130 વર્ષ પહેલાંનો વિશ્વમૈત્રીનો પ્રતાપી અને જાજરમાન અવાજ સાવ વિસરાઈ ગયો!

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
130 વર્ષ પહેલાંનો વિશ્વમૈત્રીનો પ્રતાપી અને જાજરમાન અવાજ સાવ વિસરાઈ ગયો! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

આ જે અનેક દેશોમાં રંગેચંગે વિશ્વમૈત્રી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિશ્વમૈત્રીના એક વિસરાઈ ગયેલાં બુલંદ પ્રતાપી અવાજને યાદ કરીએ. આશ્ચર્ય અને આઘાતની બાબત એ છે કે આજથી ૧૩૧ વર્ષ પૂર્વે વિશ્વમૈત્રી કાજે ગુજરાતના મહુવામાં જન્મેલા એ ૨૯ વર્ષના ગુજરાતી યુવાને વિશ્વ ધર્મ પરિષદમાં વિશ્વમૈત્રીની ભાવના વિશે ઉદ્બોધન કર્યું હતું. સૌરાષ્ટ્રના મહુવામાં જન્મેલા વીરચંદ રાઘવજી ગાંધીએ વિશ્વ ધર્મ પરિષદમાં અમેરિકાના નૂતન વિશ્વને ભારતીય દર્શનોની સાથોસાથ ભારતની વિશ્વમૈત્રીની ભાવનાનો ઉદઘોષ કર્યો હતો. એ જ પરિષદમાં સ્વામી વિવેકાનંદે 'સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા' કહીને પોતાના ભાવપૂર્ણ સંબોધનથી સહુનાં મન હરી લીધાં હતા.

બરાબર એ જ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ પણ એવી અસાધારણ સિદ્ધિ મેળવી, પરંતુ સ્વામી વિવેકાનંદનો પ્રભાવ સર્વવ્યાપી બન્યો. જ્યારે વીરચંદ ગાંધીનો પ્રભાવ એનો જૈન સમાજ પણ પારખી શક્યો નહીં. એ સમયે પહેલાં તો વીરચંદ ગાંધીએ કહ્યું કે, 'અમે મહારાણી વિક્ટોરિયાના પ્રજાજન છીએ. આથી અમે સ્વાધીન રાષ્ટ્ર હોવાનો ગર્વ લઈ શકતા નથી, પરંતુ જો અમે સ્વતંત્ર હોત તો વિશ્વનાં બધાં રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી હોત.'

એ પછીના એમના યાદગાર શબ્દો જોઈએ. એમણે કહ્યું, 'અમે તો સહુનું સન્માન કરવામાં માનીએ છીએ, નહીં કે કોઈના અધિકારો લઈ લેવા અગર તો કોઈની ભૂમિ પર આક્રમણ કરીને ઝડપી લેવી. અમે તો રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કુટુંબભાવ અને ભાતૃભાવ કેળવવામાં માનીએ છીએ અને સમગ્ર માનવજાતિની એકતા ઝંખીએ છીએ.'

પ્રિય વાચક ! જરા થોડી ક્ષણો ઊભા રહીને વિચાર કરો. ભારત ગુલામીથી કચડાયેલું હતું, તેવા સમયે ઈ.સ. ૧૮૯૩માં વીરચંદ ગાંધીએ કરેલી ભવ્ય ઘોષણાનો વિચાર કરો. આઝાદી મળી તે પૂર્વે છ દાયકા અગાઉ એમણે કેવું ક્રાન્તદર્શન કર્યું, તેની જરા કલ્પના કરો !

એ સમયે એમણે અમેરિકન લોકોની સભામાં કહ્યું, 'મારું ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે, પણ ભારત સ્વતંત્ર થશે, ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહીં કરે.' વિચાર કરો કે ભારત અહિંસાના માર્ગે આઝાદી મેળવશે અને વિશ્વ સાથે શાંતિમય સહઅસ્તિત્વની સ્નેહ ગાંઠ બાંધશે એમ કહ્યું.

