  એક સલામત અંતર રાખીને તેની ચિંતા-ચર્ચા કર્યા કરીએ છીએ પણ જીવનના આનંદોત્સવમાં ભાગીદાર થતા નથી. આ બ્રહ્માંડ એક ધબકતું ચૈતન્ય છે, તેની સાથે ભાગીદાર થવાનું છે. તેના નૃત્ય-ગીતમાં સાથીદાર થવાનું છે. આમ કરવાથી રઝળપાટ જાતરા બની જશે. આ વિશ્વને દોસ્ત બનાવવા માટે આપણે તેને વિચારને બદલે વિસ્મય સાથે નિરખવાની જરૂર છે અને તો જ-ત્યારે જ  વિશ્વ બોજને બદલે મોજ લાગશે, ડયુટીને બદલે બ્યુટી લાગશે.

જોઆન્ના મેસી નામની એક બૌદ્ધ પર્યાવરણવાદી છે. તે તો વિશ્વને પ્રેમી તરીકે અનુભવે છે. પરિણામે જીવન આખું એક ડાયનામિક સંગાથ અને રોમેન્ટિક સંવાદ બની જાય છે. જીવન અને ધર્મનું ઐકય અનુભવવા માટે :

વિશ્લેષણ નહીં સંશ્લેષણ,

વિચ્છેદન નહીં સંયોજન,  

અહંકાર નહીં આત્મીયતા, 

હું નહીં આપણે સૌ વાળું દર્શન જીવવું પડે. 

જીવન એટલે પ્રેમ-મૈત્રી જીવવાની અનંત કેડીઓ. પ્રેમ-મૈત્રીમાં અન્યને સમજવાની-ઓળખવાની અનિવાર્યતા નથી. વસંત ઋતુમાં બગીચામાં આવીને કોઈ અજાણ્યું પંખી, અજાણી ભાષામાં, અજાણ્યું ગીત ગાઈ જાય છે. તે સાંભળીને આનંદ-આનંદ છવાઈ જાય છે. પંખી ગાવા વિવશ છે - આપણે આનંદ માટે વિવશ છીએ પણ તે માટે પંખીને સમજવાની જરૂર નથી. જીવન પ્રત્યેનો અહોભાવ અને બ્રહ્માંડ પ્રત્યેનું વિસ્મય તો છે પાવકતાનું અધ્યાત્મ! બ્રમ્હાંડ એક અસીમ અને અગાધ એવો મૈત્રી વિસ્તાર છે. જ્યાં ગંગોત્રી અને ગંગાસાગર, વિષુવવૃત્ત અને ધ્રુવો એક જ ચૈતન્યના આયામો છે. જીવન તો અનરાધાર વર્ષાઋતુ છે, તેમાંથી કોરાધાકોર પસાર થઈ જવાનો કોઈ મતલબ જ નથી. તેમાં ભિંજાવાનું છે, લથબથ થવાનું છે; પ્રેમથી-મૈત્રીથી, નિષ્ઠાથી-નિસબતથી. સલામત છત કે છત્રી નીચે ઉભા-ઉભા નિરીક્ષણ કે પરીક્ષણમાં  જીવનનો વ્યય જ થાય છે. અંગ્રેજી ભાષાની અફલાતૂન કવિયત્રી મેરી ઓલીવર કહે છે;

આપણી પાસે પ્રશ્ન એક જ છે; 

આપણે જીવનને પ્રેમ કેવી રીતે કરીશું?

આપણે જગત સાથે મૈત્રી શી રીતે કરીશું? 

જીવન એક પ્રેમી કે પ્રેમિકા છે, જગત એક જીગરજાન અને જાજરમાન દોસ્ત છે તેમ!


Google NewsGoogle News