Get The App

બાર હજાર વર્ષ પહેલાં સ્ત્રીઓ 'હેન્ડબેગ' વાપરતી હતી?

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
બાર હજાર વર્ષ પહેલાં સ્ત્રીઓ 'હેન્ડબેગ' વાપરતી હતી? 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

આ જે ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી જોવા મળશે, જેના હાથમાં હેન્ડબેગ જોવા ન મળે. પરંતુ જો કોઈ તમને એમ કહે કે હેન્ડબેગની શોધ, આજથી બાર હજાર વર્ષ પહેલા થઈ હતી! તો કદાચ તમે માનશો નહીં! કદાચ માનશો તો પણ આશ્ચર્ય જરૂર થશે. તાજેતરમાં કેટલાક આર્કિયોલોજીસ્ટે પ્રાચીન સભ્યતાના નિશાનમાં હેન્ડબેગના ચિત્ર શોધી કાઢયા છે. જે પથ્થર ઉપર કોતરવામાં આવ્યા છે. જેનો અભ્યાસ કરી   નિષ્ણાતો એક નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે 'પ્રાચીન સભ્યતામાં સ્ત્રીઓ હેન્ડબેગ વાપરતી હતી. એટલું જ નહીં, તેમાં સૌંદર્ય પ્રસાધનો પણ રહેતા હતા.' ૨૧મી સદીમાં હેન્ડબેગને સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રતિક તરીકે જોવામાં આવે છે. જો દસ-બાર હજાર વર્ષ પહેલા, સ્ત્રીઓ હેન્ડબેગ વાપરતી હતી, એ વાત પણ પ્રાચીન કાળમાં સ્ત્રી સ્વાતંત્ર્યને ઉજાગર કરે છે. સ્ત્રીઓની હેન્ડબેગ માત્ર કલાત્મક વસ્તુ નથી. તેમાં સર્જનાત્મકતાનો પણ સમન્વય થયેલો છે. જો તમારો સ્વભાવ શંકાશીલ હશે, તો એક પ્રશ્ન તમારા મનમાં જરૂર ઉઠશે કે 'નિષ્ણાતોએ કયા આધાર ઉપરથી નક્કી કર્યું કે સ્ત્રીઓ છેલ્લા ૧૨ હજાર વર્ષ પહેલા પણ હેન્ડબેગ વાપરતી હતી?

હેન્ડબેગનાં ઇતિહાસનું વિહંગાવલોકન

સ્ત્રી હેન્ડબેગ્સનો લાંબો અને રસપ્રદ ઇતિહાસ છે. સાદા પાઉચથી લઈને અત્યાધુનિક એક્સેસરીઝ સુધી, હેન્ડબેગ્સ સદીઓથી નોંધપાત્ર રીતે વિકસિત થઈ છે. સાહિત્યમાં સ્ત્રીનું પાત્ર લેખન કરતી વખતે, સ્ત્રી દ્વારા વાપરવામાં આવતી હેન્ડબેગ પણ, સ્ત્રીના પાત્રને એક નવી ઊંચાઈ આપતું હોય છે. આવું જ એક પાત્ર એટલે જે.કે. રોલિંગની હેરી પોટર શ્રેણીનું એક કાલ્પનિક પાત્ર: હર્માઇની જીન ગ્રેન્જર, જેની પાસે મણકા વાળી, પોટલી જેવી સુંદર હેન્ડબેગ છે. સ્ત્રીઓની હેન્ડબેગનાં ઇતિહાસનું વિહંગાવલોકન  કરીએ તો...