જરા કલ્પના તો કરો કે, '૧૮૯૩માં એ સમયે ગાંધીજી એ માત્ર બેરિસ્ટર હતા અને એ સમયે ગાંધીજી સાથે મુંબઈમાં એક ઓરડીમાં સાથે રહેનાર વીરચંદ ગાંધીએ કેવું અદ્ભુત ભવિષ્યકથન કર્યું છે. એમની ભાવનામાં સચ્ચાઈ હતી, તો એ ભાવના સાકાર થઈ ત્યારે સત્ય ઉભરી આવ્યું.'

એમણે વિશ્વધર્મનાં તમામ પ્રતિનિધિઓ સમક્ષ પોતાના પ્રવચનમાં કહ્યું, સંસ્કૃત ભાષામાં અમારા એક કવિએ કહ્યું છે, 'આ મારો દેશ છે એવો સંકુચિત વિચાર સ્વાર્થી લોકો જ કરે છે. ઉદાર મનવાળા લોકો તો માને છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ માત્ર છે.'

એક ગુજરાતથી આવેલા જૈન ધર્મના પ્રતિનિધિ એવા વીરચંદ ગાંધીએ જ્યારે 'વસુધૈવ કુટુમ્બકમની વિશ્વમૈત્રીની - વાત કરી હશે, ત્યારે કેવું વાતાવરણ સર્જાયું હશે ? એમણે માથે સોનેરી કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળા પગરખા પહેર્યા હતા. એવા આ કાઠિયાવાડી યુવાનની ભીતરની ભાવનાઓએ કેવો પ્રભાવ પાડયો હશે. ઊંચું ભરાવદાર શરીર, સુદઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને પ્રતિભાસંપન્ન શાંત પ્રકૃતિથી વિશ્વ ધર્મ પરિષદની પહેલી હરોળમાં બેઠેલા ગાંધી એમના દેશી પોશાકમાં આગવો પ્રભાવ પાડતા હતા.

અમેરિકાના ન્યૂઝપેપરો અને સામયિકોમાં એમના વિચાર, આચાર અને વક્તવ્યના વખાણ થયા. એમના કેટલાંક ભાષણમાં તો દસ-દસ હજાર વ્યક્તિઓ ઉપસ્થિત હતા. કેટલાક તો ભાષણ સાંભળવા માટે ખાસ ટ્રેનમાં બેસીને આવતા હતા. શિકાગોની ધર્મસભામાં રૂપાનો અને કાસાડાગા શહેરના સમાજે પ્રજા તરફથી એમને એક સુવર્ણચંદ્રક આપ્યો હતો.

એમણે વિશ્વને પહેલી વાર સર્વ આત્માની સુખાકારીની ભાવના સમજાવી. એમણે કહ્યું કે, 'દેહ અને આત્માની સંપૂર્ણ કેળવણી આપે એવી આત્મશોધનની પદ્ધતિ અપનાવવી જોઈએ. જેને પરિણામે વૈશ્વિક સુખાકારી થાય અને અનંતની ઓળખ પ્રાપ્ત થાય. 

આ ભાવના સિવાયનો કોઈ પણ ઉપદેશ એ સફળ થવાનો નથી. આત્મશોધનની ભાવના હશે તો જ જગતની જુદી જુદી ભૂમિ પર વસતા તમામ લોકોનો સહયોગ સાધી શકાશે અને એ દ્વારા આપણે વિશ્વને વધુ બહેતર બનાવી શકીશું.'

અમેરિકામાં વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાનોની વર્ષા સતત ચાલતી રહી. પાંચસોથી વધુ વ્યાખ્યાનો કર્યા. એ સમયે ભારતમાં પાદરીઓ દ્વારા ચાલતી વટાળપ્રવૃત્તિનો વીરચંદ ગાંધીએ વિરોધ કર્યો હતો અને સાથોસાથ વિશ્વ ધર્મ પરિષદમાં અનેક ઉદાર ભાવો સુંદર રીતે વ્યક્ત થયા તેનો આનંદ અભિવ્યક્ત કર્યો. વિશેષ તો આ વિચારોમાં અંધવિશ્વાસ કે કટ્ટરતા નથી એમ કહ્યું અને સમાપન પ્રવચનમાં બોલ્યા, 'ભાઈઓ અને બહેનો ! હું આપને પ્રાર્થના કરું છું કે ભિન્ન ભિન્ન ધર્મોને ગહનતાથી જોવા પ્રયત્ન કરશો. હાથી અને સાત આંધળાની વાતમાં એવું આવે છે કે જે હાથીના પગને જુએ છે તેને હાથી થાંભલા જેવો લાગે છે. જે એના કાનને જુએ છે એને સૂપડા જેવો લાગે છે. એ રીતે કોઈ પણ ધર્મનો અંધવિશ્વાસ અને પક્ષપાતની દ્રષ્ટિથી વિશ્વાસ કરવો એ અનુચિત ગણાશે.'

આજે વર્તમાન સમયે ધાર્મિક કટ્ટરતા અને ધર્મઝનૂન બેફામ વધી રહ્યા છે, ત્યારે વીરચંદ ગાંધીએ આપેલું એ દ્રષ્ટાંત આરસમાં કોતરી રાખવા જેવું છે. એમણે કહ્યું, 'મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ હજ કરવા માટે મક્કા જતું હતું. રસ્તામાં પોર્ટુગીઝોએ એ વહાણને આંતરીને કબજે કર્યું. વહાણમાં કરેલી લૂંટને પરિણામે મળેલા સરસામાનમાં પવિત્ર ક ુરાનની કેટલીક પ્રતો હતી, જે કૂતરાઓના ગળે બાંધીને એમને ઓરમુઝ શહેરની શેરીઓમાં ફેરવવામાં આવ્યા. બન્યું એવું કે પોર્ટુગીઝોએ કબજે કરેલું જહાજ સમ્રાટ અકબરના સૈનિકોએ પકડયું અને એમને એમાંથી બાઈબલની કેટલીક પ્રત મળી. અકબર એની માતાને ચાહતો હતો અને એની માતા ચુસ્ત મુસલમાન હતી. એમણે જ્યારે જાણ્યું કે ખ્રિસ્તીઓના હાથે પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન થયું છે ત્યારે એણે વિચાર્યું કે અકબર બાઈબલ સાથે એ જ રીતે વર્તાવ કરે.

આ સમયે અકબરે કહ્યું, 'માતા, પેલા અજ્ઞાાની લોકો પવિત્ર કુરાનની મહત્તા સમજતા નહોતા. એમણે દાખવેલી વર્તણૂક એ એમની અજ્ઞાાનતાનું કારણ હતી, પણ હું તો કુરાન અને બાઈબલ બંનેની મહત્તાથી પરિચિત છું, આથી હું એવા અજ્ઞાાની લોકો જેવો વ્યવહાર કરી શકું નહીં.'

સંયોગ તો એ છે કે ૧૯૯૩ની વિશ્વધર્મ પરિષદની શતાબ્દી વખતે મને નિમંત્રણ મળ્યું હતું અને એ સમયે મેં વીરચંદ રાઘવજી ગાંધી વિશે પ્રવચન આપ્યું હતું, તેમજ પરિષદની બહાર સ્ટોલમાં વીરચંદ ગાંધીની અર્ધપ્રતિમા રાખી હતી. આજે જગતમાં એકબીજાના ધર્મોને સમજવા માટે ઈન્ટરફેઈથ મુવમેન્ટ ચાલે છે, ત્યારે આજથી ૧૩૧ વર્ષ પૂર્વે અમેરિકાની પરાઈ ધરતી પર એ ભાવના પ્રગટ કરનાર આ ગુજરાતી યુવક વીરચંદ ગાંધીએ પ્રબોધેલી વિશ્વ મૈત્રીની વાત જ્યારે નગુણુ ગુજરાત અને ખુદ એમનો સમાજ ભૂલી ગયો છે, ત્યારે બીજાની તો વાત શી કરવી ? પરંતુ એ વીરચંદ ગાંધીનો વિશ્વમૈત્રીનો અવાજ પામીને યુદ્ધ અને ધર્માંધતાથી ભરેલું આજનું સંઘર્ષમય વિશ્વ સાચા રાહે ચાલે 

તો ય ઘણું.'