પ્રાચીન કાળમાં પુરૂષો અને સ્ત્રીઓ બંને અંગત વસ્તુઓ વહન કરવા માટે પ્રાણીઓની ચામડી, કાપડ અથવા પાંદડામાંથી બનેલા નાના પાઉચનો ઉપયોગ કરતા હતા. આ પાઉચ ઘણીવાર કમરની આસપાસ પહેરવામાં આવતા હતા અથવા હાથમાં લઈ જવામાં આવતા હતા. મધ્યયુગના યુરોપમાં પુરુષો અને સ્ત્રીઓ બંને પર્સ લઈ જતા હતા, જે ઘણીવાર બેલ્ટ અથવા કમરપટો સાથે જોડાયેલા હતા. 'પાઉચ' અથવા 'ગર્ડલ પર્સ' તરીકે ઓળખાતી, આ થેલીઓનો ઉપયોગ સિક્કા અને અન્ય નાની જરૂરિયાતો વસ્તુઓ લઈ જવા માટે થતો હતો. સ્ત્રીઓનો દરજ્જો અને સૌંદર્ય દ્રષ્ટિની પરખ, તેમની ભરતકામ અને ઝવેરાતથી સુશોભિત હેન્ડબેગ ઉપરથી નક્કી થતો હતો. જેના ઉપરથી હેન્ડબેગવાળી મહિલા, ક્યાં સામાજિક વર્ગમાંથી આવે છે. તે પણ સ્પષ્ટ થઈ જતું હતું. ૧૮મી સદીમાં મહિલાના પોશાક, ફ્રોક, સ્કર્ટ અને ગાઉનમાં ગજવાનો સમાવેશ થવા લાગે તેમ છતાં પણ, સ્ત્રીઓએ હેન્ડબેગનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. જોકે આ બધા જ સમયગાળ દરમિયાન, હેન્ડબેગ વપરાતી રહી હતી પરંતુ તે હેન્ડબેગના નામે ઓળખાતી ન હતી. ઘણીવાર તેને સ્વીટ બેગ તરીકે ઓળખવામાં આવતી હતી. ૧૭મી સદીના અંત ભાગમાં ડ્રોસ્ટ્રિંગ પર્સ, જેને 'રેટિક્યુલ્સ' કહેવામાં આવે છે, તે દેખાવા લાગ્યા હતા. ૧૯મી સદીમાં રેશમ અથવા મખમલની બનેલી નાની ડ્રોસ્ટ્રિંગ હેન્ડબેગ હતી. આ બેગ્સ નાજુક અને ભવ્ય હતી, જે મહિલાઓના કપડાંના ફેશનેબલ સિલેક્શનને પ્રતિબિંબિત કરતી હતી.

તુર્કીનું ગોબેકલી ટેપે

ઈસવીસન પૂર્વે ૯૦૦૦ વર્ષ પહેલા તુર્કીના ગોબેકલી ટેપે સ્થળ ઉપર પ્રાચીન મેગાલિથિક મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા, ટી-આકારના પથ્થરના સ્તંભોને વર્તુળોમાં ગોઠવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ સામાજિક પ્રસંગો અને ધાર્મિક વિધિઓ માટે થતો હતો. જેના ઉપર કોતર કામ કરવામાં આવેલ કેટલીક આકૃતિઓ દર્શાવે છે કે હેન્ડબેગનો વિચાર પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે. જેમાંની કેટલીક રચનાઓમાં કપડાં, બેલ્ટ, લંગોટી અને હેન્ડબેગ જોવા મળે છે. કેટલાક નિષ્ણાતો હેન્ડ બેગનો સંબંધ, બ્રહ્માંડની રચના અને પૃથ્વી સાથેના સંબંધને દર્શાવવાનાં સંકેત તરીકે જુએ છે. ચોરસ આકાર, પૃથ્વી સપાટ છે. તે ભાવ દર્શાવવા માટે વપરાયો હોવાનું નિષ્ણાતો કહે છે. જ્યારે તેની સાથે હેન્ડલ રૂપે જોડાયેલ અર્ધવર્તુળ, એ સમયના લોકોને આધ્યાત્મિકતાનું પ્રતિક હોઈ શકે છે. નિષ્ણાત પોતાની કામનું પૃથક્કરણ કરી રહ્યા છે. પરંતુ ચિત્રમાં દેખાય છે એ વાત સ્પષ્ટ છે કે સ્ત્રીઓના હાથમાં હેન્ડબેગ છે.