ક્ષણનો સાક્ષાત્કાર

'જિંદગીના આ ચાલી રહેલા નાટકનો અંત નિશ્ચિત છે. આ નશ્વર શરીર એક દિવસ બળીને ખાખ થઈને માટીમાં ભળી જવાનું છે. જેનો ભરોસો નથી એવી જિંદગી પર એતબાર કરવાનો શો અર્થ ?

તમારી આસપાસ આવું વિચારનારી ઘણી વ્યક્તિઓ હશે. કેટલાક પોતાની જિંદગીની નિષ્ક્રિયતાને ઢાંકવા માટે આવી દલીલથી ઢાંક-પિછોડો કરતા હોય છે. એમને આપણે જવાબ એ છે કે જો અંતે ધૂળમાં જ મળી જવાના છો, તે ભલે સાચું હોય, પણ તો અત્યારે શા માટે ધૂળમાં જ પડયા રહો છો. જિંદગીને ધૂળધાણી કરી રહ્યા છો? હકીકતમાં તો જિંદગીનો રસ્તો સમયના માર્ગ પર સદ્ગુણોની પુષ્પમાળા સાથે સત્કર્મનાં છાંયડે પસાર થતો હોય છે. પ્રસિદ્ધ અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સે કહ્યું હતું કે, 'આ કર્મપ્રધાન દુનિયા છે. અહીં નિરુત્સાહી અને આળસુ લોકોને માટે કોઈ જગા નથી.' 'શ્રીમદ્ ભગવદ્ગીતા' પણ કર્મયોગની વાત કરે છે.

મનઝરૂખો

વર્ષો પૂર્વે અમેરિકામાં ગુલામ તરીકે આવેલા એક આફ્રિકનનો પૌત્ર જ્હોન ઍચ. જ્હૉન્સન આરકાન્સાસ શહેરની નજીકના ગ્રામ વિસ્તારમાં જન્મ્યો હતો. એ છ વર્ષનો હતો, ત્યારે એના પિતા લાકડા વહેરવાનાં કારખાનાંમાં અકસ્માત થતાં મૃત્યુ પામ્યા અને માતા તથા સાવકા પિતાને હાથે જ્હૉન્સનનો ઉછેર થયો. ભણવાની ધગશ હોવાથી જ્હૉન્સન હાઈસ્કૂલમાં દાખલ થયો, પણ એના લઘરવઘર કપડાં અને એની ગામડિયા રીતભાતને કારણે સહુ કોઈ એને મહેણાં-ટોણાં મારતાં અને સતત પજવતા હતા, અભ્યાસની સાથે એક ઑફિસમાં કામ કરવા લાગ્યો, જેમાં એનું એક કામ દર મહિને નીકળતા સામયિકમાં લેખો લખવાનું હતું. આમાંથી એને પોતાનું સામયિક કાઢવાનો આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. માતાની ૫૦૦ ડોલરની લોન દ્વારા એણે ૧૯૪૨માં 'નિગ્રો ડાઈજેસ્ટ' નામનું સામયિક શરૂ કર્યું અને એના ડાયજેસ્ટમાં એ આફ્રિકન-અમેરિકન ઈતિહાસ, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક સમસ્યાઓ વિશે લેખો પ્રગટ કરતો હતો. છ મહિનામાં તો સામયિકના વેચાણનો આંકડો પચાસ હજાર સુધી પહોંચ્યો અને એક સમયે એની એક લાખ પ્રત વેચાતી હતી. એ પછી જ્હૉન્સને અમેરિકાના 'લાઈફ' મેગેઝિન જેવું 'ઈબોની' પ્રગટ કર્યું. ત્યારબાદ 'ટાન' અને 'જેટ' જેવા કેટલાય સામયિકો પ્રગટ કર્યા અને પોતાના વિદ્યાપુરુષાર્થથી સફળતાના શિખરો સર કર્યા.


Google NewsGoogle News