પુરાતત્વવિદ અનુમાન લગાવે છે કે આ હેન્ડબેગનો ઉપયોગ, મેકઅપના સાધન, પરફ્યુમ અને હેરબ્રશ જેવી વસ્તુઓ સાચવવા માટે થતો હતો. તુર્કીમાં આવેલા પ્રાચીન મેગાલિથિક મંદિર, ગોબેકલી ટેપેના ખંડેર વચ્ચે કોતરેલા મોટા પથ્થરના સ્તંભો ઊભા છે. આ સ્તંભ ઉપર જે આકૃતિઓ ચિતરવામાં આવી છે તેના હાથમાં હેન્ડબેગ જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો તેમને બાસ્કેટ તરીકે ઓળખાવે છે. જે ચિત્રની આકૃતિ સાથે બંધબેસતું નથી. પુરાતત્વવિદને મેક્સિકો ઈરાક અને દક્ષિણ અમેરિકાના કેટલાક સ્થાપત્યમાં એક સમાન ડિઝાઇન ધરાવતી હેન્ડબેગ જોવા મળે છે. હેન્ડબેગ સભ્યતાનું બીજું શ્રેષ્ઠ ઉદાહરણ, પ્રાચીન ઇજિપ્તીયન હિયેરોગ્લિફિક્સમાં જોવા મળે છે. જેમાં દેવતાઓના હાથમાં એક નાનું, ચોરસ પર્સ છે. જે તેમની સમૃદ્ધિનું પ્રતીક છે. અહીં પુરાતત્ત્વવિદોને, પિરામિડ સંસ્કૃતિમાં ઉપયોગમાં લેવાતી ટોપલીઓ અને ટૂલ બેગના પુરાવા મળ્યા છે. ત્યારે એક સવાલ જરૂર થાય કે એકબીજાથી સ્વતંત્ર રીતે અને અલગ અલગ કાલખંડમાં રચાયેલી આ સંસ્કૃતિમાં, સ્ત્રીઓની હેન્ડ બેગની સમાનતા કેવી રીતે આવી હશે?

આધુનિક હેન્ડબેગ: સ્ત્રીઓની સાથી 

૧૮૪૧માં ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ આધુનિક હેન્ડબેગ સેમ્યુઅલ પાર્કિન્સન દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. મુસાફરી કરતી વખતે તેમની પત્ની પાસે એક બેગની જરૂર હતી જે તેની પત્નીના નાના પર્સ કરતા વધારે વસ્તુઓનો સમાવેશ કરી શકે. તેમની પત્નીને જરૂરિયાત પૂરી કરવા માટે જે ડિઝાઇન તૈયાર કરી તેને હેન્ડબેગ તરીકે ઓળખવામાં આવે છે. આ આવિષ્કાર બાદ, સ્ત્રીઓ અને પુરુષો બંને માટે હેન્ડ બેગ ફેશનનો એક પર્યાય બની ગયું છે. અત્યાર સુધીની સૌથી મોંઘી હેન્ડબેગ, મૌવાડ ૧૦૦૧ નાઇટ્સ ડાયમંડ પર્સ છે. જેની કિંમત ત્રણ કરોડ એંસી લાખ ડોલર છે. ૧૯૪૦ અને ૫૦ના દાયકામાં વિવિધ ડિઝાઇન અને આકારમાં બનેલી ચામડાની હેન્ડબેગ લોકપ્રિય બનવા લાગી હતી. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં દાયકામાં હેન્ડબેગની ડિઝાઇનમાં વધુ વિવિધતા જોવા મળી હતી.જેમાં ફ્રિન્જ અને એમ્બ્રોઇડરી સાથે બોહેમિયન શૈલીઓનો ઉમેરો થયો હતો. ૨૦મી સદીમાં હેન્ડબેગ ડિઝાઇન ગુચી, પ્રાદા અને ફેન્ડી જેવા ઘરેલુ નામ બની ગયા છે. તેમની હેન્ડબેગ વાપરવી એ આજે સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે.

૨૧મી સદીના પૂર્વાર્ધમાં ટેકનોલોજીનો વિકાસ થયો, સ્ત્રીઓની હેન્ડબેગની જરૂરિયાત મુજબ નવું કદ અને આકાર ધારણ કર્યો છે. સ્માર્ટફોન, ટેબલેટ, લંચ બોક્સ, કોસ્મેટિક પ્રસાધનો, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે ઈયરબડ, હેડફોન વગેરેનો સમાવેશ આસાનીથી થઈ જાય, એવી હેન્ડબેગની માંગમાં વધારો થઈ રહ્યો છે. હેન્ડ બેગનો સમગ્ર ઈતિહાસ જાણ્યા પછી એટલું સમજાય છે કે હેન્ડબેગ્સ માત્ર વ્યવહારિક હેતુઓ માટે જ નથી. ફેશન અને વ્યક્તિગત અભિવ્યક્તિનું પ્રતીક પણ છે. ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે, ઇતિહાસના પુરાવાઓ શોધવાનું કામ એટલે કે આરકિયોલોજીસ્ટ એટલે કે પુરાતત્વવિદ કરે છે. જેમને મળેલા પુરાવાઓ બતાવે છે કે હેન્ડબેગ સાથે મહિલાઓનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. રાજ્ય સ્થાપત્યની દિવાલ કોતરણીમાં સંશોધકોએ ચોરસ આકાર અને ટૂંકા અર્ધવર્તુળ આકારના હેન્ડલ સાથેની કોતરણીકામવાળા ચિત્રો શોધી કાઢયા છે. જેમાંના કેટલાકની રચના આજથી ૧૨ હજાર વર્ષ પહેલાં થઈ હતી.

ઇતિહાસકારને વાંધો છે

ઇજિપ્ત હાઇરોગ્રાફીમાં દિવાલ ઉપરની એક રચનામાં પીછા વાળી પાંખો ધરાવતી જીનીનું ચિત્ર છે. કેટલાક પુરાતત્વવિદાઓ કર્યો છે કે તેના હાથમાં હેન્ડબેગ છે. તેમની આ દલીલ સાથે ઘણા નિષ્ણાતો સહમત થયા છે કે હેન્ડબેગનો ઉપયોગ જાદુઈ વનસ્પતિ અને ઔષધીઓ લઈ જવા માટે કરવામાં આવતો હશે. કેટલાક અનુવાદ દર્શાવે છે કે આ હેન્ડબેગમાં માદક પદાર્થો ભરેલા હશે. હેન્ડબેગના બીજા પુરાવાઓ મેક્સિકોમાં વિકસેલી સભ્યતામાં પણ જોવા મળે છે. તુલા, જેને ટોલન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આધુનિક મેક્સિકોના હિડાલ્ગો રાજ્યમાં સ્થિત એક પ્રાચીન મેસોઅમેરિકન શહેર છે. તે ટોલ્ટેક સંસ્કૃતિની રાજધાની હતી, જે ૧૦મી અને ૧૨મી સદી સીઈ વચ્ચે વિકસેલી હતી. આ શહેર તેની પ્રભાવશાળી સ્થાપત્ય રચનાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. તુલાની સૌથી આગવી વિશેષતા એ ક્વેત્ઝાલ્કોઆટલનો પિરામિડ છે. જેને ત્લાહુઇઝકાલપેન્ટેકુહટલીના પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને એટલાન્ટિયન આકૃતિઓથી શણગારવામાં આવેલ છે. એક સમયે પિરામિડની ઉપરના મંદિરની છતને ટેકો આપતી, વિશાળ પથ્થરની યોદ્ધાની મૂર્તિઓ આવેલી હતી. સ્ટાર પિરામિડની ટોચ પર વિશાળ પથ્થરની મૂર્તિઓ તેમની બાજુમાં હેન્ડબેગ પકડેલી આકૃતિઓ જોવા મળે છે. ઈતિહાસકાર ડૉ. ડેવિડ મિઆનોએ તાજેતરના યુટયુબ વિડિયોમાં જણાવ્યું હતું કે : 'એસિરિયન મહેલો પરની આ આકૃતિઓમાં ઘણીવાર માનવ શરીર અને પ્રાણીઓના માથા હોય છે, તેઓને અપકાલુ કહેવામાં આવે છે. ડૉ. ડેવિડ મિઆનો કહે છે કે જેને નિષ્ણાતો હેન્ડબેગ કહે છે તે ખરેખર પવિત્ર જળ લઈ જવા માટેની ડોલ છે. ચિત્રોમાં બતાવવામાં આવેલા માનવ શરીર અને પ્રાણીના ચહેરાવાળા પાત્ર, માનવ સભ્યતાની રક્ષા કરનાર નાના દેવતાઓ છે. જેમના વિશેની માહિતી પ્રાચીન લખાણોમાં જોવા મળે છે. ટૂંકમાં એમ કહી શકાય કે પુરાતત્વવિદ અને ડૉ. ડેવિડ મિઆનો જેવાં ઇતિહાસકાર વચ્ચે હેન્ડબેગ જેવી દેખાતી આકૃતિને લઈને મતભેદ ઊભા થયા છે. પુરાતત્વવિદનો  વિશાળ વર્ગ, આકૃતિના ચહેરાના હાવ ભાવ અને બેગ પકડવાની  સ્ટાઇલ ઉપરથી, તે હેન્ડબેગ હોવાનું પ્રમાણપત્ર આપે છે.


Google NewsGoogle News